મસ્તિષ્કમણિ .. લોગો…!!!!
ભારતના વિદેશમંત્રીશ્રી એ દક્ષિણ કોરિયાના રાજદૂતને તલબ કર્યા..!!
જબરજસ્ત વિવાદ ચાલ્યો છે ,દક્ષિણ કોરિયાની કંપનીઓ એ કાશ્મીર માટે જે પોસ્ટ સોશિઅલ મીડિયા ઉપર નાખી એ પછી..!!
ભારતનું સોશિઅલ મીડિયા એની ચરમસીમાએ જઈને દક્ષિણ કોરિયન કંપનીઓ ને ટ્રોલ કરી રહ્યું છે ,અને એના સીધા પડઘા પડી રહ્યા છે નવી દિલ્લીથી લઈને છેક સિઓલ સુધી..!!
અભિનંદનને પાત્ર છે ભારતનું સોશિઅલ મીડિયા..!!
રાજકીય સંગઠનો અને બિનરાજકીય સંગઠનો અત્યારે તો માંગણી કરી રહ્યા છે કે માફી માંગે તમામ કંપનીઓ..!!
કેવા ભોળા છે નહિ આ બધા..???
ભોળા કેહવા કે મૂર્ખ ????
આમ જુવો તો વાત વાતમાં છેક વેદો અને પુરાણો સુધી પોહચી જાય છે કેહવાતા રાષ્ટ્રવાદીઓ પણ જરાક જ પાછળ જઈને નથી વિચારતા ..???
કેટલીવાર માફી આપી હતી ..? દાંતે તરણું લઈને કેટલીવાર આવ્યો હતો ?
સોળ સોળ વાર આવ્યો હતો ગઝની અને સત્તરમીવારે ભાંગ્યું સોમનાથ..!!!
અને પછી શું હાલત કરી ???? અને આ દેશની શું હાલત થઇ ..???
ભૂતકાળ ભૂલી અને વર્તમાનના કેફમાં રચાનારી સંસ્કૃતિઓનો વિનાશ કરવા માટે કોઈ જ આક્રાન્તાને વધારે મેહનત કરવી નથી પડતી, એ સેહજ અમથા પ્રયત્નથી ધબાય નમઃ થઇ જાય છે…!!
વિદેશમંત્રી એ બોલાવ્યા, તતડાવશે ચોક્કસ .. ખાતરી છે, પણ પછી શું ? સુધરી જશે ? એમની મનીષા તો સ્પષ્ટ થઇ ગઈ છે તો હવે ..??
સરકાર કોઇપણ સંજોગોમાં જે તે કંપનીઓને ભારત દેશમાં ધંધો કરતા રોકી તો નહિ શકે, કારણ એવું છે કે ઘણા બધા કરારો ઉપર આપણે ભૂતકાળમાં સહી કરી ચુક્યા છીએ એટલે જે કંઈ કરવાનું છે એ પ્રજા તરીકે આપણે કરવું રહ્યું તો શું કરશું ?
ક્ષમા વીરસ્ય ભૂષણમ કરશું નહિ …!!?
અશ્વત્થામા ને માફ કર્યો હતો..? અશ્વત્થામા માથા ઉપર નો મણિ કાઢી લીધો તેમ શું પ્રજા તરીકે આપણે આ કંપનીઓનો મસ્તિષ્કમણિ ના કાઢી લેવો જોઈએ ??
દરેક ગાડીઓ બનાવતી કંપનીઓનો મસ્તિષ્કમણિ એટલે એમનો લોગો…!!!
અત્યંત પ્રેમ હોય છે તમામ અશ્વત્થામાને તેમના મસ્તિષ્કમણિ માટે..!!!
એમનું માન છે ,અભિમાન છે એમનો લોગો,
જે તમે અને હું “સગર્વ” ગાડીઓ ઉપર મફતમાં આજીવન લગાડીને ડફોળની જેમ ફરીએ છીએ…!!!
વધારે કશું જ નથી કરવાનું ,ફક્ત જે કંપનીઓ એ પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર ઉપર વધારે પડતો પ્રેમ દેખાડ્યો છે એમની કંપનીઓની ગાડીઓ જો આપણે વાપરતા હોઈએ તો એમના લોગો ઉપર આપણો પ્રાણ પ્યારો ત્રિરંગો લગાડી દો ..!!
એમના મસ્તિષ્કમણિ ને ધૂમિલ કરી મુકો …!!!
રૂપિયા આપણા ગયા છે, આપણે મૂરખ પાકિસ્તાનીઓ નથી કે મેચ હારી જઈએ તો આપણા પોતાના ટીવી ફોડી નાખીએ ,સેહજ શાણપણથી કામ લઈએ તો એક જબરજસ્ત સંદેશો દુનિયા આખી ને જાય કે અહિયાં વધારે પડતી હોશિયારી મારવાનો મતલબ નથી..!!
ભારતમાં ધંધો કરવો હશે તો ભારતના હિતોનું ધ્યાન તો રાખવું જ પડશે…!!
ભારત એ બહુ મોટું માર્કેટ છે.. વગેરે વગેરે વાર્તાઓ દુનિયાના આર્થિક જગતના લોકો વારે વારે કરતા રહે છે ,અને બીજી પણ એક વાત અત્યારે આર્થિક જગત કરે છે અને એ છે આર્થિક સામ્રાજ્યવાદ ..!!
સલ્તનતે બર્તાનીયાના પતન પછી દુનિયા એ હાશકારો કર્યો કે સામ્રાજ્યવાદનું પતન થયું પરંતુ એ જ સામ્રાજ્યવાદ એક નવા સ્વરૂપે સામે આવ્યો અને એ છે આર્થિક સામ્રાજ્યવાદ..!!
આપણા જ બે પાડોશી એક આર્થિક સામ્રાજ્યવાદ નો શિકાર અને બીજો શિકારી ..!!
ચીન દેશએ શ્રીલંકાને એટલી બધી લોનો આપી કે એની ચુકવણી કરતા કરતા લગભગ નાદારીની અવસ્થાએ લંકા આવી ગયું, પછી શું થયું ? તો કહે રામપાતર લઈને ભારતની સામે ઉભા અને આપણે તો “વસુધૈવ કુટુમ્બકમવાળા” ..!! કરી સખાવત..!!
પણ ચેતવાનું અહિયાં જ છે ..!! આપણે ક્યાંક આ આર્થિક સામ્રાજ્યવાદના ભોગ ના બની જઈએ..!!!
સમયની માંગ છે કે ભારતની પ્રજા પણ સરકારની જોડે જોડે જાગૃત થાય અને સેહજ પોતાનું ડાહપણ જે બીજાને સલાહ આપવામાં વાપરે છે તે કોઇપણ વસ્તુની ખરીદી કરતા પેહલા વાપરે..!!
રોજબરોજની જિંદગીમાં તમે અને હું એટલા બધા ગૂંચવાયેલા હોઈએ છીએ કે કોઇપણ વસ્તુ ખરીદતા પેહલા અને ખરીદ્યા પછી પણ આપણે ઝાઝી લપ્પન છપ્પન કરતા નથી અને લગભગ બધું સરકાર માઈબાપ ને ભરોસે છોડી દઈએ છીએ , પણ અમુક વાતો અને વસ્તુ પ્રજાકીય લેવલે પણ થવી જોઈએ..!!
એકદમ સમય પાકી ગયો છે કે અશ્વત્થામા નો મસ્તિષ્કમણિ ઉતારી લો..!!
મોકો આપ્યો જ છે તો ચોક્કો મારી લ્યો..!!!
સુનીલ ગાવસ્કરની એક સરસ કલીપ સોશિઅલ મીડિયા ઉપર જોઈ.. સુનીલ ગાવસ્કર લાહોરનો એક કિસ્સો કહે છે કે મહારાજા વડોદરા એ ત્યાં કોઈ ફન્કશનમાં એમની ઓળખાણ મલ્લિકા એ તરન્નુમ નૂરજહાં સાથે કરાવી ,તેઓ ભારતીય ટીમ ના કપ્તાન હતા અને ત્યારે નૂરજહાં એમ બોલ્યા કે હું તો મારા ખેલાડીઓ ઇમરાન વગેરે ને ઓળખું છું , એવે સમયે સુનીલ ગાવસ્કરે પણ કહી દીધું કે હું પણ તમને નથી ઓળખતો હું લતા મંગેશકર ને ઓળખું છું..!!
જેસી બોલી વેસા જવાબ..!!!
માફા માફી આપણને બહુ પેહલેથી પસંદ નથી.. છોડી દઈએ ઠીક છે , પણ ફરી આ ધંધો નાં કરે એવી આંટી તો ચડાવીને જ છોડાય..!!
હવે સોળ સોળવાર માફ કરવા પોસાય તેમ નથી..!! અને દરેક વિદેશી કંપનીને સમજણ પાડવી રહી કે ઈસ્ટ ઇન્ડિયા કંપની બનવાની સેહજ પણ કોશિશ નહિ કરવાની હો , અમે જાગતા બેઠા છીએ.. આ કંઈ આગ્રાના કિલ્લામાં બેઠેલો દારૂડિયા જહાંગીરનો દરબાર નથી અને નથી એની બેગમ ભોળી નૂરજહાં કે એમ સર ટોમસ રો ને ઘુસવા દેશે..!!
કાલે આપણે તો બજારમાં ઉતરવાના બે ગાડીઓના લોગો ઉપર તિરંગો લગાડવા..!!!
તમારે કેમનું છે પછી ????
અશ્વત્થામાનો મસ્તિષ્કમણિ ઉતારી લો..!!
જય હિંદ
જય હિંદ કી સેના
શૈશવ વોરા
તા.ક. : વાત સાચી લાગે તો ફોરવર્ડ કરજો બીજા ગ્રુપોમાં ,તો જરાક કુંભકર્ણ નિંદ્રામાંથી જાગે જનતા ,બાકી તો લંકા ખરેખર લુંટાઈ ગઈ છે પણ આપણને તો ખબર જ નથી..!!!
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)