આજે ઉદયપુરથી પાછા આવતા રતનપુર પેહલા બેચાર કિલોમીટરે એક રેસ્ટોરન્ટ આવી અને મન સેહજ ખારું થઇ ગયુ..
નામ છે એ રેસ્ટોરન્ટનું કિંગફિશર..!!
કોણ જાણે આ “કિંગફિશર” નામની ડાકણ કઈ કેટલા ગુજરાતી નવજુવાનીયાને ભરખી ગઈ છે,અને છતાં પણ શામળાજી ચોકી પર ગુજરાત પોલીસ તદ્દન કુમ્ભકર્ણની નિદ્રામાં પોઢેલી છે..!!
અમદાવાદની દારુ પીનારી પ્રજાના માટે આ “કિંગફિશર” નામ જરાય અજાણ્યુ નથી,એક બહુ મોટી ફેશન ચાલી છે દારુ પીવા માટે “કિંગફિશર” જવાની..!
ગુજરાતના છોકરાઓ ને દારૂ પીવાની એક એવી તડપ હોય છે કે જેની સરખામણી તમે બીજી કોઈપણ તડપ સાથે કરી ના શકો..
ઘણા બધા “સિધ્ધાંતવાદી “ અમદાવાદીઓ જ્યારે ગુજરાતની બહાર જાય ને ત્યારે જ એ લોકો દારુ પીવે છે અને એમના આ “સિધ્ધાંત” નું એ લોકો ચુસ્તપણે પાલન કરે છે..!
આ “કિંગફિશર” રાજસ્થાનની બોર્ડરમાં પડે છે, એટલે ત્યાં દારૂ પીવો એ એમના “સિધ્ધાંત” ની તદ્દન અનુકુળ છે, અને ત્રણ ચા કલાકમાં બે ચાર પેગ કે ત્રણ ચાર પાંચ બીયરની બાટલી પી અને પાછા ગુજરાતની અંદર આવી જવાનું એટલે “સિધ્ધાંત” માં ક્યાય કોઈ કોમ્પ્રોમાઈસ નહિ..!!
હવે થોડી માંડીને વાત કરુ .. “કિંગફિશર” એ ગુજરાતની બોર્ડર વાતો અને રાજસ્થાનમાં એન્ટર થઈએ એટલે તરત જ આવે છે, ગુજરાતથી સ્પેશીયલ દારુ પીવા માટે અહિયા જનતા આવે છે,
એકાદી ગાડીમાં ચાર કે પાંચ જણા ઘેટા બકરાની કેમ ભરાઈને જનતા આવે,
“સિધ્ધાંત” ના પુછડાએ ઘણા વખતથી દારુ પીધો નાં હોય એટલે અકરાંતિયાની જેમ દારુ પીવે, કોઈ કોઈ લખોટા ત્યાં જ દારુ પી ને ઉલટી પણ કરે પણ દારુ તો માટીડો ઠોકારે જ.!
કહાની અહીંથી ચાલુ થાય, બપોરના બારેક વાગ્યાનો અમદાવાદથી નીકળ્યો હોય, મેહફીલ જમાવી હોય અને થોડુ મોડું થાય સાંજ પડે એટલે એકાદાની ઘરવાળીનો ફોન આવે, અને ફોન ના આવ્યો હોય તો “રાજાપાઠ” માં આવી ગયેલો “ભાયડો” એની બાયડીને પ્રેમ કરવા ફોન કરે..આમ પણ ગુજરાતીને પીધા પછી ક્યાં તો જૂની યાદ આવે અને નહિ તો ઘેર બેઠેલી યાદ આવે..!
ડાર્લિંગ ડાર્લિંગ અને લવ યુ લવ યુ ના લવારા કરતો જાય.. એટલે ઘરવાળી અવાજ પરથી સમજી જાય કે એમના ભરથાર ક્યાંક દારુ પીવા બેઠા છે.. બહુ ફેરવી ફેરવીને અર્ધાંગના પૂછે એટલે ફોનમાં જ રાજાધિરાજ કહે કે અમે તો છે..ક “કિંગફિશર” આવ્યા છીએ..
અને અમદાવાદમાં બેઠેલી નારના પેટમાં તેલ રેડાય અરરરર .સાંજના પાંચ તો થયા..અને આ હજ્જી ત્યાં છેક શામળાજી થી આગળ છે..અમદાવાદ પાછા આવતા અંધારું થઇ જશે..
બાપડી મનમાં ને મનમાં પોકારે ..હે શ્રીજીબાવા એમને સદબુદ્ધિ આપ અને જલ્દી ત્યાં “કિંગફિશર”માંથી ઉભા કર અને મનમાં શ્રી કૃષ્ણ શરણં મમ શ્રી કૃષ્ણ શરણં મમ ના જાપ ચાલુ કરે..!!
અમદાવાદ નરેશ એની જોડે બીજા ચાર એમના ભાયાતો હોય એક બીજાને નામર્દ કહે અને મર્દ હોય તો મારાથી વધારે પી ને બતાડ..!!
સામ સામે હાકોટા થાય પડકારા દેવાય સમ દેવાય અને ચિક્કાર દારુ પીવાય..ભગત ના પગ વગર નોરતે ગરબા ગાય અને પાંચે જણા ગાડીમાં ગોઠવાય..
શામળાજી જાય અને ગાડીનો “ચમચો” જેને આપણે એકસીલેટર કહીએ એ ચમચો દબાય અને ગાડી અરવલ્લીના છેક છેવાડાના નાના નાના ડુંગરા અને ટેકરા ઉપર ઉછળતી કુદતી આગળ વધે..
અંધારું થાય દારુની અસર હેઠળ આંખે સામેથી આવતો ટ્રકોની લાઈટના કુંડાળા દેખાય..ગાડીની સ્પીડ વધતી જાય
અને એવા સમયે કાળ એના ડાકલા વગાડે, અને ગાડીની સામે સાક્ષાત યમરાજ ઉભા હોય અને ગાડી આઉટ ઓફ કન્ટ્રોલ જાય અને ગાડીને ટોટલ લોસમાં છોડીને અને એ પાંચ મહાત્મા યમરાજ જોડે યમલોક ચાલી જાય..!
ધરતી પર ગાડી કોઈ ઝાડ ,ડીવાઈડર ,ગાય ,કે પછી બીજા ગમે તેની સાથે અથડાય અને પછી ચાર પાંચ એકસો આઠ આવે પણ બધું જ નિરર્થક..
અમદાવાદમાં પાંચ પાંચ ઘરોમાં રાંધ્યા ધાન રખડે અને કાળજે કંપારી છૂટે એવા આક્રંદ થાય ..
સ્મશાનમાં પડેલા બિચારા લાકડા પણ એ પાંચ સળગી અને પોતાના જોડે રાખમાં ભેળવતા પેહલા પોતાનામાં રહેલા આંસુને રસ સ્વરૂપે બહાર કાઢી અને બાળે અને પછી એ પાંચ શરીરને પંચમહાભૂતમાં ભેળવી દે..
પાંચ જીંદગી જાય અને પચ્ચીસ બરબાદ થાય…
કેમ તો કહે “કિંગફિશર” દારુ પીવા ગયા હતા..!
શમ્ભો શંભો..ત્રાહિમામ ..ત્રાહિમામ…!!
હૈયાફૂટો તો જાય પણ પાછળ નાના નાના બચરવાળ અને ઘરડા માં બાપ બધું ય જેણે જીંદગીમાં દારુ જોયો નથી એના માથે આવે..!
કોઈ રીત નથી આ રીતે દારૂ પી ને રોકવા માટે ?
શા માટે શામળાજી, અંબાજી, પાલનપુર આ બધી ચેકપોસ્ટ ઉપર રાજસ્થાનથી પાછા આવતા દારુ પી ને ગાડીઓ ચાલવતા છોકરાઓ ના મોઢામાં મીટર મૂકી અને ટેસ્ટ નથી થતા ..?
અહિયાં અમદાવાદમાં તો રાત પડ્યે “વિસ્સ્મયો” ને પકડવા અને “તોડપાણી” કરવા અમારા મોઢામાં કેટલીવાર મીટરો ઘાલો છો તો હાઈવે પર શું વાંધો છે?
તોડપાણી તો ત્યાં પણ થશે..પકડો રાજસ્થાનથી આવતા દારુ પી ને ચલાવતા મુરખોને..
કોઈ કેહશે કે દારુ પીવે પ્રજા અને હેરાન થવાનું પોલીસ અને સરકારે ..?
ભાઈ છોરૂ કછોરૂ થાય માવતર કમાવતર ના થાય ..!!
જીવનમાં ઘણીવાર બધી દરેક માણસને કાયદો તોડવાનું મન થાય,મર્યાદામાં બંધાયેલો પુરુષ બહુ જ અકળાઈ જાય અને ત્યારે ,આજે તો જે થાય તે પણ બસ જવું જ છે…
આવા આવેગો આવે, એક વખત કે ક્યારેક ક્યારેક “કિંગફિશર” જઈને દારૂ પી લેવાથી ધર્મરાજનો રથ નીચે નથી ઉતરી જવાનો..
અને નીચે ઉતરેલા રથને લીધે ધર્મરાજની કિંમત ઓછી નથી થઇ જતી..!!
જરૂર છે એક નબળી ક્ષણને સાચવી લેવાની, “કિંગફિશર” ગયેલો જુવાનીયો સમાજના બંધનોથી દુર જવા માટે જાય છે, અને બે ત્રણ પેગ પીધા પછે એ જ બંધન એને પોકારે છે માટે જ એ એની પત્નીને ફોન કરે છે..અને ફરી પાછો એ જ બંધન ભૂલવા બીજા પેગ ઠપકારે છે…!
પણ આટલો અમથા દારૂ પીવાની સજા મોત ના હોઈ શકે..!
કોઈપણ રીતે સાચવી જ લેવા પડે આ “કિંગફિશર”થી પાછા અમદાવાદ આવતા છોકરાઓને..
હા તમે એને સજા જરૂર કરો.. નાખો એને શામળાજી પોલીસ સ્ટેશનમાં રાખો ચોવીસ કલાક અને પછી એક સરસ મજાનું કાઉન્સેલિંગ ગોઠવો અમદાવાદમાં એના બૈરી છોકરા સાથેનું સજાના ભાગ રૂપે..
જેથી એને ફરીવાર “કિંગફિશર” ના જવું પડે..!!
આજ નો બ્લોગ એક સત્ય ઘટના પર આધારિત છે..ખુબ હોનહાર છોકરો એની સાથેના બીજા ચાર છોકરા ઉંમર બધાની ત્રીસથી બત્રીસ વર્ષ “કિંગફિશર”થી દારુ પી ને નીકળ્યા અને પાંચમાંથી એકપણ ઘેર હજી નથી પોહ્ચ્યા..!
એમના બાળકો હજી રાહ જુવે છે મારા પપ્પા સુતેલા ઘરે આવ્યા અને પછી બહુ બધા લોકો એમને ઊંચકીને ક્યાંક લઇ ગયા તો ..
ત્યારના હજી પણ પાછા ના આવ્યા..!!
પ્રભુ તું એની ઘરવાળીને હૈયે હામ દેજે ને કાંડામાં કૌવત ,
જેથી મુકી ગયેલા ના પેટ ભરી શકે અને ભણાવી શકે..
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા