ગઈકાલે રાત્રે ગાડીમાં પત્નીજી અને બાળ-ગોપાળોને લઈને ગાડીમાં રખડવા નીકળ્યા હતા,અને જેમ તમારે પ્રોબ્લેમ થાય છે એમ અમારે પણ પ્રોબ્લેમ થાય છે ..
એફ.એમ. કયું રાખવું ..?
છોકરાઓને ધડીંગ-ભડીંગ રાખવું હોય અને પત્નીજીને પુરાની જીન્સ, અને આપણે તો છેક બાબા આદમ ના પપ્પાજી મહાદેવજી ના રાગરાગીણી સુધી જવું હોય ..
પણ..પણ..પણ કાલે સરપ્રાઈઝિંગલી ઝઘડો ના પડ્યો ..
પેલા ગીતનું રીમીક્સ-રીમેઈક આવ્યું..લગ જા ગલે કે ફિર યે હંસી રાત હો ના હો..બધા એના પર એગ્રી થઇ ગયા અને એ ગીત વાગવા દીધું..!!
એકમાત્ર ગીત એવું કે જેની `માં પરણવા`માં કે `પથ્થારી` ફેરવવામાં કોઈ કઈ જ બાકી નથી રાખ્યું..
જેને જ્યાંથી આવડ્યું, જેવું આવડ્યું ,જે સ્કેલ ,જે હરકત ગળામાંથી નીકળી,જાણ્યે અજાણ્યે મુરકી,હરકત ,સૂર લાગ્યો કે ના લાગ્યો ,કોર્ડેશન માં લીધું ,લય વધારી ઘટાડી , પાતાળે (મંદ્ર સપ્તક ) ગાયું ,આકાશે (તાર સપ્તક ) સ્વર્ગે (અતિતાર સપ્તક )ચડી ચડી ને ગાયું, સૂર પોહચે કે ના પોહચે..!!
પણ દરેકે આ ગીત ને ગાયું ..
જેને જેમ મન થયું એમ આખા ગીત ને બધ્ધા એ મચડી ઘાલ્યું ..!!
આપણી આદત પ્રમાણે ઈતિહાસ ખોલ્યો.. તો ભવ્ય ઈતિહાસ હાથ ચડ્યો ..
દસ કરોડ વ્યુ થઇ ચુક્યા છે ૧૯૬૪ ની બનેલી ફિલ્મ `વોહ કૌન થી` ના આ ગીત ના..
આ ગીતનું તામિલ વર્ઝન પણ છે જે જયલલિતા ઉપર ફિલ્માવ્યું છે..!!
પણ અજબ ગજબ ની છે આ રીમેઈક ની દુનિયા..
સોનું નિગમે પણ રફી સાહેબના ગીતોના અઢળક રીમેઇક કર્યા,જો કે એમાં `ગાળો` આપાય તેમ નથી,સંપૂર્ણ ન્યાય આપ્યો છે સોનું નિગમે એક એક ગીત ને, પણ એટલું તો ખરું કે ઓરીજીનલ એટલે ઓરીજીનલ..
સોનું નિગમ જયારે રફી સાહેબના ગીત ગાય છે ત્યારે સ્કેલની જોડે ઓછી રમત કરે છે, મને એ વાત બહુ ગમે છે, કેમકે સ્કેલ એક એવી વસ્તુ છે કે જે ગીતનું હાર્દ છે આજકાલની પ્રજા સૌથી પેહલા સ્કેલ નીચો કરી નાખે..અલ્યા છાતીમાં તાકાત જ નથી કે શું ..?
રફી સાહેબના ઘણા ગીતો કાળી ચાર મધ્ય સપ્તકથી ઉપડે અને એમાં આપડી રીમેઈક કે રીમીક્સવાળી આઈટમો ને કાળી ચારના મધ્ય સપ્તક સુધીમાં આવતા તો અવાજ ફાટવાની તૈયારી હોય, અને એમાં પણ પેલું આજ પુરાની રાહો સે કોઈ મુઝે આવાઝ ન દો..જેવા ગીત ને અંતરા જો કાળી ચાર મધ્યસપ્તકથી ઉપાડ્યું હોય તો અંતરામાં તાર સપ્તકના ષડ્જ સુધી જતાં જતાં તો આખો ટઈડાઈ જાય અને એનાથી ઉપર જાવાનું થાય તો તો આખું મોઢું લાલ લાલ માંકડા જેવું થઇ ને અવાજ ભાઈ ની બદલે બેહનનો થઈ જાય..!!!
થોડાક વર્ષ પેહલા મને જબરજસ્તી એમ કેહવામાં આવ્યું કે મન્નાડે નો પ્રોગ્રામ છે ટાગોર હોલમાં અને મહાપરાણે બે ટીકીટ મળી છે તારે આવવાનું છે..
મને સાલી નવાઈ લાગી કે મન્નાડે આવવાના છે `જાત્તે` ..!!
એવું ખરેખર હોય તો આ તો લાહવો કેહવાય, લુંટવો જ રહ્યો ,અને અમે પત્નીજીને નારાજ કરી ને પણ એકલા રાત્રે પોણા દસે ટાગોર હોલ પોહ્ચ્યા, વચ્ચે પાલડી ચાર રસ્તા ટ્રાફિક હેરાન કરી ગયો,
મને આગ્રહ કરી અને લાવનારા મિત્ર મારી બહાર રાહ જોતા ઉભા હતા, અમે ટીકીટ કપાવી અને એન્ટર થયા ઓડીટોરીયમનું બારણું ખુલ્લું અને અંદર થી “મન્નાડે” ગાય એનો અવાજ આવે..
ઝીંદગી કૈસી હૈ પહેલી હાયે..અને મારા માથા ઉપર હેઈ `મોત્ટ્ટો` બે મણ નો ઘણ પડ્યો..અડધો સૂર નીચે ગાય “મન્નાડે”…!!
મોડું થવાને લીધે પેલા ભાઈ બબ્બે પગથીયા ચડે ઓડીટોરીયમની અંદર જવા માટે અને હું તો પેહલા પગથીયે જ `સજ્જડ` ઉભો રહી ગયો ..
પેલા ભાઈ મને છેક ઉપરથી બુમ પાડે શૈશવ, શૈશવ ઉપર આવ ચાલુ થઇ ગયું છે,અને હું નીચે ઉભો ઉભો માથું ધુણાવું અને ખભા ઉલાળું..ના હું ના આવું ,આ મન્નાડે નથી ,કોઈક `નકલી` છે ..
પેલા ભાઈ દોડતા દોડતા પાછા આવ્યા અને મારો હાથ ખેંચી અને ઉપર લઇ જાય અને હું ઉન્ધો જાઉં..
હવે આખી ખેંચતાણ ઓડીટોરીયમની બહાર ઉભેલા પેલા આયોજકો જોવે..પેલા ભાઈ મને ખેંચે અંદર આવો અને હું જાઉં બહાર તરફ..આયોજકમાંથી એક બે ભાઈ દોડતા આવ્યા અને પૂછ્યું કેમ નથી જતા બોસ ..? મેં નફફટની જેમ કહો દીધું કે આ મન્નાડે નથી, અને જે ગ`ઈ રહ્યા છે એ અડધો સૂર નીચે ગાય છે, ને તમારા બધા જ વાજિંત્રા ઉતરી ગયા છે કે દોઢે ચડેલા છે આખું બેન્ડ બેસૂરું અને બેતાલું જાય છે ..!!!
મને આગ્રહ કરીને લઇ જનારા ભાઈનું મોઢું તો વાત સાંભળીએ સાવ ઉતરી ગયું ..!
સાલું જમવામાં અને સંગીત સાંભળવા જો જુઠ્ઠું બોલીએ તો આવી બને..ના ભાવતું ખાવું પડે અને ના ગમતું સાંભળવું પડે એટલે આ બે માં તો આપણે એકદમ સ્પષ્ટ વક્તા..!!
મને પ્રોગ્રામમાં લઇ જનારા ભાઈ કહે અરે યાર કેવું સરસ ગાય છે,બધા મન્નાડે ના ગીતો નો જ પ્રોગ્રામ છે, મેં ગાળ કાઢી .. અને કીધું ભાઈ મન્નાડે ના ગીતો અને મન્નાડે માં કઈ ફર્ક નહિ લ્યા ..?
પેલા આયોજકો થોડા ખસિયાણા પડી ગયા..
મારા મિત્રનું અને આયોજકો નું મોઢું જોઇને મને લાગ્યું કે હું કૈક ખોટું કરી રહ્યો છું , હું સત્ય બોલી ને એમની લાગણીઓ ઉપર ઘા કરી રહ્યો છું, એટલે છેવટે હું ઓડીટોરીયમમાં ગયો અને ઈન્ટરવલ પેહલા ઘરભેગો થઇ ગયો..
મારો એક તબલચી મિત્ર પેલા લગ્નોના બેન્ડવાળાને બહુ ગાળો આપે ક્યાય એકેય સૂર ના ઠેકાણા ના હોય.. પણ હું હમેશાં એને કેહ્તે કે યાર એ પણ સરસ્વતીનો ઉપાસક છે ઈશ્વરે જેને જેટલી વિદ્યા એ જ્ઞાન આપ્યું હોય એટલું પરફોર્મ કરે અને એનાથી પોતાનું પેટીયું રળે છે ..ખોટો ખોટો જેમ ફાવે તેમ ના બોલ..
મારી જ કહેલી વાત ને મન્નાડે ના મળ્યા એના ગુસ્સામાં હું ભૂલી ગયો..
મુંબઈ લોકલમાં બે પથરાથી તાલ આપીને `ફૂલો સા ચેઈરા તેરા કલીઓ સી મુસ્કાન હાઈ ..` ગાતો ભિખારી હોય કે બોલીવુડનો ટોપ મોસ્ટ આર્ટીસ્ટ ,અધિકાર દરેક ને છે ..!!
પણ મૂળ કૃતિઓ જોડે જયારે વધારે પડતા ચેડા થાય છે ત્યારે ક્યારેક છટકે ..
હવે આતિફ અસ્લમ એ પાકીઝાનું `ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા થા` નું રીમેઈક કર્યું…!
ભાઈ ઠુમરી કે મુજરા સોંગ નો તારો અવાજ જ નથી રે`વા દે ને યાર ..!!
માફ કરને ..!!
પણ ચાલ્યું છે ,નવું ક્રિયેશન ઓછું થઇ રહ્યું છે,
સંગીતના નવા ક્રિયેશન માટે પેહલા સંગીતને શાસ્ત્રની રીતે સમજવું રહ્યું ભારતીય શાસ્ત્રીય સંગીતની મર્યાદાઓ અને તાકાત ને ઓળખી અને સમજાવી રહી પછી કોઈ ખેલ થાય..
સંગીતને સમજી અને બનાવાયેલા આર કે સીરીઝના ગીતો લગભગ રાગ રાગીણી બેઇઝ રહ્યા છે અને પરિણામ જુવો..દસકાઓ પછી પણ કાનને ગમે છે અને એ પણ દરેક જનરેશનને..
આપણું ભારતીય શાસ્ત્રીય સંગીત એ તો સામવેદ છે, કૃષ્ણની વાંસળીમાંથી પ્રગટેલો સામવેદ…!!
બધાનું ગજું નથી એને સમજવાનું ..!!
માં સરસ્વતીની અસીમ કૃપા જોઈએ..
એક છાંટા નો એક લાખ મો(PPM પાર્ટ પર મિલિયન ) ભાગ પણ મળે તો જીવન ધન્ય..!!
શુભ રાત્રી
શૈશવ વોરા