લગ્ન ..
આ સંસ્થાને ભરપૂર ગાળો અપાઈ રહી છે આજકાલ, ઘણા લોકો જુદા ચીલા ચાતરીને ક્યાંક દૂર પણ જવાની કોશિશ કરતા દેખાય ક્યારેક પણ છેવટે આ તરફ રહી રહી ને નજર આવે..
બહુ લાંબુ જ્ઞાન ઠપકારવાનો મતલબ નથી કેમકે આદિઅનાદી કાળથી લગ્ન માટે ઘણું બધું લખાયું છે રચાયું છે અને હજી પણ આગળ ચાલુ રેહશે..
સંસાર ચક્રના ચાર આરા ધર્મ ,અર્થ ,કામ અને મોક્ષ .. આ બહુ સાદી સીધી વાત સાથે હું સહમત, પણ અહિયાં મોક્ષ એટલે છૂટી જવું એવો મતલબ હું કરું છું જન્મોજન્મના ફેરામાંથી મુક્તિ અને એવી બધી વાતો પ્રેક્ટીકલી વાત કરતા હોઈએ ત્યારે છોડી દેવી , ભાવનાત્મક વાતો ચાલતી હોય ત્યારે પેલા મોક્ષની કલ્પના સરસ લાગે..!
આરા વિના ચક્ર બને નહિ પેહલી વાત તો ત્યાં જ આવે, આરા એટલે સાયકલના પૈડાના “સ્પોક” , હવે જેને આ સંસારના ચક્રમાં પડવું જ નથી એના માટે પેલી ધર્મ ,અર્થ ,કામ અને મોક્ષ વાળી વાત રેહતી જ નથી ,બધું જયારે જે અને જ્યાં કરવું હોય તે કરી ખાય..!
શરીરમાં ઉન્માદ જાગે ને જે પ્રકારના પાર્ટનરની ખેવના હોય તે પ્રકારની ડેટિંગ એપ નાખી દેવાની, પછી બીજી એપથી ખીસ્સામાં જેટલા કુકા હોય તે પ્રમાણે ,તે પ્રકારની હોટેલમાં જઈને ઉન્માદને શમાવી લેવાનો અથવા તો બીજી રીત છે કોઈ ધાર્મિક વ્યક્તિના શરણમાં જઈને ઉન્માદનું દમન કરતા શીખી અને પછી દંભ કરી લેવાનો … જોકે દંભ તો શમન કર્યા પછી પણ કરવાનો છે કે અમે કંઈ “એવા” નથી ..!!
આ થઇ શારીરિક, હોર્મોન વગેરેની વાત પછી વાત આવે માનસિક .. વાત કરવા ઠેકાણું જોઈએ .. મળી રહે છે આજના જમાનામાં ..!!
રહી વાત બાળકની,
લગ્નસંસ્થાની “પ્રોડક્ટની” ,
તો બાળક ને જન્મ આપવા કરતા પેદા કરવું એવો શબ્દ બોલાઈ રહ્યો છે , બાળકની ખેવના લગભગ સમાપ્ત થઇ ચુકી છે ઇચ્છાઓ અને આકાંક્ષાઓના ભાર નીચે બાળકને જન્મ જ નથી આપવો..
બાળક એ આનંદની બદલે જવાબદારીનું પર્યાય થઇ ચુક્યું છે..!
રીપીટ ..
બાળક એ આનંદની બદલે જવાબદારીનું પર્યાય થઇ ચુક્યું છે..!
લગ્ન નામની સંસ્થા ટકાવી રાખવા માટેનું સૌથી મહત્વપૂર્ણ પાસું એ છે બાળક અને ત્યાં સમાજ પાછો પડ્યો છે, કોઇપણ ઉંમરના માતાપિતા બાળકને કારણે થાક અનુભવી રહ્યા છે , બાળકના જીવનના આવતા એક પછી એક કુદરતી તબક્કાનો આનંદ લઇ શકવાની સમાજિક , ધાર્મિક , આર્થિક બધી જ રીતે પરિસ્થિતિ રહી જ નથી..!
પબ્લિકને મિલકતો ઉભી કરવી, સુખ સગવડના સાધનો વસાવવા , બીજી ભાષામાં કહું તો એદીની જેમ પડી રેહવાનું બહાનું જ શોધી રહી છે ,
અતિશય ધનાઢ્ય કુટુંબો ઇન્વેસ્ટર થઈને પોતાના જુના કામધંધા સંકેલી રહ્યા છે જયારે બીજી તરફ ત્રેવડ હોય કે ના હોય લોનો લઇ લઈને પબ્લિક મિલકતો વસાવી અને સુખ શોધી રહી છે..!
ખો નીકળી ગયો બંને કેસમાં બાળપણનો …!
કાચી કેરીવાળો પેલો મેસેજ ફરી એકવાર .. “એકટીવા ઉપર પોતાના સંતાનને લઈને આમતેમ ભટકતી જોઉં છું ત્યારે કાર્બાઈડથી કાચી કેરી પકવવાની કોશિશ થતી હોય એવું લાગે છે”
આજે ફક્ત કાર્બાઈડથી કેરી પકવવાની નહિ પણ કોઇપણ રીતે આંબો ઉછેરવો છે અને એ પણ એવો આંબો કે જેમાં એક જ કેરી ઉગવી જોઈએ, ઉગવાનો સમય પણ ઓછામાં ઓછો અને “ઇવેસ્ટ” કરેલા સમય અને રૂપિયાનું “વળતર” બહુ ઝડપથી મળવું જોઈએ..!
કુત્તી ચીજ છે આ વળતર ..!!
બાળકમાં સમય અને રૂપિયા ઇન્વેસ્ટ થતા જ નથી …
એ બન્ને વસ્તુ બાળકની સાથે જીવાય છે અને આપણે નક્કી કરવાનું છે કે બાળકની સાથે જીવવું છે કે પછી દૂર થઈને..!વધારે પડતા આર્થિક ભારણને કારણે પેદા થયેલા સ્ટ્રેસને હેન્ડલ કેવી રીતે કરવો એ માતાપિતાએ નક્કી કરવાનું છે..
ભૌતિક જગતનો હું સમર્થક પણ થોડીક અંદર આધ્યાત્મિકતા પણ જરૂરી ,
કોકટેલ જોઈએ છે અને તે પણ સપ્રમાણ ..!
મિશ્રણમાં ગડબડ થઇ તો સૌથી પેહલો ભોગ લગ્ન નામની સંસ્થાનો લેવાશે..!!
એક બીજું બહુ જ મોટ્ટું કારણ એ દેખાઈ રહ્યું છે કે ફક્ત એક કે બે જ સંતાનો હોવાને કારણે ક્યાંક સંતાનોને વધારે પડતો સમય આપી દેવાથી સંતાન છૂટતું નથી ઝટ..!
આજકાલ આવું પણ દેખાઈ રહ્યું છે .. એમાં પેલા મેસેજ ફરે દિકરીના ઘરમાં બહુ ચંચુપાત ના કરે વાળો ..
અલી વાંઢો મરશે તારો આમને આમ અને ડોશી કુંવારી ,મૂક છાલ હવે..! તારા નસીબે હવે સીએનજીની ભઠ્ઠી છે લાકડા પણ નહિ ત્યારે શું મંડી છે ..!
સમાજશાસ્ત્રીઓને એક લેસન આપવા માંગુ છું, પારસી સમાજનો અભ્યાસ કરો..
એમની પાસે બધું જ છે .. હામ ,દામ ,નામ ,ઠામ છતાં પણ ત્યાં વસ્તી ઘટી લગ્ન સંસ્થા તૂટી , અમદાવાદના ખાનપુરમાં રહીને મોટો થયેલો છું અને પપ્પા-મમ્મી એક સમયે પારસીઓના દાકતર તરીકે ઓળખાતા એટલે પારસી સમાજની બહુ જાણીતી કેહવત “અડધા ગાંડા અને અડધા વાંઢા” બહુ બાળપણથી જાણું..
આ કેહવતના મૂળમાં જવાની જરૂર છે ..
શું નથી પારસીઓ પાસે ? ભણતર પણ એટલું અને દેશને શું નથી આપ્યું ..!!
છતાં પણ પારસીઓની વસ્તી ઘટી ,લગ્ન સંસ્થા તૂટી ..
ભારતીય ઉચ્ચ મધ્યમવર્ગ એ તરફ ગતિ કરી રહ્યો છે ..પાછળ બીજો આખ્ખો સમાજ ઢસડાઈને એમની સાથે આવી રહ્યો છે..
પચાસ વર્ષ પછી ભારતીય મધ્યમવર્ગનું શું થવાનું છે તો આજનો પારસી સમાજ જોઈ લ્યો..!!
નહિ રહે જાત-પાત-ધર્મ , કશું જ નહિ બચે..!!
પરણે તો આગળ ચાલશે ને ?!!!
સંતાનને પકડતા શીખ્યા એણે છોડતા પણ શીખવું જ પડે પછી દિકરો હોય કે દિકરી ..
જેના એ તેના , ડોશી ફાંફા મારે એના ..
એવું થવું જ જોઈએ નહિ તો તમારો વેલો અટક્યો..!
હલવાડું થયું છે જોરદાર ..
કુટુંબ નિયોજન કરીને અને સરકારી સફળતા નથી હોં આ ભારેખ્ખ્મ રૂપિયા ઓકાવતું શિક્ષણ..
“શિક્ષણ”ની જોડણી જ બદલો “ક્ષિક્ષણ” કરો હવે …!
“ક્ષીણ” “ક્ષિણ” કરી મૂક્યું ..
ટપ્પો ના પડે તો મૂંગા મરજો ખોટી કોમેન્ટ કરીને લમણા ના લેવા..!!
બાળક વિનાના ઘર ,શેરીઓ ,સોસાયટીઓ અને સમાજ કરી મુક્યા હવે શું ?
જાવ જાવ બે ત્રણ કલાકના રૂમો બધી હોટેલો આપે છે …
કંઈ જરૂર જ નથી પરણવાની.!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*