એમસીઆઈ ને તોડી અને સરકાર નવી વ્યવસ્થા ગોઠવવા માંગે છે..
મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ને તોડી અને સરકારને કોઈક નવી વ્યવસ્થા ગોઠવવી છે, અને જોડે જોડે આયુર્વેદ,હોમીયોપેથ વગેરે વગેરેને એલોપેથીની પ્રેક્ટીસ કરવાની છુટ્ટી આપવાની વાત આવી છે..!!
અર્ધદગ્ધ..
આ એક જ શબ્દ..
સરકાર અને જે લોકો એલેપેથી ભણ્યા નથી પણ એલોપેથીની પ્રેક્ટીસ કરવી છે એ બધા જ માટે ,
ભારત…ભારત…કરતા એક સેમીનારમાં ગયો હતો, છેક ઋગ્વેદથી ચાલુ કરીને લમણાં લેવાઈ રહ્યા હતા, ત્યાં એક સવાલ આવ્યો કે આપણે ગુજરાતી ભાષામાં ભણતર આપીએ તો આગળ એમબીબીએસ કરવાનું હોય તો આપણા બાળકોને તકલીફ ના પડે ..?
વક્તા શ્રી એ એકદમ ઠંડકથી ટાઢા કલેજે જવાબ આપ્યો તો એમબીબીએસ નહિ કરાવો..બીજી ઘણી બધી બ્રાંચ છે..!!
મારા પગથી માથા સુધી ઝાળ લાગી ગઈ વક્તાની “બે-જવાબદારી” ઉપર..
રાષ્ટ્રવાદ અને ભાષાના પ્રેમમાં પડી અને તમે એલોપેથી ના ભણતરને ઠુકરાવશો ?
વક્તાશ્રી એમ બોલ્યા આગળ કે બીજી ઘણી ચિકત્સા પદ્ધતિ છે..
હેં રામ..
બીજી ઘણી બધી “ચિકિત્સા પદ્ધતિ” છે..??!!!!!
પણ આજકાલના “રોગો” એ ચિકિત્સા પધ્ધતિને ગાંઠતા નથી..
એક પ્રખ્યાત સ્વર્ગવાસી વૈદરાજના માતૃશ્રી “ફાલ્સીપારમ” માં એક જ અઠવાડિયામાં ઉકલી ગયા હતા ઓસડીયા પી પી ને..
ડેન્ગ્યુંમાં પપૈયાના પાન કામ લાગે છે પણ પ્લેટલેટ ને તો મોનીટર કરતા જ રેહવું પડે..
નહિ તો જાવ સીધા દધીચિના આરે..
ઓલ્ટરનેટીવ મેડીસીન ક્યારેય મુખ્ય ધારાની એલેપેથી ચિકિત્સા પધ્ધતિની જગ્યાના લઇ શકે..
ઋગ્વેદથી વાર્તા ચાલુ કરનારાની સરકાર એ ભૂલી ગઈ છે કે આઝાદીના સમયે ભારતનું સરેરાશ આયુષ્ય ફક્ત ૩૨ વર્ષનું બચ્યું હતું, કોગળિયું ઉર્ફે કોલેરા અને શીતળા ,હડકવા જેવા રોગોની સામે આયુર્વેદ કે યુનાની કે પછી બીજી કોઈપણ ચિકિત્સા પધ્ધતિ પાછી પડી હતી,અને આપણે જે તે માતાજીના મંદિરો બનાવી અને ઈશ્વરને નામે બધું નાખી અને હાથ અધ્ધર કરી મુક્યા હતા..!!
સદીઓથી દીકરીને પ્રેમ નહિ કરનારો ભારતીય સમાજ દીકરીને લગ્ન કરીને પારકે ઘેર મોકલી દેવાની છે માટે પ્રેમ નોહ્તો કરતો એવું નથી,
એ જમાનામાં કોન્ટ્રાસેપ્ટીવ સાધનો નોહતા,અને બીજી સૌથી મોટી વાત સિઝેરિયન નોહતા થતા..
પ્રસુતિ એટલે સ્ત્રીનો નવો જન્મ, સ્ત્રી બચી તો બચી નહિ ગઈ લાકડે…
કોન્ટ્રાસેપ્ટીવ સાધનો ( કુટુંબ નિયોજન ના સાધનો) ના આવવાથી દર વર્ષે જ્યાં સુધી મેન્સીસ ચાલુ રહ્યું, ત્યાં સુધી પ્રેગનેસીના ભાર વેંઢરવામાંથી સ્ત્રી બચી ગઈ, અને પ્રેગનેન્સી પછી પણ એલોપેથી એ શલ્યચિકિત્સાથી પ્રસુતિને એકદમ આસાન કરી મૂકી ..
એલોપેથી નું દરેક ઈમરજન્સીમાં જબરજસ્ત યોગદાન છે..
હવે કોઈ સ્વદેશીના રવાડે ચડેલો એમ બોલે કે આયુર્વેદ ઈમરજન્સી આવવા જ ના દે..તો ભાઈ રસ્તે રખડતા સ્વદેશી કે જર્સી ગમે તે ગાય કે સાંઢ એક ઢીંક મારે ને પછી જે આવે ને એ ઈમરજન્સી આયુર્વેદ હેન્ડલ ના કરી શકે..
ઘણી બધી એવી ઈમરજન્સી છે કે અચાનક વણનોતરી આવે, અને એનું નામ જ ઈમરજન્સી..!!
એ બધું ફક્ત અને ફક્ત એલોપેથી જ પાર પાડી શકે..
એક ખતરનાક ઉદાહરણ..
મારા સસરાજીને એપેન્ડીક્સનું ઓપરેશન થયું હતું, પેટમાં ફાટી ગયું હતું એટલે મોટી કોર્પોરેટ હોસ્પિટલમાં લઇ જઈને ઓપરેશન કરવું પડ્યું , સદભાગ્યે બધું સાજુસમું ઉતર્યું ..
ઓપરેશનને બે દિવસ થયા આઈસીયુ માંથી એમને બહાર રૂમમાં લાવવામાં આવ્યા..
ચોથા દિવસે અમે રૂટીનમાં રાત્રે ખબર જોવા પોહચ્યા..રાતના દસ થયા એમની બધીજ દવાઓ નર્સ આપી ગઈ અને સસરાજી એકદમ નોર્મલ હતા ઊંઘવાની તૈયારી ..
અમારા સાળાસાહેબે કીધું હવે તમે ઘેર જવા નીકળો હું જોડે જ છું, મેં કીધું પપ્પાને ઊંઘી જવા દે પછી હું નીકળું.. પપ્પાજી એકદમ શાંતિથી આંખો બંધ કરીને સુતા હતા..!!
સારો સ્પેશિયલ રૂમ હતો, એસી સરસ મજાનું ચાલતું હતું રૂમ ટેમ્પરેચર લગભગ બાવીસ ડીગ્રી હતું..
પપ્પાજીની આંખો બંધ થઇ હતી ઊંઘમાં આવ્યા હતા..
અચાનક મને એમના કપાળમાં પરસેવો દેખાયો અને બે ચાર મિનીટમાં પરસેવો વધ્યો..પપ્પાજી બિલકુલ શાંતિથી ઊંઘતા હતા..
મારા મમ્મી,પાપા,બેહન બધા દાકતર અને હવે દીકરી પણ થશે, આ બધા ની જોડે રહી રહીને મને પેશન્ટ ઓબ્ઝર્વ કરવાની ટેવ પડી ગઈ છે,પણ મને એક ખાસ સુચના આપવામાં આવી છે કે તું દાકતરનો છોકરો છે દાકતર નહિ ,એટલે તારે ટ્રીટમેન્ટ ક્યારેય કરવી નહિ..
સસરાજીના કપાળ અને માથુ અચાનક પરસેવાના રેલા કાઢવા લાગી, એટલે હું ભડક્યો, રૂમની બાહર દોડ્યો નર્સ અને ઓન ડ્યુટી સ્ટેશનના ડોક્ટરને દોડતો ઝાલી લાવ્યો..
નર્સે બ્લડપ્રેશર અને રેન્ડમ સ્યુગર લીધા ,નોર્મલ છે
પેલો ડોકટર કહે કૈક સપનું કે ખરાબ વિચાર આવ્યો હશે એટલે પરસેવા થયા હશે..
મારી ખોપરી છટકી મેં ઊંચા અવાજે પૂછ્યું શું ભણ્યો તું ..? પેહલા તો એ કઈ બોલ્યો નહિ મેં લગભગ દાટી આપીને પૂછ્યું…બે…એ..તું શું ભણ્યો છે ..?
પેલો ડરતા ડરતા બોલ્યો બીએએમ એસ ..
મેં કીધું ચલ સ્ટ્રેચર મંગાવ આ કાર્ડિયાક સ્ટ્રોકની શરૂઆત છે કાર્ડિયોલોજીસ્ટ ક્યાં છે ?
પેલો થોથવાયો મને કહે..તમે દાકતર છો ?
મેં હા પાડી દીધી , કેમકે જો હું ના પાડતે તો પેલો પપ્પાજીને આઈસીયુમાં શિફ્ટ કરવામાં નાટક કરતે..
તરત જ એણે પપ્પાજીને આઈસીયુમાં શિફ્ટ કર્યા અને ત્યાં બધા મીટરો એમની ઉપર લાગી ગયા , જેટલા ફોન ઘુમાવવાના હતા એ બધા જ મેં ઘુમાવી દીધા હતા અને એક મોટો “માનવસર્જિત અકસ્માત” થતા રહી ગયો..
બિચારો નવો નવો બીએએમએસ હતો..એને પણ પરસેવા છૂટી ગયા હતા પાછળથી..!!
હવે આવું કેમ થયું ?
કોઈ “મેડીકો” હોત તો પણ કદાચ જ ભૂલ ખાઈ ગયો હોત,
પણ આ તો “અર્ધદગ્ધ” ,
નથી “મેડીકો” અને નથી “નોન-મેડીકો”..
ભૂલ ખાવા નો “જ” હતો..!!
મેડીકલ કોલેજોમાં ખાલી થોથાના જ્ઞાન નહિ પણ એની સાથે શું ઓબ્ઝર્વ કરવું ?કેવી રીતે કરવું? આવી હજ્જારો વસ્તુઓ શીખવાડવામાં આવે છે..
ગઈકાલે મારી દીકરીની પાર્ટ એક્ઝામ હતી, મને આવી ને કહે ડેડી મારી જોડે બે છોકરા હતા ..મેમ એ પૂછ્યું સ્પ્લીન્ડ (બરોળ) પકડો..બંને ડોબાઓ એ રાઈટ હેન્ડથી સ્પ્લીન્ડ પકડી, મેં લેફ્ટ હેન્ડથી પકડીને બતાડી .. મેમ એટલા ગુસ્સે થયા એ બંને ઉપર બંને ફેઈલ થશે..
મેં “અનાડી”એ સવાલ પૂછ્યો કે એમાં શું ફેર પડે લેફ્ટ અને રાઈટ હેન્ડમાં ?સ્પ્લીન્ડ તો સ્પ્લીન્ડ જ રેહવાનું છે ને..
દીકરી બોલી જવાદો ડેડી .. મેં કીધું ના બોલ શું ફેર પડે .. દીકરીએ જવાબ આપ્યો ડેડી પ્રોટોકોલ હોય દરેક ઓર્ગનને પકડવાનો એ ફોલો કરવો જ પડે નહિ તો ગયા કામથી..!!
મારા જેવા જાતે બની બેઠેલા અને હવામાંથી ઉડતું નોલેજ લીધેલા કે પછી ઓલ્ટરનેટીવ બ્રાંચમાંથી આવી અને પોતાની જાતને ડોક્ટરમાં ખપાવવા માંગતા લોકો આ પ્રોટોકોલ નથી શીખ્યા હોતા..
જેમ જીવનમાં શું નહિ કરવાનું એ ખુબ અગત્યનું છે,
એમ એમબીબીએસના સાડા પાંચ વર્ષ દરમ્યાન ભવિષ્યના ડોક્ટર્સને એક કડક ટ્રેનીગ આપી અને શું કરવું, અને શું નહિ જ કરવું ,એ શીખવાડવામાં આવે છે, અને પછી પોસ્ટ ગ્રેજ્યુએશનમાં તો ડોક્ટર્સની જિંદગી હરામ કરી નાખવામાં આવે છે..
અને એ હરામ થયેલી, કડક ટ્રેનીગમાં તપેલી જિંદગી જ બીજી જિંદગીને બચાવી શકે છે..!!
ના કરાય ઓલ્ટરનેટીવ મેડીસીનને એલાઉડ..
એ લોકો તાવ શરદી ઉધરસ ખાંસી જ હેન્ડલ કરી શકે અને એ પણ ત્રણથી પાંચ દિવસ જ …
પછી જો વધારે પેશન્ટને પકડી રાખ્યું તો પછી પેશન્ટ ગયું કામથી..!!
સ્વદેશીના પાણી પી..પી.ને મોટા થયેલા સેવક શિરોમણી ક્યાંક ભૂલ કરી રહ્યા છે એમસીઆઈને તોડીને..
સરકારી દખલ ના હોઈ શકે એમસીઆઈમાં, હા સરકારી ડોક્ટર્સ એમસીઆઇમાં હોય એ બરાબર છે..
આખી ફોજોની ફોજો છે ડોક્ટર્સની આપણી પાસે, કબજો જ કરવો છે તો ઘાલી દ્યો એમાં, પણ એમસીઆઈને તોડી અને નોન-મેડીકોના હાથમાં ડોક્ટર્સને મુકવા નું “મહાપાતક” તો નાં કરાય..
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા