લંપટતા..
ભારતીય સમાજની ફેવરીટ..!!
એક સબંધની આડ લઈને બીજો સબંધ બનાવવાની કોશિશ કરતા જ રેહવાનું..!!! લાગ મળ્યે “વાપરી” જ લેવાનું..!!
ભયંકર ગંદી વાત ,
ધંધામાં પેહલા સબંધ બનાવો અને પછી વેતરી કાઢો , સબંધ એવો બનાવો કે પેલાને ખબર ના પડવી જોઈએ એવી રીતે ચીરી અને પૂરો કરી નાખે..
હું ઘણી બધી વાતો માટે આ શબ્દ વાપરું છું , મોટેભાગે ચરિત્રહીનતા માટે આ શબ્દ વપરાય પણ આજકાલ જે રીતે સબંધોની જાળ બનાવીને વાપરી લેવાની વૃત્તિ છે એ જોતા એમ લાગે કે “સાલો” પાક્કો લંપટ છે..
એક સામાન્ય અવલોકન કર્યું હતું જરાક, લગભગ ત્રીસેક વર્ષની ધંધાકીય જીવનમાં મળેલા લોકો ઉપર, અને સંદર્ભ રાખ્યો હતો લંપટતા..
એક બહુ જ જનરલ તારણ નીકળતું દેખાયું કે લંપટ સ્ત્રી-પુરુષો કંઈક કરી ગયા છે જીવનમાં, પામી ગયા છે,આર્થિક સામાજિક અને બીજી બધી રીતે પણ, અને એમના જીવનમાં પચાસ-સાહીઠ વટાવી દીધા પછી પણ એમની ઈચ્છાઓ બાકી છે અને આગળ વધવાની તમન્નાઓ છે ,ગાડી,વાડી અને બીજું ઘણું બધું એમની પાસે છે છતાં પણ હજી આગળ વધવાના પ્રયત્નો ચાલુ છે ..
જયારે ચરિત્રવાન અતિશય સંતોષી ,છે એમાં ચલાવી લ્યો ,કશું નવું ઉભું નથી કરવું, જોઈતું જ નથી અને એ તરફ નો પ્રયત્ન પણ નથી બાકી બચેલી પૂરી કરો..
ટૂંકમાં “સીધો માણસ”, “સીધી લીટીનો માણસ” નું બિરુદ હાંસલ કરી લ્યે અને બીજી તરફવાળા માટે ઘણા બધા બિરુદ અવેલેબલ છે..
વાત કરી રહ્યો છું બે છેડાની ,
આ વિષયમાં પણ ગ્રે એરિયા ચોક્કસ છે,
સીધી લીટીનો ક્યાંક ડાબે જમણે જઈ આવે અને પછી લીટી ઝાલી લે એવું પણ બને અને ક્યારેક સમય આવ્યે આડી લીટીનો સડસડાટ સીધો દોડવા માંડે એવા પણ કિસ્સા સ્મરણમાં આવે છે..
પણ ઓવરઓલ એટલું તો ખરું જ કે લંપટતાને વૈભવ-વિલાસિતા જોઈએ અને એના માટે ખણખણતા રૂપિયા પણ જોઈએ એટલે માટીડો હોય કે માનુની રૂપિયા માટે દોડે અને ચાર-પાંચ પાંદડે થાય..!!
આમ તો કુંડળી માંડીએ તો વાંક શુક્રનો જ આવે , શુક્રની સાથે બેઠેલો ગ્રહ નક્કી કરે કે વૈભવ મળશે કે વિલાસિતા અને કેવી ચમક રેહશે એના જીવનમાં..!
કુંડળી મુકીએ એટલે તરત જ તારણ નીકળી આવે કે ભાઈની રમઝટ હશે કે નહિ..!!
એક એવી જોરદાર શુક્ર પ્રભાવી કુંડળી , જે અસ્તાચળે ગઈ અને અત્યારે ચોક્કસ નર્ક પામી હશે..
લંપટ , પ્રેક્ટીકલી કેહવાય એવા માણસનો સંપર્ક મને લગભગ અગિયારમાં બારમાં ધોરણમાં હતો ત્યારે થયો હતો ,
બે પરિવારો ઓગણીસમી સદીના ,જેમાં એ સમયે ધર્મના ભાઈ બેહનનું ખાસ્સું એવું ચલણ , બીજી પેઢી એ પોત પ્રકાશ્યું ..
એકવાર એક અધખુલ્લી બારીમાંથી શૈશવ કોઈક દ્રશ્ય જોઈ ગયો , થીજી ગયો શું કરવું ના કરવું સમજણના પડે , મામા-ફઈના સંતાનોનો સબંધ ધરાવતા બે જુવાન શરીર રતિક્રીડામાં રત હતા ,બારી ખુલ્લી રહી ગઈ ,
ક્રિકેટનો બોલ લેવા હું પોહચી ગયો,
સ્તબ્ધ .. આ શું ???
મારાથી સાત આઠ વર્ષ ઉંમરમાં મોટા શરીરો…
“અલ્યા ઉભો ઉભો જોવે છે શું ? અંદર આવી જા ..??”
મહાદેવ .. મહાદેવ ..ક્રિકેટનો બોલ પડતો મુક્યો અને દોડીને મંદિરે આ શું ?
એમના મમ્મી પપ્પા અને પરિવારોના સબંધો તો કેવા શુદ્ધ ,
અને પેલા મોટાભાઈ નાની બેહનને ભણાવવા બોલાવતા , ખૂબ અઘરું થઇ ગયું હતું મારે સ્વીકારવું ,છેવટે એક કાકાને પેટછૂટી વાત કરી ..
“બેટા આ જગતમાં આવું બધું ચાલતું જ રહે છે, આટલો આઘાત નહિ પમાડવાનો , તારા સંસ્કાર અને સમજણ તને દૂર લઇ ગયા, બાકી બીજો કોઈ હોત તો બે ભેગા ત્રણ એવું થયું હોત , આપણે દૂર રેહવાનું અને કશું થયું જ નથી એમ વર્તન રાખજે , માથાકૂટમાં ના પડીશ સમય સમયનું કામ કરશે..”
સમયે એનું કામ કર્યું .. પકડાયું ..
પણ ત્યાં સુધીમાં બંને પાત્રો એ મહારથ હાંસલ કરી હતી ,
બંને એક સાથે ઘણી બધી નાવડીઓમાં વિહરતા હતા ..!
માબાપના કરમ ફૂટ્યા, મામી રીબાઈ રીબાઈને મર્યા ,અને ફઈ આઘાતમાં ગયા ,મામા બે ત્રણ વર્ષમાં હાર્ટએટેક અને ફુઆ કોઈ વાંક ગુના વિના ડીપ્રેશન ..
કરે કોઈ અને ભરે કોઈ ..!
બંને પાત્રો `વન` ના કાઢી શક્યા “ભાઈ” દારુ અને સિગરેટ અને “બેન” કેન્સર ..
અઠ્ઠાવન કોઈના પૂરા ના થયા ..!
હવે આ આખા કિસ્સામાં મામા અને ફઈ , મામી અને ફુઆ પણ લંપટતામાં જોડાઈ ગયા હોત તો …???
કહાનીનો અંજામ શું હોત …???????
“હશે હવે છોકરાઓથી થઇ જાય , પેલું તાંબાના લોટા વાળી ઉક્તિ વાપરે તો શું ?”
આ અભિગમ ઉર્ફે એટીટ્યુડ વાપર્યો હોત તો શું થયું હોત ???
વીસમી સદી અને એકવીસમી સદીનો આ ફર્ક છે ..!!!
આજે આખા ઘરના ઘર જોડાય છે હરામખોરીની પ્રવૃત્તિમાં અને જેને જે જોઈએ છે તેને તે મળી પણ જાય છે ..
નીતિમત્તાના ધોરણો કોરાણે છે , વિષય આગળ સમાજ હારી ચૂક્યો છે , માતાપિતાને આઘાત નથી લાગતો ..
સહજ લાગે છે..!!
ધંધામાં પણ રીતસરના મોટીવેશનલના નામે સબંધમાં લઈને કેમ લપેટી લેવા એ શીખવાડવામાં આવે છે..
પેલા મામા-ફઈનો હાયકારો ખોવાયો છે ,ફલાણા રૂપિયા એ મારે ગાયની માટી બરાબર એવું કશું રહ્યું જ નથી ..
રૂપિયાને કોઈ પૂછતું જ નથી કે તું કોણ ? ક્યાંથી આવ્યો ?
સમય હતો કે જરાક વધારે રૂપિયા લઈને ઘેર આવે દિકરો તો ઘરડી મા પૂછતી બેટા કશું ક ખોટું કરીને તો નથી આવ્યો ને ? આટલા બધા અમનચમન શેના ઉપર કરો છો ? આપણે ખોટા રૂપિયાની જરૂર નથી..!!
પણ કળિયુગ છે ,શુક્રની અસરો રેહવાની .. ગુરુ અતિચારી થઇ ચુક્યો છે ,આ બારમી તારીખે અસ્તાચળે જશે અને જુલાઈના અંતમાં ઉદિત થશે ,
સંસાર પણ ના જોયેલા દિવસો દેખાડશે..!
આપણે જળકમળવત્
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*