કાલે સવારે શું થશે ?
નવી સંસદના ઉદ્ઘાટન પછી સરકાર ક્યા નવા બીલ લાવશે ?
વિપક્ષ મૂંઝવણમાં છે, સાપ નીકળશે કે ઘો ? જરાક પણ `હિંટ` નથી મળી રહી જ્યારે સત્તા પક્ષ તરફથી મંગલ ગીતો ગવાઈ રહ્યા છે, ફોટો શૂટ રાખવામાં આવ્યું છે અને આખા પ્રસંગને ગણેશ ચતુર્થીના પાવન પ્રસંગ જોડે જોડી દેવાયો છે, ભક્તિભાવથી તરબોળ સત્તા પક્ષ કશું જ બીજું વિચારવા તૈયાર નથી, જે બીલ આવશે તેના ગુણગાન જ ગાવાના છે, માટે તૈયારી પણ એવી જ છે..!!
પરંતુ એક સામાન્ય જનસાધારણ તરીકે અપેક્ષા શું ?
અનેકો અનેક ..
૧) આશા રાખું કે યુરોપિયન યુનિયનની જેમ અખંડ ભારતના તમામ દેશો અને પ્રદેશો નવી સંસદમાં એક સાથે બિરાજે અને ૨૦૪૭માં ખરા અર્થમાં “ચક્રવર્તી ભારત” બને..!
૨) રાજ્યસત્તા અને ધર્મસત્તા બંને પોતપોતાના દાયરામાં રહીને પોતાને મળેલી સત્તાઓ ભોગવે અને પ્રજાને મર્યા પછીની જિંદગીના સપના દેખાડી અને જીવતરને જીવતે જીવ નર્ક, દોજખ કે બીજું જે કેહવાતુ હોય એ ના કરી નાખે..
૩) એનર્જીના નવા વિકલ્પ શોધી અને વિજ્ઞાનીઓ, જે તે ફિલ્ડના તજજ્ઞોને માટે નવી સંસદમાં એક અલાયદી જગ્યા હોય જેમાં એમનો મત લેવામાં આવે ,ચાર ચોપડી પાસ અભણો બોલે એ કાયદો ના બની જાય..
૪) મહિલા અનામત કે બીજી કશી અનામત ના ડખા ના કરવા પડે એવી સુંદર અને સુચારુ એક રાજ્ય વ્યવસ્થા ગોઠવાય, કારણકે આપણને “સરપંચ-પતિ” “મુખ્યમંત્રી-પતિ” પણ મળી ચુક્યા છે..
૫) જમીનોમાં ચાલી આવતી જંત્રી નામની હલકટ વ્યવસ્થા દૂર કરી અને બજારભાવે જ દસ્તાવેજ કરવા પડે તેવી વ્યવસ્થા ગોઠવાય ,
૬) તમામ ધાર્મિક ટ્રસ્ટો ખાલસા કરો, મૃત્યુ પછીના જીવનની વાત કરતા તમામ ધર્મો એટલું તો કબુલ કરશે જ કે મરેલો માણસ પણ અહીના રૂપિયા ઉપર લઇ જઈ શકતો નથી અને મર્યા રૂપિયાનો કોઈ મતલબ નથી, તો પછી દેશના દરેક ધર્મો પાસેથી રૂપિયાનો મોહ છોડાવી અને ભારતીય રીઝર્વ બેંકને રૂપિયા અને તમામ મિલકત સમર્પિત કરી દયો..!
૭) લાંચ લેતા અને ભ્રષ્ટાચારની સજા ફાંસી સુધીની થવી જોઈએ ,જેથી કરીને ભ્રષ્ટાચારને મળેલી સામાજિક સ્વીકૃતિ નામની વિકૃતિને ઝટ ડામી શકાય..
૮) એક દેશ એક ઈલેકશન ત્યારે જ કરવું જ્યારે દેશ ભ્રષ્ટાચારથી મુક્ત થઇ ગયેલો જાહેર થાય અને તે માટે શરૂઆત ટ્રાફિક પોલીસથી થઇ શકે.. કારણકે ભ્રષ્ટાચાર કરતો દરેક સરકારી કર્મચારી એમ બોલે છે કે અમારે છેક “ઉપર” સુધી આપવા પડે છે, અને ઉપરવાળા ચૂંટણીને દોષ દયે છે , આ વિષચક્રમાંથી દેશને બાહર કાઢવો..
૯ ) ન્યાયાલયો ત્વરિત ન્યાય આપે એવી વ્યવસ્થા
૧૦) વારસાઈ વેરો લાવો, વાસી વધે નહિ અને કુત્તા ખાય નહિ ..પૂત સપૂત તો કયું ધન સંચય પૂત કપૂત્ત તો કયું ધનસંચય ..! દરેકને ફરજીયાત લાગુ પાડવું..
૧૧) સમાજની તમામ વ્યક્તિ એકબીજા સાથે સૌહાર્દ અને સન્માનથી વર્તે, તકો સમાન મળે, અને જે ત્યારે જ શક્ય બને કે શું કરવાથી મને શું મળશે તે નક્કી હોય, જરાક ક્લીયર કરું .. જેમ કે ડોક્ટર બનવાથી મને ઇન્જેક્શન આપવા મળશે અને ઇન્જેક્શન આપી અને હું બસ્સો રૂપિયા કમાઈ લઈશ ,એવી જ રીતે શું ભણવાથી મને કઈ જોબ મળશે અને હું કેટલા રૂપિયા કમાઈ શકીશ એ પણ નક્કી જોઈએ..!
૧૨) તમામ સરકારી અને બીજા દરેક પગારદાર પોતાના પગાર ઈ-રૂપી તરીકે મેળવે અને ઈ-રૂપી તરીકે ખર્ચે, ધંધાદારી વ્યક્તિ અમુક ટકાથી વધુ રોકડ ઉપાડી શકે નહિ તેવો કાયદો લાવે..
૧૩) અમેરિકન પદ્ધતિ પ્રમાણેની પ્રમુખશાહી પદ્ધતિ આવે જેથી કરીને એકસીડન્ટેલ પ્રાઈમમીનીસ્ટરો અને મુખ્યમંત્રીઓથી બચી શકાય
૧૪ ) બે થી વધુ ટર્મ માટે કોઈ રહી શકે નહિ, નવી લીડરશીપ ડેવલપ થઇ શકે..ફૂલ ગયું અને ફોરમ રહી એવું કહી શકીએ ,નહિ કે ઝાડ પડ્યું ને જગ્યા થઇ..
૧૫ ) ધર્મોના ગ્રંથો નહિ પરંતુ બંધારણ સર્વોપરી થવું જોઈએ, કોઇપણ નાગરિકને પોતાના ધર્મગ્રંથ અને બંધારણમાંથી બેમાંથી કોઈ એક ની પસંદગી કરવાની આવે તો બંધારણ જ પસંદ થવું જોઈએ એવા પ્રકારનું સુંદર લચીલું બંધારણ થવું જોઈએ..
૧૬) સલ્તનતે બર્ત્તાનીયાની જેમ બંધારણ બંધ નહિ પરંતુ ખુલ્લું હોવું જોઈએ જેથી કરીને સુધારા અને વધારા સેહલાઈથી થઇ શકે..
૧૭) શાંતિ તલવારની ધારેથી, બંધુકના નાળચેથી ,તોપના ગોળાથી આગળ વધીને આજે બેલેસ્ટિક મિસાઈલને માથે બેઠી છે ,પણ એના પ્રયોગો વારતેહવારે થતા રેહવા જોઈએ..
૧૮) યુએનમાં વીટો પાવર પાવર દેખાડ્યા વિના નહિ મળે , અને પાવર દેખાડવા ઘરમાં રણભૂમી ઉભી કરવી જરૂરી નથી ,અમેરિકા ,રશિયા અને પશ્ચિમના દેશો જેમ પારકા દેશને રણભૂમિ બનાવી અને જે તે દેશનું નખ્ખોદવાળી કાઢે છે, તો ત્યાં જઈને આપણે પણ હાથ સાફ કરી અવાય, ઝેલ્ન્સકી કે પુતિનકાકાને ભારતીય શસ્ત્રો અજમાઇશ કરવા મોકલાય ,ત્યારે દુનિયા વીટો પાવર આપે ..
૧૯) સામ્રાજ્યવાદ અને આર્થિક સામ્રાજ્યવાદની સામે બાથ ભીડી પણ બચાવ માટે હવે ક્યારેક આગળ વધીએ તો ખોટું નથી .. યુદ્ધ લડીને જીત્યા પછી વિજય પતાકા લેહારાવવાનો આનંદ કૈક ઓર જ છે, ભારતભરમાં કેન્ટોન્મેન્ટ વિસ્તારોમાં મુકેલી પાકિસ્તાનની ૧૯૭૧માં પકડી લાવેલી ટેન્કો હવે સડી ગઈ છે, નવી લાવવાનો સમય પાકી ગયો ..
૨૦) શિક્ષણ એ સમાજ નહિ પણ સરકારની જવાબદારી છે એ કબૂલ કરી અને તમામ શૈક્ષણિક સંસ્થાઓ ખાલસા કરો ,શ્રી સરકાર કરો
૨૧) એ જ રીતે હેલ્થ પણ , હોસ્પિટલ્સ ખાલસા કરી શ્રી સરકાર કરો ..
ઓવર ઓલ કદાચ એવું લાગે કે ચાઈનાની તમામ સીસ્ટમ સ્વીકારવી પડે,પણ ઈલેકશન અને ફ્રીડમ ઓફ સ્પીચની સાથે ત્યારે જ ભારત “વિકસિત ભારત” , “ચક્રવર્તી ભારત” બની શકશે..!!
પોતાના મતથી સત્તા પલટો કરી શકતો નાગરિક રાજા નથી માત્ર અધિકારનો ઉપયોગ છે, માટે નાગરિક રાજા નથી હોતો એ નાગરિકે સ્વીકારવું રહ્યું અને મત મેળવી અને ચૂંટાયેલા નેતા પણ પોતે રાજા નથી એ તેમણે સ્વીકારવું રહ્યું..!
માટે છેલ્લે રાજા રજવાડાનું સાલિયાણું બંધ તો નાગરિક અને નેતાનું પણ બંધ..!!
જય હો , બીજું ઘણું છે લખતો રહીશ યાદ આવશે તેમ પણ આપને આટલું જ ,ખોટી કોમેન્ટો અને ચર્ચા કરીને લમણાં ના લેશો એની બદલે વિચારીને મંથન કરજો , કોમેન્ટ અસ્વીકાર્ય ..
ક્ષમા ..
મિચ્છામી દુક્કડમ સહુને
૨૦૪૭ ચક્રવર્તી ભારત ,
ન કોઈ ઊંચ ન નીચ ..ફકત ભારતીય ..!!
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*