લગનીયા અને ચાંલ્લા પ્રથા ..
જુનો વિષય છે ,પણ ફરી ફરી ને લખું છું કેમ કે જે લોકો એવી ખોટી ફિશિયારી મારી રહ્યા છે “અમે કોઈનું લેતા નથી અને અમે કોઈને આપતા નથી “
એ લોકો આપણા બાપદાદાઓ એ ઉભી કરેલી એક સામાજિક ઇન્શ્યોરન્સ સીસ્ટમ તોડી રહ્યા છે ,મીટાવી રહ્યા છે ,
રહી વાત કોઈ નું લેવું નથી અને કોઈને આપવું નથી એવી ચાંપલાશપટ્ટી કરી રહ્યા છે એ લોકો ભૂલી ગયા છે કે ચપટી ધૂળની પણ જરૂર પડે છે આ જગતમાં ,
બાપા કે બા ગુજરી જાય ત્યારે આઠ દસ જણા ઠાઠડી ઉપાડવા અને બાંધવા પણ જોઈએ છે , અને પોતાના જણેલાને પરણાવવા પણ માણસોની જરૂર પડે છે ..!
માણસ માણસ વિના જીવી નથી શકતો ,સ્વીકારવું રહ્યું ,
આ વખતે પણ દર વર્ષની જેમ લગનીયું ફાટી નીકળ્યું છે, છેલ્લા બાર પંદર ટંકથી ઘેર પાટલા નથી પડ્યા , હાજરી આપી આપીને થાકી ગયા છીએ ,પણ જવાનું ચૂકતા નથી અમે ,
દરેક જગ્યાએ હોંશ અને પ્રેમના આમન્ત્રણ એંવા હોય છે કે એક વાર વિચાર આવે કે આજે નથી જવું ,પણ યજમાનના પ્રેમ મળે પછી એમ થાય કે નાં આવ્યા હોત તો આપણે જ ગુમાવ્યું હોત ,એ મીઠો મધુરો પ્રેમ અને આવકારો..
આ વખતે એક હલકાઈ ક્યાંય દેખાઈ નહિ,
પેલી “પ્રીવેડિંગ શૂટ” વાળી ..
સાલ્લુ ગજબનું ડીંડવાણું ઘાલ્યું હતું થોડાક વર્ષો ચાલ્યું પછી બધું ઢીલું પડતું ગયું મને લાગે છે હવે એ પ્રથા તો ગઈ જાણે ..
બીજું મેહદી અને હલ્દી લગભગ એક દિવસે થઇ ગઈ, પણ અપર ક્લાસમાં નવું ચક્કર ચાલ્યું છે , ભગવાનના વિવાહ કરવાના પેહલા, અને પછી કૈક ભજન રાખે પછી ,દારુ (કોકટેલ ) , બેચલર અને બીજા દસ બાર દિવસના પ્રસંગો થાય..
ઉપરથી નીચે ઉતરે બધું ,અંબાણીએ જે કર્યું એમાં થોડું મોડીફાઈ થાય અને પછી છેક નીચે સુધી આવે ,
પેલું ઈશા અંબાણીના લગ્નથી શરુ થયેલી ઉપરથી નીચે ફૂલોની ઢગલો એક સેરો લગાડવાની , મંડપ અને ચોરીને ફૂલોથી ભરી મુકવાની આ બધું હજી ચાલુ છે, કોઈ બીજી નવીનતા ક્યાંય નજરે નથી ચડી ..
વચ્ચે પેલું રશિયન છોડીઓનું બેન્ડ આવતું અને એ રમઝટ બોલાવે , ધોળી ચામડી જોઇને પુરુષોને હૈયામાં કાઈક કાઈક થાય ..
પેહલા તો ઓઢણી ઓઢે અને ઉડે ત્યારે હૈયામાં કાઈક કાઈક થતું ,પછી રશિયન બેન્ડ આવ્યું તે ઓઢણી ઓઢે જ નહી, એ પણ પછી રશિયન ..
હવે વિચારો હૈયામાં શું નાં થાય …?
ઠીક છે ,
આવે અને જાય આવું બધું ..!
બેક ટુ ચાંલ્લા પ્રથા , આ વર્ષે ઘણી બધી જગ્યાએ ચાંલ્લા લેવાતા જોયા અને મને ખુબ ગમ્યું કે ઘણા બધાએ હોંશિયારીમાંથી હાથ કાઢ્યો ..
પેહલા પણ લખી ચુક્યો છું ફરી એકવાર .. ભગવાનનું દીધું તમને અધધધ છે તો એક બોક્સ બાહર રાખો એમાં બધા પોતપોતાના કવરો મુકશે અને પછી એને કોઈક યોગ્ય જગ્યાએ દાન કરી દેજો ,અરે જે વ્યક્તિએ ચાંલ્લો કર્યો છે એના નામે દાન કરી અને એને રીસીપ્ટ મોકલાવી દેજો ,પણ પ્રથા બંધ ના થવી જોઈએ ..
કારણ એટલું જ છે કે મધ્યમવર્ગ અને નીચલા વર્ગને બહુ મોટો ટેકો થાય છે પ્રસંગ ઉકેલવામાં , પોતે કરેલા ટીપે ટીપે ચાંલ્લા સરોવર થઈને પાછા આવે ત્યારે ઘણું સારું લાગે એવા લોકો ને ..
એક એવી દલીલ છે કે કોઈક ખેંચાઈને કરતુ હોય એવું થાય તો એ પણ ખોટું ને ..
મારો જવાબ એમ છે કે શું આપણે જેમને આંગણે નોતર્યા હોય એ વ્યક્તિ ખેંચાઈ અને વધારે ચાંલ્લો કરી રહી છે એની આપણને સમજણ ના હોય ?
અને જો ના હોય તો આપણે ઉણા ,
અને ખબર છે તો એ જ ચાંલ્લામાં ઉમેરીને એને વસ્તુ રીટર્ન ગીફ્ટ તરીકે આપતા કોણ રોકે છે ?
રસ્તા ઘણા છે , પણ પેહલા હોંશિયારીમાંથી હાથ કાઢવો જરૂરી છે ..!
એક મિત્રના પિતાશ્રી મારી જેમ ચાંલ્લા પ્રથાના જબરજસ્ત સમર્થક એમણે કંકોત્રીમાં છપાવ્યું કે અમે ચાંલ્લા પ્રથાના સમર્થક છીએ આપે કરેલા ચાંલ્લામાંથી પાંચ રૂપિયા અમે રાખીશું અને બાકીના સામાજિક સંસ્થાને દાનમાં આપીશું ..
આ ત્રીસેક વર્ષ પેહલાની વાત છે ….!!!!!
એક રીવાજ હોસ્પીટલમાં ખબર કાઢવા જાય તો પણ રૂપિયા આપવાનો હતો ,જેને મેડીકલેઈમ નામની સીસ્ટમથી આપણે રિપ્લેસ કર્યો અને કંપનીઓના ભવાડા જુવો હવે કેવા એક પછી એક બાહર આવે છે ..
અને નાલાયકીની હદ તો ત્યાં થાય છે જેમ જેમ ઉંમર વધે તેમ પ્રીમીયમ વધે અને વધતી ઉંમરે રોગો વધે તેમ પાછા પ્રીમીયમ વધે ..
બધું ગાંધી વૈદનું સહિયારું ચાલે છે એમાં ને એમાં ..
બીજું એક ખતરનાક મારું ઓબ્ઝરવેશન એવું છે કે લગભગ દરેક જગ્યાએ જમવાની પ્લેટો પડી રહે છે , છસ્સો માણસનું કીધું હોય કેટરર્સને અને ત્રણસો ચારસો પ્લેટસ માંડ જાય , મોટા મોટા જમણવારોમાં પણ પ્લેટો બહુ જ પડી રહે છે..ગણતરી ખોટી પડી રહી છે ..!
પબ્લિક ચાટ અને બીજા સાઈડ કાઉન્ટર ઉપર ખાઈ અને ધરાઈ જાય છે , એક સમયે એવરેજ ત્રણસોથી ચારસો ગ્રામ એક ટંકમાં ખાતી એ જનતા હવે બસ્સોથી અઢીસો ગ્રામ ઉપર આવીને ઉભી છે ..
સીધો હિસાબ એવો બેસે છે કે ત્રીસ થી ચાલીસ ટકાનો જઠરની સાઈઝમાં ઘટાડો થયો છે..!!
એનો મતલબ એવો હરગીઝ નથી કે જાડાપણું ઘટ્યું છે ,
ના એ તો વધ્યું જ છે ..
ગ્રામમાં જનતા ઓછું ખાય છે પણ કેલરી વેલ્યુ અને ચરબીયુક્ત પદાર્થનો તો ખાવામાં બહુ મોટો વધારો છે એટલે દુનિયાભરના રોગો લઈને ફરે છે..
એની વે મારી તો નમ્ર અરજ છે ચાંલ્લા પ્રથા બંધ ના કરશો , ભલે વેહવારમાં તેહવારના કરશો પણ વેહવાર બંધ ના થાય ..!
ચાલો હજી ઘણા લગનીયા બાકી છે હોળાષ્ટક સુધી ઢોલ વાગતા જ રેહશે , સૌ વરઘોડિયાને ઘેર ઝટ ઝટ ઘોડિયા બંધાય એવી શુભેચ્છાઓ .
હા ,
ભગવાન આપતો હોય ત્યારે લઇ લેવું ,
પછી પત્થર એટલા દેવ કરવા પડશે અને આઇવીએફ સેન્ટરોના ચક્કર કાપવા પડશે એના કરતા ઘોડિયા બંધાતા હોય તો બાંધી લેવા…
કરજો કોપી પેસ્ટ અને ફોરવર્ડ ,કોઈકનું ભલું થાય …
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*