હમણાં થોડાક દિવસ પેહલા એક ધંધાકીય મિત્ર કેહવો કે ચેલો કહેવો કે બીજું શું કેહવુ ખબર નથી,
પણ અચાનક એક ફોન રણક્યો , “ભાઈ પેલો ગુજરી ગયો …”
મારું પહેલું રીએકશન હતું .. “એ જીવતો હતો …??? છેક હવે મર્યો ???”
સામેથી જવાબ આવ્યો “હા ભાઈ , છેક હવે પૂરું થયું ? પણ ચાલીસ વર્ષનો હતો ..”
મેં પૂછ્યું ..” શું સ્ટેટ્સ હતું છેલ્લું ? પરણેલો ? રખડેલો ? કે પછી …”
જવાબ આવ્યો “ના ભાઈ છેલ્લા ત્રણ ચાર વર્ષથી બહુ જ સુધરી ગયો હતો .. એક જ બૈરા જોડે જીવતો અને એક બાળક પણ છે …”
મને માથે પરાળ પડી..” શું બોલે છે ??? કેટલા વર્ષનું બાળક છે ???”
જવાબ “ભાઈ ત્રણ વર્ષ…”
મારા મોઢામાંથી નીકળી ગયું … “અરર ર.. ભગવાન તે આ શું કર્યું ? આવડા માસૂમ જોડે કયા જનમનું વેર વાળ્યું? “
ફોનમાં સામેવાળો ચાલીસ વર્ષનો છોકરો સુન્ન થઈ ગયો..
મારો વલોપાત ચાલુ થયો… “આવા માણસોએ રખડી જ ખાવું જોઈએ ,દારૂ ,સિગારેટ ,બે ત્રણ ચાર લગ્ન અને છૂટાછેડા , એ સિવાયના ધંધા જુદા.. આણે લગ્ન કેમ કર્યા સાલા એ… ?? “
સામેથી જવાબની બદલે આવ્યું ..”સાંજે કાઢી જવાના છે અને કાલે બેસણું છે …”
મેં ફરી કડક અવાજમાં કીધું .. “મને જીવતા જોવો નોહતો ગમતો એને મરેલો જોઈને શું કરું … જવા દે ભાઈ , મની અને મોરલ બે સાથે હોય ત્યાં આપણે જવું, બાકી એકલા મની નહીં ચાલે , ખપ પૂરતા સબંધ અને વાત …”
સામેથી અવાજ આવ્યો “પણ ભાઈ તમને ભગવાનની જેમ માનતો એ માણસ , તમારા સિવાય જગતમાં કોઈનું સાંભળ્યું નથી એણે..”
મેં કીધું “અલા ભાઈ .. હું કોઈ સંત મહાત્મા નથી ,મારી ત્યારે પણ બનવાની ઈચ્છા નોહતી ,અને આજે પણ નથી , આપણે ધંધાકીય સંબંધ, અને છેલ્લા આઠ નવ વર્ષથી ..હવે તો એ પણ નહીં , શરૂમાં જ્યારે એના જીવનમાં બધું સરખું અને કામધંધો પ્રોપર કરતો ત્યારે આપણે સંબંધ અને કામધંધો ગોઠવ્યા , પછી ધીમે ધીમે રૂપિયા કમાયો અને રંગ બદલ્યો ત્યારે આપણે જરાક કીધું કે આ બધું યોગ્ય ના કેહવાય ,ક્યારેય સાંભળે અને ક્યારેક ના સાંભળે…”
સામેથી વાત કાપી મારી… “ના ..ના ભાઈ તમે સમજાવતા ત્યારે તો સમજી જતો ,તમારી શિખામણ ઝાંપા સુધી નહીં મહિનો બે મહિના રહેતી પણ પછી બગડ્યું …”
મેં કીધું અલ્યા ભાઈ ..” દારૂ જોડે રોજ નવી લાવે અને એક દિવસ એચઆઈવી ના રિપોર્ટ લઈને આવ્યો , નેગેટિવ હતા ,તો મને કહે ચાલો જલસા કરવા… મેં તો એ દિવસે પાણી મૂક્યું ,ધંધો જાય ચૂલામાં , ધંધો વાંઝિયો ના હોય આપણે હવે આ માણસ ધોળે.ધર્મે ના જોઈએ, એનો પડછાયો પણ નહીં …”
સામેથી સવાલ આવ્યો “તો હું શું કરું …???જાઉં કે ના જાઉં ???”
મેં કીધું “ભાઈ તું કઈ નાનો નથી , ચાલીસ તો તને પણ થયા , તારી ઘરવાળીને પૂછ.. બેકગ્રાઉન્ડ આપજે પછી નક્કી કર…”
“સારું ભાઈ હું જોઉં શું કરું ..પણ મને એ નથી સમજાતું કે તમારા જેવાને સાષ્ટાંગ પ્રણામ કરતો દિવાળીએ , તો પણ આવું કેમ અને છેલ્લા ચાર પાંચ વર્ષથી તો સુધરી ગયો હતો ..”
મેં એની વાત કાપી .. “જો બકા મને પગે લાગે કે નહીં પણ દુનિયાનો એક નિયમ છે પાપ કરતા પાછું વાળીને જ્યારે માણસ જોવે ને ત્યારે જ એનો ઘડો ફૂટે….કુકર્મો કરવાના ચાલુ હોય ત્યારે તો ભગવાનને પણ ખિસ્સામાં મૂકીને માણસ ફરતો હોય છે …”
સામેથી પેલો બોલ્યો .. હા ઓફિસમાં ભગવાનના ફોટાને પડદો પડી અને એમની બહેનપણીઓ બોલાવી પાર્ટી કરતો હતો …
મેં કીધું “મૂક ભાઈ હવે તારે જે કરવું હોય તે કર પણ હું નહીં આવું …”
વર્ષો સુધી ગાળો આપી , બ્લોક કરીને મૂકી દીધો એ માણસને ,
જીવનમાં ક્યારે કોની મતિ ફરી જાય એ કેહવાય નહીં એમ સમજી ને ટોટલ સબંધ ઝીરો કરી મૂક્યો અને ક્યાંક ભૂલથી પણ દૂર દૂરથી દેખાય તો ઊંધો ફરીને હું જતો રહું..
પણ અચાનક એના મૃત્યુ ના સમાચાર એ મને ફરી વિચારતો કરી મૂક્યો…
નાની ઉંમરમાં જબરજસ્ત સફળતા, જબ્બર મોટો પગાર ગાડી ફ્લેટ બધું જ કંપનીએ આપ્યું , વર્ષે દિવસે ઇન્સેન્ટિવ પણ સાત આઠ આંકડામાં આવે , ક્યારેક એની સામે હું મારી જાતને ગરીબ ફિલ કરું પણ આપણી સામે નાના છોકરા આગળ વધતા હોય મને આનંદ થાય , ઈર્ષ્યા ના થાય .. મને ઘણા વખત સુધી સમય સમય ઉપર ફોન આવે , ભાઈ રૂપિયા ક્યાં નાખું ? કોઈ એવી લાલચ આવે તો પૂછે pn ખરો, અને રોકું તો રોકાઈ જાય , પ્રેક્ટિકલી દિવાળીએ આખા સ્ટાફની સામે દંડવત્ પ્રણામ કરે , પાછળ એનો સ્ટાફ પણ પગે લાગે , થોડોક આપણો ઇગો પણ પોરસાય ,પણ પછી દારૂ ,સિગારેટ અને બાકી બધા અપલક્ષણો ધીમે ધીમે સ્વીકાર્યા , રોકવાનો ભરપૂર પ્રયત્ન કર્યો પણ વ્યર્થ …
જ્યારથી મર્યો ત્યારનો ગાળો આપી છું ,ભગવાને આટલી બુધ્ધિ, રૂપિયા બધું આપ્યું, પણ અમૃતને ઝેર કરીને પીધું…!!
આજે ખબર નહીં પણ સાંજથી મને પસ્તાવો થાય છે , આટલી ગાળો આપી પણ મનમાંથી તો ના જ ખસ્યો ને શૈશવ તારા ????
એનો મતલબ જ એ કે ક્યાંક લાગણીનો તાર હતો … પ્રેમનો સંબંધ હોય પણ નફરતનો સબંધ વધારે ગાઢ હોય ,
કોણ જાણે એવું લાગે છે કે એને આવવું હતું મારી પાસે એના બૈરી છોકરા લઈને અને કેહવુ હતું કે જુવો તમે જેવો મને ઇચ્છતા હતા તેવો હું થઈ ગયો , હવે તો મને પગે લાગવા દો..
રહી રહીને લાગણી જાગે છે પણ પ્રેક્ટિકલ મન કહે છે જવા દે.. મરતા અને મરેલાની માયા ના કરાય , દુઃખ આપણને જ થાય અને એ પણ કારણ વિનાનું , જિંદગી છે ,કોઈ માન પણ આપે અને કોઈ ગંદી રીતે અપમાન પણ કરી મૂકે , માન સાચવવાની ટેવ પડી જશે તો અપમાન ક્યારેય છૂટશે નહીં , જીવતર ઝેર કરી મૂકશે અપમાન , એટલે માન અપમાન ને બાજુ ઉપર મૂક , દારૂ સિગારેટ વગેરે વગેરે સહન કરવાની દરેક શરીરની મર્યાદા હોય અને એના શરીરની મર્યાદા પૂરી થઈ ગઈ એટલે શરીર કામ કરતું બંધ થઈ ગયું …
આનાથી વધારે શૈશવ તું વિચારીશ તો તારે પાસે ફક્ત અને ફક્ત દુઃખ જ વધશે…
આટલા મનોમંથન પછી નક્કી કર્યું કે ભગવાન એના આત્માને શાંતિ આપે અને en પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ …
બસ ..
ના મૈં ધર્મી નાહી અધર્મી ..
ना मैं धर्मी नाहिं अधर्मी, ना मैं जती न कामी हो ।
ना मैं कहता ना मैं सुनता, ना मैं सेवक स्वामी हो ।
ना मैं बंधा ना मैं मुक्ता, ना मैं विरत ना रंगी हो।
ना काहू से न्यारा हुआ, ना काहू के संगी हो । १
ना हम नरक लोक को जाते, ना हम स्वर्ग सिधारे हो ।
सबहीं कर्म हमारो किया, हम कर्मन ते न्यारे हो । २
या मत को कोई विरला बूझै, सो अटल हो बैठा हो ।
मत कबीर काहू को थापै, मत काहू को मेटा हो । ३
શુભ રાત્રિ
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*