શૈશવભાઈ તમે મારા ફોટાને લાઈક કેમ નથી કરતા ..?
એક સામાજિક મેળાવડામાં લગભગ પિસ્તાળીસે પોહ્ચેલા એક બેહને મને રીતસરનો કાંઠલેથી ઝાલ્યો..
એમના બોલવાનો સ્વર એટલો બધો ઉંચો હતો કે આજુબાજુના ઉભેલા લોકો પણ એકવાર વિચાર કરતા થઈ જાય..જવાબ શું આપવો આપણે ? કોઈ ગુન્હો કર્યો હોય એમ છોભીલા પડી જાવ તમે એવી રીતે સવાલ કરવામાં આવ્યો..
અને આપણે આવા સવાલને માંગણી સમજવી, હક્ક સમજવો,કે આદેશ સમજવો ..? અને એ પણ એવી વ્યક્તિ કે જેમની સાથે થોડોક દુરનો સબંધ હોય ફક્ત અને ફક્ત સામાજિક પ્રસંગો એ જ મળવાનું થતુ હોય..!
એકદમ કફોડી હાલતમાં મુકાઈ જવાય..રસ્તો શું ?
ત્યાં ઉભા ઉભા જ ખોટુ ખોટું હસતા હસતા ફેસબુક ખોલી એમની ટાઈમ લાઈન પર જઈને લાઈક મારી..!
અને પછી જ એ બેહન ત્યાંથી ખસ્યા..
કેવા કેવા નવા નવા સમીકરણો ગોઠવાઈ રહ્યા છે આ ઓનલાઈન સોશિઅલ મીડિયાના ચક્કરમાં .!
લાઈકને “વ્યહવાર” બનાવી દીધો છે અને યંગ જનરેશનમાં તો રીતસરનું ગાંડપણ કહો કે ઘેલછા થઇ ગઈ છે કેટલી “લાઈક” વધારે થઇ..
ક્યાંક “અતિ” તરફની “ગતિ” છે..
લાઈકના ચક્કરમાં મોઢા ત્રાંસા સીધા(પાઉંટ) કે પછી પોઝીંગ કરી કરીને ફોટા પડાવી અને જનતા અપલોડ કરતી થઇ ગઈ છે..
અને એવું નથી કે ખાલી છોકરીઓ કે સ્ત્રીઓ આ ચક્કરમાં છે અચ્છા અચ્છા પુરુષો અને યંગ છોકરાઓ પણ લાઈક “ભૂખ્યા” થઇ ગયા છે..
તમે અમુક છોકરાઓની ટાઈમ લાઈન ચેક કરો તો હમેશા કોઈને કોઈ છોકરી સાથેનો જ એનો પીક અપલોડ થયેલો હશે..મને નહી તો મારી જોડે ઉભેલી “માયા”ને પણ લાઈક આપો..
જયારે એની સામે ઘણા “લોકો” ના કુતરાને પણ લાઈકનો ઢગલો થઇ ગયો હોય છે..!
માલેતુજારના તળવા ચાટવા પણ આ લાઈક અને કોમેન્ટ્સ “બીઝનેસ” નો ભરપુર ઉપયોગ થાય છે..!
વોટ્સ એપ ગ્રુપ્સમાં પણ આવા જ ધંધા થાય છે અને એમાં પણ ફેમીલી વોટ્સ એપ ગ્રુપમાં જ્યાં આર્થિક વિષમતા વધારે હોય ત્યાં તો ખાસ ..
પેલો માનસિક રીતે જમીન છોડી અને ભોયરામાં રેહતો કઝીન શારીરિક રીતે આસમાનમાં વિહરતા (પ્લેન માં ફરતા ભાઈ) કઝીનને એના “સંડાસગમન” ની પણ શુભેચ્છા પાઠવી દેતો હોય છે, અને એમાં મારા જેવો અકળાઈ જાય કે યાર શું ધંધા માંડ્યા છે તે..
આભાસી દુનિયામાં તો આદિકાળથી માણસ જીવતો આવ્યો છે અને એને કદાચ આપણે સપનાની દુનિયા કહીએ છીએ.સપનાની દુનિયા હમેશા આપણી આજુબાજુ ફરતી હોય છે અને એ દુનિયા ક્યારેક આપણા કન્ટ્રોલમાં હોય અને ક્યારેક આપણા કન્ટ્રોલની બહાર પણ ચાલ્યા કરે છે, સવાર પડે આંખ ખૂલ્યે રાતના સપના ભૂલી અને કામે વળગી જઈએ,
પણ અત્યારની જે આભાસી દુનિયા આપણે પકડી છે એમાં તો દિવસ રાત નો કોઈ ફરક જ રહ્યો નથી લગભગ આખી દુનિયા ચોવીસે કલાક સ્વપ્નમાં જીવતી થઇ ગઈ છે અને જેવી જેની ઓકાત એવી એની લાઈક, અને એ લાઈકની ઉપરથી એનું સામાજિક સ્ટેટ્સ પણ લોકો નક્કી કરતા થઇ ગયા છે..!
ટીનએજ છોકરાઓમાં એકબીજા ના ફ્રેન્ડ લીસ્ટ ફંફોસવા અને એમાંથી છોકરી પટાવવી કે પછી છોકરા જોડે સેટિંગ મારવુ એ એક જબરજસ્ત મોટી ફેન્ટસી છે અને જેને એમાં સકસેસ મળે એના માટે એ “એચીવમેન્ટ” થઇ ગયું છે..
આજકાલના છોકરા છોકરીઓ માટે ટિંડર અને બીજી ડેટિંગ સાઈટ કે એપ પર નાં હોવું એ શરમજનક બાબત છે .. તું ટિંડર યુઝ નથી કરતી ? મારે તો રોજના ત્રીસ “પાસ” આવે છે ટિંડરમાં ..!(રોજના ત્રીસ છોકરા મારી સાથે રખડવા તૈયાર છે)
અને આ ટિંડરની આડઅસરમાં ઠેર ઠેર બે ત્રણ કલાકના પાંચસોથી લઇને બારસો રૂપિયામાં રૂમ આપતી હોટેલોના રાફડા ફાટી નીકળ્યા છે..
ઓનલાઈન મીડિયા “લાઈક” થી આગળ વધીને હવે “પાસ” સુધી આવ્યું છે..
પણ આમ જોવા જાવ તો આ બધા ઓનલાઈન મીડિયાની “સફળતા” પાછળ ક્યાંક વધી ગયેલી એકલતા છે, પાંચ દસ ભાઈ બેહનો ના મોટા કુટુંબ હતા અને ઓછી જગ્યામાં વધુ માણસો રેહવા આપણે ટેવાયેલા હતા એક નાનકડા ઘરમાં દસ દસ અને બાર બાર માણસો રેહતા અને કુટુંબમાં એક બીજાની હુંફ મળતી હતી,
જ્યાં સુધી ઈલેક્ટ્રોનિકસ ઘરમાં આવ્યા જ નોહતા ત્યાં સુધી એકબીજાના ઘેર આવવા જવાના વ્યહવાર હતા ,રવિવારે દુરદર્શન પર પિક્ચર આવવાના ચાલુ થયા અને સામાજિક વ્યહવારો તુટવાના ચાલુ થયા અને એ જ સમય ગાળામાં “અમે બે આમારા બે આવ્યા” ,ન્યુકલીયર ફેમીલી ચાલુ થયા ઘરમાં ઇલેક્ટ્રોનીક્સ ઉપકરણો વધતા ગયા અને માણસો ઘટતા ગયા, સાથે સાથે ઘર પણ મોટા થતા ગયા ..દેશની વસ્તી વધી પણ કુટુંબની વસ્તી ઘટી ગઈ..
આજે પણ આ “લાઈક ભૂખ્યા” લોકોનું એનાલીસીસ કરું છું તો એના જીવનમાં એની પાછળ રહેલી એકલતા પડઘાય છે..
ઉભા ઉભા જ સામાજિક મેળવડામાં “લાઈક ભૂખ્યા” બેહનને લાઈક આપી દેવાનું કારણ પણ આ જ હતુ..
ઓનલાઈન અને ઈલેક્ટ્રોનિક મીડિયા એ અંતર ઘટાડ્યા કે વધાર્યા એ કળાતુ નથી પણ એટલું ચોક્કસ છે કે મન પર નો કાબુ ઓનલાઈન મીડિયા એ મેળવી લીધો છે ..
મારી ઓનલાઈન “હાજરી” જેટલી લાઉડ અને ક્લીયર એટલો જ હું “મોટો” સમાજ માં, આજે આવી પરિસ્થિતિ આવીને ઉભી રહી ગઈ છે..
બેસણા ના ફોન થતા લગભગ બંધ થતા જાય છે, ખાલી વોટ્સ એપ થઇ રહ્યા છે , કંકોત્રી પણ વોટ્સ એપ થતી જાય છે..
પેહલા કુટુંબ નાના થયા, હવે પ્રસંગ પણ નાના થતા જાય છે,મરણમાં પચાસ માણસ તો ઘણું થયું અને લગનમાં બંને બાજુનું થઈને પાંચસો કે સાતસો બસ,
ઘરની બહાર નીકળ્યા વિના જ જો વ્યહવાર સચવાતો હોય તો એનાથી ઉત્તમ કશું જ નહિ..
હોસ્પિટલમાં વોટ્સ એપ સ્વજનને સાચવતી થઇ ગઈ છે..
અને આ બધાની આડ અસર કે સીધી અસર કહો તો માણસને હવે માણસ વધુ સમય માટે સેહવાતો નથી, “સ્ક્રોલ” કરવા જોઈએ છે, મિત્રો પણ ઝડપથી બદલાતા જાય છે અને જીવનસાથી..
સ્ક્રોલ કરીને આગળ વધી જવાની વૃતિ જીવનમાં વધતી જાય છે અને એનું સીધું ઉદાહરણ છે લીવ ઇન રીલેશનશીપ ..
જીવન એ વોટ્સ એપ કે ફેસબુક નથી લાઈકની ભૂખ સ્ક્રોલ કરવાની આદત આપે છે …!
અને ફેસબુક માં પણ બહુ સ્ક્રોલ કરીએ ને તો એની એ જ જોયેલી પોસ્ટ પાછી આવે છે અને વોટ્સ એપમાં નવા મેસેજની રાહ જોવી પડે છે એના કરતા લાઈકની ભૂખ છોડો અને ફેસબુક કે વોટસ એપને જીવનનો “એક ભાગ” બનાવો નહિ કે “જીવન” …!!
આપનો રવિવાર શુભ રહે
શૈશવ વોરા
તા.ક. :- કરો શેર બીજા ગ્રુપમાં બીજું શું હે..