આજે મધર્સ ડે..
સવારથી ફેસબુક અને વોટ્સ એપ પર બે વિરોધાભાસી મેસેજીસ નો મારો ચાલ્યો છે..
કોઈ મધર્સ ડે પર વિશ કરવાવાળાઓ ની ખીલ્લી ઉડાવી રહ્યું છે..એમ કહી ને કે આજ ના આટલા મેસેજ જોઇને તો હવે બધા વૃદ્ધાશ્રમ બંધ થઇ જશે..!!
કોઈ એમ લખે કે આ આપણી સંસ્ક્રુતિ નથી..!!
કોઈકે એમ લખ્યું કે માતાને યાદ કરવા માટેના તો કઈ દિવસો હોતા હશે?
અને બીજી બાજુ લાગણી અને ભાવનાઓમાં વેહતા મધર્સ ડે ના મેસેજ અને મમ્મી સાથે પડાવેલા ફોટાઓની હારમાળા સોશિઅલ મીડિયા પર છે..!!
મન ભરાઇ ગયુ એટલે છેવટે લેપટોપ ખોલ્યુ કમ સે કમ ઊંઘતા પેહલા મારા મનનો ભાર હળવો કરી નાખુ..દુનિયા જખ મારે..!!
ક્યાંક સાભળ્યું હતું કે ભાષા એકલી નથી આવતી એની સાથે એની સંસ્કાર અને સંસ્ક્રુતિ લઈને આવે છે..!!
એટલે તો હવે ભાષાની જોડે આવ્યું છે એનો સ્વીકાર કર્યે જ છૂટકો..
એકવાર મિત્રના બાણું વર્ષના દાદીમાં સાથે રબારી કોમની “સાટા” પધ્ધતિની વાતો કરતો બેઠો હતો અને ત્યારે એ દાદીમાં એ મને એક વાત કીધી હતી કે સાટું તો પેહલા આપણામાં પણ થતું પણ હવે બધુ ગયુ,
આપણે તો આપણા દેશ અને વેશ બધું ય છોડી દીધું છે, જયારે રબારીઓ એ એમના દેશ છોડ્યા પણ વેશ નથી છોડ્યા..!!
વાત સાચી છે, આપણે તો આપણા દેશ પણ છોડ્યા વેશ પણ છોડ્યા,ભાષા પણ છૂટી તો આપણે આપણા રીત રીવાજો ક્યાં સુધી પકડી રાખશું..?
ક્યાંક વાતમાં દમ લાગ્યો…!!!
નરેન્દ્ર મોદી મેડીસન સ્ક્વેર પર જયારે ભાષણ ઠોકે છે ત્યારે ત્યાં મોદી મોદી …કરીને પેલો આપણો એનઆરઆઈ ભઈલો બુમો મારે છે ત્યારે મધર્સ ડે ને વખોડનારા જ અહિયાં બેઠા બેઠા હરખાય છે,
પણ એ જ એનઆરઆઈ મધર્સ ડે કે ફાધર્સ ડે કે ગમે તે ડે પર વિશ કરે તો ખીલ્લી ઉડાવવાની ..?
હું તો જન્મ્યો ત્યારથી મારા માંબાપ ની જોડે રહ્યો છું,
મારા માંબાપ એ મારા વિનાની દુનિયા જોઈ છે, પણ મેં મારા માબાપ વિનાની દુનિયા જોઈ જ નથી, ધરતીના ગમે તે ખૂણે ભરાયો હોઉં પણ મને એટલી ચોક્કસ ખબર છે કે આ જ ધરતી ના છેડે મારા માં બાપ બેઠા છે, અને હું બેપાંચ કે દસ દિવસમાં ત્યાં પોહચી જઈશ..એટલે નિશ્ચિત મનથી દુનિયાભરમાં બિન્દાસ્ત રખડું છું..!
મારો ભાઈ પંદર વર્ષ પેહલા ઈમિગ્રેશન પર કેનેડા ગયો, ત્યાર પછી લગભગ અમે રોજ ફોન પર એકવાર વાત કરતા…
પણ એકવાર એ બોલી ગયો ભઈ તું નસીબવાળો છે તને ખબર જ નથી કે બાજુના રૂમમાં મમ્મી પપ્પા ના સુતા હોય એવો એહસાસ થાયને તો અડધી રાત્રે ઊંઘ કેવી ઉડી જાય..!!
મધર્સ ડે કે ફાધર્સ ડે એ આપનું કલ્ચર ચોક્કસ નથી પણ એનો વિરોધ કે મજાક શા માટે? અને એ વિરોધ કે મજાક કરનારાને પુછજો કે “ડોશી નોમ” ક્યારે આવે છે? કેટલી વાર તે “ડોશી નોમ”ના દિવસે કાગવાસ નાખ્યો છે ?
૯૯ % ડફોળીયા જવાબ નહિ આપી શકે,
ભાઈ તારું જે તને ગમે તે તું કર, અને બીજાને ગમે તે બીજા કરે,
મધર્સ ડે પર કોઈ કે એની મમ્મીને યાદ કરીને મમ્મી જોડે પડાવેલો એકાદો ફોટો મૂકી દીધો તો શું ખાટુંમોળું થઇ ગયું ?
એક ભાઈ તો આગળ વધ્યા કેટલી વહુઓ એ સાસુ જોડે પડાવેલા ફોટા મુક્યા..? દોસ્ત મેં તો સાસુ જોડેના નહિ કાકી સાસુ સાથે જોઈન્ટ ફેમીલીમાં રેહતી વહુના ફોટામાં “મોટી મમ્મી” અને “મમ્મી” સાથેના ફોટા જોયા..!!
બીજી એક પોસ્ટમાં એક સાથે સાત બેહનોને એમના ૧૬ સંતાનો એ યાદ કર્યા..!!
તેહવાર ભલે પારકો રહ્યો પણ સંસ્કાર તો પ્યોર હિન્દુસ્તાની નીકળ્યા…!!
કંચન ગમે તે ફોર્મમાં હશે એ કંચન રેહશે..!
અને કથીર કથીર રેહશે..!!
પારકા તેહવારમાં આપણી ભારતીયતાની સુગંધ રેડીને એને મેહાકાવીએ તો ખોટું શું છે ?
માં ને યાદ કરવા માટે કોઈ એક દિવસની જરૂર ચોક્કસ નથી પણ જેની મમ્મી જોડે ના રેહતી હોય, દૂર દરિયાપાર હોય, કોઈ મજબુરી હોય ,કે પછી આ દુનિયામાં જ હયાત ના હોય તો એક દિવસ માટે મમ્મીને યાદ કરીને ફોન કરી લે કે ફોટો મુકે તો મને એમાં કશું જ ખોટું લાગતુ નથી..
આજે સવારે રાજ્યસભા ટીવી પર ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર ઉપર એક ડોક્યુમેન્ટરી ચાલતી હતી અને એમાં બે શબ્દો બોલાયા નેશનાલીઝમ અને ઇન્ટરનેશનાલીઝમ..
બહુ સરસ અને મજેદાર શબ્દો લાગ્યા, ૧૯મી સદીના શબ્દો ઈન્ટરનેટના ૨૧મી સદીના જમાનામાં હવે ખુબ જ ઉપયોગી લાગ્યા..
કદાચ દુનિયા એક થઇ રહી છે,ઘમ્મર ઘમ્મર વલોણું ઘૂમી રહ્યું છે..
ચાયનીઝ ન્યુ ઈયરની હિન્દુસ્તાનનો ઈમ્પોર્ટનો ધંધો કરતો લગભગ દરેક વેપારી ખબર રાખે છે અને ઇસ્ટર સન્ડેની તાઈવાનીઝ વેપારી,
ભારતની દિવાળીની અસર છેક સપ્ટેમ્બરથી દુનિયાભરના બજારોમાં હોય છે .. આખી દુનિયાની ફેકટરીઓ ફૂલ સ્વીંગમાં ચાલુ થઇ જાય છે સપ્ટેમબરમાં..!!
ગ્લોબલાઇઝેશનના જમાનામાં નેશનાલીઝમ નહિ ઇન્ટરનેશનાલીઝમ ચાલશે..
દૂધમાં સાકર,કેસર,બદામથી લઈને જે નાખવું હોય તે નાખવાનો સમય છે..જો અત્યારનો સમય ચુક્યા તો કાળની ગર્તામાં ખોવાઈ જઈશુ..!!
ભાષા તો લગભગ હાથથી ગઈ છે, રીત રીવાજો પણ ગયા છે અને તેહવારો જતા જાય છે..
હિંદુ રાજનીતિના સેમીનારમાં ડો સુબ્રમણ્યમ સ્વામીએ જગદ ગુરુ આદિ શંકરાચાર્યજીને ટાંક્યા હતા..
પ્રાકૃતને હટાવવા અને સંસ્કૃતને લાવવા માટે પ્રાકૃતિ નો વિરોધ ના કરો, પણ પ્રાકૃતિમાં જ સંસ્કૃતના મેક્સીમમ શબ્દો ભરી દો જેથી પ્રાકૃતિ એની મેળે મરી જશે..!!
મધર્સ ડે કે ફાધર્સ ડે ને રંગેચંગે ભારતીયતાના પારિવારિક સંસ્કારોથી ઉજવો.. માં ની કે બાપની બર્થડે જેટલા ધામધૂમ કે ઉત્સાહથી ઉજવો..બસ
કોઈ ક્રિશ્ચન નહિ બને, ઉપરથી ક્રિશ્ચન હિંદુ બનવા માટે પ્રયત્ન કરશે..
દુનિયામાં ટોટલ ૧૫ ટકા લોકો જ ઉદ્દામવાદી છે,
બાકીના તો બધા પ્રેમ ના ભૂખ્યા છે..
મધ થી મરે એમ છે તો ઝેર શું કામ ..?
સૌને HAPPY MOTHERS DAY..!!
શુભ રાત્રી
શૈશવ વોરા