એમઆઈ વિરુદ્ધ આઈ ફોન નો કેસ સોશિઅલ મીડિયા અને ચૌરે ચૌટે લડાઈ ચુક્યો..!!
જે બાકી રહી ગયા હોય એમને માટે ટૂંક કથાસાર..
એક લાલા ની સગાઇ થઇ , લાલા એ લાલી ને એમઆઈ નો ફોન ગીફ્ટ કર્યો ,લાલી ની બેહને લાલા ના બાપા ને ફોન કર્યો કે સાવ આવો સસ્તો મોબાઈલ અપાય ?કેવું લાગે? આઈફોન આપવો જોઈતો હતો.. લાલા ની મમ્મી લાલી ની બેહન ને ફોન કરી ને ધી એન્ડ લાવી દીધો અને આશીર્વાદ આપી દીધા કે તમારી બેહનને એન મોજશોખ પુરા કરે એવું સાસરું મળે..!
જય હો..!
ટોટલ બે કલીપ થઇ ને પંદર વીસ મિનીટ ચાલી , વીસીઆરમાં પિક્ચર જોતા ત્યારે એફ. એફ. કરી ને જોતા એમ એફ.એફ. ( ફાસ્ટ ફોરવર્ડ )કરી ને સાંભળી લીધી ..!
મોબાઈલ .. મોબાઈલ ..મોબાઈલ ..!!!
કેટલા કાંડ કરાવશે હજી ?
લોકડાઉન પછી અમે ઘરના ધાબે કસરત કરવાની ચાલુ કરી, ૩૬૦ ડીગ્રીમાં લગભગ પાંચસો ફ્લેટ્સની ગેલેરીમાંથી જનતા જનાર્દન ઈચ્છે તો અમને કસરત કરતા નિહાળી શકે એવી પરિસ્થતિ છે ,અમારા ટ્રેઈનર સાહેબ બોલ્યા આખું ગામ જોશે ધાબે તો ..
હિંમત કરી અને ચાલુ કર્યું .. હર્રરામ છે જો એક માટીડો કે એક માનુની ગેલેરીમાં આવી ને બેસતી હોય ..?
લગભગ ચાર મહિનાથી જાઉં છું , પણ ભૂલથી પણ એક માણસ પોતાના ફ્લેટની ગેલેરીમાં બેસવા નવરો નથી,
મારો ભોળિયો ટ્રેઈનર મને પૂછે આવું કેમ ? આટલા બધા ટાવર્સમાંથી એક જણ પણ આવી મસ્ત ગેલેરીઓ છે એમાં બેસવા આવતો નથી .આવું કેમ ?
એને માટે યક્ષ પ્રશ્ન થઇ ગયો ?
મહારાજ શૈશવષ્ઠિરે જવાબ તો આપવો જ પડે ..!!
શૈશવષ્ઠિર ઉવાચ “ બકા તારી જોડે મોબાઈલ છે ને એમ આ પાંચસો ગેલેરીઓના ફ્લેટો ના માલિકો, માલક્ણ અને એમના ભટુરીયા બધ્ધા જોડે મોબાઈલ છે ,અને બધ્ધા પાસે વાઈફાઈ છે ,ઓટીટી ના રૂપિયા ભરાઈ ચુક્યા છે પછી ગેલેરી ની જરૂર ખરી ?
ભોળું બાળ બોલ્યું .. તો તો પછી આટલા મોટા ઘરની જરૂર શી છે ? રૂમ રસોડામાં જ રેહવાય બધા એક એક ખૂણામાં બેઠા બેઠા રમ્યા કરે મોબાઈલથી..!!!
કેવું મોટું સત્ય ..!!!!?
ઘર ની બાલ્કની , ધાબુ ,ગાર્ડન ,ફ્લેટ ની એમીનીટીઝ જો નવો ફ્લેટ લીધો હોય તો વધારે સારી .. આ બધું સોસાયટી કે ફ્લેટમાં રેહતા કેટલા ટકા લોકો વાપરે છે ?
મોબાઈલમાં જ આંખો ખોડાયેલી રહે છે એકેએક ની..!!!
અને અધૂરામાં પૂરું ઓનલાઈન ભણવાના અને ઓનલાઇન નોકરા આવ્યા..!
કર્ણ ના કવચ કુંડલ એના અંગે જડેલા હતા એમ મોબાઈલ હવે શરીરનો એક ભાગ થઇ ચુક્યો છે..!!!
છેલ્લા વીસ વર્ષમાં પરણેલા લોકોમાંથી ધરાર જો કોઈની ઘરવાળી એ કીધું હોય કે “મુઝે નૌ લખા મંગવા દે રે ઓ સૈંયા દિવાને ..!”
ઘરેણા દાગીનામાં થી જ રસ ઉડી ગયા છે અને ગેઝેટમાં જ રૂપિયાના આંધણ થાય છે..!!
પેહલા આઈ-ફોન થી લઈને લેટેસ્ટ આઈ-ફોન વાપરવાવાળા ને પૂછો કે અલ્યા નવું શું ? તું દર વર્ષે આ હજાર દોઢ હજાર ડોલર(અમેરિકન ડોલર) ની પત્તરફાડે છે તો આમાં નવું શું મળે છે ?
સામો જવાબ આપે તે તને સેમસંગવાળા એ શું નવું બંધાઈ દીધું ?
પછી સામ સામે “ગુણગાન” ગાઈએ પણ મનમાં તો બંને જાણતા હોઈએ કે તમાચા મારી ને ગાલ લાલ રાખીએ છીએ..!
દરેક સાસુ-મમ્મીઓ હંમેશા કહે છે કે આ મોબાઈલના જેટલા રૂપિયા નાખો છો એટલા ભેગા કર્યા હોત તો એક આખો ડાયમંડ નો સેટ આવી ગયો હોત અને વહુઓ શું જવાબ આપે ?
“સેટ કરી કરી ને લોકરમાં જ મૂકી રાખવાના ને આ તો વપરાય તો ખરો..!”
“ઇન્વેસ્ટમેન્ટ કેહવાય..”
“ક્યારેય કોઈ વેચવા ગયું છે ?”
“વખત આવ્યે કામ લાગે..”
“એવા વખત આવવાના જમાના ગયા ..!”
ઓમ શાંતિ હો ..ઓમ શાંતિ હો ..ઓમ શાંતિ.. ઓમ શાંતિ ..!!
આખું ગીત ગાવું પડે..!!
ઘણા લોકો એમ કેહતા હોય છે કે હું તો બેઝીક મોબાઈલ વાપરી ને આમ કરું છું, અને તેમ કરું છું, થાય એની ના નહિ ,પણ દરેક લોકો જો નારાયણ મૂર્તિ ની જેમ મારુતિ ૮૦૦ વાપરતા થઇ જાય તો પ્રહલાદ નગર રોડ ઉપર પણ લાખ રૂપિયે વીઘો જમીન મળે…!!
એક મોટ્ટી લગભગ ત્રણેક કરોડ ઉપ્પર ની ગાડી વાપરવાવાળા મને કહે શૈશવ શું ફેર પડે છે ? ગાડી તો તારી પણ ડ્રાઈવર ચલવે અને મારી પણ ડ્રાઈવર , આપણે અહીં થી તહી જ જવાનું એમાં ગમે તે ગાડી હોય…!!!
હવે એની પાસેથી ધંધો લેવાનો હોય એટલે એને મહાન બનાવવો પડે અને કેહવું પડે સાહેબજી તમારી એ નમ્રતા છે, બાકી તો કહું દઉં હેંડો ત્યારે ડ્રાઈવર સાથે ગાડીઓ ની અદલાબદલી કરી લઈએ ..!! જોડે જોડે એનો ત્રણ વર્ષ નો સર્વિસ કોન્ટ્રકટ પણ આપી દેજો ઇન્શ્યોરન્સ પણ ત્રણ વર્ષ નો તમે એક સાથે ડિસ્કાઉન્ટ લેવા રીન્યુ કર્યો હશે , પેટ્રોલ હું પુરાવી ને ફેરવી લઈશ..!
કેપીટાલીઝમ નો જમાનો છે , એમાં મારા જેવા ત્રેવડ વિનાના લોકોએ સાદી સાદી અને સુફયાણી વાતો કરવાનો મતલબ નથી ,
ગજે ચડી ને સાદગી ના ભાષણ ઠોકવા ના જમાના છે ..!!
નાથિયો સાદગીથી જીવતો હોય અને મોંઘા ફોનમાં રાખ્યું છે શું વળી, સાદગી ઉપર ભાષણ ઠોકે તો કોઈ ના સાંભળે,
પણ નાથાલાલ ત્રણ કરોડની ગાડીમાં બેઠા બેઠા બોલે કે અરે ગાડીમાં ફર્ક શું છે અહી થી તહી જ જવાનું છે.. ત્યારે અહોભાવ પ્રગટાવે લોકો નાથાલાલ શેઠ માટે..!!
બસ્સો ત્રણસો કરોડના આલયમાં રેહનારા માટે કમ્પાઉન્ડ વોલથી આગળ ના જનાર એકદંડીયો મેહલ કહી શકે ,
કદાચ ઝુંપડીમાં જન્મી અને મેહલમાં જનારા ને ઝુંપડી યાદ આવતી હશે બાકી મેહલમાં જન્મી ને મોટા થનાર ને ઝુંપડી સારી લાગે તો મોટેભાગે દંભ જ હોય થોડાક અપવાદ ને બાદ કરતા..!!
એરેન્જ મેરેજ બહુ પ્રેક્ટીકલી થતા હોય છે મોટેભાગે..!
અને એરેન્જ મેરેજ ટકી રેહવાનું કારણ પણ એ જ છે પ્રેકિટકાલીટી..!!
સમજણ અને સ્વીકારની સાથે થતી પ્રક્રિયા છે , વર કન્યા ના ડોહા ડોહીઓ સાતેય પેઢી ખોદી કરી ને જ શાંતિ લ્યે..!
પોસાતું હોય તો બોલો નહિ તો ભગવાન તમને સુખી કરે ..!!!
અને એકવાર ફેરા ફેરવી લે લાકડે માંકડું વળગે એટલે આજ ના જમાના ના “બંને” હાથમાં મોબાઈલ લઇ લ્યે ને પછી મોટીવેશનલ સાંભળ્યા કરે, ગાડું ગબડાવે રાખે..!!!
ધકેલ પંચા દોઢસો..!!
થઇ જાય પૂરી..!!
એમઆઈ ને આઈ ફોનમાં ડોહા ડોહી કાચા પડ્યા , બાકી તો નળિયા ગણી જ કાઢ્યા હોય..!!
અમારા નળિયા તો લોકો ઘેર તો છોડો કારખાને આવી આવી ને ગણી જતા, પાછા ચાર જગ્યાએ બજારમાં પૂછી લ્યે , એમના ઘેર જોવા જાવ ત્યાં સુધીમાં તો આપણા વિશે આપણે ના જાણતા હોઈએ એટલી વિગતો કાઢી લીધી હોય..!!
આખ્ખો સિબિલ રીપોટ તૈયાર જ હોય..!!
સરકારે ખરેખર સુવિધા આપવા જેવી છે , લગ્નોછુક માટે સિબિલ રીપોર્ટ નો એક્સેસ ફ્રી આપવો જોઈએ, સીધ્ધો ટોટલ ડેટા જ હાથમાં આવે, એટલે ખબર કે કેટલી લોનો છે અને કેટલા ઉઠમણાં કર્યા છે, આઈ ફોન હપ્તેથી છે કે એમ આઈ રોકડે થી લીધો છે..!!
પેલું શું ?
રીસ્ક હૈ તો ઈસ્ક હૈ ..ઈસ્ક હૈ તો રીસ્ક ..!!
મારા જેવા પાક્કા અમદાવાદી ને તો એક જ શબ્દ આવડે “રાણી નો હજીરો”
ના એમ આઈ ના આઈ ફોન ..!!
રાણી નો હજીરો…!! માણેક ચોકમાં સામે બાદશાહ નો હજીરો પણ છે..!!
લઇ લે ..!
હેઈ લશ્કર પડ્યું સે પાદર ગોમ ને રે લોલ ..
આજ ની કથા સમાપ્ત..
રાણી નો હજીરો
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*