જગત મોટેભાગે અપેક્ષા રાખીને બેઠું હોય કે શૈશવ મારું કીધું કરે ..મને જેમાં મજા આવી તેમાં શૈશવને પણ આવે..
સલાહો ના પાર નહીં એવી જિંદગી મારી , થોડીક વાતો ફરીવાર કહું ..
જન્મ્યો ત્યારથી માથે ડોકટરનું લેબલ માર્યું અને ડૉક્ટર બનવા માટે મારે શું કરવું અને શું ન કરો એનું લિસ્ટ માથે ચીપકાવ્યું…
પરિણામ …???
શૂન્ય ..
ધોરણ દસ માં ટ્યુશન કેટલા શૈશવને?
જેટલા વિષય એનાથી વધારે લોકો શૈશવને ભણાવવા આવે અરે ત્યાં સુધી કે ઇતિહાસ ,ભૂગોળ અને નાગરિકશાસ્ત્ર પણ ભણાવવા આવે ..!!
અહીંયા સ્પષ્ટતા કરું કે આ બધા ભણાવવા આવનારા મારા મમ્મી પાપા ના પેશન્ટ , એમને બધાને અદમ્ય ઈચ્છા કે શૈશવ ડોકટર બને અને માટે વગર રૂપિયો લીધે ટ્યુશન આપવા આવે .. !! પણ શૈશવ ત્રાસી ગયો હતો , એને શું ગમે ? એવું એના મમ્મી પપ્પા પૂછે પણ જગત એને તાણે પેલી બાજુ , દરેકની પાસે બીજું કશું હતું કે નહીં એની ખબર નહીં પણ મારા માટે સલાહ ચોક્કસ હતી ..!!
હવે તમને એમ થાય કે એવા તે કેટલા લોકો હતા કે તમને આટલો ત્રાસ વર્તાયો ? તો જવાબ એવો આવે કે એ જમાના.માં રેશનીંગની દુકાને લાઇનો લાગતી એવી દવાખાને લાઇનો પડે , મમ્મી પપ્પા ને મળવું હોય કે જોવા હોય તો પણ એમના દવાખાને જવું પડે , એટલે સમજી જાવ કે કેટલા લોકો હશે …!
બાબો એમના માટે અપેક્ષા , આશા હતી , પણ અતિશય હેમરિંગ થયું પછી નફરત વધતી ગઈ ..
ફક્ત ડોકટર થવા તરફ જ નહીં પણ ભણવા તરફ પણ ..
નથી ભણવું ,
અશ્વિની ભટ્ટ કે ક. મા. મુન્શી , હરકિસન મેહતા કે પન્નાલાલ પટેલ , બક્ષીબાબુને વાંચુ પણ ભણવાનું ધરાર ન વાંચુ …
અસર શું આવી ? લાયક માતાપિતાના નાલાયક સંતાનોમાં ગણતરી આવી , અલગારી થતો ગયો , વિષયો બદલાઈ ગયા,જ્યોતિષ , સામુદ્રિક , સંગીત , ઈશ્વરને લગતા વિષયો અને ચોપડીઓ ,પુસ્તકો …
લાયબ્રેરીમાં જઈને વાંચુ પણ ભણવાનું ધરાર નહીં ..
એવા રે અમો એવા રે એવા, તમે કહો છો વળિ તેવા રે;
ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો, કરશું દામોદરની સેવા રે.
આવા આવા ભાવ જાગ્યા મનમાં, પણ સંસારમાં આસક્તિ ચોક્કસ રહી ,
એક વસ્તુ બીજી થઈ ,
સાંભળતા શીખ્યો , મહેણા , ટોણા, બીજાના સંતાનો આગળ વધ્યાના ભાવ આવું બધું ચાલતું એ બધું ચોવીસ કલાક મનમાં રેહતું પછી બધું બાહર , ધીમે ધીમે મજા લેતા શીખ્યો એ બધાની ,
પણ એની મજા લઉ છું એવું જરાક પણ એને ના લગાવા દઉં , નહીં તો પાછો એ આવતો / બોલતો /સલાહ આપતો આપતી બંધ થઈ જાય ,
એ સમયે માહિતીનો સ્ત્રોત ગૂગલ નહીં લાયબ્રેરી ,છાપા કે પછી આસપાસના લોકો જ હતા ..!
શૈશવને માહિતી વિના ના ચાલે ..પંચાત રસનો પૂરો આનંદ લેવાનો પણ એમાં થઈ રહેલી આપણી નિંદા કુથલીથી પર થઈને લેવાનો , બિલકુલ જળકમળવત્ થઈ જવું ..સાંભળવાનું ,જોડાવાનું પણ મગજમાં નહીં લેવાનું .. આ કળા શીખી ગયો હતો..
બહુ નાનપણમાં આ શીખ્યો ..
કૉલેજ કાળમાં એવું શીખ્યો કે જગત જે બોલે એના ઉપરથી એને જજ કરી લેવું ..
જેમકે એક મિત્ર દિવાળી વેકેશનમાં ધાબા ડુંગરી કરી ને કોઈ જગ્યા , ત્યાં જઈ આવ્યો , અને પછી જે વખાણ કરે ,
મને બહુ અદ્દભુત રીતે ફોર્સ કર્યો કે શૈશવ જો તે જગતમાં આ જગ્યા નથી જોઈ તો શૈશવ તારો ફેરો ફોગટ..અમે ગ્યાની મહાપુરુષને જજ કરી લીધો , આ માણસ આટલું બધું કહે છે તો નક્કી જોરદાર જગ્યા હશે ..
સાલું હું કાશ્મીરથી કોલંબો આઠમાં ધોરણમાં હતો ત્યાં સુધીમાં બે વખત ફરી આવ્યો હતો પણ પેલો ધાબા ડુંગરી ના ગજ્જબ વખાણ કરે ..
મને આજની ભાષામાં કહું તો ફોમો થયું ..
અરે હા , એ પોપટો સાલો ધાબા ડુંગરી નહીં ધાબા ડુંગળી બોલે …
પણ મગજમાં કીડો ગજ્જબ ઘાલી દીધો હતો એણે, બિલકુલ સફળ થયો હતો એ મને કન્વિન્સ કરવામાં અને વશમાં કરી લીધો હતો કે હું ધાબા ડુંગરી જાઉં જ .. એનું કીધું કરું જ ..
છેવટે થોડાક દિવસો પછી પૂછતા પૂછતા પાતાળે ન જતા ઠેબા ખાતા ખાતા ધાબા ડુંગળી ઉર્ફે ડુંગરી સુધી યેન કેન પ્રકારેણ અડધી રાત્રે પોહચી ગયા ,
એક જૈન દેરાસર ,ભોજનશાળા અને નાનકડી ધર્મશાળા, બીજું કશું જ અંધારામાં ના દેખાય..
સવાર માંડ માંડ પાડી ..જાગી ને જોઉં તો..
જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય-વિલાસ-તદ્દરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે.
બસ , જગત દીસે જ નહીં , કશું જ નહીં એક કોરી ધાકકોર નાનકડી ડુંગરી નહીં કે ડુંગર .. રાતની ઊંઘ બાકી એટલે બધું અટપટું લાગે ..
ભાગ મિલ્ખા ભાગ .. ગાડીને બને એટલી ઝડપથી નવકારશી વાળીને સેલ માર્યો ..!
સાથે રહેલા લોકોએ ભરપૂર ગાળો આપી મને , પણ એટલું શીખ્યો કે વખાણ પણ દરેક માણસ પોતાની લીમીટો માં રહી ને જ કરી શકતો હોય છે , જેણે હિમાલયના ઉત્તુંગ હિમાચ્છાદિત શિખરોની વચ્ચે સવારે બ્રહ્મ મુહૂર્ત માં સૂર્યોદય નિહાળ્યો હોય એને ક્યાં ધાબા ડુંગરી મનમાં ચડે ?
પણ પેલા પોપટા માટે એ કંચનજંઘા અને અન્નપૂર્ણાની બરાબર હતું ..
જોકે એ ધ્યાન શૈશવ એ રાખવાનું હોય .. ચૂક્યો ..
જે માણસ ડુંગરીને ડુંગળી કહેતો હતો એની વાત માની અને ત્રણસો કિલોમીટરના પેટ્રોલની ઘાણી બોલાવી દીધી ..
થાય આવું પણ થાય એની પણ મજા ..કોઈ મારી પાસે એનું કીધું કરાવી ગયું..
આ અઠવાડિયે જીવનમાં પેહલીવાર પ્રશાંત મહાસાગર પાર કરવાનો છું , ભારતીય ઉપમહાદ્વીપને તો ઘણો ધમરોળ્યો , છતાંય ઘણું રહી ગયું છે , અને રહી જવાનું પણ છે ,
પરંતુ ઘણા બધા લોકો એ બાજુ પણ રાહ જોઈને બેઠા છે કે ત્યાં શૈશવ આવે અને એમનું કીધું કરે ..!!
જોઈએ હવે શું થાય છે , પ્રશાંત મહાસાગરને પેલે પારથી એ બધા અહીંયા આવે ત્યાર પછીના આપણા અનુભવો કંઈ બહુ મમળાવવા જેવા નથી , હવે ત્યાં જઈને જોઈ લઈએ કે બ્રહ્મ એ ત્યાં કેટલા લટકા કર્યા છે ..
જતી વખતે તો નારાયણ સ્વરૂપ થઈને જવાની ઈચ્છા છે ,અમે અમારા લક્ષ્મીજી સાથે વિમાન ચાલકની આગળની ઓરડીમાં થોડાક કલાકો નિવાસ કરશું ,
પણ પાછા આવતા મહાદેવ સ્વરૂપ ધારણ કરવું પડે તો નવાઈ નહીં, હળાહળને કંઠથી આગળ પણ ઉતારવાનું નહીં કે પાછું ઓકી ના કાઢતો એવો પ્રયત્ન તારે કરવો જ રહ્યો એવી માતુશ્રીની સ્ટ્રીક્ટ સૂચના છે..
એક મિત્ર સાથે ફોન ઉપર વાત થઈ મને કહે જો કોઈ ડોહો તને નોર્થ અમેરિકામાં ઝાલી લ્યે તો એની શરૂઆત થશે …
હાથેપગે આયેલો અને પૂરું થશે ક્યાંક એવી કોઈ આશા રાખતો નહીં, વચ્ચે વચ્ચે એના છોકરા છોકરી અને એમના પણ હોય તો એમના બધાના વખાણ કર્યા કરશે અને ટોપિંગ્સમાં ભારત અને ભારતની સીસ્ટમો ને ગાળો આપ્યા કરશે …
તારે ભાગી જ છૂટવું પડશે ..
મેં પૂછ્યું જુવાનિયો ? તો કહે આપણા પછીની નવી પેઢી મસ્ત , બાકી આપણી પેઢીનો પણ ઝાલી લે તો પણ એના દુઃખણાં ગાયા વિનાનો નહીં રહે , અને પછી પહોળો થઈને એના સુખડા બતાવશે ..
હુંસાતુંસી અમારા ઉત્તર અમેરિકાના દેશોમાં પુષ્કળ.. એકબીજાના કઈ ને કઈ ખોદણાં કર્યા કરશે ..
માબાપ જોડે રહેલા નહીં એટલે બધાય બેફામ ..અને હા શૈશવ જેના ઘેર જાય એ જેમ કહે એમ કરજે, દિવસ તો દિવસ અને રાત તો રાત ,બાકી તારું જીવન હરામ કરી નાખશે ..
બોલો આવી આવી ચેતવણીઓ મળે છે મને …
એની વે, એક જમાનામાં બક્ષી બિસ્તરા બાંધતા ,હવે ત્રેવીસ બત્રીસ કિલાના બેગડા બંધ કરવાના ..
જીવન જાય છે આગળને આગળ ..
દિકરી આજે IELTS ની પરીક્ષામાં ઘણું કાઠુ કાઢી ગઈ આનંદ થયો , આ નવી પેઢી કોઈ લેબલ કે ટ્રોમા સાથે જીવવા જ નથી માંગતી વિચારો સ્પષ્ટ છે અને આચાર પણ વિચાર પ્રમાણેના છે ..
દંભ બિલકુલ નથી અને પેલી જીદ નથી કે શૈશવ મારું કીધું કરે ..!!!
ચાલો શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*