વા વાયો , નળિયું ખસ્યું, કુતરુ ભસ્યું… દોડો દોડો દોડો ..આકાશ પડ્યું..!!!
આખું જંગલ દોડ્યું .. અરે પણ કોઈ પૂછો તો ખરા ???? કેમ દોડે છે ?
આકાશ તૂટી પડવાનું હતું જ…
મને ખબર છે , હવે મને પેટ્રોલ ભરી જ લેવા દે ..
સોશિયલ મીડિયા જોઈ જોઈને દરેકના મગજમાં આ એક જ વાત ઘૂસી ગઈ છે ..! અછત સર્જાવાની છે..
વચ્ચે કોઈક વેપારી ને ત્યાં ગયો હતો કોઈક કામથી , સિલિન્ડરો જોઈએ છે, ગમ્મે ત્યાંથી કરી આપો, એવા મતલબના એમને ફોન આવતા હતા ..!!
શું મતલબ ???
જો ખરેખર જાણો છો તો સજાગ રહો.. પેટ્રોલની અફવાની ચાલેલી આંધીમાં ખરેખર જેમને પેટ્રોલ ડીઝલ ના હોય એવા કેટલાય બધા લોકો સલવાઇ ગયા , એક ડોક્ટર સાહેબ એવા ભરાયા કે ના લાઇન છોડીને બહાર જવાય કે ના નંબર આવે , કરવું શું ?? ઓપીડી કેન્સલ કરી…!!!
જુના અમદાવાદમાં આને પડીકા ફેરવવાનું કહેતા હતા, આજે સોશિયલ મીડિયા થકી નવા સ્વરૂપમાં પડીકા ફરવા માંડ્યા , જનતા દોડાદોડી પણ કરી મૂકે..
અમદાવાદની આ તાસીર રહી છે, સહેજ પડીકું ખુલે અને દોડાદોડ…
જાણે રહી જ ગયો છે ,
જો હવે કોઈ એમ કહી દે કે કાલ સવારથી પાણીપુરી નહીં મળે તો પાણીપુરીના દરેક ખૂમચા ઉપર રાત્રે 3 વાગ્યા સુધી લોકો પાણીપુરી ખાઈ લે , અને એના માટે વસ્તી જે લાઈનો લગાડે એ અકલ્પનીય હોય..
એમાં પણ એવું કંઈક કહી દે કે જો રાત્રે તમે પાણીપુરી નહીં ખાઓ તો બહેનોના ભાઈઓ બધા મરી જશે, જે બહેનો છે ભાઈ નથી તેમના વર મરી જશે .. આવું કંઈક ગતકડું અંદર ઘાલી દે તો એક સમયે એવો ચોક્કસ આવે કે આખા દેશના આજુબાજુના બધા જ રાજ્યોમાંથી તમારે પાણીપુરી ઇમ્પોર્ટ ગુજરાત ખાતે કરવી પડે એટલી પાણીપુરીઓ ઠોકી જાય…
અમદાવાદને અફવા ફેલાવવામાં ,પડીકા ફેરવવામાં કોઈ માપ જ નથી..
શું મજા આવતી હશે એ ખબર નથી પડતી.. એકન્ઝાઈટીમાં પોતે આવી જવું અને પોતાની સાથે બીજા બધાને લઈ જવા આ અમદાવાદી સમાજની એક ઈમમેચ્યોરિટી દેખાડે છે..
ઠાવકાઈનો અભાવ દેખાડે છે,
ઘર પાસે આવેલા પેટ્રોલ પંપ ઉપર મર્સિડીઝની એસ ક્લાસ મેબેક , audi ની q7, ઉપરની મોડલો થી લઈ અને ડિફેન્ડર…
એટલે તમે વિચારો કે એક એક કરોડ ઉપરની ગાડીઓના માલિકો ગાંડપણે ચડ્યા હતા અને લાઈનોમાં ઊભા રહેલા …
મને થાય બ્રુટસ તું પણ…!!!!!!
એમને જોઈ અને ટુ-વ્હીલરવાળા તો બિચારા જેને કહેવાય ને કે ટોળે વળ્યા હતા …
જો કે ટુ-વ્હીલરમાં ઘણી બધી વખત એવું મેં જોયું છે કે સો રૂપિયાનુ પેટ્રોલ પુરાવે , કોઈ બસોનું પેટ્રોલ પુરાવે.. બધા મોટેભાગે ટાંકીઓ ફૂલ નથી રાખતા… કારણ કે પેટ્રોલ ચોરાઈ જવાની ભીતિ હોય છે,
પણ જ્યારે તમે આવડી મોટી ગાડીઓ વાપરો છો ત્યારે તમારી પાસે પેટ્રોલ ના હોય એવું બને ??? કે ડીઝલ ના હોય એવું કેવી રીતે બને.???
એક સમય હતો, હું તો નહોતો જન્મ્યો પણ વાતો સાંભળી છે કે 1962 ના યુદ્ધમાં માણેકચોકમાં ચાદર પથરાઈ , હથિયારો ખરીદવા લોકો પોતાના પહેરેલા ઘરેણા ચાદરમાં ફેંકી અને જતા રહ્યા હતા,
દેશ માટે આટલી મોટી કુરબાની આપવા માટે એ લોકો તૈયાર હતા અને એ લોકોએ આપેલી હતી , ત્યારે આપણે આ દેશ પામ્યા છીએ…
અત્યારના સમયમાં શું થાય ????
ખરેખર જરાક ચિંતા અને ચિંતન બંનેનો વિષય છે …
તમે પેટ્રોલ ના હોવાને કારણે ઘાંઘા થઈ જતા હો , કોઈપણ વસ્તુની લાઈનમાં ઊભા રહી જવા તૈયાર હો …તો આ પ્રજા કેટલા બલિદાનો આપવા માટે સક્ષમ છે ??? સવાલ તો થાય…
યુદ્ધ કેટલું ચાલશે અને એના પરિણામો કેટલા દૂરગામી અસર કરશે… ભારત દેશને…???
એના વિશે અત્યારે કોઈ માંધાતા ખોખારીને બોલી શકે તેમ નથી, છતાંય એટલા બધા સ્પેક્યુલેશન ચાલી રહ્યા છે , લોકો બેફામ વાતો કરે છે, આણે આમ કરી નાખ્યું , આણે આમ નહોતું કરવાનું, આના લીધે તેમ થયું, અરે ભાઈ આ મોબાઈલમાં સતત જોઈ જોઈને તારું મગજ બગડી ગયું છે …
શાંતિથી રોજ કલાક દોઢ કલાક મોબાઈલને બાજુ પર મુક , ટીવીનો સ્ક્રીન પણ ના ખોલીશ .. કંઈક બીજું ક્રિએટિવ કામ કર બાપા…શાંતિથી બેસ , જપ ખા … કંઈક કામ લાગે એવો વિચાર કર..
આમને આમ તારું મગજ સડી ગયું છે અને અમારા મગજ તું સડવી નાખે છે….
જે પરિસ્થિતિ ચાલી રહી છે એમાં ઘણા બધા મોટા મોટા કારખાના શટ ડાઉન થાય એવી પરિસ્થિતિ છે અને એના કારણે ધીમે ધીમે ડાઉન ધ લાઈન બીજા બધા નાની સાઈઝના કારખાનાઓ પણ અસર પડવાની અને યુદ્ધની અસરો વર્તાવા લાગશે સંજોગો કપરા થાય પણ ખરા અને દેવયોગે કોઈ સહાય મળી જાય તો બધું સમુસૂતરું પણ ઉતરી જાય ..કશું કહેવાય એવું નથી ભર્યું નાળિયેર છે..!!
સો વાતની એક વાત આપણે ભારતીય છીએ અને કોઈપણ વસ્તુ વિના ચલાવી લેતા આપણને આવડે જ છે ,પણ આપણે ભૂલી ચૂક્યા છીએ અને જીદે ચડ્યા છીએ કે મારે તો આ જોઈએ છે , અને આ ના હોય તો મને બહુ તકલીફ પડી જાય …
ફક્ત આ એટીટ્યુડ નીકળી જાય પછી જુઓ કમાલ..
થોડાક માઠા સમાચાર છે, શાંતિ વાર્તા માટે ઇસ્લામાબાદને પસંદ કરવામાં આવ્યું છે..
આવી કંઈક વાતો આવી, પણ ઈરાને ઘસીને ના પાડી દીધી છે જરા મન ખારું ચોક્કસ થઈ જાય કે નવી દિલ્હી દૂર નથી…
ફારસની ખાડી માટે આજે ખોખારીને કહેવાયું છે કે ભાઈ જગ્યા તો કરવી પડશે નહીં ચાલે પણ સામસામે હુમલા અટક્યા નથી એટલે ઊંટ કઈ બાજુ કરવટ લઈને બેસે એ નક્કી નહીં…
અહીંયા જૂઠ જૂઠના સરદારો ભેગા થયા છે.. સાચાનો સમય નથી કુટનીતિ કરતા કુટિલ નીતિ નો ઉપયોગ કરવો પડે એવો છે કૂટનીતિના દિવસો કદાચ પૂરા થયા છે..
કુટીલ થવું પડે ત્યારે 140 કરોડની વસ્તીના પેટ ભરાશે..
વાતાવરણમાં ગજબ પલટો છે ચૈત્ર મહિનામાં વરસાદ અને કરા પડે છે, કારણ યુદ્ધ હોઈ શકે ખરું ???
આવી એક આશંકા થાય છે, લાખો ટનના બોમ્બ સામસામે ફેકાયા છે , પર્યાવરણને કેટલું નુકસાન થયું હશે ??? અને પર્યાવરણ એને સરભર કેવી રીતે કરશે ??? એના વિશે તો ભૂલથી પણ કોઈ બોલતું નથી ,ને વિચારતું નથી, હાલનું ભારત વર્ષનું આ ખોરવાયેલું ઋતુ ચક્ર યુદ્ધને આભારી તો નથી ને????
એક બીજા સમાચાર પણ છે , જાપાનમાં ટોયલેટ પેપર ખલાસ , ત્યાં પણ લોકોએ ટોયલેટ પેપર ભેગા કરી લીધા..!!
શું અમદાવાદ અને શું જાપાન …???
એલા પાણીથી તમારા બાપદાદા પણ ધોતા જ આવ્યા છે , અને મારા જેવા તો દુનિયાના ગમ્મે તે ખૂણે જાય પણ આપણને તો પાણી જ ફાવે ..!!
આપણને પ્રિન્ટરમાં કાગળો બચાવવાના ઢગલા એક મેસેજો નાખતા હોય એ પશ્ચિમ ને એમ ના કહી શકાય કે કાગળિયા મૂકો અને પાણીથી ધુઓ..!!
ઘણા જંગલ બચી જાય… પણ ગરીબનું કીધું ભિખારી માને ..????
ડહાપણ હોય તો રૂપિયા અને સામર્થ્ય બંને જોઈએ તો જ તમારું ડહાપણ કામનું બાકી આ જ ડહાપણ બહુ પીડા આપે ..
ભારત પીડાઈ રહ્યું છે એના પોતાના ડહાપણથી … સામર્થ્ય અને રૂપિયા હશે તો જ જગત તમને બોલાવે અને સાંભળે ..!!
બાકી બકવાસ કરે છે.. એમ કહે જગત ..!!
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*