નાચશે ગુજરાત,પી`શે ગુજરાત,દંભી ગુજરાત..!!
સરકારી ભાષામાં લખીએ તો દંભનો આ અનેરો અવસર ગુજરાત ના એક એક ખૂણે ખૂણે ગુજરાતી નરનારીઓ માણશે અને દારૂબંધીના કાયદાની ધજ્જિયા ઉડાડશે સવા છ કરોડ ગુજરાતીઓ..!
દર વર્ષની જેમ આ વર્ષે પણ કાયદા ની આપણે ઠેકડી ઉડાડવાની છે,અને દારુની રેલમછેલ કરવાની છે..દેશી થી લઈને વ્હાઈટ,બ્રાઉન અને રેડ એમ તમામ પ્રકારના દારૂ આ ૩૧મી ડીસેમ્બર ૨૦૧૭ ના મહામૂલા અવસરે આપણે પીશું અને દુનિયાને દેખાડી દઈશું કે આપણે કેટલા બધા દંભી છીએ..!!
અને હા તમારા દારૂબંધીના દંભને પોષવા માટે પોલીસ “રેડો” પણ એટલી જ પાડશે, અને દારુ ના ખટારા પણ પકડશે, પછી એ પકડાયેલા દારુની ઉપર રોડ રોલર ફેરવી અને એના ફોટા મીડિયા અને સોશિઅલ મીડિયા ઉપર આપણે મૂકશું, જેથી જે લોકો પીવામાં રહી ગયા છે, એમને છેક મળવિસર્જનની જગ્યાથી લઈને અધરોષ્ઠ સુધીની બળતરા થાય…!!!!
કેવા “મોંઘા” “માલ” ઉપર રોલર ફેરવે છે..!!!
ગુજરાતી નો દંભ કોને કીધો..??!!! નાનો થોડો હોય ????
દારુ જોડે ગુજરાતીને ઘણો જુનો સબંધ છે, ઘણી બધી વિવિધ પ્રકારે ગુજરાતી દારૂ જોડે જોડાયેલા છે, જેમ કે
દારુ અને ડાન્સ
સદીઓ થી દારુ અને ડાન્સ ગુજરાતી સાથે જોડાયેલા છે..નવરાત્રીના ગરબા સિવાયના કોઇપણ પ્રકારના ડાન્સ કરવા માટે ગુજરાતી માણસને દારુ તો પીવો જ પડે..!
દારૂ અને અંગ્રેજી
પીધા પછી જ ગુજરાતી માણસમાં કોન્ફિડન્સ આવે અંગ્રેજી બોલવામાં ,જેઠાલાલ અંગ્રેજી બોલે મેહ્તુસ..
દારુ અને સેક્સ..
હું નથી લખતો પીનારા ને પૂછી લેવું..
દારૂ અને પત્નીને, દારુ અને જૂની પ્રેમિકા ને પ્રેમ ..
આ પણ લખાય તેમ નથી..
દારુ અને જોડે બેઠેલા મિત્રનો ભાતૃભાવ
અવિસ્મરણીય અસહ્ય અનુભવ..અને મારા જેવા “ના” પીનારા માટે તો ખાસ, સાલા પીધા પછી એવો પ્રેમ કરે કે આજકાલના પેલા “બ્રધર ફ્રોમ અનધર મધર” વાળા તો ક્યાંય પાછા ફેંકાય, તમને એમ જ લાગે કે આ તો “બ્રધર ફ્રોમ સેઈમ મધર”..છે..!! ગાયનેક એ એક સીઝર મૂકી, અને બન્ને જોડે એક જ યુટરસમાંથી હાથમાં હાથ નાખી “યે દોસ્તી હમ નહિ તોડેંગે..” ગાતા ગાતા ધરતી પર અવતર્યા છે…!
દારુ અને ઝઘડો..દારુ અને લવારી..
આવી અનેકો અનેક રીતે ગુજરાતી માણસ દારુ સાથે જોડાયેલો છે,
૩૧મી ડીસેમ્બર માથે ગાજી રહી છે અને ગુજરાતી પ્રજાને દારુ પીવાની અજબગજબની “તલબ” ઉપડી છે ત્યારે સામે છેડે બહુ જ “ટાઈટ” છે..!!
દંભી ગુજરાત અને દંભી ગુજરાતીની દારૂબંધી..!!!
વારો હવે અનુભવનો…
થોડાક સમય પેહલા સાંજના સાત વાગ્યે ધરણીધર ચાર રસ્તા ઉપર એક ચાલીસ લાખ ઉપરની ગાડી પાર્ક કારીને ચાર-પાંચ નબીરા બિન્દાસ્ત બીયરના કેન લઈને બેઠા હતા અને મસ્તીથી “પી” રહ્યા હતા..!!
એ નંગોને જોઇને પેહલો જ વિચાર એ આવ્યો કે આમને શું મજા આવતી હશે..? બીજી કોઈ મજા આવતા આવે પણ પેહલી મજા તો કાનૂન તોડવાની આવે પછી બીજી કાનૂન તોડ્યા પછી પણ કોઈ અમારું કશું ઉખાડી નથી લેતું એની આવે ત્રીજી મજા…ચોથી મજા ..પાંચમી મજા..આવું બધું જે લખી ના શકાય એ બધી જ મજાઓ આવે..બે ત્રણ પીસીઆર વાન પણ આજુબાજુમાંથી ગઈ પણ સાલું મને રહ્યા ચશ્માં એટલે મને બીયરના કેન દેખાયા અને “રક્ષકો”ને ડાયટ કોકના ટીન દેખાણા હશે એટલે શાંતિથી બાજુમાંથી જતા રહ્યા…!!
શું એ પીનારા નંગો એમના ઘેર ગયા હશે ત્યારે એમના માંબાપને નહિ ખબર પડી હોય ? આજુબાજુ વાળા..? પીધા પછી પાનના ગલ્લે સિગારેટ ફૂંકવા ગયા ત્યારે ગલ્લાવાળાને ? પીધા પછી ચીકન-મટન ની લારીએ કે હોટલે ગયા ત્યારે કોઈને..?
એક એક ગુજરાતી માણસ “પીધેલા” અને “સાદા”માં એક સેકંડમાં ફર્ક કરી જાણે છે..! તો પણ કોઈ પોલીસ ફરિયાદ કેમ નથી થતી ?
ઇનફેક્ટ ખરેખર જો પીધેલા “પકડવા”ની અને “પકડાવા”ની ઝુંબેશ ચાલુ થાય તો સ્કૂલોને જેલોમાં ફેરવવી પડે એવો ઘાટ થાય..
તો પછી આટલો બધો દંભ શા માટે..?
કહો ના કહો ગુજરાતમાં “સેલીબ્રેટ” શબ્દની સાથે “દારુ” જોડાઈ ગયો છે, આજે ગુજરાતના આર્થિક રીતે સધ્ધર અને આર્થિક રીતે પછાત આ બંને વર્ગમાં દારુને ખુબ જ સહજ સ્વીકાર્યતા મળી ચુકી છે તો પછી દારૂબંધીનો દંભ શા માટે..?
સોમરસ તો સમુદ્રમંથન કર્યું ત્યારે નીકળેલા ચૌદ રત્નોમાં નું એક રતન છે..!
ઘણી બધી દલીલો અત્યાર સુધી દારૂબંધીની તરફેણ અને વિરોધમાં થઇ ચુકી છે, વચ્ચે એક સમય લગભગ એવો હતો કે અમદાવાદની ફાઈવસ્ટાર હોટલો એ દારુ પીરસવાની લગભગ તૈયારી કરી લીધી હતી,પણ જે તે સમયની સરકારે પોતે દારૂબંધી હળવી કરવાનું “કલંક” માથે નોહતું લેવું માટે સાવ છેલ્લી મીનીટે પીછેહઠ કરી..!
એક સર્વવિદિત હકીકત છે કે રાજ્યની સ્થાપનાથી લઈને આજદિન સુધીની દારૂબંધી પોકળ સાબિત થઇ છે, કાશ્મીર જેવા ઇસ્લામિક રાજ્યમાં પણ ઓરીજીનલ કાશ્મીરી યુવાનોને ગેરકાયદેસર શ્રીનગરમાં દારુ પીતા મે જોયા છે તો પછી ગુજરાતની વાત ક્યાં રહી..!
તો પછી હવે રસ્તો શું..?
થોડી ઢીલી કરવી પડે, જેથી પીનારાને સંતાવું ના પડે અને પોલીસના “તોડપાણી” ની કિમતમાં ઘટાડો થાય..તમામ ફાઈવ સ્ટારમાં તોડી નાખે એવા રૂપિયા લઈને દારૂ પીરસવાની છૂટ આપવી જોઈએ..!!
દારૂબંધીની તરફેણમાં એવી દલીલ આવે છે કે કૈક ગરીબોના ઘરના ચૂલા દારૂબંધીથી ચાલી રહ્યા છે ? ખરેખર શું એ સાચી વાત છે ? અમદાવાદની કઈ ગલીમાં દારુના સ્ટેન્ડ નથી ચાલતા ?
એક મોટીવેશનલ સ્પીકર કદાચ શૈલેશ સાગપરીયાની જ સ્પીચ હતી કે આપણે ત્યાં પ્રસંગે છોકરા પાર્ટી કરતા હોય ત્યારે મોટાઓ આંખ આડા કાન કરીએ છીએ..!
હવે જે થવાનું હતું તે થઇ ચુક્યું છે, ગાડી રીવર્સમાં નહિ જાય,કાયદા કડક કરશો તો ભ્રષ્ટાચાર વધશે,દુનિયાના કોઈ છેડે કે ખૂણે કડક કાયદો પ્રજાની મરજી વિના પાળી શકાયો નથી,ખોટા જોર જુલમ નો મતલબ નથી..
દીવ ,દમણ અને રતનપુર જતી આવતી ગાડીઓ ગોવાની ફ્લાઈટના સિંગલ ટીકીટના ભાવ બાવીસ હજાર રૂપિયા..!! આ બધું શું સૂચવે છે ?
આજ, કાલ અને પરમદિવસના પાંચ ઇન્વીટેશન પેન્ડીગ પડ્યા છે, ઈશ્વરકૃપા એ હું તો દારુના દરિયાની વચ્ચે જળકમળવત રહી શક્યો છું પણ બધાના કામ નથી આ..!
મન ને મારવું બહુ અઘરું થઇ પડે છે, જ્યારે તમારી આજુબાજુ દારૂની નદીઓ વેહતી હોય, દિલ્લી,મુંબઈ ,શાંઘાઈ ,પેરીસ કે ટોક્યો કે પછી પુના બેંગલોરના પબ ડિસ્ક કે બાર જ્યાં મારી આજુબાજુ જુવાની હિલ્લોળે ચડી હોય અને જામ પર જામ છલકતાં હોય ત્યારે..! શરીરથી શરીર ઘસાતા હોય અને એ પણ પાંત્રીસ વર્ષ ની ઉંમર પછી..!!
જીગર જોઈએ તાકાત જોઈએ નાં પાડવાની…અને હા ભાઈ કેમ પાંત્રીસની ઉંમર પછી જ ..? કેમકે પાંત્રીસ પછી પુરુષ અનએકાઉન્ટએબલ થઇ જાય છે એને કોઈને હિસાબ આપવાની જરૂર નથી હોતી..!!
મને લાગે છે બક્ષી સાહેબ સાચા છે “જે કામ હું મુંબઈમાં કરું એ જ કામ અમદાવાદમાં કરું તો હું ગુન્હેગાર ?”
ખરેખર જો કોઈના હૈયે ગુજરાતના મોરલ માટેનું હિત હોય અને ગુજરાતને દંભ કરતુ રોકાવું હોય તો આંશિક રીતે દારૂબંધી હળવી કરવાની તાતી જરૂર છે..!!
બાકી સંસ્કારના પુછ્ડા પછાડવા જ હોય તો એસજી હાઈવે ઉપર આ સમયે ૧૦:૦૦ PM એ નીકળશો તો ઓછામાં ઓછી પચાસ છોકરીઓ અત્યારની મસ્ત ઠંડીમાં સિગરેટના ધુમાડા ઉડાડતી મળશે,અને પાંચસો રૂપિયામાં બે કલાક રૂમો આપતી હોટેલ ના વેઈટર છોકરી લઈને જાવ તો સામેથી પૂછશે કોન સી સાઈટ સે આયે હો ?
જેને નશા કરવા જ છે એ કફસીરપના પણ નશા કરી લ્યે છે, અને “ચિટ્ટા” (ચરસ) પણ એટલા જ અમદાવાદમાં મળે છે,આજ ની દારુબંધી ખાળે ડૂચા અને દરવાજા ખુલ્લાની છે..
માટે રાત્રે દસ વાગ્યે સુઈ અને વેહલા ઉઠનારા હે સંસ્કારી ગુર્જર નરનારીઓ ક્યારેક રાત્રી પરિભ્રમણ કરજો અને જાણજો કે તમારા લાડલા અને લાડકીઓ શું કરી રહ્યા છે..!!
દારુ પીતા પકડાય એને ફાંસી આપશો તો પણ દારૂબંધી ગુજરાતમાં નહિ લાગુ પાડી શકો, તાલેબાન એ કરી ચુક્યા છે..
સમજો ,વિચારો અને અમલ કરો..
અમે અત્યારે રાત્રી નગરચર્યા કરવા જઈ રહ્યા છીએ..!!
તમામ ગુર્જર દંભીઓ ને શુભ રાત્રી,
શૈશવ વોરા