આજે પેહલા તો એમ થયું કે નથી લખવું કાઈ છોડ…દિમાગ ખરાબ છે, અને નકામું કૈક આડુંઅવળું લખાઈ જશે ,પણ અત્યારે રાતના સાડા અગિયાર થયા છે ,પણ ઊંઘ આંખમાં ડોકાતી નથી એટલે થયું કે આ વૈચારિક એસીડીટીનો એકમાત્ર ઈલાજ એ “ઉલટી” છે, અને એ કરી નાખવી જોઈએ..
આજે એક એવી વ્યક્તિને મળવાનું થયું કે જેને હું માંડ બાર મહીને એકાદવાર મળતો હોઈશ ,એ ભાઈ એકાદ બે એસોશીએશનમાં ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજે છે,ઓવરઓલ માણસ હાથ નો અને મન નો ચોખ્ખો, ટીપીકલ `પટેલ` પણ ખરો,બોલવામાં અટકે નહિ, અને પોતાનું નુકસાન થતું હોય તો થવા દે, પણ સત્યનો સાથ ના છોડે, મારી એ વ્યક્તિ માટેની આ જનરલ ઇમ્પ્રેશન ..
હવે આ ભાઈ ને બાર મહીને એકાદવાર મળું, પણ જયારે મળીએ એકદમ પ્રેમપૂર્વક નો આવ અને આવકારો, રીતસર ભેટી પડે અને એની આંખમાં મારા માટે નો પ્રેમ અને સચ્ચાઈ દેખાય ,કોઈ લાલચ વિનાનો સબંધ..
આજે એ ભાઈ એમની ફેક્ટરીની બહાર ઉભા હતા, અને મારું ત્યાંથી પસાર થવું, દુરથી જ આંખ મળી ગઈ એટલે ડ્રાઈવરને મેં કીધું સાઈડમાં કર ..નીચે ઉતર્યો પ્રેમથી મળ્યા..
એ મને પરાણે પકડી અને ભાવ થી ફેક્ટરીમાં લઇ ગયા, ચા નાસ્તો આવ્યા..ચલ શૈશવ ફેક્ટરી બતાડું બધું બહુ નવું કર્યું છે , ચાઈના અને તાઈવાનથી મશીનો લેતો આવ્યો છું ..
મને પ્રેક્ટીકલી હાથ પકડીને આખા કારખાનામાં ફેરવ્યો, અને ખરેખર ઘણી મેહનત કરી અને ચાઈના અને તાઈવાનથી મશીનો શોધી શોધી ને ભેગા ને કરી લાવ્યા છે એમ દેખાતું હતું, અને મેં પણ દિલથી વખાણ કર્યા અને ડિઝર્વિંગ વર્ક હતું..
લગભગ કલાક એક બેઠા,પણ એ સેહજ ક્યાંક ગૂંચાતા હોય એવું લાગ્યું..મારી સાથે મારો મેનેજર પણ હતો, એને કોઈક નો ફોન આવ્યો એટલે એ કેબીનની બહાર ગયો અને પટેલે તરત જ તક નો લાભ લીધો..
શૈશવ, ફલાણાભાઈ મારા આ પ્લાન્ટ ઉભો કરવામાં કન્સલ્ટન્ટ છે, અને એ માણસ તારું જરાય સારું નથી બોલતા ..મારે મારા નવા પ્લાન્ટના તમામ રો મટીરીયલ તારે ત્યાંથી જ લેવાના છે,પણ અમારા કન્સલ્ટન્ટ તારી એક પણ પ્રોડક્ટ સજેસ્ટ નથી કરતા..
મને સેહજ આંચકો લાગ્યો..મેં કીધું પટેલ નાં હોય યાર,મારે તો લગભગ બાર પંદર વર્ષ નો સબંધ એમની જોડે અને અઠવાડિયે એકાદ બે વાર મારે કારખાને આવે જ અને ચા પાણી નો સબંધ..
પટેલ બોલ્યા દોસ્ત ધ્યાન રાખ બસ આટલામાં સમજી જા ..
હું સખ્ખત ગુંચવાયો યાર આવું કેમ બને ..??
એટલામાં મારો મેનેજર આવી ગયો, અને વાત અટકી ગઈ .. પટેલે મને ઈશારો કરી દીધો હતો બસ..
મારું મગજ ચકરાવે ચડી ગયું હતું.. જનરલી હું મારા ત્રણે મેનેજરોથી કઈ છુપાવતો નથી એટલે એમના કારખાનાની બહાર નીકળી અને તરત જ મેં મારા મેનેજરને કીધું કે પટેલ આવું કેહતા હતા..આવું બને..?
હજી મારા બોલવાની જ રાહ હતી અને મારો મેનેજર બોલ્યો ..સર એકદમ સાચી વાત છે હું ક્યાર નો તમને કહું કહું કરું છું ,એ ભાઈ બીજી ત્રણ ચાર પાર્ટીનું કન્સલ્ટેશન કરે છે અને બધે જ આપણી પ્રોડક્ટનું બુરું બોલે છે, અને આપણા માણસો રૂટીન વિઝીટમાં હોય છે એમને પણ કોઈ કારણ વિના બોલાવી ને ખખડાવે છે..!!
આ તો સર તમે અઠવાડિયે બે વાર એમની જોડે બેસી ને ચા પીવો છો એટલે મને એમ થયું કે હું તમને કેમની વાત કરું ? પણ મેં બીજા બંને ને આ વાત કરી છે, હું ખોટું બોલતો હોઉં તો આ મારા જુનિયરને તમે બોલાવો..
મેં કીધું ના ભઈલા તમે તો મારા હાથ પગ છો ,તારી સાચકબુલાત મારે ના હોય, પણ મારે તારા જુનિયર પાસેથી સાંભળવું છે કે એ કન્સલ્ટન્ટ શ્રી શું ખેલ કરી રહ્યા છે..
એનો જુનિયર પોપટની જેમ બધું બોલી રહ્યો હતો અને મારો પારો આસમાને જઈ રહ્યો હતો..!!
મારા દિમાગ ઉપર ક્રોધ સવાર થઇ ચુક્યો હતો..
ગુસ્સો એટલો ચડ્યો હતો કે અબઘડી એને ફોન કરી ને બોલવું અને બીજા ચાર કારખાનાવાળાને પણ ભેગા કરું,ગુસ્સામાં અને ગુસ્સામાં હું બધા વોટ્સ એપ સ્ક્રોલ કરી રહ્યો હતો ત્યાં એક મસ્ત શ્લોક આવ્યો..અને આખા બજારની સામે લઇ નાખું..પણ એટલા માં વોટ્સ એપ યુનિવર્સીટી એ જ્ઞાન નાખ્યું ..
*”उत्तमस्य क्षणं कोपो मध्यमस्य प्रहरद्वयं |*
*अधमस्य त्वहोरात्रे पापिष्ठो नैव मुञ्चति ||”*
“उत्तम श्रेणी के व्यक्तियों को किसी कारण वश क्रोध आता है तो वह क्षण मात्र तक ही रहता है। मध्यम श्रेणी के व्यक्तियों का क्रोध दो प्रहर (छः घण्टे) तक ही रहता है, तथा निम्न श्रेणी के व्यक्तियों का क्रोध एक दिन और एक रात पर्यन्त ही बना रहता है। परन्तु जो पापी और निकृष्ट व्यक्ति होते हैं, क्रोध उनका साथ कभी भी नहीं छोडता है, अर्थात वे सदैव क्रोधित ही रहते हैं ।
હવે મારે નક્કી કરવાનું હતું કે મારે ક્રોધિત કેટલી સમય રેહવું જોઈએ ,કોશિશ કરી કે ક્ષણ માત્રમાં જ ક્રોધને કાઢી ને ફેંકી દઉં, પણ ક્રોધ એ મારો પીછો ના છોડ્યો..વળી વળી ને મારી કમાન છટકે..
અત્યારે આ લખવાનું ચાલુ કર્યું છે અને છેક હવે ક્રોધ લગભગ જઈ રહ્યો છે..એ વાત ને થયે છ કલાક થી વધારે થઇ ચુક્યા છે, નવ કલાક માં અડધો કલાક બાકી છે ..
મારું રેટિંગ “મધ્યમ” અને “નિમ્ન” ની વચ્ચે આવ્યું..!!!
હવે અત્યારે એવી ફીલીગ આવી રહી છે કે તું પોતે જ “નિમ્નકક્ષા”માં આવી રહ્યો છે તો તારી જોડે બેસીને અઠવાડિયે બે વાર ચા પીવાવાળો કેવો હોય ..?
એ ઉચ્ચ કક્ષાનો હોઈ જ ના શકે, તો પછી એની પાસેથી ઉચ્ચકક્ષાના આચરણની અપેક્ષા શાને ..?
એ ધંધે બેઠો છે,તારા કોઈ કોમ્પિટિટરે એને રૂપિયા સુંઘાડયા હશે અને તું નકરી ચા પીવડાવ પીવડાવ કરે છે તો શું થાય ભાઈ..?
તારી બાર દુ ને ચોવીસ રૂપિયાની ચા બોલે કે કમીશન ..?
બસ જવાબ મળી ગયો ..!! અને રસ્તો પણ ..!!
તમારે આવું કેટલી વાર થયું છે..? કોઈકે જોડે રહી ને તમારી જ ખોદણી કરી નાખી હોય..?
હવે બીજો એક સવાલ મારું મન એવો પણ કરી રહ્યું છે કે આ ‘બોગસીયા’ જોડે અઠવાડિયે એકવાર તે ચા પીધી,પણ આવો સારો વોટ્સ એપ મેસેજ મોકલનારા વિદ્વાન જોડે એકપણ વાર ચા પીધી છે ?
આવું બધું છે, અને એને આપણે જીવન કહીએ છીએ..
આવી જ ઘટના લગભગ દરેકની જોડે ઘરમાં કે ઓફિસમાં બીજે ગમે ત્યાં બનતી હોય છે..
પણ શું કરવું ? કોઈ ના મોઢે તાળા કેમના મારવા..??
હાથી જતો હોય તો..
ના બોસ્સ,
હાથી નહિ એનો બાપ બનવું જોઈએ,
મેમથ..સાલું છ ટન વજન હોય અને પગ પડે ત્યાં ધરણી ધ્રુજે..૧૪ ફૂટના દંતશૂળ ..!!
ખાલી મેમથ કરતા દિમાગ મોટું જોઈએ ,દિમાગ ૫૦૦૦ સીસીનું અને શરીર મેમથ નું..
એ બસ હવે ..!!
ના, નિશાન ચૂક માફ નહિ નીચું નિશાન..!!!
ઊંઘ આવી ગઈ..!!
શુભ રાત્રી
શૈશવ વોરા