1 / 5
મમ્મીને આજે એંશી પુરા થયા ..
માવડિયો તો હું ખરો ..આપણને સ્વીકારવામાં જરાય શરમ નહિ ..!
હું જયારે ન્યુ હાઈ સ્કુલ ઘીકાંટામાં ભણતો ત્યારે એક સાહેબ એ માસ્તરની વ્યાખ્યા કરી હતી કે જેનું સ્તર મા કરતા ઊંચું એ માસ્તર ..
આપડી ખોપડી તો ત્યારે જ હટી ગઈ હતી કે આ ડોબો મારી મમ્મીથી આગળ કેમનો જાય ?
એ સમય હતો કે માસ્તરોને તું કારો અને તુચ્છ રીતે જ બોલાવતા ,
અતિશય વિદ્વાન અને ભણાવવામાં ખરેખર ખૂબ સારા હોય એ સાહેબો જ માન પામતા બાકી જે માસ્તર છોકરાવને શું સમજણ પડે ? એમ સમજીને ભણાવતા એ બધાની હાલત આવી જ રેહતી ..
તું કારો જ નસીબમાં રેહતો ,અને રસ્તે ક્યાંક મળે તો કોઈ સુંઘે પણ નહિ કોઈ..
એકદમ સત્ય ..
કર્યા જ ભોગવવાના ..!
બક્ષી સાહેબ એમ લખે કે સ્ત્રીની કમાણીનો એક રૂપિયો બે રૂપિયા બરાબર છે કારણ એ ઘર પણ સાચવે અને કામ પણ કરે ..
મને હંમેશા મારી મમ્મીની કમાણી બહુ જ મોટી લાગી છે .. કારણ તો કહું એણે ખરેખર દુર્ગા સ્વરૂપ થઇને સોળ ભુજાઓ ધારણ કરીને કામ કર્યું છે..!
સવારે સાડા પાંચથી શરુ થયેલી જિંદગી રાત્રે અગિયાર વાગ્યે અને એમાં પણ પેશન્ટ અડધી રાત્રે આવે તો એટેન્ડ પપ્પા કરે, પણ મમ્મી પાછળ જ હોય ..
તમામ ઈમરજન્સીમાં મમ્મી કમાન્ડ લઇ લે ..!
2 / 5
એ સમય હતો કે જયારે નોહતી પેથોલોજી કે નોહતા સીટી સ્કેન કે એમારઆઈ જે કઈ હતું તે કલીનીકલ ડાયગ્નોસિસ હાથ મૂકીને જ નક્કી કરવાનું હોય અને જનરલ પ્રેક્ટીસ, ઘણા બધા પેશન્ટ આજે પણ એવા આવે કે જે છેલ્લી મીનીટે આવે …
એક કિસ્સો ..
એક બહુ મોટાગજાના માણસ , એક તેહવારને દિવસે અમારા ઘરે એમના મમ્મીને લઈને આવ્યા .. માજી રીતસર હાંફે ..ઘરમાં આવી અને મમ્મીને કહે ભાભી પાણી આપો મને .. મેં તરત દોડતા પાણી લઈને મમ્મીના હાથમાં પાણી નો પ્યાલો આપ્યો ,માજી એ પાણી પીધું મમ્મીના હાથે ,તરત માજી બોલ્યા ભાભી મને બાથરૂમ લઇ જાવ..
મમ્મી એમની સાથે જ બાથરૂમમાં ગયા ..ત્યાં માજીએ બળાપો કાઢ્યો ભાભી ત્રણ દિવસથી છાતીમાં દુખે છે અને વહુઓને કીધું તો ખીખીયાટા કરે છે ..
બાથરૂમમાંથી બહાર આવ્યા મમ્મીએ ડીસીશન આપી દીધું.. ઈમરજન્સી વીએસ ..
પપ્પા અને એમનો દિકરો ગાડીમાં લઇ ને દોડ્યા ,રસ્તામાં વેઇન લઇ લીધી પપ્પાએ, પણ વ્યર્થ ,દેહ મૂકી દીધો માજી એ ..!!
સાવ છેલ્લી મીનીટે પેશન્ટ આવે ત્યારે શું કરવું ?
બહુ રડ્યા મમ્મી , કે બિચારા મારા હાથનો પાણીનો ગ્લાસ પીવા આવ્યા હતા..!!
પપ્પા હંમેશા કેહતા કે ડોકટરે પોતાની જાતને ભગવાન ક્યારેય ના માનવી કારણકે એણે ઘણી બધી ચાવીઓ પોતાની પાસે રાખી છે ,
પપ્પાતો આવી ઘટના થાય એટલે રીકવર થઇ જતા ઝડપથી પણ મમ્મી આજે પણ દુઃખી થાય છે..!
જો કે એમની આ લાગણીએ એમને અને અમને અનેકો અનેક પરિવાર સાથે જોડી રાખ્યા છે , આજે પણ રોજ એક પેશન્ટ તો એવું દવાખાને આવે જ કે જે મમ્મીને કહી જ જાય કે બેન દવાખાનું બંધ ના કરશો , સાહેબ ગયા પણ તમે છો તો અમારે સધિયારો છે..!
3 / 5
મોટેભાગે લોકોને જીવનમાં ત્રીસ પાંત્રીસ વર્ષ કામ કરવા મળતું હોય છે પણ જો નિષ્ઠા , ઈમાનદારી અને પ્રેમથી કામ કર્યું હોય તો લોકો તમને છોડતા નથી..!
મમ્મીને જીવનના એંશી વર્ષ પુરા થયા સાથે સાથે કામ કરવાના ૫૬ વર્ષ પુરા થયા .. ૧૯૬૭થી કામ કરે છે મમ્મી અને હજુ ચાલુ છે..!!
મારા ઘણા મિત્રો હજી જીવનના ચોપ્પન પુરા થયા ત્યાં તો નિવૃત્તિ લેવાનું વિચારે છે,
હું ત્યારે દરેકને કહું છું કે અલ્યા પાછળ જો હજી અમારા માડી કડેધડે છે..!
દિવસની પચ્ચીસ-પચાસ પેશન્ટની ઓપીડી ખેંચી પાડે છે ત્યાં તું આવી વાતો કેમ કરે છે? જ દવાખાને જઈને મળી આવ..!
જો કે મારી મમ્મી જ નહિ હું એમની પેઢીના એવા ઘણા ડોક્ટર્સને ઓળખું છું કે જે હજી પણ સંપૂર્ણ સ્વસ્થતાથી કામ કરી રહ્યા છે ..!
બહુ શીખવા જેવું છે એ પેઢી પાસે..!
કામથી કંટાળીને નિવૃત્તિના વિચાર કરચા કરતા પોતાના જ કામમાંથી આનંદ અને સંતોષ લઈને જીવનભર ટકેલા રેહવું ..
જો કે ઘણા બધા મને કહે છે કે એથીકલ પ્રેક્ટીસ કરતી ડોક્ટર્સની છેલ્લી પેઢી ના આ ગણ્યાગાંઠ્યા ડોક્ટર્સ બચ્યા છે ..!
મારે ઘણીબધી વખત મમ્મી પપ્પા સાથે સખ્ખત ઝઘડો થતો .. કમીશનના કવરે કવરો પાછા જાય અને મારો જીવ કચવાય .. એક વખત તો જયારે નવો નવો આઈફોન આવ્યો ત્યારે એક આઈફોન આવ્યો, અને મમ્મી પપ્પાએ પાછો મોકલ્યો .
મારા કાળજડાં બળી બળી ગયા ,
હું પપ્પાને પૂછતો પણ ખરો કે તમને શું દુશ્મની છે રૂપિયા સાથે ? કેમ આવું કરો છો ?
મમ્મીનો જવાબ રેહતો કે રૂપિયાને હંમેશા પૂછો કે તું કોણ છે ? અનીતિનો રૂપિયો સમૂળગું લઈને જાય ..
4 / 5
હું નોહતો માનતો , પણ પછી જેમ જેમ દુનિયાદારી જોતો ગયો અપલખ્ખણની દુનિયાને નજીકથી જોઈ પછી લાગ્યું કે એ લોકો જરાય ખોટા નથી અને આજે હવે એમ લાગે છે કે એ લોકો સંપૂર્ણ સાચા છે અને હું તદ્દન ખોટો ..
આજે જુનો સમય યાદ આવે છે મમ્મી પપ્પાના એ ડોક્ટર વિદ્વાન મિત્રો અને એમની ચર્ચાઓ, દવ્ખાના અને હોસ્પિટલની બારીમાંથી મેં કરેલું સમાજ દર્શન…
એક અદ્દભુત જીવન મારા મમ્મી પપ્પાએ મને આપ્યું છે ..!
બાળપણથી લઈને આજ સુધી લગભગ મારા કોઇપણ સવાલનો જવાબ મારી મમ્મીએ ટાળ્યો નથી અને એમને ખબર ના હોય તો મેળવીને આપ્યો છે..!
સંતાનના કોઇપણ સવાલના જવાબને ટાળવો નહિ પણ સંતોષકારક લોજીકલ જવાબ આપવો ..
પપ્પાના ગયા પછી મમ્મી કહે છે “દિવસો પૂરા નથી થતા ,પણ વર્ષો વીતી જાય છે ..”
એની પીડા હું સમજુ છું ,
પણ મમ્મી એની પ્રેગનેન્ટ થયેલી દરેક પેશન્ટને ભાર દઈને સમજાવે કે.. સરખું ખાજે પી જે ,બાળક તો એનું તારા શરીરમાંથી ખેંચી જ લેશે ,ઉણપ તને આવશે ,એટલે બે જીવ સોતી એ કોઈની રાહ જોયા વિના જમી લેવાનું..
કેટલા સ્વાર્થી છીએ સંતાન તરીકે આપણે .. મને તો હજી પણ સ્વાર્થ નથી છૂટતો..
જો જે હોં એમનેમ જતી ના રહીશ આ તારા છ એ છ ને પરણાવીને જજે ..
મમ્મી કહે છે છ તમારા છે, મારા ત્રણને મેં વરાવી દીધા..
અને હું કહું માથાકૂટ નહિ જીવવાનું જ છે .. સો પૂરા કરવાના ઓછા નહિ ચાલે…!!
એ કાળિયા , મહાદેવીયા સાંભળે છે ને ?
શાંતિ ,
ભલે રહ્યા માડી મારી પાસે.. રોજ દવાખાને ભલે જતા..!
5 / 5
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*