આજે વાત માંડુ સીત્તેરના દાયકાની ..
“જુઓ નર્મદાબેન અમને અને અમારા પ્રવીણને તમારી મમતા ગમી છે, તમારા કુટુંબમાં કશું પૂછવા જેવું છે નહિ, અમદાવાદ આખામાં મમતાના બાપુજીની શાખ હતી, વેપારમાં તો આઘુપાછું થાય, આજે ત્રિકમલાલ બેઠા હોત તો ધંધો ફરી જમાવી દીધો હોત પણ હવે ઈશ્વરને ગમ્યું તે ખરું, આપણે હવે તમે કહો તે રીતે આગળ વધવું છે..”
નર્મદાબેન મુંઝાણા.. આવું સારું ઠેકાણું મમતા માટે બીજે ના મળે, અમદાવાદમાં બંગલો ગાડી, અને સુખી પરીવાર નાતેજાતે પણ એક અને દેખાવે અને કમાણીએ પ્રવીણ સારો એવો ઠીકઠાક ..
પણ હવે મમતાને વળાવી દઉં તો આ ઘરમાં મોટી `હેન્ડીકેપ્ટ` છે, અને મારી નોકરી હવે બે વર્ષમાં પૂરી થશે, અત્યારે મમતાની સરકારી નોકરીએ અમારા ત્રણે મા-દિકરીનું નભી જાય છે , પછી મમતાને વળાવી દઉં પછી અમારું કોણ ..?
ગજ્જબની મૂંઝવણ..
બીજું મન કહે નબુ(નર્મદા) તું તો ખર્યું પાન અને આ મોટીને ક્યાંક આશ્રમમાં મૂકી દેવાશે, એ એનું ફોડી લેશે, એનું ભાગ્ય હશે જ ને , પણ પગારની લાલચે મમતાને કુંવારી ના રખાય .. આટલો બધો આંધળો સ્વાર્થના હોય નબુ ..
બે રાત નર્મદાબા લાગલગાટ જાગ્યા ..ઈશ્વરે એક રસ્તો સુઝાડ્યો ..
રુદ્રબાળા જોડે પેટછુટ્ટી વાત કરી લે , મમતાના છેલ્લા બે દિવસથી વાણી વર્તન ફરી ગયા છે ,એ મનથી પ્રવીણની થઇ ગઈ છે, હવે જે સમસ્યા છે એની પેટછૂટી વાત કરી લે..
છેવટે મન મક્કમ કરીને નબુબેન રુદ્રબાળાબેનના બંગલે પોહચી ગયા બપોરે..
“રુદ્રબાળા બેન તમારી બધી વાત મંજુર, મારી મમતા તમારા પ્રવીણ વેરે મેં આપી, પણ બે વર્ષ પછી મારી નોકરી પૂરી થશે ,પછી મોટી અને મારું શું ? અત્યારે તો મમતાની સરકારી નોકરી એ જ અમારો આશરો છે..”
“ અરે રે .. એમાં શું મૂંઝાણા નબુબેન…? તમારી મમતા આજીવન સરકારી નોકરી કરશે અને એનો પગાર તમને મા-દીકરીને આપશે આ મારું વચન.. અને લગ્નનો ખર્ચો અમારા તરફથી છે, કંકુ અને કન્યા એ સિવાય કશું ના જોઈએ મારે કે પ્રવીણને..”
“ના..ના.. લગ્નની તૈયારી તો મારા ભાઈઓ કરી છે, એમના ઘેરથી જ પ્રસંગ ઉકેલશે એ લોકો..”
“બિલકુલ નહિ નબુબેન, મોસાળે મોડ ના હોય.. માંડવો ના રોપાય ,તમારે આંગણે જ માંડવો અને ખર્ચો અમારો..’
“રુદ્રબાળાબેન આવી જીદના હોય .. મારા ભાઈઓ સાથે વાત કરવી પડે મારે..”
સત્તાવાહી અવાજે “ તો કરો ટેલીફોન અને બોલાવો આજે રાતે ,અને કરીએ કંકુના..”
છેવટે નક્કી થયું કે લગ્નનો ખર્ચો અડધો અડધો, મોસાળું પુરાશે એમાં એ અડધો ખર્ચો આપી દેવાશે અને મમતાની સરકારી નોકરીનો પગાર આખે આખો પિયર આપશે જીવનભર..
પેહલી સુવાવડ આવી .. “નબુબેન તમને નહિ ફાવે, તમારે(હેન્ડીકેપ્ટ) દીકરીનું કરવાનું હોય એટલે મારે ત્યાં જ સુવાવડ થશે અને તમે આવતા જતા રેહજો.”
આખી નાતે રુદ્રબાળાની વાહવાહી થઇ, અને જમાનો એકબીજાનું કરી છુટવાનો હતો
આજે મમતાકાકી કહે છે “શૈશવ તું નહિ માને વીસ કિલો કાટલું તો આખી નાત આપી ગઈ અને પછી મારા સાસુએ હાથ જોડ્યા કે હવે કોઈ ના લાવશો ભૈ`સાબ..”
પાછળને પાછળ બીજી સુવાવડ આવી ..
રંગ રાખ્યો રુદ્રબાળાબેને આજીવન બોલ્યું પાળ્યું.. પગાર આખે આખો વહુને પિયર આપ્યો અને મમતાકાકીના બે સંતાનો ઉછેરી આપ્યા , રસોડું સાચવી જાણ્યું ..
સામે પક્ષે કુદરત પણ એવી મેહરબાન થઇ ..
નેવુંના દાયકાની શરૂઆતમાં હેન્ડીકેપ્ટ બેહનને ઈશ્વરે પોતાની પાસે બોલાવી લીધી અને ધરતી ઉપર પોતાનું કામ પૂરું થયું હોય તેમ નબુબેને પણ છ મહિનામાં એમની જીવનલીલા સંકેલી લીધી..
એમનું ટેનામેન્ટ હવે અમદાવાદ શેહરની વચ્ચે આવી ગયું હતું ,જે વેચી માર્યું અને મમતાકાકીએ વીસ લાખ રોકડા પ્રવીણકાકાના હાથમાં મુક્યા..!! આખી જિંદગીના પગાર કરતા વધારે હતા..
ઉપરવાળો જોતો જ હોય છે..
રુદ્રબાળાબેન એકદમ સ્વસ્થ અને સુંદર જીવન જીવી રહ્યા હતા ,મમતાકાકી રીતાયર્ડ થયા .. સાસુ વહુની એક ગાંઠ..!!
રુદ્રબા હવે પંચાણું ક્રોસ કરી ગયા, પણ ઘરમાં ને ઘરમાં હરી ફરી શકે..
એક ઘટના ઘટી …
રુદ્રબ અને મમતાકાકી ઘરમાં એકલા … મમતાકાકી પણ હવે સાહીઠ ઉપર ગયા હતા..
અચાનક બાના રૂમમાંથી કડાકો બોલ્યો.. બાહરના રૂમમાં મમતાકાકી બેઠા હતા અવાજ સાંભળી અને મમતાકાકીએ બાના રૂમ તરફ દોટ મૂકી ..
જઈને જોયું તો આંખો ફાટી ગઈ .. લાકડાની ફ્રેમમાં કરાવેલી પ્લાસ્ટર ઓફ પેરીસની છત અડધી તૂટી અને પલંગમાં સુતેલા રુદ્રબાને માથે ઝળુંબે ..
ક્ષણનો વિચાર કર્યા વિના મમતાકાકીએ રુદ્રબા ઉપર પડતું મુક્યું અને તરત જ આખી સીલીંગ તૂટી પડી ..
આખી સીલીંગનું વજન મમતાકાકીએ પોતાના ઉપર લઇ લીધું .. નીચેથી બા બુમો પાડે અરે મને મરવા દે હું તો હવે મરવા જેવી જ છું તું નીકળી જા ..
લગભગ દોઢ બે કલાકે ઘરમાં નોકર આવ્યા ત્યાં સુધી મમતાકાકી ટસના મસ ના થયા ..
એમ શેના તમને મરવા દઉં બા..
છેવટે આખી સોસાયટી ભેગી થઇ, એક પછી એક લાકડા અને કાટમાળ ખસેડ્યો અને સાસુ-વહુને બાહર કાઢ્યા..!!
રુદ્રબાળાબા એ ઘટના પછી થોડાક વર્ષે દેવ થયા..
સ્મશાનમાં નોંધણી કરાવવાનું શૈશવને માથે આવ્યું..
“મૃતકની ઉંમર ?”
શૈશવ બોલ્યો .. “સો વર્ષ પૂરા”
સામેથી જવાબ આવ્યો ત્રણ આંકડા બહુ ઓછા આવે છે અહિયાં, કોઈકે સેવા-ચાકરી ઘણી કરી લાગે છે..”
મારી નજર સામે એ વીતેલા વર્ષો જતા રહ્યા .. કોને કોની સેવા કરી ???????
ઈશ્વર સહુનો છે, વેહલુ કે મોડું ફળ આપે જ છે..!!
આ દેશમાંમાં લગ્નો બે પરિવારના થાય છે, બે વ્યક્તિઓના ધરાર નહિ…
એનું શ્રેષ્ઠ ઉદાહરણ મારી નજર સામે પંચમહાભૂતમાં ભળી રહ્યું હતું..!!!
ભારત દેશની ખૂબી મહાનતા .. એક તાંતણે અનેક બંધાય છે..!!
સત્યઘટના ઉપર આધારિત
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*