મજા આવી ગઈ ?
કૂથલી રસ નો આનંદ લઇ લીધો આખા ગામે એક નાના પાંચમા ધોરણમાં ભણતા છોકરાને ટ્રોલ કરીને મજા લીધી, એના મા બાપ ને ટ્રોલ કરી નાખ્યા , સંસ્કાર નથી આપ્યા કે પછી એમને ઉછેર કરતા નથી આવડતું , આવું કંઈક લખી અને ચાર દિવસથી સોશિયલ મીડિયાને ધબધબાવે છે જનતા જનાર્દન…!
જેણે છોકરા પેદા નથી કર્યા કે છોકરા મોટા નથી કર્યા એવા લબરમુછીયા લોકોએ સલાહ ના ઢગલા કરી નાખ્યા , અને એમને કંઈક કહીએ તો એમ કે મૃત્યુ વિશે લખવા માટે મરવાની જરૂર નથી ..
પણ ભાઈ પોટેશિયમ સાઈનાઈડ નો સ્વાદ હજી સુધી કોઈ લખી શક્યું નથી , મૃત્યુ કેવું છે એના માટે મરવું જ પડે , લખવું હોય તો પોથીએ પોથી ભરીને ઢગલો લેખો લખાયા છે મૃત્યુ ઉપર એમ લખાય , શાસ્ત્રોના શાસ્ત્રો લખાયા છે , પણ એનો મતલબ એવો નહીં કે તમે મરી ગયા છો ને એક્ઝેટલી તમે એ પ્રમાણે લખો છો …
બિલકુલ એમ જ છોકરા ઉછેરવા હોય ને તો છોકરા પેદા કરવા પડે, એના માટે પરણવું પડે , છોકરાઓ ઉછેરવા પડે અને પછી તમને ખબર પડે કે છોકરા કેવી રીતે મોટા થાય, કેટલી વીસે સો થાય અને એ પણ આ જમાનાના …
કેમકે જન્મ્યા ત્યારથી મોબાઈલ હાથમાં આવ્યો છે એ છોકરા અત્યારે મોટા કરવામાં દરેક જણને આંખે પાણી આવી ગયા છે..
મારી મમ્મી એવું કહે કે પાણા પકવવા બરાબર છે છોકરા ઉછેરવા ..!
મને લાગે છે કે એ છોકરામાં બીજું કશું જ પ્રોબ્લેમેટિક નહોતું, ફક્ત ધીરજનો અભાવ હતો ,
અને એ ધીરજનો અભાવ અત્યારે જગતના તમામે તમામ લોકોમાં આવી ગયો છે કારણ કે એક મિનિટ અને 20 સેકન્ડની રીલ તમારો વિચાર એટલો બધો ઝડપથી બદલે છે કે ધીરજ જેવી કોઈ વાત જ દરેક વ્યક્તિના મગજમાં હવે રહી નથી..
જેવો માણસ નવરો પડે છે એ ભેગો એનો રિલ બિઝનેસ ચાલુ થઈ જાય છે , એ રીલ જુદી જુદી ટાઈપની આલગરીધમ પ્રમાણે તમારા અને મારા માથા ઉપર મારવામાં આવે છે એટલે વિચાર કરવાની જે શક્તિ છે તે એક મિનિટ અને 20 સેકન્ડથી વધારે રહી નથી, વિચારની લંબાઈ ઘટી છે , જેના કારણે હવે કોઈનામાં ધીરજ રહેતી નથી દરેકને ફટાફટ ફટાફટ ચલો ,પતાવો ચલો, પતાવો આવી રીતે જીવન જીવવું છે…અરે સ્મશાનમાં હજી ભઠ્ઠીમાં ઘાલ્યા ના ઘાલ્યા એ ભેગા કહે કે અસ્થિ નથી લેવાના ને તો હાથ જોડી લ્યો એટલે નીકળાય , બાપા “પૂરા” થાય એની પણ રાહ જનતા નથી જોતી ..
દરેક વાતમાં ફટાફટી, જમવા ગયા હોય તો પણ શાંતિથી બેસી અને બે ત્રણ કલાક ફાઈવ કોર્સ લંચ કે ફાઇવ કોર્સ ડિનર ન લ્યે , એ પણ જમી લેવામાં ફક્ત ₹25 થી 30 મિનિટ થતી હોય છે..
તો આ તો નાનું બાળક છે, એનું શું વાંક ? આજુબાજુની દુનિયામાંથી જ બાળક શીખવાનું છે , ધીરજ આપણામાં પણ નથી, મને પણ કોન બનેગા કરોડપતિ જોતા જોતા ઘણી વખત એમ થાય કે અમિતાભ બચ્ચન કેમ આ દર વખતે રૂલ કેમ સમજાવે છે ભાઈ ? એક ચોપાનિયુ પકડાઈ દો ને કે આ રૂલ્સ વાંચી લેજો ને અને આજે બે દસકા ગયા , મને લાગે છે કદાચ 25_26 વર્ષ થયા છે kbc ને ચાલુ થયા,
આખા હિન્દુસ્તાનના દરેક માણસને રુલ્સ મોઢે છે તો પેલા બાળકે કીધું કે ભાઈ ચાલશે રૂલ ના સમજાવતા તમે આગળ વધો.. તો શું થઈ ગયું ?
છોકરુ કઈ ગાળ બોલીને નહોતું અમિતાભ બચ્ચનને સમજાવતું, અને બાર વરસના છોકરાનું શું સમજણ પડે કે અમિતાભ બચ્ચન કોણ છે , છતાંય છેલ્લી ક્ષણોમાં દેખાઈ ગયું કે એને અમિતાભ બચ્ચન જોડે ફોટો પડાવો હતો, એને પૂરેપૂરૂ અમિતાભ બચ્ચન માટે માન હતું ,એની ઉંમર પ્રમાણે એની સમજણ પ્રમાણે.. દરેક બાળક પાસે એટલી સમજણ મેચ્યોરિટી ના હોય…
અમિતાભ બચ્ચન મારા માટે શું છે અને તમારા માટે શું છે એ બહુ જ અંગત વસ્તુ છે ,
એક સમય હતો જ્યારે મોટા મોટા મેગેઝીનનો અમિતાભ બચ્ચનના અને રેખાના ફોટા છાપી છાપી અને આખા ભારત દેશને લગભગ એ બંનેની ફેન્ટસી વેચવાનું કામ કરતા હતા. આજે પણ રેખા જ્યારે નાના સ્ક્રીન ઉપર આવે છે ત્યારે કંઈ પણ રીતે એ એવું કંઇક તો પ્રિન્ટેન કરે જ છે, અને એ પણ દેખાય છે કંઈક લોકોએ અમિતાભ બચ્ચન અને રેખાની ફેન્ટેસી કરી કરીને પોતાનો આખો જન્મારો કાઢ્યો…
પણ અમિતાભ બચ્ચન માટેની આખી વાત જ જુદી છે , kbc જોતા જોતા અમિતાભ બચ્ચનનું એક વ્યક્તિત્વનો એક જુદુ પાસું આપણને જાણવા મળ્યું , એમની જે વિદ્વત્તા છે એ દેખાઈ, છલકાઈને બહાર આવી ,જીવનના લગભગ 60 વર્ષ પછી બહાર આવી,
જીવનમાં એક ઉંમર પછી જ મેચ્યોરિટી આવે ,અને એ મેચ્યોરિટી જ છે કે એમની વિદ્વત્તા ને નિખારે છે , તમારામાં ભાવ પ્રગટ કરવાની શક્તિ આવે સમજણ આવે , અમિતાભ બચ્ચને એ પણ ભૂમિકા સુપેરે નિભાવી છે ,અત્યારે તેઓ વ્યક્તિ, વ્યક્તિત્વ અને એનાથી આગળ વધીને એક યુનિવર્સિટી નું કદ ધારણ કરી ચૂક્યા છે ,એટલે એમની પર્સનાલિટી વિશે વાત કરવી એ બહુ યોગ્ય નથી પણ ઘણા લોકો એવી રીતે વાત કરે છે કે જો અમિતાભ બચ્ચન જયા બચ્ચનને હેન્ડલ કરી શકતા તો આ બાળકને તો સરસ રીતે હેન્ડલ કરી શકે..
હવે આવી વાત આવે ત્યારે મને કહેવાનું મને એમ થાય કે ભાઈ તું અભિષેક બચ્ચન કે શ્વેતા બચ્ચન છે ? તને જયા બચ્ચનના અમિતાભ બચ્ચનની વચ્ચે ઉંધાડીને તને મોટો કર્યો ભાઈ ? તું શું જાણે એમના દાંપત્યજીવન વિશે ? તો બારોબાર શુ કરવા ચલાવે છે…
હમણાં થોડા દિવસ પહેલા ન્યૂયોર્કમાં સેન્ટ્રલ પાર્કમાં થોડા ટાઈમ માટે રખડતો હતો , એક એક કુતરા જુઓ તમે મગજ કામ ના કરે એવા એવા કુતરા અને એની હારે લઈ લઈને ફરતી સૌંદર્યવાન… એવા એમના કૂતરાને વાહલ કરે કે તમને એમ થાય કે અગલે જન્મ મોહે કુત્તા કી જો…
હવે એ સુંદરી જોડે લગ્ન કરવા હોય ત્યારે તમે એમ વિચારો કે કૂતરાને કેટલો બધો પ્રેમ કરે છે તો એનાથી તો કંઈક ગણો મને પ્રેમ કરશે..
એવી સરખામણી થાય ???? એવું બને ???
આખી વાત જ ખોટી છે…
જાહેર જીવનમાં વચડકા ભરતી વ્યક્તિ પોતાના ઘરનો ઉંબરો જેવો ઓળંગે એ ભેગુ શાંત થઈ ગયેલી ,અનહદ પ્રેમ કરતી વ્યક્તિ પણ હોઈ શકે છે, અને એવું ના હોત તો આટલા વર્ષનું દાંપત્યજીવન ટક્યું કેવી રીતે હોય ? એટલે એ બાજુ પણ આપણે બોલવું જોઈએ નહીં ,આખી સરખામણી ખોટી છે…
બાકી તો અધુરીયા, અધિરીયા, ડાહ્યા, સળંગ ડાહ્યા, ડફોળ , એવા કેટલાય બધા પ્રકારથી દુનિયા આખી ભરેલી પડી છે, બધા પાસે વિચક્ષણતા, વિવેક ,હોશિયારી ,ચતુરાઈ , બુદ્ધિમત્તા ,નમ્રતા આવા બધા ગુણો હોત તો આ ધરતી સ્વર્ગ બની ગઈ હોત અને ઈન્દ્રદેવતા અહીંયા રાજ કરતા હોત,
જુદા જુદા પ્રત્યય લાગેલા ઇન્દ્રો રાજ ન કરતા હોત , એટલે વધારે પડતી અપેક્ષા રાખી અને ખોટા કોઈને ટ્રોલ કરવા એ ખોટી વાત છે..
બાકી તો મારા છોકરાઓ એ આવું કર્યું હોત તો ખાલી એટલું જ કહેત કે દોઢા થવાની ક્યાં જરૂર હતી ? ઠીક છે હવે આવતા વર્ષ માટે તૈયારી ચાલુ કરી દે, આવતા વર્ષે ચાંપલાશપટ્ટી ના કરતો ,જા રમવા જા ..!!
એક સમયે બજરંગબલીને પણ ઉદ્દંડ ગણવામાં આવ્યા હતા અને એમને શ્રાપ પડ્યો હતો કે જ્યાં સુધી તમને કોઈ તમારી શક્તિઓ યાદ નહીં કરાવે ત્યાં સુધી તમે તમારી શક્તિઓ ભૂલી જશો ..!
ચાલ્યા કરે ..
બાકી કેબીસી ના વળતા પાણી છે હવે ..
આજે આટલું જ ..
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*