ક્યાં અટકવું ? ક્યાં અટકશે ?
“એ ડોહા તારી પેલી ઓળખીતાની છોકરીનું ગ્રુપ કાલે રાત્રે નીચે જોર ધુમાડા કાઢતું તું..” જીમમાં હું ટોળટપ્પા કરતો હતો ત્યાં અચાનક એક રૂડો રૂપાળો સાંઢ મારી પાસે આવ્યો અને આવું બોલ્યો એટલે મેં જરાક ઝીણી નજરે એની સામે જોયું .. “એ.. મારી સામે આમ ના જોવે ડોહા ..આપડે કોઈ લેવાદેવા નથી, આ તો તમે કેહતા હતા કે પેલી તમારા ઓળખીતાની છોકરી છે એટલે આપડે ધ્યાન દોર્યું , બાકી તો તમને ખબર છે ને દુનિયા xxx મારે ..” એકદમ રૂડા રૂપાળા પેહલવાન એ પોતાનો ઈરાદો ક્લીયર કરી મુક્યો ..એટલે મેં એકદમ ઠંડકથી પૂછ્યું “કોણ કોણ પીતું
તું અને ક્યાં ?”
“બધ્ધુંય ફૂંકતું તું અને અહિયાં ,નીચ્ચે જ ,ખુલ્લેઆમ ,હવે ટાઈમ પણ કહી દઉં રાતના નવ થી સવા નવની વચ્ચે ,અને મેં અહી ઉપ્પરથી જોયું છે એટલે એમ ના પૂછશો કે અંદર માલ કયો હતો ..” અકળાઈ ને આગળ બોલ્યો ..” તમને તો કઈ કહીએ એટલે તકલીફ ,સીઆઈડીની જેમ પછી બધા સવાલોના જવાબ આપવા પડે..” “તે એ કોઈમાં હાથ નથી માર્યો ..?” “ખબર જ હતી,.., કે વાત ક્યાં લાવશો ..! આપ
ડે હવે લગન કરવાના છે એ બધા ધંધા આપડે પેહલા પણ નોહતા કરતા અને હવે તો સાવ બંધ પછી સેટલ બેટલ થવાનું કે નહિ જિંદગીમાં ?”
મનમાં કીધું જિંદગી આખી બેટલ
જ છે સેટલ
તો કોઈ થતું જ નથી, પણ પૈણ ચડ્યું હોય એને બહુ વતાવાય નહિ ,એટલે જરાક પૂછ્યું ..છોકરી જોવાનું ચાલુ કર્યું કે નહિ ?
રૂડો રૂપાળો સાંઢ શરમાયો ,આંખોથી હા પાડી .. મને જરાક હસવું આવી ગયું સાંઢને શરમાતા જોઈ ને ..
“કેમ હસો છો ? પરણવું છે તો છોકરીઓ જોવી તો પડશે ને ..?”
મેં કીધું “હા..હા ,રાજ્જ્જા ..હા, જુવો જુવો, પણ આ કોરોના ગયો છે તો વૈશાખમાં જ પતાવી દેજે તો તારા લગનનું જમવા આવાય આમારાથી..”
“જમવામાં જ રસ છે તમને તો, હવે બંધ કરો આ બધું ખાવાનું નેવું કિલોએ પોહચ્યા છો..”
સાંઢ મારી ઉપર આવ્યો સીધો ..મેં કીધું ” અલ્યા બંધ જ છે, ચાર કિલો ઉતાર્યું છે હજી બીજું છ સાત કિલો ઉતારવાનું છે ..“
“સારું સારું તમે ચાલુ રાખો મારો પીટો ( પર્સનલ ટ્રેનીગનું શોર્ટ ફોર્મ પીટી
કર્યું અને પીટી નું પીટો
) આવી ગયો છે..”
શું કરવું હવે મારે ? ઓળખીતાને ફોન કરવો કે નહિ ?
આખી વાત પાછી બીજા એક મદમસ્ત સાંઢની હાજરીમાં થઇ હતી એટલે મને વિચારતો જોઈ ને પેલો બીજો મદમસ્ત સાંઢ બોલ્યો “હવે તું પેલીના બાપાને ફોન કરીશને ?”
મદમસ્ત સાંઢ લગભગ પાંત્રીસનો એણે ફેરા ફરી લીધા છે..!
મેં એને પૂછ્યું ..”કેહવું તો પડશે ને બકા ?? ક્યાંક રવાડે ચડી ને ભરાઈ જાય છોકરી એના કરતા કાને વાત નાખી હોય તો માંબાપ પેહલેથી ચેતી જાય..”
સાંઢ બોલ્યો .. “જો ભાઈ તારી મરજી, પણ બહુ કીધે ના કીધે લાંબો ફર્ક નહિ પડે , અત્યારે લોકડાઉન પછી આ બધા સ્કુલમાંથી નવા નવા કોલેજમાં બે વર્ષે પેહલીવાર મળ્યા છે ,અને આખા લોકડાઉનમાં વેબ સીરીઝો જોઈ જોઈ ને મગજ સડી ગયા છે આ બધાના, એટલે જે જોયું છે એ હવે પ્રેક્ટીકલ કરવાનો ટાઈમ આવી ગયો છે , તું સમજે છે ને ડોહા પ્રેક્ટીકલ .. પ્રેક્ટીકલ ..”
હું એનો ઈશારો સમજી ગયો એટલે હસ્યો ..
એટલે એણે આગળ ચલાવ્યું ..”પેલો રૂડો રૂપાળો સાંઢ તો છે ને કમઅક્કલ છે, એટલે એને ધુમાડા જ દેખાયા ..!!”
આવું બોલીને એણે પેલા સાંઢને તોડાવ્યો..!!
મારી ચમકી … એટલે મેં પૂછ્યું “ એટલે ? તને શું દેખાયું બીજું ? ભાઈ જો તું જ જો આખું ટોળું વર્કઆઉટ ઓછું કરે છે અને નીચે વધારે બેઠું રહે છે, બધામાં એક એક બબ્બે ક્યાંક એક દિવસ આવતા નથી અને બીજા દિવસે પાછા આવી ગયા હોય ..”
મેં સેહજ કરડાકીથી કીધું.. “ચોખ્ખું બોલ ..”
“બે ડોહે તને .. તને ..!!! તને …!! ચોખ્ખું કેહવું પડે ? અરે ભાઈ જીમના નામ ઉપર બધાય ઘરની બાહર નીકળે છે અને જે બે ના સેટિંગ પડે એ જીમમાં નાં આવે અને ક્યાંક બીજે જઈને આવે..”
મેં પૂછ્યું “બીજે એટલે ક્યાં ?”
“બસ હો હવે..!! તું ખરેખર ડોહો થઇ ગયો છે , ચલ વર્ક આઉટ કર .. અને જીમ છોડ સવારે મોર્નીગ વોક કરવાનું ચાલુ કરી દે અને હાથમાં લાકડી રાખજે પાછો કુતરા કરડી જશે તને….”
હાથમાંથી છટકતો લાગ્યો એટલે મેં હસતા હસતા કીધું ..” સારું સારું સમજી ગયો ક્યાંક હોટેલમાં કે કોફી કે ગાડીમાં ક્યાંક કે પછી રૂમમાં..”
“ભાઈ લોકડાઉનમાં બધું ઓનલાઈન હતું એટલે આ બધા હવે છૂટ્યા છે તો એમના દિલના અરમાનો તો પુરા કરે કે નહિ ? તારા પેલા ઓળખીતાની છોકરી ચાર પાંચ દિવસથી આવતી નથી , અને એ હવે નહિ આવે, સીધી હતી ,અને એને ખબર પડી ગઈ હશે કે આ બધાના લખ્ખણ એટલે પેલી એ આ ગ્રુપ છોડી દીધું હશે બાકી તું ખોટી ખોટી ચમચાગીરીના કરતો ,એના બાપને ડાહ્યો થઇ ને ફોન કરીશ એટલે એના જીવનમાં ભૂચાલ આવશે .. હજી એની કોલેજ લાઈફ શરુ જ થઇ છે અને તું પૂરી કરી નાખીશ..બિચારી ને આખી જિંદગી ઘરમાં પૂરી રાખશે અને કેટલાય એની ઉપર રીસ્ત્રીકશન આવી જશે . દુનિયામાં આવા કેટલાય હોય ,આ તારો જમાનો નથી ડોહા કે છોકરીઓ ધુમાડા ના કાઢે..”
મેં કીધું ..”ના ના અલ્યા અમારા જમાનામાં પણ ધુમાડા કાઢતી ને અમારા બાપાના જમાનામાં પણ છોકરીઓ ધુમાડા કાઢતી હતી..”
મદમસ્ત સાંઢ બોલ્યો ..”તો પછી છોડ બધી પંચાયતી અને જેને જે કરવું હોય તે કરવા દે ખોટા કોઈના ઘરમાં ઝઘડા ના ઉભા કરીશ..”
સાંઢએ મને વિચારતો કરી મુક્યો , એક બાજુ એમ થાય કે આપણે એના માંબાપને જણાવવું જોઈએ , અને બીજી બાજુ પેલા મદમસ્ત બીજા સાંઢએ કીધું એ વાત પણ સાચી કે છોકરી નિર્દોષ હોય અને ખોટી ચાડી ચુગલી થાય તો નિરાંતે ઊંઘતા એના માંબાપ અને છોકરી બધાય એકબીજાની સામે શંકા કરતા થઇ જાય ..
છેવટે એવા નિર્ણય ઉપર આવ્યો કે હમણાં કશું કેહવું નથી તેલ જુવો તેલ ની ધાર જુવો..!!
દસેક દિવસ પછી હું એક દિવસ સવારે જીમમાં ગયો સાંજની બદલે ત્યાં એ દિકરી દેખાઈ ગઈ .. મેં પૂછ્યું ..”કેમ ટાઈમ બદલી નાખ્યો ?”
સીધ્ધો જ બે ટૂંક જવાબ આવ્યો .. “હા કાકા પેલું સાંજવાળું ગ્રુપ બરાબર નોહતું એટલે મેં ટાઈમ બદલી નાખ્યો, મારી જોડે આવતી`તી ને એ છોકરી મારી બાજુના બ્લોકમાં રહે છે , મને એમ કે બહુ સારી છે એટલે મેં એની સાથે જીમ જોઈન કર્યું પણ પછી કઈ એના રંગઢંગ બરાબર લાગ્યા નહિ એટલે મેં તો પપ્પાને કહી દીધું બધું ,એટલે પપ્પાએ કીધું આપડે ટાઈમ બદલી નાખવાનો..!!”
મેં કીધું ..”હા દિકરા આવું તો જિંદગીમાં બધું બધેય મળવાનું ,આપણે ચુપચાપ નીકળી જવાનું એવા બધામાંથી..!! કરો ..કરો.. વર્ક આઉટ..”
એક મિનીટ માટે મેં મહાદેવજીને યાદ કરી લીધા અને થેંક યુ કહી દીધું .. “હાશ ભગવાન તેં મને ધર્મસંકટમાંથી બચાવ્યો ..!!”
ઘણું વિચાર્યું પછી તો.. પણ બોટમ લાઈન એક જ આવી કે જેમના માંબાપ વ્યસનથી દૂર રહ્યા છે અને એકદમ ખુલીને જેમના ઘરમાં ચર્ચાઓ થાય છે, જ્યાં બાળકને હક્ક આપવામાં આવે છે એના વિચારોને મુકવાનો એમના સંતાનો ઉપર વેબસીરીઝ, ટીવી સીરીયલ,પિકચરોની અસર ઝાઝી ટકે નહી ..! બાળકોને બાય ડીફોલ્ટ ખબર પડી જતી હોય કે ક્યાં અટકવું ..!!
બાકી તો કર્યા ભોગવવાના જ છે , આજે નહિ તો કાલે સામે આવશે જ ..!!
અટકેલા જ ટકશે ..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)