છેલ્લા બે દિવસ અમુક અમુક વોટ્સ એપ ગ્રુપમાં બહુ જ એક્સાઈટેડ ચર્ચાઓ થઇ રહી છે,
”ભક્ત” વિરુદ્ધ “સાચા” નું યુદ્ધ ચાલી રહ્યું છે..!
કલીપો બહાર આવી,અને “રસિયા”ઓ એ “રસપૂર્વક” માણી,પેહલા ખાનગીમાં ભરપુર આનંદ ઉઠાવ્યો અને પછી જાહેરમાં શકરીબેન નાં શાણાભાઈ થઇ ને ગોઠવાઈ ગયા..
આ દેશમાં એટલો મોટો દંભ સદીઓથી ચાલતો આવ્યો છે કે જેની કોઈ સીમા નથી,અને એનું લેટેસ્ટ ઉદાહરણ આ બહાર આવેલી કલીપો છે..
આ પેહલા પણ લખી ચુક્યો છું કે કુંવારા એટલે બ્રહ્મચારી ખરા ..?
પણ “ભક્ત” અને “સાચા” બંને આ સવાલનો જવાબ આપવામાં “ચાતરી” જાય છે..!
એકવાર એક ઘરડા મરણમાં સ્મશાનમાં જવાનું થયું હતું અને ત્યાં નવરા બેઠા બધા તડાકા મારવા પર ચડ્યા હતા,અને એમાં એક વડીલ મને સેહજ સાઈડ પર લઇ ગયા અને મને કહે એક વાત કહું તમને મેં કીધું બોલોને..
વડીલ એક શ્વાસે બોલ્યા “શૈશવ આખી દુનિયામાં આપણા જેવી અસંસ્કારી પ્રજા શોધ્ય નહિ મળે, સાલું મહાભારત કાળમાં જુવો તો દિયર ભાભીનો ચોટલો ઝાલી અને ભરી સભામાં લેતો આવે અને ત્યાં એના બાપા ના દાદા પણ જ્યાં જીવતા બેઠા હોય, અને એની સામે ભાભીને “નાગી” કરવા માટે ભાભીના કપડા ખેંચે અને આખી સભા ચુપચાપ બેઠી રહે, સાલું કઈ સંસ્કાર જેવું ખરું કે નહિ..? એની માં એ એને કઈ સંસ્કાર નહિ આપ્યા હોય ? મારી માં તો હું આવું બોલું તો આજે પણ મારી જીભ કાપી નાખે..!!”
વાત તો વડીલની સો ટકા સાચી..!
આમ અત્યારે આપણે કહીએ કે કળિયુગ ચાલી રહ્યો છે એના કરતા દ્વાપર સારો પણ દ્વાપરમાં ક્યાં ઓછા કારસ્તાન થયા હતા ..? અરે છેક સતયુગમાં જઈએ તો ત્યારે પણ ક્યા ઓછા કારસ્તાન થયા હતા..!
વિશ્વામિત્ર એ ધૂણી ધખાવી અને ઇન્દ્રાસન હાલ્યું..ઇન્દ્ર એ મોકલી મેનકાને,એ જમાનામાં કેમેરા નોહતા પણ ચિત્રો દોરાતા અને શૃંગારિક વર્ણનો થતા..હમણા રીલીઝ થયેલી કલીપ કરતા પણ વધારે સુંદર અને રસિક વર્ણન મહાકવિએ વિશ્વામિત્ર મેનકાના કરેલા છે..
લેટેસ્ટમાં રાજા રવિ વર્માએ પણ હાથ અજમાવેલો છે..!
વચ્ચે પેલા કેનેડાથી આયાત થયેલા કામક્રીડા દર્શાવતા ચલચિત્રોનાં “મહાન” કલાકાર “સાહેબા” કોચીન ગયા હતા, અને બે પાંચ લાખ માણસ એમને જોવા ભેગું થઇ ગયું હતું..!
ક્યાં ગયા આપણા સંસ્કાર..!!!???
કેહવાતી કલીપના હીરો નેશનલ ટીવી ઉપર બોલે કે મર્દ છું મરદ..!
અને સામે લોકો એમ બોલે અલ્યા મુસળી ખા થોડી..!!
મારા જેવો આ જે આખો ખેલ ચાલી રહ્યો છે એને દેશી ભાષામાં “જોણું” કહે..!
અને “જોણું” થયું હોય ને એટલે ગામ એની રજે રજ ફોલી ખાય..
અત્યારે ગુજરાત આખામાં ચૂંટણીના હોવા જોઈએ એ મુદ્દા બાજુ પર જતા રહ્યા છે અને રોજ એક નવું ,થતું કે આવતું “જોણું” માં રસ વધારે લઇ રહ્યા છે..!
શું જોઈએ છીએ અને શું મેળવવું છે..? આ બધી જ વાતો ઉપરથી ધ્યાન બિલકુલ હટાવી લેવાયું અને સાવ ફાલતું અને નિર્લજ્જ મુદ્દા સુધી ગુજરાત ઈલેક્શન પોહચી ગયું…!
મારા તમારા જેવાને એમ થાય કે હજી કેટલા નીચા આ લોકો જઈ શકે ? શેરબજારની ભાષામાં કહીએને તો ચૂંટણી અત્યારે નપાવટતા, નાલાયકી, નાગાઈ વગેરે વગેરે તમામ વૃત્તિઓનું “તળિયું” શોધી રહી છે..!
લાજ-શરમ નેવે મુકાયા છે,
પણ અધ:પતન પછીનો તબક્કો મહાયુદ્ધ હોય છે..!!!
ધીમે ધીમે પ્રજાને ભરોસો ઓછો થતો જાય છે..
એવું કેહવાય છે કે મહાભારતના યુદ્ધ પછી એક પણ “માં” ભારતવર્ષમાં એવી નોહતી બચી કે જેની કુખ ના નંદવાઈ હોય..!
પ્રજાને ક્યા સુધી ભાગીદાર બનાવશો નેતાઓ ..?
એવું શું છે સત્તામાં કે એને પામવા માટે છેક આ લેવલ સુધી જવું પડે છે..?
કેહવાતી કલીપના હીરો કે વિલન બંનેમાંથી એકપણના જન્મદાત્રી શું આ કલીપ જોઈ શકશે ?
પાશ્ચાત્ય જગત ઘણા વર્ષોથી આ પ્રકારની ફ્રીડમમાં જીવી રહ્યું છે, ત્યાં મોટેલનો મોટેભાગે ઉપયોગ આ કાર્ય માટે જ થાય છે, આજે અમદાવાદ જ નહિ ગુજરાત કે આખા ભારતભરમાં ખૂણે ખૂણે ફેલાયેલી નાની નાની હોટેલોમાં કલાકના સો રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા સુધીની રૂમો અવેલેબલ છે..અરે ત્યાં સુધી કે અમુક હોટલો આખી “કીટ” પ્રોવાઈડ કરે છે જેમાં ભીના ટુવાલ ક્રીમ સાબુ થી લઈને કોન્ટ્રાસેપ્ટીવના સાધનો પણ મુકવામાં આવે છે..!!
ચીન દેશની ઘણી વખત અમે મુલાકાત કરી ચુક્યા છીએ અને એકવાર જયારે સપરિવાર મમ્મી-પપ્પા સહીત જ્યારે ચીન દેશની મુલાકાતે ગયા હતા ત્યારે મારી સાથે આવેલા મારા મિત્ર અને મારું બંનેનું એક જ ટેન્શન હતું કે છોકરાઓ અને મમ્મી પપ્પાઓ રૂમમાં જાય એ પેહલા પેલી “કીટ”ને ઠેકાણે પાડી દેવી..!
રીશેપ્શન પર બેઠેલી ચીની સમજે જ નહિ કે “મા`ડી અમારે આવું બધું…!!!”
પણ ચીની કોને કીધી ગમે એટલું કહો ચીની સમજે જ નહિ,એટલે છેવટે દસ દિવસની ટ્રીપમાં દરેક રૂમમાં અમે પેહલા ઘુસી અને બાથરૂમમાંથી પેલી કીટ ને ઉપાડીને બહાર પડેલી રૂમ સર્વિસની ટ્રોલીમાં નાખી દેતા..!
“મર્યાદા” આ એક શબ્દને જેટલો સાંકડો કરવો હોય એટલો કરી શકાય છે અને ખેંચવો હોય એટલો ખેંચીને લાંબો કરી શકાય છે..!
એક નાનકડા બાળકના નિર્દોષ સવાલ “પપ્પા હું ક્યાંથી આવ્યો ?” આ સવાલ નો જવાબ દુનિયાના દરેક બાપે સામનો કર્યો હોય છે અને એનો જવાબ દરેક બાપે એની બુદ્ધિમત્તાના લેવલ પ્રમાણે આપ્યો હોય છે..કદાચ મર્યાદા ક્યાં અને કેટલી રાખવી એની શરૂઆત આ સવાલના જવાબથી થાય છે..
ક્યાંક હિન્દુત્વની દુહાઈ દેવાય છે, જરૂરી છે..!
મહાભારત કે રામાયણના યુદ્ધના વિલન હિંદુ હતા, છેલ્લા ચૌદસો વર્ષમાં ભારતભૂમિ ઉપર લડાયેલા યુદ્ધ બિલકુલ હિંદુઓ વચ્ચે નોહતા..
સામાન્ય જન સાધારણનો બનેલો હિંદુ સમાજ ખરું ખોટું સત્ય અસત્ય આવા ઘણા બધા સવાલોના જવાબ પોતાની રીતે શોધતો રહ્યો છે જવાબ મેળવતો રહ્યો છે અને પોતાની જિંદગીને ગોઠવતો રહ્યો છે..
આજ ના ડોહળાયેલા સામાજિક વાતાવરણમાં આવી બહાર આવેલી કલીપોના કેહવાતા હીરો કે કામક્રીડા દર્શાવતા ચલચિત્રોના નિપુણ અને નીવડેલા હિરોઈનને કોઈ એવોર્ડ સેરીમની નું સ્ટેજ સોપી અને ટીવી થ્રુ જનસાધારણના ઘરમાં ઘાલી દેવામાં ભાગ ભજવતા લોકો પણ સમાજના નૈતિક ગુન્હેગાર નથી..?
પેહલા આપણે કોઈકને મોટા કરીએ છીએ અને પછી પસ્તાઈ છીએ અને છેવટે “ભક્ત” અને “સાચા” ની લડાઈ લડીએ છીએ..
શું રણમધ્યે સ્વસ્થતા ધારણ કરવાનો સમય નથી આ ..?
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા