નવરાત્રી ૨૦૨૩ ..
આ વર્ષે નોરતા ઉપર કાળ મંડરાઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે ,
હું પોતે ગરબા અને નવરાત્રીનો જબરજસ્ત સમર્થક રહ્યો છું, જેણે જેણે કોઈપણ રીતે વિરોધ કર્યો છે એમની માથે ચડીને મેં નગારા વગાડ્યા છે ,
પણ આ વર્ષે જે રીતે નાના નાના છોકરાઓમાં હાર્ટએટેકના પ્રમાણ વધી રહ્યા છે એ જોતા ભારે હૈયે અત્યારે બ્લોગ લખવા બેઠો છું..!
કોવીડને લીધે કે પછી કોવીડની વેક્સીનને લીધે નાની વયના છોકરાઓમાં હાર્ટએટેક આવી રહ્યા છે તેના ઉપર સંશોધનો ચોક્કસ ચાલી રહ્યા છે દુનિયામાં પણ અત્યારે તો દેખીતો દોષ જંક ફૂડ અને વિટામીન B12 અને D3ની ઉણપને દેવાઈ રહ્યો છે..
જેટલા ઘરડા લોકો કોવીડમાં રામશરણ થયા એ બધા આ વર્ષે શ્રાદ્ધમાં ભળી ગયા, એ પણ એક હકીકત છે કે કાળમુખો કોવીડ સ્ત્રીઓ માટે થોડોક પક્ષપાતી રહ્યો હતો , તેમાં મોટાભાગના “દાદાઓ” હતા “બા” નું પ્રમાણ ઘણું ઓછું હતું,
અને આ વાતનો જાત અનુભવ મેં કરેલો છે, કોવીડના આઈસીયુમાં જેટલી વાર ગયો ત્યારે ત્યાં એશી ટકા દાદાઓ જોવા મળતા ને જે બા આવતા એમાંના મોટાભાગના સાજા થઈને ઘેર જતા પણ દાદાઓમાં મૃત્યુનું પ્રમાણ વધારે જોવા મળતું..
એ જ રીતે અત્યારે જે યુવાનોમાં અને બાળકોમાં હાર્ટએટેકના કિસ્સા જોવા મળી રહ્યા છે તેમાં છોકરાઓનું પ્રમાણ છોકરીઓ કરતા વધારે જોવા મળી રહ્યું છે ..
હવે આ શું છે અને આવું કેમ થયું અને થાય છે તે સંશોધનનો વિષય છે અને સંશોધનો પૂરજોશમાં ચોક્કસ ચાલી રહ્યા છે ..
પણ હવે વેળા આવી ગઈ છે ..
નોરતાની ..
રામઢોલ થી લઈને નાની નાની ઢોલકીઓ બધું સજીધજીને ડબગરવાડમાંથી બાહર નીકળી બજારે આવી ચુક્યું છે એટલે હવે સાવધાની એ જ ઈલાજ ..!!!!!
આગળ લખતા પેહલા એટલું કહી દઉં કે જન્મ્યો ત્યારથી ગરબા રમું છું અને જીવનના ચોપ્પ્નમાં વર્ષે પણ સો ટકા નવે નવ નોરતા ભમવું છે, પણ મારા ગરબા રમવાને કારણે એકપણ જુવાનીયો જાયને કોઈ મા ની કુખ નંદવાય એ મને હરગીઝ મંજૂર નથી એટલે બળતા હ્રદયે આગળ લખીશ..
નગરી અમદાવાદની મોટાભાગની કલબોએ પોતાના મનની મોટપ બતાવી છે, લગભગ દરેક કલબો એ પોતાની કલબની બાહર આઈસીયુ એમ્બ્યુલન્સ અને ડોક્ટર્સ તૈયાર રાખવાની બાંહેધરી આપી છે..
આ સાથે શેહરના તમામ આઈસીયુ પણ ખડે પગે રેહશે …
પણ ..પણ ..પણ ..
ગરબા ગ્રાઉન્ડથી પેશન્ટને ઊંચકી અને આઈસીયુ એમ્બ્યુલન્સ સુધી પોહચાડવું એ પણ એક ટાસ્ક છે, કારણકે હાર્ટએટેક હોય કે બ્રેઈન સ્ટ્રોક બંનેમાં પેહલી મીનીટો અત્યંત કિમતી હોય છે એટલે આવી કોઈ પણ અઘટિત ઘટના ઘટે તો તરત જ ગરબા રોકાઈ જવા જોઈએ અને એમ્બ્યુલન્સ સુધી રસ્તો થઇ જ જવો જોઈએ ,જેના રીહર્સલ પણ કરવા જોઈએ..અને એના એનાઉન્સમેન્ટ પણ સ્ટેજ ઉપરથી સમજણ સાથે થવા જોઈએ..અને ગરબા શરુ થતા પેહલા CPR(Cardiopulmonary Resuscitation) નું ડેમોન્સટ્રેશન ચોક્કસ રાખવો..
મુદ્દા નંબર બે.. આઈસીયુ એમ્બ્યુલન્સમાં એમ.ડી. ફિઝીશિયન હાજર રાખવા અથવા એમબીબીએસ ડોક્ટર્સ માટે અમદાવાદ મેડીકલ સોસાયટી ટ્રીટમેન્ટ પ્રોટોકોલ જાહેર કરે, જેથી સમય બચાવી અને જિંદગી બચાવી શકાય..
મુદ્દા નંબર ત્રણ કલાકારો માટે ..અત્યંત જરૂરી ..
ગરબાની લય મધ્યલયથી આગળ વધારવી જ નહિ..દ્રુતલય અને અતિદ્રુત સુધી લય ગરબા આ વર્ષે લઇ જવાનો મોહ ટાળવો જેથી કરીને છોકરા-છોકરીઓ કુદકા ઓછા મારે અને તેમના હ્રદયને સ્ટ્રેઈન ઓછું પડે ..
મુદ્દા નંબર ચાર કલાકારો માટે .. પિસ્તાલીસ મિનીટ પછી દસ મિનીટનો મીનીમમ બ્રેક ફરજીયાત લેવો જેથી ખેલૈયાઓના હાર્ટ નોર્મલ થઇ જાય અને જરાક હાર્ટને આરામ મળે..
મુદ્દા નંબર પાંચ સરકાર માટે .. ગરબા રમવાની સમય મર્યાદાઓ વધારવી જેથી ભાગદોડી ગરબામાં ઓછી થાય ..
મુદ્દા નમ્બર છ .. આયોજકો માટે .. ગરબા ગ્રાઉન્ડમાં થતી ભીડ રોકવી અને એનો એક જ ઉપાય છે, બધાને વડોદરાની જેમ ફરજીયાત એક જ સર્કલમાં રમાડો અને પેલા મોટા મોટા નટબજાણીયાના ખેલ કરતા એક સરખા કપડા પેહરીને આવતા ગ્રુપોને બાહર તગેડી મુકો જેથી ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાનો પુરતી જગ્યા મળી રહે..પીવાના પાણીની વ્યવસ્થા ભરપૂર રાખે..
મુદ્દા નંબર સાત ..પોલીસ માટે .. ટ્રાફિક ક્લીયર રાખો અને લુખ્ખી લાટોને મારી મારીને તોડી નાખો ને એમ્બ્યુલન્સની સાયરન વાગે તો એને સૌથી પેહલું ક્લીયરન્સ મળે એવી પ્રોપર વ્યવસ્થા ગોઠવો..
મુદ્દા નંબર આઠ ખેલૈયાઓ માટે .. સેહજ પણ ગભરામણ થાય કે પછી શરીરે અસુખ જેવું લાગે તો શરીરને જોર આપશો નહિ ને ખૂબ શાંતિથી ગરબા રમજો આ વર્ષે..કુદકા ભૂસકા મારવાની જરૂર નથી.. છોકરીઓ તમારા કુદકા ભૂસકાથી જરાય ઈમ્પ્રેસ થતી નથી અને સામે પક્ષે બહુ જોરથી ચકરી મારી મારીને ગરબા કરતી છોકરીઓ ઉપર પણ છોકરાઓ મરી પડતા નથી એટલે “કૃપયા શાંતતા ઠેવા”
મુદ્દા નંબર નવ ..માતાપિતા માટે તમારું સંતાન ગમે તેટલું હેલ્ધી હોય તો પણ એને સમજણ આપજો કે મારા રાજકુમાર-રાજકુમારી તમને મોટા કરતા અમારી જિંદગી ઘસાઈ ગઈ છે તો ગરબા રમતા સેહજ શાંતિ , અમે દવાની ગોળીઓ ખાતા થઇ ગયા છીએ તમારે અત્યારથી દવા ગોળીઓ ખાતા નથી થવાનું , અને તમને કશું થશે તો અમારા જીવતર ઝેર ..!
અને છેલ્લે મુદ્દા નંબર દસ ..
તમારા બ્લડ રીપોર્ટસ ચોક્કસ કરાવો , બહારના ખાવાના ઓછા, વેક્સીન કે કોવીડને લીધે જો હશે તો પણ જીવનમાં અનડુ (પાછા ફરવા) નો ઓપ્શન છે જ નહિ..
એટલે `લાઈફ` હશે તો એમાં `સ્ટાઈલ` નખાશે અને `લાઈફસ્ટાઈલ` ઉપર નીચે બધે લઇ જવાશે..!!
જીવતો નર ભદ્રા પામે..
માં અંબા ભવાની મેહર કરે ને ભલે ચોસઠે જોગણીઓ રમવા ઉતરતી ..
ખમ્મા ખમ્મા માડી ખમ્મા ..
મોટેભાગે તો હું બ્લોગ શેર કરવાનું નથી કેહતો પણ જો તમારા શેર કરવાથી એકપણ જિંદગી બચી જતી હોય તો ચોક્કસ શેર કરજો , કોપી પેસ્ટ પણ કરી અને પછી પણ ફોરવર્ડ કરી શકો .. જરૂરથી ફોરવર્ડ શેર કરજો..!
જય અંબે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*