લાલો ..
આપણે પણ દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે .. જોઈ નાખી ભ’ઈ…!
લગ્નોમાં સતત બહાર ખાઇ ખાઇને ક્યારેક એમ કહીએ કે આજે ઘેર ખીચડી બનાવો તો સારું , અને એક સ્વરે આખું ઘર બોલે એ હા હોં આજે તો ખીચડી જ ખાવી છે…
લાલો સાદુ જમવાનું એવી ખીચડી ,કઢી અને પાપડની થાળી છે ..!! ખારા ઘૂઘવતા દરિયાની સામે મીઠા જળનો એક લોટો..!
પણ ભયસ્થાન ખરું હોં , હવે ગુજરાતી અર્બન મૂવી પાછા ચમત્કારોના રવાડે ના ચડી જાય તો સારું , માંડ માંડ આઈએનટી ના નાટકો જોતું ક્રાઉડ ગુજરાતી મૂવી જોવા થિયેટર તરફ વળ્યું હતું એ પાછું અલોપ ના થઈ જાય એ જોવાનું રહેશે..
એક સમય હતો જ્યારે ગુજરાતી ફિલ્મો જોવા જાવ તો આમાં આપણે ક્યાં આવી ગયા એવી ફિલિંગ આવતી , સીટો ફાડી નાખતી પ્રજા , એમાંથી ફોર્મ કાઢી કાઢી અને સીટો ઉપર ઊછળે ,ગાંડાની જેમ સીટીઓ વાગે અને સીટ ઉપર ઊભો થઈ થઈને કૂદે..છેલ્લે તો લોઅરમાં પતરાની ખુરશીઓ આવી ગઈ હતી ..
શૈશવ ઘીકાંટામાં આવેલી ધ ન્યૂ હાઈસ્કૂલમાં ભણ્યો છે , અને મારી સ્કૂલની બિલકુલ પાછલી દિવાલે અશોક ,રીગલ , સેહજ આઘા જાવ તો રૂપમ ,કૃષ્ણ ,લક્ષ્મી, એલ એન… યાદ કરી લ્યો ઘી કાંટા , રતન પોળ, રિલીફ રોડ અને રિચી રોડના થિયેટરો ..
જમાનો હતો ..અલંકાર , નોવેલ્ટી, કલ્પના ,એડવાન્સ , મધુરમ નો…
કયા પિક્ચર આવતા ?????
આપણી સમજમાં બચ્ચનદાદા એ પેહલા રાજેશ ખન્ના , બચ્ચન દાદાનો યુગ પૂરો થયો પછી શું થયું ? સાલ પંચ્યાસીના તોફાનો અને સતત કર્ફ્યૂ , સાથે સાથે ચેનલ બિઝનેસનો ઉદય થયો અને ભોગ લેવાયો થિયેટર બીઝનેસનો..વિસીઆર અને ટીવીને મ્હાત આપતા બે દસકા થયા..
આ બધામાં ગુજરાતી ફિલ્મો ચમત્કાર અને દ્વિઅર્થી સંવાદો ઉપર ચડી ગઈ , ભદ્ર ગુજરાતી સમાજે મોઢું ફેરવી લીધું ગુજરાતી ફિલ્મો તરફથી..
લાલો એક ભયસ્થાન પણ છે , સો કરોડ તો થઈ ગયા , લોક નજરમાં દ્વારકાનો રાજા રણછોડ ” વેચાઈ ” ગયો , પણ હવે બધા એ જ વેચવા નીકળશે તો પછી લોચા…ભોળી રે ભરવાડણ કંઇ બધાથી ના થવાય ..!!!
હું હંમેશા કહું છું ધરમથી મોટો કોઈ ધંધો છે જ નહીં , આ જગતમાં રાજકીય સત્તા અને ધર્મ સત્તા બે જ ચાલે , બાકી જગત વેવલાવેડા થી જ ચાલે ..!!
એકે એક જણને બે લાલા ગળે મળે એટલે આસુંડા પડે .. પૂછો કયું ?
તો દરેકને એમ છે કે આવી રીતે મને પણ મળે ..
આજે પાછી ગીતા જયંતિ છે , હવે આમ જોવા જાવ તો તમામ પાત્રો ઇન્કલુડીંગ ભગવદ્ ગીતા નું ટેકનીકલી સર્જન તો મહાભારતકારે જ કર્યું છે પણ એટલી સિફતથી વેદ વ્યાસ બાહર નીકળી જાય છે કે એના પાત્રો અમર થઈ ગયા ..
આજે ગીતાનું જ્ઞાન કાળિયાએ આપ્યું હતું ધનંજય ને..
કેવું સુંદર સર્જન છે..!
ઘટના ઘટી હશે કે નહીં એની પુરાતત્વ ખાતું તપાસ કરશે , કરી પણ થયું છે .. પણ લોક હૃદયને તો એમ જ છે કે ઘટનાઓ ઘટી હતી અને ભવિષ્યમાં પણ ઘટશે , દ્રઢ વિશ્વાસ અને મારા જીવનમાં પણ બદલાવ એ જ લાવી શકશે , બીજું કોઈ જ નહીં અને તાકડે ટાણે આવીને પણ ઊભો રહેશે , અને એણે સામે પ્રોમિસ કર્યું કે તું કર્મ કર હું આવીશ …
મોસ્ટ પ્રેક્ટિકલ વાત , મથ્યા કરને બાકી તો થઈ પડશે!!
લાલો એમ કહી શકાય કે હૃદયપૂર્વક બનેલી ફિલ્મ અને એને લોકોએ પણ દિલથી જોઈ , હવે એવોર્ડ્સના ઢગલા થશે ,સ્ટાર બનશે સુપર સ્ટાર પણ બનશે ..
જો કે આવા આઘાત દરેક પ્રકારની ઇન્ડસ્ટ્રી માટે જરૂરી હોય છે , ચડી બેઠેલા માંધાતા ઓ ને અંદરથી હલાવી નાખી અને ક્યારેક તોડી નાખવા માટે ..
આપણે આજે પણ આવી અણધારી સફળતાઓ ને ચમત્કાર કહીએ છીએ અને પોતાની જાતને વિનમ્ર , હમ્બલ પૂરવાર કરવા માટે સફળતાનો હકદાર પણ અતિ અતિ નમ્ર થઈને ઈશ્વર નામની સંસ્થાને શ્રેય આપી દે છે ..
આપવો પણ પડે , અહીંયા કંઇ અમેરિકા નથી કે ચારેય બાજુ સફળ લોકો ફરતા હોય , શુધ્ધ ગુજરાતીમાં કહીએ તો અંટાઇ જાય , પેહલી ને ઠગારા છેલ્લી બનાવી નાખે .. સફળતા ના સો બાપ , તમારા સો બાપ ના બનાવવા હોય તો પણ બની જાય એના કરતાં જગતના નાથને બાપ બનાવી દેવો સારો ઝંઝટ નહીં …
ટિપિકલ ગુજરાતીમાં ખી.. ખી.. ખી કરતાં એક વાત કહું ? ફિલ્મો લોક સમાજનું દર્પણ હોય છે અને આમાં લાલા ને જૂનાગઢમાં પોટલી પીતો બતાવ્યો છે …
બોલો દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે.. એણે મને માયા લગાડી રે…
યાદવાસ્થળી નું વર્ણન શું કહે છે ?? પબ્લિક પી પી ને પડી રહેતી હતી , હવે ભગવાને પણ દારૂબંધી નોહતી કરી અને કરી હશે તો કડક અમલ કરાવી શક્યા નહીં તો હવે આપણે કઈ વાડીના મૂળા ???
મેલો ને છાલ ત્યારે શું ..
બાકી તો રહી ગયા હો તો જાવ જાવ જોયા જેવું…!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*