ખ્યાતીકાંડ પછી શું ?
મારો એક ચડ્ડીબડી છે,
જેના મમ્મી પણ મારા મમ્મી પપ્પાની જેમ ડોક્ટર છે, અને એ બધા લગભગ એક જ બેચના ડોક્ટર્સ છે, જે બેહરામજી જીજીભોય મેડીકલ કોલેજ અમદાવાદથી પાસ આઉટ છે ,ઉંમર વર્ષ ૮૫ ..!
હવે મારો એ ચડ્ડીબડી પોતે પણ મેડીકલ ફિલ્ડ સાથે જ સંકળાયેલો છે,
એ હંમેશા મને એમ કહે કે “આ જગતમાં ડોક્ટર્સ જેટલી હરામી અને નાલાયક જાતિ એક પણ નથી..”
હું પણ હંમેશા જવાબ આપ્યા વિના મારા મુખમંડળ ઉપર પ્રશ્નાર્થ ચિન્હ લાવું ત્યારે એનો જવાબ હોય “ જો શૈશાવ્યા મને ખબર છે તારાને મારા ઘરમાં બધાય ડોક્ટર્સ છે, પણ હવે જે ચાલ્યું છે એ માણસાઈની તમામ લીમીટસ પાર કરી ગયું છે , પોતાનો ધંધો ચલાવવા માટે આ લોકો કોઇપણ હદ સુધી જાય છે, બિચારા પેશન્ટની જિંદગીનો કોઈ વિચાર જ નથી કરતુ, આપણા માબાપના એથીક્સ અને એમના જીવનની હાર્ડશીપ આ હવેની આ `લુખ્ખી` જનરેશન ના સહન કરી શકે , દરેક ઘોડીનાને સિમ્બોલવાળી ગાડી જોઈએ છે ,અને કોર્પોરેટ હોસ્પિટલ થયા પછી રીતસર વેતરે છે..આપણા માબાપો એ સ્કુટર ઉપર જિંદગી કાઢી ..”
હું જવાબ આપું “સામે કોર્પોરેટ સર્વિસ પણ મળે છે ને ?”
ચડ્ડીબડી ઉવાચ “ના , શૈશાવ્યા દરેક વખતે એવી સર્વિસની જરૂર હોતી નથી, અને આ મેડીકલ ટુરીઝમના નામે જે મોટા તાબૂત ચણી મુક્યા છે એને મેન્ટેન કરવા માટે હવે આ લુખ્ખાઇ જ ચાલવાની ..”
હવે આવા સંવાદ ચાલતા હોય ત્યારે નવી નવી ડોક્ટર થયેલી મારી દીકરી હસે એટલે એ એની તરફ જોઇને એ કાયમ બોલે ..” જો સાંભળી લે જીવનમાં રૂપિયા ખૂટે અને તારો બાપ ના આપે ,અને વર ના કમાતો હોય તો આ કાકો બેઠો છે બધું વેચીને તને આપી દઈશ ,પણ જો હરામનો રૂપિયો લઈને તું ઘરમાં આઈ ને તો મારી જ નાખીશ તને સમજી લે..”
પછી મારા ચડ્ડીબડીના પત્નીજી ચિડાય “ તું શું જેમ ફાવે તેમ બોલે છે , આટલી મોટી દીકરીને આમ ના કેહવાય ..”
અને ચડ્ડીબડી ચિડાય “ ના ,તું ચુપ રહે આ હોસ્પિટલોમાં શું ચાલે છે એની મને ખબર છે આપડા છોકરાને પેહલેથી જ દાબમાં રાખવા પડે, ડોક્ટરને કરપ્ટ ના થવું હોય તો પણ એને કરપ્ટ કરવાવાળા દવાની કંપનીઓ અને બીજા બહુ ફેક્ટરસ એની અત્યારે આજુબાજુ ફરતા થઇ ગયા હોય ..”
પછી પાછો મારી દીકરી તરફ ફરીને કહે “આપણે હરામની એક ડોલો પણ આપણા ઘરમાં નથી લાવવાની ..”
મારી દિકરી હસીને કહે “હા મારા બાપ ,હા ,પણ હજી મને ભણવાનું પૂરું તો કરવા દો..”
ચડ્ડીબડી “ ભણ તું તારે જેટલું ભણવું હોય એટલું ભણ પણ તારા આ બધા બા-દાદાઓની જેમ પ્રેક્ટીસ કરજે , આ તારા બા-દાદાઓને જીવનમાં તકલીફો આવી પણ કોઈનું કશું અટક્યું ?”
મમ્મી ત્યારે ટાપસી પુરાવે “ ના ,રે ના ..તકલીફો તો આવે પણ કોઈ ને કોઈ હાથ પકડનારું સાથે સાથે મળી જ રહે છે, પણ બેટા આવા કાંડ થાય છે પછી અમને બહુ તકલીફ પડે છે, અમારા પેશન્ટને અમે એમ કહીએ કે કોઈ મોટી હોસ્પિટલ કે એમડી ને તારે બતાડવું પડે તેમ છે, તમે ત્યાં જઈને બતાડો , તો પેશન્ટ જવાનું નામ જ નથી લેતો , ના મેડમ તમે જ દવા આપીને મટાડો .. એક ઈસીજી કરાવવા પણ પેશન્ટ તૈયાર નથી થતો , બહુ મોટ્ટી બીક ઘુસી જાય છે સામાન્ય માણસના મનમાં કે અમને પણ વેતરી નાખશે તો ..”
બસ તકલીફ અહિયાં છે .. પેશન્ટ પગથીયું ઉતરવા તૈયાર જ નથી થતો ..!
મોટ્ટી હોસ્પિટલ પ્રત્યેની સામાન્ય માણસને આવા કાંડ થાય પછી સખ્ખત બીક ઘુસી જાય છે ,એવે સમયે જનરલ પ્રેકટીશનરને આંખે પાણી આવી જાય સમજાવતા અને એમાં પણ મારા મમ્મી પપ્પા જેવા જીપી હોય કે જે કન્સલ્ટ કરવાના રૂપિયા જ ના લેતા હોય એને ત્યાં લાઈનો લાગે ..
બેન અને સાહેબ કોઈ દિવસ ખોટું નહિ જ બોલે, અને હંમેશા એમ જ કહે કે તમારે કોઇપણ એમડી ફીઝીશીયનને ત્યાં જવું પડે તેમ છે ,કે કોઈ સર્જનને બતાડો કોઈ ડોક્ટરનું નામ જ સજેસ્ટ નહિ કરવાનું ..
આવી પ્રેક્ટીસ કરવાવાળા ડોક્ટર્સના અત્યારે ખ્યાતી પછી જીવ ખવાઈ રહ્યા છે..!
“સાહેબ-બેન નથી જવું ક્યાય, તમે જે દવા આપશો તે લઇ લઈશ, મરી જાઉં તો મૂઓ પણ આ મોટી હોસ્પિટલો મારા ઘરનાને ખાલી કરી નાખશે ,અને જો હોસ્પીટલમાંથી સાજા થવાને બદલે અધમૂઓ થઈને બાહર આવ્યો તો આ ઘર કોણ ચલાવશે ? અને ઉપરથી હું એમને માથે પડું સાહેબ ,બેન .. મને કસાઈવાડે ના મોકલો …પણ મોટી હોસ્પિટલ કે મોટા ડોક્ટર પાસે ના મોકલો ..”
બોલો આવા પેશન્ટ ને કેવી રીતે સમજાવવું ?
જાવ તમારા ઘરના કોઈને લઈને આવો ..
ઘરના લોકો આવે, આજુબાજુ પાડોશના લોકો આવે અને સમજાવે ત્યારે માંડ કરીને હોસ્પિટલ જાય અને પછી પણ રોજે રોજ એના ઘરના કોઈને મોકલે સાહેબ-બેનને ફાઈલ બતાડ્જો આ લોકો ખોટી દવા નથી આપતા ને ..?
સત્તાવન વર્ષની મમ્મી પપ્પાની મેડીકલ પ્રેક્ટીસ અને પંચાવન વર્ષથી હું આ બધું જોતો આવ્યો છે , ત્રણ પેઢી ઘરમાં છે , માણસાઈથી ઉપર જીવનના મોજશોખ નથી એવી સમજણ ધરાર નથી અમારી અને અમારાથી આગળની પેઢીમાં ..
કોર્પોરેટ ,કોર્પોરેટના ચક્કર અને ચસકા માણસને દેડકા ,ગીનીપીગ બનાવી રહ્યા છે..
સામે પક્ષે જે ડોક્ટર સામેથી કહે છે કે સેકન્ડ ઓપિનિયનની જરૂર છે, તમે મેળવી લ્યો એને લોકો મુર્ખ ગણે છે ,અને ઓવર કોન્ફિડન્સથી બોલતા કે મીઠું મીઠું બોલતામાં લોકો ભરાઈ જાય છે..
ડોક્ટર્સને પણ પેશન્ટ પકડી રાખવાની લાલચ પુષ્કળ થઇ ગઈ છે ,હાથમાં આવેલો પેશન્ટ જવો જ ના જોઈએ ,ભલે કંઈ જ ના હોય તો પણ એકાદો ઈસીજી અને બ્લડ અને બીજા જે કોઈ એક્સ રે જેવું કશુક પણ કરીને પાંચ દસ હજારના ખાડામાં ઉતારવાનો જ ..
પપ્પા લોકોને એમના દવાખાને બેસાડીને આઈસ્ક્રીમ ખવડાવતા .. એસીડીટી થઇ હોય તો અને હવે સીધા ઈસીજીથી ચાલુ થાય છે..
ખ્યાતીકાંડની સીધી અને મોટ્ટી અસર એટલી જ કે ડોક્ટર અને પેશન્ટ વચ્ચેના સબંધની ખાઈ વધુ પોહળી થઇ ..!!
સામાજિક રીતે પણ કોઈક એવી ચેરીટેબલ હોસ્પિટલોમાં સેકન્ડ ઓપિનિયન માટે હોસ્પિટલો એ એક “સેકન્ડ ઓપિનિયન” જેવો વિભાગ તાત્કાલિક ખોલવા જેવો ખરો, જ્યાં અનુભવી અને મનથી ધરાયેલા ડોક્ટર્સ ફક્ત પોતાના અનુભવથી પોતના કલીનીકલ ડાયાગ્નોસિસને પેથોલોજીકલ ,શેડો કે બીજા ડાયાગ્નોસિસ સાથે મેચ કરી અને પેશન્ટને ફક્ત સાચી સલાહ આપે ..!
સહમત હોઉં તો શેર કરો , ફોરવર્ડ કરો અને ઝુંબેશ ઉપાડો ..!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*