મિત્રતા દિવસ ..
દિવસ આખો સોશિઅલ મીડિયા ઉપર ચાલ્યું , મારા જેવાને જ્યાં બારથી લઈને બાણું સુધીની ઉંમરના મિત્રો હોય એવાને જરાક અચરજ લાગે કે લોકો આવું કેમ કરે ..?
મિત્રતા દિવસ કેમ ઉજવે ?
અહીં તો મન મળે ત્યાં મેળો રે મનવા ..
થોડાક સમય પેહલા પત્નીજી મારા મિત્રોનું લીસ્ટ બનાવવા બેઠા હતા, પાંત્રીસ સુધી ગણ્યા પછી થાકી ગયા ..
મજાનો સબંધ છે આ મિત્રતાનો જીવનમાં,
મિત્રતાનો પાયો પણ “મજા” છે ..!
બાળપણથી પંચાતિયો સ્વભાવ, કુથલી કરવી ગમે એટલે દોસ્તી ઝટ થાય, પંચાત અને કુથલી એટલે મફતની મજા..!
પંચાતિયો વત્તા કુથલી કરવામાં ફાવટ હોય તો તો કોઇપણ ઉંમરની સ્ત્રીઓ કે પુરુષો સાથે દોસ્તી કરવામાં બહુ ઝડપ આવે..!
બહુ બધા મેસેજ આવ્યા કે પુરુષો ને પિયર નથી હોતું મિત્રો હોય છે ..
પણ મને લાગે છે મિત્રતામાં જેન્ડરને વચ્ચે ના લાવવી જોઈએ,
હું મોટેભાગે જેન્ડર ન્યુટ્રલ રહું છું મિત્રતાના મામલે,
જે સ્ત્રી મારી મિત્ર છે એનો પતિ પણ મારો મિત્ર છે ,અને જે પુરુષ મારો મિત્ર છે તેની પત્ની પણ મારી મિત્ર છે ..
સવાલ ખાલી તમારી “નજર” નો હોય છે, “દ્રષ્ટિ” નો હોય છે…
તમારા પોતાના લચીલાપણાનો હોય છે..!
મારે કેટલાય એવા મિત્રો છે કે મિત્ર કરતા મિત્રની પત્ની મારી સાથે વાત કરવામાં વધારે કમ્ફર્ટ ફિલ કરતી હોય..
એક કિસ્સો ..
ઘણા સમયથી પરદેસ શિફ્ટ થયેલા મિત્રની પત્ની એની બે જુવાન દિકરીઓ લઈને એક થીયેટરની લીફ્ટમાં એન્ટર થઇ, હું અને પત્નીજી પણ એમાં, લીફ્ટ બંધ થઇ..
ખાસ્સી મોટી લીફ્ટ, મિત્રની પત્ની અને એની બે દીકરીઓને મેં ઘણા વર્ષે જોયા ..
લગભગ સત્તર અઢાર વર્ષે..ફોનથી ક્યારેક વાત થાય ..
મને એ ભરચક લીફ્ટમાં ટીખળ સુઝી..એ ત્રણેની નજર અમારી તરફ નોહતી ,એટલે મેં પાછળથી સેહજ નીચા થઇને ઘાટ્ટા અવાજે બોલવાનું ચાલુ કર્યું…
જાડી એઈ જાડી ..
લીફ્ટમાં રહેલી બધી સ્ત્રીઓ સમસમી ગઈ, પત્નીજી એ મારો હાથ પકડ્યો અને ડોળા કાઢ્યા .. મેં પત્નીજીના કાનમાં કીધું પેલા જાડિયાની બૈરી ..
પછી મેં ફરી ટીખળ કરી કોમ્લી જાડી ..એઈ કોમ્લી જાડી ..હવે કોમલ (કાલ્પનિક નામ ) ને ખબર પડી ગઈ કે કોઈક એનું નામ લઈને જ ચીડાવે છે ,પાછળથી ..
એની બંને દીકરીઓ સખ્ખત ગુસ્સે ભરાઈ અને લીફ્ટમાં શોધે કે કોણ બોલે છે…???
લીફ્ટ ઉભી રહી ,બધા બાહર નીકળ્યા ..
કોમલને પંગો નોહ્તો લેવો એટલે એ દીકરીઓને લઈને ઝડપથી ચાલવા લાગી .. મેં લીફ્ટની બાહર નીકળીને મોટ્ટેથી બુમ પાડી એ ઈ જાડી ..
કોમલ ઉંધી ફરી , મને અને પત્નીજીને જોયા…
દોડતી આવી અને અમને બંનેને બાઝી પડી … શૈશવભાઈ .. ભાભી ..કેટલા વર્ષે…!!!!!! મને થયું જ કે મને આવી રીતે તો આ દુનિયામાં એક જ માણસ બોલાવે..
એની બંને દિકરીઓ નજીક આવી ગઈ, મોટી બાવીસ વર્ષ અને નાની વીસ વર્ષની ..
કોમલ બોલી …”પગે લાગો આ તારા પપ્પાનો અણવર હતો પરણવા આવ્યા ત્યારના, મને કાયમ આવી રીતે જ બોલાવે છે …”
આંખમાં પાણી આવી ગયા એની… ખુશ ખુશ ..
મેં કીધું મારો બળદ (મારો મિત્ર ) ક્યાં છે ? દિકરીઓના ભંવા ચડ્યા કે એમના બાપને બળદ કેમ કીધો ? પણ તરત જ સમજી ગઈ કે અમે અમારી એ ઉંમરમાં જતા રહ્યા હતા..
એ તો ત્યાં (પરદેસ ) મજૂરીએ જ છે ,હું આ બંને ને લઈને આવી છું.. ભાભી આ માણસ પચાસ વર્ષે પણ નથી સુધર્યો હોં ..
પત્નીજીએ કરેકશન કર્યું પંચાવન..!
મેં હસતા હસતા કીધું ..બોલ આવી રીતે ના બોલવતો તો તને આટલો આનંદ થાત ..?
કોમલ બોલી .. “ના શૈશવભાઈ.. મને ચોરીમાં ફેરા ફરતી વખતે તમે મને આવી રીતે ચીડવતા હતા એ યાદ આવી ગયું..તમે એક જ છો..બસ આવી રીતે જ મને બોલાવવાની તમારે..”
પછી ઘણી ખાટીમીઠી થઇ..સત્તર અઢાર વર્ષ પલકારામાં ઓગળી ગયા..!
પણ આ “મજા” એ જ મિત્રતાની ચાવી છે..
ગમ્મે તેટલા વર્ષે મળો પણ એવા ને એવા.. હૈયાના સબંધો..!
બીજો કિસ્સો ..
આજે ત્રણ બચુડીયા લઈને બપોર પડ્યે નીકળ્યો હતો,
ગજ્જબ કોમ્બીનેશન સેટ થયું હતું, એક બચુડીયું ચાલીસીમાં ,બીજું ત્રીસીમાં અને ત્રીજું સાવ ગધ્ધા પચીસીમાં..!
પાછું જઈ ચડ્યા પણ એવા કાફેમાં કે જ્યાં “ભાઈઓ” — “ભાઈઓને” શોધવા આવે ,
ત્યાં કાફેમાં ગયા પછી એવું લાગ્યું હોં… કે આ “આવા” પ્રકારનું જોઈન્ટ છે ..!
હા ,અમદાવાદમાં પણ આવું બધું ઘણું ..
સાંકડી જગ્યામાં બેઠા , એટલે પેલું સૌથી નાનું બચુડીયું પાછું મને વળગે, એટલે એક ભાઈને લાગ્યું અમે એમના “સ્યુગર ડેડી” હોઈશું, તે ભાઈ જરાક વધારે નજીક આવીને ટેબલ પાસે ઉભા રહ્યા..
મારું બેટુ પરદેસમાં આવું થતું ભાળ્યું પણ આ તો અમદાવાદમાં ..
પેલા ચાલીસીવાળું બચુડીયું ગરમ થઈને ગધ્ધાપચીસીવાળાને બોલ્યો ..”એ ઈ દૂર બેસ, આ તારા “બાપાથી”, પેલો તને અને તારા “ બાપાને” લેવા આ`ઈ ગયો છે…!!!”
શંભુ …શંભુ …હર હર મહાદેવ…!!!
જગતની ગત ન્યારી..
પણ ચર્ચાનો વિષય પછી આવો જ ચાલ્યો .. કે આ બધું અને બીજું બધું વધી ગયું છે..
ચાલીસીવાળો પૂછે “ભાઈ” તમારા જમાનામાં કેવું હતું ?
ત્રીસીવાળો પૂછે “ડોહા” તારા જમાનામાં કેવું હતું ?
અને ગધ્ધાપચીસીવાળો પૂછે “કાકા” તમારા ટાઈમમાં કેવું હતું ?
ઓશોથી લઈને વાત્સાયન બધાના આત્મા આવી જાય અમારામાં ..
એક લાંબા લેકચર નો વારો હતો..
“બધું આવું જ હતું , સદીઓથી ચાલતું આવ્યું છે ,અને ચાલતું રેહશે .. આ બધું જ હતું, પણ ત્યારે બધું છાનું હતું ,અત્યારે બધું છતરાયું છે, અત્યારે માય લાઈફ માય રૂલ્સ આવું બધું ચાલે છે, તો કોઈ શું કરી લેવાનું ..? સમય તો એના પ્રમાણે જ ચાલે, પણ કેવો અને કેવી રીતે ચલાવવો એ આપણે નક્કી કરવાનો હોય છે..તું મને ભાઈ કહે છે, તું ડોહો કહે છે અને તું મને કાકા કહે છે, પણ આપણે બધાય એકબીજાથી ખાલી અને ખાલી લાગણીથી જોડાયેલા છીએ ..બસ જ્યાં પ્રેમ હશે, મોરલી કે ઈમમોરલી કોઈ ક્રાઈમ નહિ, અને એકબીજાને વાપરી લેવાની ભાવના નહિ હોય ત્યાં સુધી બીજું કશું વિચારવાની જરૂર નહિ પડે..ભેગા થવાનું આવી રીતે અને મોજ કરવાની , મજા કરવાની..”
ત્રણેય એક બીજાની સામે જોવે..
એક સૂરે બોલ્યા .. એ ડોહા સમજાય એવું બોલ..!!
મેં કીધું પેહલા અહીંથી બાહર નીકળો ..
બહાર નીકળ્યા એટલે ફરી ત્રણેય તાડૂક્યા ..હવે બોલ ડોહા ..
મેં એમનાથી સેઈફ ડીસ્ટન્સે જવાની કોશિશ કરી અને કીધું દૂર ઉભા રહો તો કહું ..
ત્રણેય થોડાક દૂર ઉભા રહ્યા એટલે મેં કીધું…લવ યુ ગાયઝ ..
મુઆ ત્રણેય દોડીને એવા ચોંટયા ..હું ધક્કા મારું .. દૂર ,અલ્યા દૂર..
સાલું સૌથી નાનું બોલે… એ ડોહા સખ્ખત ઘરડો થઈને મરજે..નહિ તો હું એકલો પડી જઈશ, તારાથી બત્રીસ વર્ષ નાનો છું..મારા બાપને તો મેં મરેલો જોઈ લીધો ,પણ તને મરેલો મારાથી નહિ જોવાય, હું તારા વિના મરી જઈશ..!!
બસ આ જ જીવન,
જુદા જુદા લોકો સાથે જુદી જુદી વાતો અને પ્રેમ ..!
નિર્મળ દોસ્તી..ક્યારેક એનાથી આગળના દુનવ્યી સબંધો..પ્રેમ લાગણી..!
મળો કે ના મળો ..!
સબંધ હૈયાના રાખવા..!
મોજ કરો રોજ કરો..!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*