અમદાવાદમાં એલિયન આવ્યા ..!!!
આજે બપોર પડી ને મેસેજીસ ફરવા ના ચાલુ થયા છે , મોનોલીથ તરીકે ઓળખાતો પથરો ઉર્ફે મેટલ નો ચળકતો થાંભલો થલતેજ ના સિમ્ફની પાર્કમાં જોવા મળ્યો છે ,અને પાર્કના માળી ને કે સક્ષમ અધિકારી ને પણ ખબર નથી કે આ મોનોલીથ કોણે અને ક્યારે મુક્યો એની ખબર નથી ..!!
જબરું કેહવાય નહિ ..?
ગુગલ મહારાજ એવું કહે છે દુનિયાના ઘણા દેશોમાં આવો ચળકતો ત્રિકોણ અચાનક જોવા મળે છે અને છાપાની એપ એવું કહે છે કે ત્રીસ થી વધારે દેશોમાં આવા મોનોલીથ જોવા મળે છે..!!
જય હો …જય હો ..
હેરીટેજ સીટી પછી એલિયન આવી ગયા એટલે હવે `એલિયન સીટી` પણ કેહવાશે અમદાવાદ..!!
લાગે છે એલિયન બચ્ચનદાદા ની જાહેરાત જોઈ ગયા લાગે છે એટલે આવી ગયા ,
કે લાવ કુછ દિન તો ગુજરાતમાં ગુજારી જઈએ..!!
અમને થયું કે `હેંડો` વધારે જાણકારી મેળવીએ એટલે થલતેજમાં રેહતા મિત્ર ને ફોન લગાડ્યા જાય..
અલ્યા એ`ઈ તારે ત્યાં મોનોલીથ પડ્યો ..!!??
ભ`ઈબંધ પાછો જમીન નો દલાલ મુ`ઓ..એ ના હો એ પાર્ક અમારી થલતેજ ની સીમમાં નથી પડતો ,બોડકદેવમાં પડે ..!!
અમે પૂછ્યું ..તે જોયો ..? એમ વાત કર ને ?
ના લ્યા આ ઉંમરે એવા પાર્કમાં હવે કોની જોડે જવું ?
અમે બોલ્યા.. તારા છોકરા ની માં જોડે ,બીજી કઈ તને મળવાની હતી ટકલા , ગેંડા ..! સીધા મોઢે વાત કર ..કઈ માહિતી ખરી ?
`બે શૈશવ્યા ટીવીમાં જઈ જઈ ને ભાષણો તું ઠોકે અને સમાચાર મારી જોડે માંગે એવું કેમ ચાલે ?
અમે કીધું ..સારું ચલ મે`લ છા`લ હું કોઈ પ્રેસવાળા ને ફોન કરું..
અરે એમ નહી લ્યા ફોન કર્યો જ છે તે વાત તો કર , આ એલિયન આવી ને ગયા હોય તો જમીનના ભાવ વધે ?
મારી ફૂલ છટકી .. ના નહિ વધે , આ મોનોલીથ એટલે એલિયન નો `ખુંટ` કેહવાય, એલિયન અમદાવાદ આવીને ખુંટ મારી ગયા ,એટલે એ જમીન હવે એલિયન ની કેહવાય એમણે હક્ક દાવો કર્યો છે , એટલે કાલે સવારે કલેકટર ઓફીસ જઈને સાત બાર નો ઉતારો અને છ (અ) ના હક્ક પત્રક જોઈ લેજે..! આ તો એલિયન જોડે ઝઘડો પડ્યો કેહવાય ..
પેલો ખડખડ હસે અને બોલ્યો.. એટલે એમ કે એલિયન પોદળો કરી ગયા હવે ધૂળ લઈને ઉખડશે એમ ને ..?
મેં કીધું ..હા દ્લાલીયા, તારી ભાષામાં એમ જ , એલિયન ને એમ થયું કે લાવ આ જગ્યા આમ તો સિંધુ ભવનની પાછળ પડે એટલે ભાવ વધવાના પુરા ચાન્સ છે એટલે એમની જોડે કોઈ દેશ ની નાગરિકતા હોય નહિ પણ હવે ભાવ કુદકે ને ભૂસકે વધે છે એટલે ખુંટ મારી ગયા , ચલ હેન્ડ મુક હવે ..!!
ના ના .. તું કહે છે એમ હોય તો બે ચાર દિવસમાં એ મોનોલીથ ખૂંટે એકાદું એમનું જનાવર પણ બંધાશે અને પછી ત્યાં નાનું ઝુપડું પણ ઉભું કરશે..!!
અલ્યા દલાલીયા મોડસ ઓપરેન્ડી એલિયન ની પણ આપણી જેવી એમ ? કૈક નવું આવશે જોજે..!
પણ શૈશવ સિરીયલી કહે ને ભાવ વધશે ?
ગાળો બોલીશ હો હવે કઈ પૂછ્યું તો તે ..
અરે એમ નહિ યાર જો ત્યાં લાખ રૂપિયા એક વારે ભાવ ચાલે ,અને પાર્ક આમ તો ઓડા (ઔડા ) માં જાય , નહિ નહિ તો પણ પાંચેક હજાર વાર નો પ્લોટ એટલે પાંચસો ખોખા ની રમત થઇ , અને આજુબાજુ હજી ખેતરાં ખરા, ડેવલપમેન્ટ જોર આવી જાય જો ખરેખર એલિયન આવ્યા હોય તો..!! લઇ લેવાય ,બોલ છે ઈચ્છા ..!!
મારું દિમાગ ચકરી ખાઈ ગયું આ જમીન ના દલાલો ને ગમે ત્યાંથી ડેવલપમેન્ટ જ કરવું હોય..
જબરજસ્તી ફોન કાપવો પડ્યો ..!! મગજ ઉપર હથોડે હથોડા માર્યા..!!
અમદાવાદી નગરી અને અમદાવાદી જીવ .. દુનિયામાં માણસો વધશે પણ જમીન નહિ વધે જમીન તો ગમ્મે ત્યારે અને ગમ્મે ત્યાં લઇ જ લેવાય , માણસ દોડે ને એના કરતા મિલકત વધારે દોડે , પડ્યો પડ્યો પથરો પણ પાકે ..!!
બધ્ધા દલાલો ના પેટન્ટેડ વાક્યો..!!
એનો ફોન મૂકી ને આપણેં ગુગલી કરી..મોનોલીથ ના ફોટા જોયા ,અને ચળકાટ ફોટામાં એવા કે આંખો ચકાચોંધ થઇ જાય ,એવો ચળકાટ છે ,એટલે દિમાગ પાછું ચલાવ્યું કે મેટલ હોય તો આટલી શાઈનીગ લાવવા બફિંગ શેના થી કર્યું હશે ? પ્લાઝમા કટર વાપર્યા હશે કે શું ? પ્લેટીંગ કર્યું હશે ? ઇલેક્ટ્રો પ્લેટીંગ કર્યું હશે કે ઇલેક્ટ્રોલેસ પ્લેટીંગ ?
ચલો મેટલર્જીસ્ટ ને ફોન લગાડીએ ..
એ શૈશવ ૩૧ મી પૂરી થવા આવી છે ,હેરાન ના કર કાલે સવારે મને લેવા આવજે ત્યાં જોઈ ને જવાબ આપીશ ,ફોન મુક .. સીધ્ધો છણકો .. હું તો ભૂલી ગયો હતો કે કાકા પરમીટ ધારી છે.!!
ત્યાં અમારા ટ્રેઇનર `સાહેબ` આવ્યા કસરત કરાવવા .. સર પેલું કઈ થલતેજમાં પડ્યું એ શું છે ? આવા બીજા બે ચાર પડી જાય તો વિકાસ વિકાસ થઇ જાય અહિયાં તો ,આખી દુનિયાથી લોકો જોવા આવે ,પેલી નવી તાજ તો ખાલી જ ના રહે ..!!
મેં આંખો ઝીણી કરીને કીધું કેમ તારે તાજ નું શું કનેક્શન ? સીધી દુ:ખતી પકડી..
અરે સર કાલે ક્લાયન્ટ ને લઈને ગયો હતો ,એમને ત્યાં ના જીમ અને સ્વીમીંગ ની મેમ્બરશીપ લેવી છે ,જોરદાર છે આખી હોટેલ ,તમે પણ લઇ લો ને આપણે ત્યાં વર્ક આઉટ કરવા જઈશું ..
મારી ઓર ગઈ ..તને અહિયાં તાજ જેવું શું દેખાયું `બે હમણાં મેલે ને ત`ન ..
મારી ગરમી જોઈ ને પાર્ટી ફરી .. આ તાજવાળા એ તો પથરો નહિ ફેકાયો હોય ને એમની હોટેલ ચલાવવા ?
હું તો ધન્ય ધન્ય થઇ ગયો બૈલ ની બુદ્ધિ ઉપર..!!
બોલો હવે તમે જ કહો કે આ મોનોલીથ કોણે મુકાવ્યો ?
એલિયન એ કે પછી સંતુ રંગીલી ?
હેઈ અમદાવાદી નગરી એને ફરતે કોટે કાંગરી ..
હે વઉ તમે ના જશો જોવા ને પથરો ..
તાં એલિયન બડો મીજાસી ..
એકે બોડકદેવે પાર્કે મોનોલીથ તોણ્યા રે લોલ..!
હજી નવું નવું શું આવે કાલે ખબર ..પડીકા ફરશે દિવસ આખો..!!
બીજું કઈ થાય કે ના થાય પાર્ક ની આજુબાજુ પાણીપુરી ના ખુમચા આવી જશે..!!!
આ અમદાવાદની રાત ની અમારી ચોકીદારી બંધ કરાવી છે ને એમાં, બાકી તો એલિયન ને રંગે હાથ પકડ્યો હોત અમે , અને અમારા ઇટાલિયન ઘોડા ઉપર પકવાનના ભોંયરા માં આંટો મરાવી કોફી પીવડાવી ને બધી વાત કાઢવી લીધી હોત..!!
બળ્યો આ કરર્ફ્યુ અને કોરોના..!
રાતે બારી ખખડે તો પાછા બેઠા ના થઇ જતા ઠંડીમાં માર ભાભી નસકોરા થોડા મોટેથી બોલાવે એટલે બારીઓ ખખડે .. આ તો દો`ડે એલિયન આયો એલિયન આયો, મોનોલીથ લાયો , હેંડો કઈ નઈ તો વેચી ખઈશું ભંગારમાં ..!!
અમદાવાદી જીવડો .. રૂપિયા જ શોધે ..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*