પાણીપુરી ખાવાથી એક બાળકીનું મૃત્યુ થયું ..
બે મોટ્ટા છાપાઓએ સમાચાર છાપ્યા અને પછી આવ્યું કે અંબાજી મંદિરના મોહનથાળમાં વપરાતા ઘી માં ગડબડ ..!!
શું માનવાનું આપણે ? અને શું કરવાનું ? ભારત સરકાર અને તમામ રાજ્ય સરકારોની જવાબદારી કેટલી ?
પેહલી વાત તો ત્યાં જ આવે કે પાણીપુરીને જેટલી નિર્દોષ માની અને ધરા ગુર્જરીની નારીઓ જે પ્રેમથી આરોગે છે એટલી એ નિર્દોષ પાણીપુરી નથી અને પાણીપુરીવાળો પણ ..
છતાંય ગરીબ અને ગરીબીના નામે જેટલું ઝેર પેટમાં રેડી શકાય તેટલી રેડાઈ રહ્યું છે, આવતીકાલે સવારે જો સરકાર પાણીપુરીવાળાઓ ઉપર તૂટી પડે જગત આખું એમની ગરીબીની દુહાઈ આપી અને રડારોળ કરી મુકશે, પણ એ જ પાણીપુરી તમારું કેટલું આયુષ્ય ઓછું કરી ગઈ એના માટે વાત કરવાની આવશે તો તમારું અને મારું મન કબુલ કરવા તૈયાર નહિ થાય, પછી સરકારનો પ્રોબ્લેમ આવશે , મોટે ભાગે સરકાર અને એના મેહકમા પ્રોબ્લેમ છે એ સ્વીકારવા જ તૈયાર નહિ થાય, અને જો થશે તો સરકાર કડક પગલા લ્યે તો હપ્તાના ભાવ વધી જાય..
એટલે આમ જુવો તો બે બાજુ લાડવા છે, સરકારી નોકરી માટે એમનેમ કઈ લાખ્ખોની ભીડ થોડી ઉમટે છે ? સેહજ પણ સરકારી તંત્ર ખાણીપીણી બજારની સામે જોવા સુધ્ધા તૈયાર નથી જેને જે ફાવે તે વેચે છે , ઘઉંના ખાખરામાં કેટલો મેંદો આવે છે એની કોઈ ને ખબર ખરી ? અરે પાણીપુરી અને ભાજીપાઉંના ખાખરા બને છે એમાં શું છે ?
બજારમાંથી છૂટક ખરીદવામાં આવતા પાપડ, ખાખરામાં શું નાખ્યું છે ક્યારેય વિચાર કર્યો છે ? “મનીષાબેન” અને “રમીલાબેન” ના નામે દે દે ચાલે બધું ..
બજારમાં તૈયાર મળતા મસાલા પેટ બાળે છે .. ઓહિયા ઓહિયા કરીને એસીડીટી થાય પણ જીભડાના ચટાકા ખૂટતા જ નથી ..
મારા મમ્મી-પપ્પા એમના બધા પેશન્ટને એમ કહે કે પેટ ને જીભ નથી આપી જીભને પેટ આપ્યું છે, આ એસીડીટી એ પેટની જીભ છે પેટ કહી રહ્યું છે કે ખાવામાં ખબરદાર રહો પણ કીધા ગધેડે ચડે ખરા ? સાહેબ દવા આપોને ઝટ મટી જાય એવી .. બીજી કોઈ વાત જ નહિ સમજવાનું જ નહિ કે આટલી એસીડીટી કેમ થઇ ..! વિચારવાનું પણ નહિ કે આવું કેમ થાય .. બસ ભચડે જ રાખવાનું ..!
આજે ખાવાના નામે અનહદ ઝેર વેચાઈ રહ્યા છે બજારમાં , ભારત આખું ડાયાબીટીસ ,કોલેસ્ટ્રોલ અને હ્રદયરોગની બીમારીઓથી ઉભરાઈ રહ્યું છે, હવે એમાં લીવરની બીમારીઓ વધવા માંડી છે ,સરકાર મેડીકલ કોલેજો અને હોસ્પિટલો ખોલવા તૈયાર છે પણ બજારમાં બેધડક વેચાઈ રહેલા ઝેર ઉપર નિયંત્રણ લાવવા માટે બિલકુલ તૈયાર નથી ..!!
જો કે કેન્સર થતી તમામ પ્રોડક્ટ્સ પણ બિન્દાસ્ત વેચાય છે તો બીજી ક્યાં વાત કરવાની ? તમાકુ ઉપર વળી કઈ સરકાર પ્રતિબંધ લગાવી શકી છે ?
મુઆ ત્યારે .. વસ્તી ભલે ઝેર ખાતી ઘેર ખાવાને બદલે, જીભ ના ચટાકા વસ્તીને ખૂટતા નથી અને દુનિયાભરના કુઝાઈન ખાવા છે તો ભૂખી મરે એના કરતા ખાઇ ખાઈને ભલે મરતી પ્રજા..
આખી ખાવા પીવાની આદતો છેલ્લા બે દસકામાં બદલાઈ ગઈ છે અને હવે સ્ટુડન્ટ અને પીજી કલ્ચરે પુરેપુરો દાટ વાળ્યો છે , છોકરા માવારુઓ ઘેર રાંધી રાંધીને મુકે તો પણ ઘરના ખાવાના ખાતા નથી ,
નગરી અમદાવાદે લારીઓમાં ખાવાના વેચતા લારીવાળા કેટલા ? સરકારની પાસે છે કોઈ આંકડો ? એક ની એક ચા ઉકાળી ઉકાળી અને આદુ મરી નાખી નાખીને ચા પીવડાવતા ગલ્લા અને લારીઓ કેટલા ? અને પછી વારો કાઢો કે હોટેલો કેટલી ? પછી પૂછો કે રેહ્ણાકના કોમ્લેક્ષમાં ભાજાપાઉં ,ફ્રેન્કા ,ઢોંસા ,ઇડલા વગેરે વગેરે કેટલા ઉભા થવા દીધા ?અને એના પછી જરાક સિવિલ હોસ્પીટલમાં જ સર્વે મારો કે પાછલા છ મહિનામાં “કુદરતી” રીતે ગુજરી ગયેલા એ રોજ ઘેર ખાતા હતા કે ઝેર ?
બહુ મોટી સમસ્યા પેદા થઇ ગઈ છે બાહરનું ફૂડ અને જંક ફૂડ …
માં પરણી કાઢી છે લારી ગલ્લા અને હોટેલોવાળાએ લોકોના લીવરની .. ઇન્ડસ્ટ્રીઅલ ગ્રેડના કેમિકલ્સ લોકોના ખાવામાં ઠોકવામાં આવી રહ્યા છે જેને પકડવા લગભગ અશક્ય છે ટેસ્ટીંગ લેબોરેટરીઓ માટે ..
અંબાજીના પ્રસાદની ભેળસેળ એ કેટલા લોકોના શરીરની પત્તરફાડી હશે ?
ધીકતી કમાણી દેખાઈ ગઈ છે હવે મંદિર અને એના પ્રસાદમાં ..!
ખરેખર રોજ સવારે હાથમાં ટીફીનના ડબલા ઝાલી અને બે ટંક રોટલા રળવા નીકળતો માણસ બાપડો અને બિચારો જ છે આ જમાનામાં,
જે હદે લારી ગલ્લા અને હોટેલો ફૂટી નીકળી છે એ જોતા એમાં ટેસ્ટીંગ અને મોનીટરીંગ સીસ્ટમ ગોઠવવી હોય તો સરકારે એક આખી ફોજ ઉભી કરવી પડે એવી પરિસ્થિતિ છે , પણ ખરેખર જો આવનારી પેઢી હોસ્પિટલ ના જાય એવું ઇચ્છતા હોય તો પાણી પેહલા પાળ અત્યંત જરૂરી છે ..
નવરાત્રી અને દિવાળી માથે છે ,લાખ્ખો ટન નાસ્તા પ્રજા ચરી જશે અને કેટલાય મરી જશે પણ મરી ગયા એ તો ભગવાનની મરજી .. અલ્યા જે ને તે ચરતો હતો એટલે ઉકલ્યો..
ગાંઠિયા જેવી વસ્તુમાં કોઈ માપદંડ ખરો કે એક કિલો ચણાનો લોટ લઈએ તો કેટલો સોડા નાખવાનો ? અને ચારેય બાજુ જુના ,નવા ફરસાણવાળા ક્યારેય કયો સોદા વાપરે છે એ લખે બોલે છે ? તેલના તાવડા બાહર મુકે એટલે ખબર પડે કે ક્યું તેલ વપરાઈ રહ્યું છે પણ એ ડબ્બો જ સસ્તાના ચક્કરમાં તમારો ગાંઠિયાવાળો નકલી લાવ્યો હોય તો તમને અને મને શું પિત્તળ ખબર પડશે ?
સો વાતની એક વાત ખાધાની ખબર રાખવી જ રહી બાકી કર્યા ભોગવવાના જ છે , ભીમ ખાય અને શકુની હંગે એવું મહાભારતમાં થાય , બાકી આપણે જો શેડીયા મરચાં ખાધા હોય તો ચોક્કસ જગ્યાએ મસા આપણને જ થાય , આપણા કાકાના દિકરાના મામાને ના થાય..!
સત્તર-અઢાર વર્ષના છોકરા-છોકરીઓને ચોક્કસ જગ્યાએ મસા અને ભગંદર થાય છે , પડીકા ઉપર ઉછરેલી પ્રજા છે , કોણ જાણે આગળ જતા શું થશે ?!!!!
અલ્યા એઈ ઘેર ખાજો ઘેર .. ખોટા લીવર ઉડાડી મુકશો ..દારૂબંધીનો કોઈ મતલબ ખરો ? દારૂને બદલે આ ખાવાના હવે લીવર ઉડાડે છે ..
હશે ત્યારે કર્યા ભોગવવાના છે ..!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*