માગશર મહિનો આગળ વધતો જાય છે અને લગ્નોના મુર્હુત એક પછી એક વિતતા જાય છે..સાતમી અને આઠમી તારીખે પુષ્કળ લગ્નો છે..
ફેસબુક ઉપર લગ્નસરાના ફોટા અને વિડીયો એક પછી એક આવતા જાય છે,
“નોટબંધી”ની કોઈ લાંબી અસર દેખાતી નથી,પાર્ટી પ્લોટવાળાઓએ ચેકથી પેમેન્ટ લેવાના ચાલુ કરી દીધા છે અને સર્વિસ ટેક્ષ લગાડી દીધો..
પ્રસંગ લઈને બેઠેલાને પ્રસંગ થોડા મોંઘા પડે છે,પણ હવે લાખ ભેગા સવા લાખ..! પ્રસંગ લઈને બેઠા છીએ તો હવે પાર પાડ્યે જ છૂટકો, અને વાત પણ સાચી છે ક્યાં આ જમાનામાં પાંચ સાત છોકરા હતા, એક કે બે બસ..એમાં વળી પંદર ટકા સર્વિસ ટેક્ષમાં ક્યાં રડવાનું..!
હમણા એક લગ્નમાં જવાનું થયુ લાઈવ ઢોકળા જોડે ભજીયાનું કાઉન્ટર અને મસ્ત બટાકાનું રસાવાળુ શાક,દેશી ગુજરાતી દાળ અને ભાત..! બીજા બધા તો પેલા ચાયનીઝ મેક્સિકન અને etc. તો ખરા,પણ ખરેખર પ્રજા ભજીયા અને ગુજરાતી ખાવા માટે લાઈન લગાડીને ઉભી રહી ગઈ હતી..!
લાગે છે હવે મેક્સિકન ,ચાયનીઝ ,ઇટાલિયન વગેરે વગેરેનો અતિરેક થયો છે મન અને “જીભડી” જુનુ માંગી રહી છે..!
થોડાક સમયથી ગમે તેવી મોટી કે નાની ઇવેન્ટ હોય પણ લગ્નોમાં ગુજરાતી જમવાના કાઉન્ટર પણ હવે ઘણી બધી જગ્યાએ મુકાવા લાગ્યા છે,અને પ્રજા પ્રેમથી એ તરફ જાય છે પણ ખરી..!
હું મારી વાત કરું તો આપણને તો “વરા” ની ખાટ્ટી ગળચટ્ટી દાળ,ભાત અને ચોખાના પાપડ,બટાકાનું શાક અને એમાં ઉપરથી ભજીયા ,બટાકાવડા ..ચાર પાંચ પૂરી અને મીઠાઈમાં તો પછી જે હોય તે ચાલે..અને આટલુ બધુ મળતું હોય તો પેલા બીજા બધા કાઉન્ટર પર નજર કરવા જાય એ બીજો..!
બહુ ખાધા પાસ્તા,પીઝા,લેબેનીઝ,ચાયનીઝ,મેક્સિકન અને ચોપ્સી..
એ શૈશવ”કાકા” તમારી ઉંમર થઇ ગઈ..!!
એ કોણ બોલ્યું આ…સાલે બુઢ્ઢા હોગા તેરા બાપ..!
એક્ચુલી એવું થાય છે કે આપણે ત્યાં દુનિયાના જે કોઈ પાર્ટના જમવાના બનાવવામાં આવે છે એ બધા ગુજરાતી ટેસ્ટને ધ્યાનમાં લઈને જ બનાવવામાં આવે છે, એટલે પીઝા જેવી બહુ જ ચવાઈ અને ખવાઈ ગયેલી વસ્તુ પણ હવે દેશી ટેસ્ટની જ બને છે, અને લગ્નોમાં પીઝા ના કાઉન્ટર પર મળતા પીઝા ઘણીવાર ભયાનકતાની હદ વટાવી પાર કરી જાય છે એટલે એ પીઝા ટ્રાય કરવા એના કરતા ગુજરાતી દેશી ખાવાનામાં આ બધા “રિસ્ક” ઘટી જાય છે..!
ગુજરાતી પીઝા જેની ઉપર ચાટ મસાલો પણ ક્યારેક નાખેલો હોય અને એવું ખાવું એના કરતા બટાકાનું રસાવાળું શાક ખાવું સો ટકા વધારે સારું..અને હા પીઝા ને છોડો અને લગ્નોમાં ને હોટલોમાં આપણે અપનાવેલા પંજાબી ફૂડની વાત કરવા જેવી ખરી..?
ત્રાહિમામ ત્રાહિમામ થઇ જવાય છે.. એના એ જ પનીર અને “આજીનો મોટો” વાળી ગ્રેવી, ગમે ટીવી મોટી હોટેલ હોય તો પણ એ હોટલોમાં પણ પંજાબી એટલે ત્રણ ચાર પ્રકારની તૈયાર ગ્રેવી અને પછી એમાં પનીર કે કોફતા, દે દે ઠોકારે નાન,કુલચા..સત્યનાશ
જો ખરેખર નોર્થ ઇન્ડિયામાં જઈને ઓથેન્ટિક પંજાબી ખાઈએ તો સાહેબ બે દિવસ સુધી ભૂખના લાગે એવું ભારે પડે અને મનને પણ આનંદ આવે કે કૈક જુદું ખાધું, આ તો આપણે પનીર બટર મસાલા એટલે ગુજરાતી શાક તેલના રેલા અને નકરું તીખું તીખું અને આખા મોટા શાક ભરેલા “તગારા” માં લાલ લાલ ગ્રેવીની વચ્ચે પનીરના બે ચાર ટુકડા તરતા હોય અને એમાંથી લઈને એક કડછો જો ભૂલથી પ્લેટમાં નાખો તો આખી પ્લેટ તેલ તેલ થઇ જાય..!
બીજું લગનોમાં પેલું “દાણા વટાણા” અને એમાં કઈ નું કઈ રિસર્ચ કરીને પાતરા કે મુઠીયા કે બીજું કઈ પણ નાખી અને બનાવેલું શાક..લીલા કલરનું તેલ અને એમાં આ બધું તરતું હોય..!
યાર શું કરવું એ જ ના સમજાય..
લગભગ દરેક જગ્યા એ જુદી જુદી વાનગીના ઓછામાં ઓછા દસ અને વધુમાં વધુ વીસ કાઉન્ટર હોય.. મારા જેવો તો રોજ નું વીસ મિનીટ ચાલવા ટેવાયેલો હોય પણ બીજા હાથમાં પ્લેટો લઈને ટોળા જે ફરતા હોય છે..એ રખડી રખડીને જ થાકી જાય..!
થોડાક સમય પેહલા એક હોટેલ ચેઈનવાળાના દીકરાના લગ્નના રીસેપ્શનમાં જવાનુ થયુ હતુ..ત્યાં એક્ચ્યુઅલી બધુ ઓથેન્ટિક ફૂડ હતુ, નહિ નહિ તોય અઢી ત્રણ હજારની પ્લેટ ખરી, દુનિયાભરની વાનગીઓ હતી અને મિત્રોનું ટોળુ પણ સાથે હતુ,એટલે લગભગ બે કલાક એક ટેબલ પકડીને વેઈટરો ને દોડાવે રાખ્યા હતા, બધુ થોડુ થોડુ ખાલી ચાખ્યુ જ હતુ,ચાર જાતના સૂપ અને છ સ્ટાર્ટરથી ચાલુ થયુ હતુ..પણ મજાની વાત એ હતી કે પેટ ભરવા માટે તો પછી છેલ્લે ડેઝર્ટનો જ સહારો લેવો પડ્યો હતો..મસ્ત કઢાયેલું કેસર બદામ પીસ્તાવાળુ દૂધ..! જય હો ગિરધારી..!
હવે આ ડેઝર્ટ ની વાત નીકળી છે તો થોડી મીઠાઈઓ ..યાર આપણે તો ગળ્યુ એટલુ ગળ્યુ બાકી બધુ બળ્યુ..!
લાઈવ હલવા અત્યારે શિયાળાના ઘેર ઘેર (દરેક લગ્નમાં) હોય છે,પણ એક જગ્યાએ તો લાઈવ મેસૂબ મળી ગયો હતો અને શું જાળી પડેલો દાણાદાર મેસૂબ..!!
મોજે મોજ આવી ગઈ હતી..બાબલાના બાપાનો થાળ(મોહનથાળ) ગરમ ગરમ ઘણી જગ્યાએ હોય છે,પણ તોય એટલી મજા નથી આવતી..પણ આ વખતે હજી ગાજરના અને દુધીના હલવા દેખાતા નથી,જલેબી અને રબડી ઠેર ઠેર થઇ ગયા છે,
લીક્વીડ સ્વીટમાં તો બાપ રે..!
બાસુદીમાં હવે કારેલા નાખવાના બાકી રાખ્યા છે. એ સિવાય પાઈનેપલ થી લઈને સફરજન અને કીવી સુધ્ધાની બાસુદી લોકો મુકે છે..!
રસગુલ્લા અને નાના નાના ગુલાબજાંબુ તો હવે જુના થઇ ગયા…
આઈસ્ક્રીમ જોડે ઉપરથી હોટચોકલેટ તો બધે હોય પણ ક્યાંક બ્રાઉની જોડે તો ક્યાંક ગુલાબજાંબુ કે પછી ગાજરના હલવા જોડે એવા નતનવા કોમ્બીનેશન અવેલેબલ હોય છે..
ક્યાંક એસ્પ્રેસો કોફી પણ મળી જાય છે પણ એટલા ફીણ કરી મુકે છે અને હલાવી અને રીઝનેબલ ઠંડી કરવામાં કોફી પીવાનો મૂડ મરી જાય છે..!
એટલે આઈસ્ક્રીમ હોય તો ખાઈ લેવાનો, ભલેને શરદી થતી આપણે ક્યાં દવા લેવા બહાર જવું છે..!
અને ફાઈનલી મુખવાસ..! દસ થી લઈને સાહીઠ જાતના મુખવાસ..
આખો પાનનો ગલ્લો પણ હાજર મસ્ત મસ્ત પાન બનાવી ને આપે..!
કલાક દોઢ કલાક રીશેપ્શનમાં ક્યાં જતો રહે એની ખબર જ ના પડે..
મસ્ત મસ્ત માગશરની ફૂલ ગુલાબી ઠંડી અને મિત્રો,સગા સબંધીઓ અને ભાવતા ભોજનીયા..ચલો હવે દસ વાગ્યા કાલે સવારે છોકરાઓ ને સ્કૂલો ચાલુ છે..
પણ દોસ્તો ખરેખર અમુકવાર તો એમ થાય કે ટીફીન ભરી લઈએ અને અમુકવાર ઘેર જઈને બોર્નવીટા અને ખાખરા ખાવા પડે..
મજા છે લગ્નોની અને પ્રસંગો અને જમવાની..
મારા સાસુમાં કેહતા.. ખાધેલું હારે આવશે બાકીનું બધું આં
યનું આં`ય મૂકીને જાવું પડશે..! એટલે જમાઈરાજ જમતી વખતે કશું વિચરતા નહિ તમતમારે પ્રેમથી જમી લ્યો..!
તમે પણ પ્રેમથી જમજો અને આનંદ લેજો..
જયશ્રી કૃષ્ણ
શુભ રાત્રી
શૈશવ વોરા