ગઈકાલે પુરુષોનો દિવસ હતો, રોજ ચાલેલા નવા નવા દિવસોના ફિતૂરમાં એક વધારાનો દિવસ..
ઘણીબધી વખત ઘણાબધા બૈરાઓના મોઢે સાંભળીએ કે બળ્યો આ બૈરાંનો અવતાર , કે પછી બીજા આવા પ્રકારના ઉદ્દગારો સાંભળીએ ત્યારે સરખામણી કરવાનું મન થાય ખરું, અને હું તો કરી પણ લઉં કે આ બાઈ અને એની સાથે રહેલા ભાઈના જીવનમાં શું છે એવું કે બાઈ આમ મંડી પડે છે …?!!!
તકલીફો લગભગ એક સરખી જ હોય બંનેને, પણ પુરુષ વ્યસન કરી અને ઘરની બહાર જઈને દિવસ કાઢી નાખે, જ્યારે એની સ્ત્રી ઘરની ચાર દિવાલમાં, અહીંયા ક્લિયર કરું કે સરખામણી દંપતિની જ કરવી ,એકની બાઈને બીજાનો ભાઈ એવી સરખામણી ન કરાય , એવું થાય તો પછી મહાભારતના મંડાણ સમજવા..
સમજુ પુરુષના દુઃખ ઘણા મોટા અને અણસમજુ ના સુખ મોટા, જવાબદારી સમજુ પુરુષ જ લઈ શકે બાકી તો અનાડી કા ખેલ અને ખેલ કા સત્યાનાશ, એવી જ વાત થાય ..
સ્ત્રી વિશે પુરુષ પાને પાના ભરીને લખે પણ પુરુષ વિશે સ્ત્રી ..? બહુ ઓછું લખાયું છે , અહીંયા સ્ત્રી પાછળ છે…
મને પોતાને બાળકમાંથી પુરુષ થતો માણસ જોવો ખૂબ ગમે , સ્ત્રી બહુ ઝડપથી મોટી અને મેચ્યોર થઈ જાય, જ્યારે કીધો ગધેડે કોઈ દિવસના ચડે ..
મને બરાબર યાદ છે મારા એક મિત્રનો દોઢ પોણા બે વર્ષનો દિકરો એને દૂધ કપ રકાબીમાં પીવા જોઈએ .. મિત્રે રકાબીમાં એના માટે દૂધ ઠાર્યું, પણ પેલો ટેણિયો જપે જ નહી ,રકાબીમાં હાથ નાખવા દોડી જાય , પેલો મિત્ર કહે હવે આ નહીં માને સેહજ નવશેકું થઈ ગયું એટલે મિત્રએ એની આંગળી પકડી અને રકાબીમાં બોળી દીધી , ગરમીનો સ્વાદ આંગળીઓને ચખાડી દીધો , લે લઈ લે ..
પેલું ટેણિયુ અડવા જતું અટકી ગયું ..
આ પુરુષ… મગજમાં ઘૂરી ભરાઈ એટલે અનુભવ લીધે જ છૂટકો કરે ..!!
પણ અત્યારનું આ જગત પુરુષને બહુ બધા અનુભવ લેવાનું એલાઉડ નથી કરતું , હવેના અનુભવો ને વાંચીને, કે જે બીજાએ પ્રત્યક્ષ કરેલા છે તે અથવા રીલ બિઝનેઝમાંથી મેળવી લેવા પડે અને એને રૂપાળું નામ આપી દીધું શિક્ષણ …
પેહલા સમાજ પુરુષને શિક્ષિત કરે અને પછી દિક્ષિત.. લાઈને ચડાવે .. સીએ થયો ભઈ..? એમ..!! ચોપડા ફાડી ખા જન્મારો આખ્ખો..! હવે તારે બોઇલર કેવી રીતે કામ કરીને એ જોવાનો પણ અધિકાર નથી ..!!!
એન્જીનીયર થયો લાલા, સારુ કૂટી ખા લોઢા ,હવે તને સંગીત શીખવાનો અધિકાર નથી …
કોઈક એક બ્રાન્ચમાં પૂરી અને પૂરો કરી નાખવાનો..પ્રકૃતિ તારી જે હોય તે , એની સાથે કોઈ લેવાદેવા નહીં , ભણ્યો એટલે ભણ્યો..!
પ્રાણી પુરૂષને કોઈને કોઈ આદત તો હોય હોય ને હોય જ, દારૂ ,સિગારેટ સિવાય પણ ઘણી બધી આદતો છે જીવનમાં , કોઈ એકની એક જગ્યાએ ચાલીસ વર્ષથી જતું હોય તો એને પણ આદત જ કેહવાય , ભલેને પછી ધંધાની જગ્યાએ જતો હોય ,
એક બીજી પણ બહુ ગંદી લત લાગે છે પુરુષ પ્રાણીને , રૂપિયા કમાવાની અને ખર્ચવાની ..આઇટમ ગમ્મે ત્યાંથી રૂપિયા તો શોધતી જ હોય..!
ઘણાબધા કલાકારોને જીવનમાં અમે મળ્યા , પદ્મ પુરસ્કારો મેળવેલા પણ એમાં શામિલ , શરૂ શરૂમાં જરાક મફતિયા થોડું ખેંચી કાઢે પછી તો પરમેશ્વર ને હું પૈસાનો દાસ એવું ગોઠવાઈ જ જાય ..
બે કલાક પરફોર્મ કરીને હજારોની મેદનીની દાદ લઈને ઊભો થાય સ્ટેજ ઉપરથી , પણ પછી છેલ્લે ઓળખે કોને ? તો પેલો જે રોકડા આપે એને ..!! મોઢું એ રોકડા આપનારનું જ યાદ રાખે…દૂસરા કાર્યક્રમ જલ્દી ગોઠવના હોં ..
અર્થના દાસ એવા પુરુષ “પ્રમાણિક” હમણાં હમણાં થોડાક ઈન્શ્યોરન્સ , સેલ્સના ટાર્ગેટ એચિવ કરેલા મહા ” પુરુષો ” વતનથી દૂર કામરૂપ દેશથી આગળ બર્માના સાખપાડોશી એવા દેશમાં એમનું કામક્રીડા કૌશલ્યની નિપુણતા કેટલી એના લેખાજોખા કરવા ગયા , અમુક લોકો આ કાર્ય એકથી વધારે વખત કરી ચૂક્યા હોય , અને એમાંના અમુક મહા “પુરુષ” ને આદત એવી પડી ગઈ કે દરેક વખતે એક ના એક માનુની જ એમને જોઈએ, એ જ એમને છેક સ્વર્ણભૂમિ વિમાન પતન સ્થળ ઉપર લેવા અને મૂકવા આવે …
બધું પેહલેથી પ્લાનિંગ કરે ,અમદાવાદ વિમાન પતન સ્થળ ઉપર પહોંચતા પેહલા સ્વર્ણભૂમિ વિમાન પતન સ્થળની પૂરી ગોઠવણ કરી લ્યે ..
મને આ વાતની જાણ થઈ ત્યારે મારો ઉદ્દગાર એવો હતો કે એ ભાઈને સાસરિયા માનપાન બહુ નહીં આપતા હોય અને સોક્રેટીસની જેમ પત્ની કર્કશા મળી હશે માટે આવી આદત “કેળવી” છે ..
આ પણ પુરુષ …
નારંગીની આદત પડી તો સફરજન નહીં , રોજ બટાકાના શાક જ ખાય..!!
એકવાર કારેલા ચાવી જતો કે રેતીમાં આળોટતો , ગમ્મે તેવો ચાલે પણ જ્યાં સુધી પુરુષમાં હોય ત્યાં સુધી નવરો ના ચાલે..!
સેહજ નવરો પડ્યો એ ભેગો નખ્ખોદ વાળે, વાળે અને વાળે જ…!
બુધ્ધ તો એક યુગમાં એક જ થાય બાકી તો શુધ્ધ રહે એ ઘણું ..!
મોટેભાગે આર્થિક જગતમાં ઘૂમવાનું થાય એટલે અર્થને પ્રાધાન્ય આપતા વધારે ભટકાય , નવરી બજારો ઓછી ..
અહીંયા એક સ્પષ્ટતા જરૂરી , કમાવાવાળા , બચાવવાવાળા , ખર્ચવાવાળા , ઉડાડવાવાળા , મિલકતોનું સર્જન કરવાવાળા આ બધા જ પુરુષો જુદા જુદા હોય છે , કોઈક ને આ બધું કોમ્બિનેશન એકમાં જ જોઈતું હોય તો અગ્નિવર્ણીની જેમ પાંચ ભરથાર રાખવા પડે ..અને છેવટે ખરા ટાણે તો મારા જેવો કૃષ્ણ જ કૃષ્ણા ને કામ લાગે…
આજકાલ ચાલી રહેલા રીલ બિઝનેસમાં પ્રજ્ઞા પ્રાપ્ત થઈ કે તમારી આજુબાજુમાં સ્ત્રીઓ અને રસ્તે રખડતા કૂતરાં સેઈફ ફિલ કરતા હોય તો તમે સાચા પુરુષ …!!
કૂતરાની ગેરંટી નહીં , કેમકે જીવનમાં ચૌદ પેટમાં લીધેલા છે અને બાકી હવે પેલા નવા નીકળ્યા એના ત્રણ ત્રણ વાર કોર્સ કર્યા છે , એટલે એમાં જરાક આપણે પાછા પડીએ , ઢેખારો ઠોકી દઈએ .. જરાક ઢેખારા વિષે પછી આગળ
જરા અમને જે ખાનપુરમાં અમદશાહ બાદશાહના કોટની રાંગે ઉપર ચડી અને ત્યાં ઉપર બેઠા બેઠા “બોધિસત્વ” પ્રાપ્ત થયું હતું એ વેંહચુ..
પથ્થર ઉર્ફે ફત્થર કોને કેહવાય ? જે નક્કર કોટા સ્ટોન જેવા બીજા ટાઇલ્સનો હોય ,અને લમણાંમાં વાગે તો “ભોડુ” ફાટી જાય અને લોહીની ધાર થાય ,ટાંકા લેવા પડે..
ઇંટાકડો કોને કેહવાય ..?? જે નવી કે જૂની ઇંટમાંથી બન્યો હોય અને “લમણે” વાગે તો લોહી નીકળે..
ઢેખારો કોને કેહવાય ??? જે માટીનો જ બનેલો હોય આને માથે વાગે તો ધૂળ ધૂળ થઈ જવાય…
બાળકમાંથી પુરુષ બનવા માટે અમદાવાદ શહેર રહેતા હતા ત્યારે એ માટે આ બધા ઈલ્મ હોવા જરૂરી હતા.. બીજું પણ બધું ઘણું આવતું પણ એ તમે સમજી શકો છો , મને તમારી વિદ્વતા માટે ઘણો આદર છે…!!
સ્ત્રી તમારી આજુબાજુમાં ક્યારે સેઈફ ફિલ કરે ?
તમારી , નજર , વાણી અને વર્તન સરખા હોય તો ,બાકી તો આજકાલ પુરુષથી પુરુષ પણ અનસેઈફ ફિલ કરે , જિમમાં બોડી બનાવેલા બાળક બિચારા ક્યારેક એમ કહી દે છે કે બોડી બનાવવાથી ભઈ છોકરીઓ તો પાછળ ના પડી પણ “પેલા” પાછળ પડી જાય છે ..
બીજું એક ઓબ્ઝર્વેશન આવે છે , આજકાલ ગુજરાતી ભાષામાં પોડકાસ્ટ અને બીજા ઘણા કાર્યક્રમોના વાયરા વાયા છે પણ એમાં પુરુષો પુરુષની જેમ બોલવાને બદલે પોચું પોચું બોલે , ડાયરા જ હવે લગભગ સો ટકા પુરુષ રહ્યા ,બાકી ઘણા બધા કાર્યક્રમમાં ઉદ્ઘોષક “વચ્ચે” બોલે ..
“ઇસ્ટો” વધી ગયો હોય અને “ટેસ્ટો” ઓછો થઈ ગયો હોય એવું લાગે…!
સમાનતાનો વાયરો વાયો છે પણ હું માનું છું કે સંસાર માંડવો અત્યંત જરૂરી છે , પુરૂષને કમાતા અને સ્ત્રીને રાંધતા ચોક્કસ આવડવું જોઈએ , બંને એકબીજાના કામની અદલાબદલી કરી શકે છે ઇમરજન્સીમાં , પણ જ્યાં સુધી ઉત્ક્રાંતિ આગળ વધી અને ઉભયલિંગી મનુષ્ય ના થઈ જાય ત્યાં સુધી ચકો લાવે ચોખાનો દાણો અને ચકી લાવે મગનો દાણો , સંસાર તો જ પાર પડશે …!
મેઈલ ઈગો ને મારી મારીને એટલો ના પતાવી દેવાય કે મેઈલ ફક્ત શારીરિક જ રહે …!
એ હુંકાર છે , અહંકાર છે જે કુદરતની સામે લઢી ને ઉત્ક્રાંતિ કરી રહ્યો છે… !
પડવા દો , આખડવા દો , બાધવા દો , સાથે સાથે રડવા પણ દો… ઊભો થશે ..!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*