થોડાક બાબુ સાહેબો ઉર્ફે સચિવોએ રાજ્યો દ્વારા થતી લહાણી માટે બુમાબુમ કરી ..!!
બહુ કેહવાય નહિ ?
છેક હવે જાગ્યા..!!
છેવાડાના માનવી સુધી પોહચતા પોહચતા કેટલાને મેવા રેડવા પડ્યા ?
અને તો પણ જેમ રમેશબાબુને ચુટકી સિંદૂરની કિંમત ખબર નથી પડતી એમ “બાબુ સાહેબ ”ને એક વોટની કિંમત ખબર છે ?
મફત…મફત.. મફત.. આટલી બુમો પાડો નગરી અમદાવાદની ગલીઓમાં પછી જુવો ભીડ..!!!
અમારા ઘરની બાજુમાં એક પ્રદર્શન માટે નો હોલ છે જ્યાં બારેય મહિના સેલ આવતા હોય છે, અમે ક્યારેક રાત્રે એ તરફ નીકળીએ ત્યારે વિચાર કરીએ કે આ જાંગીયાથી લઈને મરી મસાલા, અથાણાના સેલ અહીં લાગે છે, પણ ક્યારેય મંદી ડોકાતી નથી અહિયાં ..!!
રીક્ષાઓ ની રીક્ષા અને ઘણીવાર તો મોટી મોટી કરોડ-કરોડ રૂપિયાની ગાડીઓની લાઈન લાગે ..!! સાંભળ્યું છે કે હવે ત્યાંની એન્ટ્રી ટીકીટ સો રૂપિયા રાખી છે જે તમે કૈક ખરીદી કરો તો બાદ મળે..!!
અરરર ર ર … મફતમાં તો……(ગાળ ,ગાળ ,ગાળ ) હવે શું કહું …..?
મીડિયા કાગારોળ મચાવી રહ્યું છે કે મફતના ચક્કરમાં લંકા લુંટાઈ ગઈ..!!
લંકાના લુંટાવા પાછળના ઘણા કારણો છે, વિદ્વાનો એની છણાવટ કરી રહ્યા છે પણ વાર્તા હજી ચાલુ છે એટલે ફાઈનલ કારણ તો વાર્તા પૂરી થયે જ હાથ લાગે અત્યારે તો બધું જો અને તો ઉપર ચાલે છે..!
હમણાં બેંકોની હડતાલ હતી અને આપણે જરાક ભમ્કેલીમાં બેંકમાં ગયા એક મેનેજર હાથ ચડી ગયો .. મેં કીધું આજે હડતાલ પાડી છે તો તમે જમશો ખરા ? મારા બાપા અને આખા દેશના બાપા એવું કેહતા કે શ્રમના કર્યો હોય તો ભોજન ના કરાય પણ તમે તો બધું ચાર દિવસ જલસા કરવા બેસી ગયું છે..!!
બસ અહિયાં જ ખાટલે ખોડ પડે ..!!
કામ કરવું નથી અને જલસા કરવા છે..!!
આજકાલ કામ નાં કરતી પ્રજાને હવે નવો ટાઈમપાસ મળી ગયો છે , મોબાઈલ હાહમાં ઝાલી અને દે દે વેબ સીરીઝો અને ગેઈમ રમ્યા કરવી છે..!!
આખો ચીન દેશ એક સમયે ગાંજો ફૂંકીને પડી રેહતો, આજે ભારત દેશ પણ જુદા જુદા પ્રકારના “ગાંજા” ફૂંકી અને પડ્યો રહે છે..!!
નશો કોઈ એક જ પ્રકારનો હોય એવું જરૂરી થોડી છે ?
મફતનો પણ એક નશો છે, પ્રાણીમાંથી માણસ “થયો” પણ મફતની ટેવ ગઈ નહિ..!
વાંદરાની જેમ બધી વસ્તુ મફત જોઈએ, વાંદરો તો કોઈક ફળ બી સાથે ખાઈને એના મળ ત્યાગમાં બીજ આખે આખું બાહર કાઢે અને ક્યાંક એ બીજ વૃક્ષ બની અને ઉગી નીકળે ..!
કુદરતે દરેકને કોઈ ને કોઈ કામ બિલકુલ ગોઠવી આપેલું છે, પણ ઉત્ક્રાંતિ થઇ અને પછી ક્રાંતિ કરતો થઇ ગયો માણસ એટલે ફાઈનલી ઢોર થી પણ ખરાબ બની બેઠો..!!
૧૩૦ કરોડમાંથી નેવું કરોડ ઉપરની વસ્તીને મફત ખવડાવવું પડે છે..!
માણસમાંથી ઢોર થઇ ગયા પાછા..??!! કે એનાથી પણ ગયા ..!
અરે મનરેગાના ખાડા ખોદાવો છો એના કરતા ડુંગરા ઉપર બીજ રોપાવો અને ઉપર થોડા છાણીયા ખાતરો નખાવો તો દસ વીસ વર્ષે મફત ખવડાવેલુ લેખે લાગશે..!
ઝૂંટમઝૂંટી ચાલી રહી છે, સીસ્ટમની અંદર કોઇપણ રીતે ઘુસી જાવ અને પછી મચાવો..!
સંગીત શીખતો ત્યારે જયજયવંતીમાં હોરીનું એક પદ આવતું
ધૂમ મચાઈ હૈ મોહન બ્રીજમેં ,
અબીર ગુલાલ કેસર ,પિચકારી અનેક રંગ બહેગો ..!
બસ બધાએ ધૂમ મચાઈ છે ..જેના હાથમાં આવ્યા છે અબીર ,ગુલાલ, કેસર કે પિચકારી બહેગો અનેક રંગ ..!
કોઈ બીજી વાત જ નહિ ..!!
રૂપિયા કમાવા છે ? સીસ્ટમને તોડો .. એક જ થીયરી ચાલી રહી છે બજારમાં..!
રોજના સો કરોડનો ચૂનો બેંકોને લાગે છે એવું કૈક છાપામાં ક્યાંક વાંચ્યું હતું, ઠીક છે હવે પ્રજા ટેવાઈ ગઈ છે, જેવી કોઈ લોનની સ્કીમ જાહેર થાય એ ભેગી વસ્તી બેંકોમાં લોન લેવા દોડે છે અને અમુક લોનો તો ખરેખર એવી હોય કે જે ક્યારેય પછી નથી જ આવવાની એવું જાણતા હોવા છતાં પણ અપાય છે..!!
આર્થિક ચિત્ર દુનિયા આખીનું બગડતું જઈ રહ્યું છે, ગ્લોબલ વિલેજની કલ્પના ભાંગી ને ભુક્કો થઇ ચુકી છે, કોવીડ અને પછી ઉપરથી આ રશિયા યુક્રેન .. ક્રુડ ઓઈલ બેઇઝ ઈકોનોમી દુનિયાભરના શાસકોને હવે રડાવી રહી છે..!
લોકતંત્ર છે મોટેભાગે એટલે એવું લાગે છે કે લગભગ દરેક દેશોમાં ચૂંટણી પછી સત્તા ભોગવતો પક્ષ વિદાય લેશે અને નવા સમીકરણો ગોઠવાશે, ભારતનું શું એમાં ..? આવો સવાલ ચોક્કસ થાય તો દુનિયા સવા વાંસ ડૂબે તો ભારતે વાંસ તો ડૂબવું જ પડે બીજો કોઈ રસ્તો નથી..!
એક્સપોર્ટના આંકડા બહુ મોટા આવ્યા છે પણ ઈમ્પોર્ટના આંકડા કેટલા ઘટ્યા ?
અને શું વેચી ખાધું ? વેલ્યુ એડેડ પ્રોડક્ટ છે કે પછી રો મટીરીયલ ? કે પછી સાવ વર્ચ્યુઅલ ? લોજીસ્ટીકની બબાલો દુનિયા આખીના ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કરનારાને રડાવી રહી છે ,ઘાટ કરતા ઘડામણ વધારે આપી ને માલો દેશાવર જાય આવે છે એટલે આવા સવાલો મનમાં થાય..!!
કોવીડમાં બધું અટકી ગયું કે આઘુપાછું થઇ ગયું ,પણ નથી અટક્યું તો એક જ પ્રોડક્શન.. વસ્તી વધારવાનું ..!
૧૨૦ કરોડના ૧૩૦ ,હવે ૧૪૦ પછી ૧૫૦ કરોડ .. ક્યાં જઈને અટકશે એ તો હવે ઝુંપડીએથી મંદિરે બેઠેલા રામ જાણે પણ વસ્તારને ખવડાવવું એ ધીમે ધીમે ટાસ્ક થઇ જશે , ખાતરોના ભાવ દુનિયા આખીમાં વધતા જાય છે ,વિદ્વાનો એમ કહે છે કે લંકા ઓર્ગેનિક ખેતીના ચક્કરમાં લુંટાઈ છે ,અહિયાં એવી ચાંપલાશપટ્ટી કરવા જઈએ તો રોટી રમખાણ થઇ જાય..!!
રત્નગર્ભાના રત્નો ખોદી ખોદીને વાપરી રહેલા માણસ નામના પ્રાણીને હવે કેટલો સમય સહન કરશે વસુંધરા ?
એની વે.. મારા જેવા માટે તો વાંદરાની જેમ મફત કશું ના ખાઈએ પણ કમ સે કમ વાંદરાની જેમ કાચું ખાઈએ તો અડધી દવાઓ બંધ થઇ જાય..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)