નવા વર્ષના સૌ ભાઈઓ બેહનો ને રામ રામ..!!
દિપાવલીના પર્વો ની રજાઓ માં ટીવી અને મોબાઈલની સામે આંખો ફાડી ને બેઠા રેહવા સિવાય કઈ લગભગ કામ નથી કર્યું ..!!
જો કે સમાચારોની ચેનલોમાં થતી બુમાબુમ ને બાજુ ઉપર મૂકી ને દુરદર્શનની ચર્ચાઓ જોવાની મજા આવે છે..! કૈક અક્કલ વાળી વાત થતી હોય છે ત્યાં..!!
એક રામરાજ્યની પરિકલ્પના ની વાત હતી..!!
છેલ્લા પાંચેક વર્ષથી બ્લોગ લખું છું અને જયારે જયારે વર્તમાન સરકારની ટીકા કરવાનું મન થાય ત્યારે લખી નાખતો કે મારો રામ હજી ઝુપડીમાં બેઠો છે , કે પછી ઝુંપડી બેઠેલો રામ જાણે..!!
છેલ્લી બે ત્રણ દિવાળીથી અયોધ્યામાં જુના સ્થાપત્ય ઉપર નવી એલઈડી લાઈટ મારી અને ઝગમગ કરી મુકાય છે ને ઇવેન્ટ મેનેજ કરવામાં આવે છે ,
આ વર્ષે અયોધ્યામાં સાડા પાંચ લાખ દીવડા મૂકી ને દિવાળી ઉજવવામાં આવી ..!!
હૈયે હરખ હરખ થાય ને એમ વિચાર આવે કે આ ઘડી જોવા માટે કેટલા લોકો એ છેલ્લા સાડા પાંચસો વર્ષમાં લોહી રેડ્યું હશે .. લાખ્ખો ચિતાઓ સળગી ત્યારે આ સાડા પાંચ લાખ દીવડા ઝગમગ થયા છે..!!
સપરમાં ના દિવસે સારી સારી વાતો કરવી છે પણ દિવાળી કે ઘરમાં પ્રસંગ હોય તો જનારા એકવાર યાદ તો આવે..!! એ હુતાત્માઓ ને યાદ ના કરીએ તો નગુણા ઠરીએ..!!
રામ મંદિર હવે જયારે આકાર લઇ રહ્યું છે ત્યારે આગળ નો રોડ મેપ શું હોય તો એ પછી રામ રાજ્યની જ વાત આવે..!!
ડખો ..
સો નહિ આવી વાત કરો એટલે બસ્સો ટકા ડખો પડે ..!
બંધારણ ઉપર ભલે રામ નું રેખાચિત્ર અંકિત હોય પણ રામ ને જ ના માનવા વાળા જ્યાં સુધી એ બંધારણ ને “સાચવવા” ના શપથ લ્યે છે ત્યાં સુધી રામ રાજ્ય કેવી રીતે આવે ?
રામ રાજ્ય જેટલું મેં વાંચ્યું છે અને સમજ્યો છું એટલામાં કહું તો પ્રજા નો કોઈ ભાગ દુઃખી ના હોય ,બધા પોતા પોતાનું કામ ઈમાનદારી થી કરે ને એકબીજા ને સાચવી લ્યે ,ક્યાં કોઈ ને કોઈક ની સાથે ઝઘડો પડે તો તરત જ ન્યાય કરવામાં આવે , સ્ત્રીનું સંપૂર્ણ સન્માન અને અધિકાર , સુચારુ રૂપ થી ચાલતી રાજ્યવ્યવસ્થા..!
બહુ સાદી વાત છે પણ આજ ના ભારત વર્ષમાં લાગુ પડાવી એકદમ અશક્ય છે..!!
પેહલી વાત ત્યાં આવે કે ત્યારે પણ કોઈ લિખિત બંધારણ નોહતું ,સમય સંજોગ અનુસાર નિર્ણય લેવાતો ..!
હવે અત્યારે એમ માની લઈએ કે છેલ્લા દસ વર્ષમાં અમેરિકા અને ભારત બંને જગ્યાએ પ્રભુ શ્રી રામજી રાજ્ય કરી રહ્યા છે ..!!
અમેરિકા માં પુરુષો-સ્ત્રીઓ ને કેવા પ્રકારના વસ્ત્રો પેહરવા એની ઉપર કોઈ રોકટોક નથી, ભારતમાં પણ કાયદેસર રીતે કોઈ રોકટોક નથી પણ કકળાટીયા ઘણા ..!
હવે લિખિત બંધારણ ની મોકાણ..ધારો કે બંને સરકાર આદેશ કરે કે કોગળિયું ફાટી નીકળ્યું છે ,બીજું કશું અંગે પેહરો કે ના પેહરો પણ માસ્ક મોઢે જરૂર પેહરો ..!!
લિખિત બંધારણ એટલે પ્રજા દોડે કોર્ટમાં અમને તો બંધારણ એ અધિકાર આપ્યો છે અમે નહિ પેહરીએ ..!!
હવે પ્રભુ શ્રી રામ તમારા રાજ છે પણ તમને રામ કરતા બંધારણ નામની ચોપડી વધારે વાહલી લાગે છે ,એમાં લખ્યું એ જ સાચું , તો પછી કેમનો મેળ પડે ..?
પછી વાત આવે કે બંધારણમાં સુધારો કરો તો પછી , કરવો પણ પડે પણ એમાં વાર લાગે અને કેટલા લોકો ઉકલી જાય ?
માસ્ક એક નાનકડું ઉદાહરણ છે ,આવી ઘણી ઘટનાઓ બનતી હોય છે એક દેશ અને રાષ્ટ્રના જીવનમાં જેમાં પ્રેક્ટીકલ થઇ ને નિર્ણય લેવા પડતા હોય છે ત્યારે બંધારણીય અધિકારોનું હનન થતું હોય છે એવા સમયે વટ હુકમો નો આશરો લઇ ને કામ ચલાવાય છે પણ એ બધા થીગડા છે..!
રામ રાજ્ય એટલે હું એવું પણ માનું કે સત્તા નું કેન્દ્રીકરણ , ઘણો મોટો દેશ છે એટલે વિકેન્દ્રીકરણ કરી અને સત્તાને વેહચી દેવામાં આવી છે અત્યારે ,પણ મોટે ભાગે અધિકારી ને આપવામાં આવેલી સત્તા ને કારણે અધિકારીઓ ને જે અધિકાર મળે છે એ જ અધિકાર ની રુએ અધિકારી પોતાનું અધિપત્ય જમાવી દે છે ,
બદલીઓ કરી કરી ને અધિપત્ય ને તોડવાની કોશિશ થાય છે ,પણ અધિપત્ય નામની છત્રીની અંદર જીવવા ટેવાયેલી પ્રજા સામે ચાલી ને આધિપત્ય આપે છે અધિકારી ને..!!
સત્તા નું વિકેન્દ્રીકરણ ત્યારે જ થાય કે જયારે સત્તા જેને સોંપાઈ રહી છે એ રાજા રામચન્દ્રજી જેટલો “કોમ્પિટન્ટ” હોય ..!!
છેવાડાના માનવી સુધી પોહચવા ની વાત થાય છે , ચાલો એકવાર પોહચી પણ ગયા પછી શું ?
અમદાવાદ શેહરમાં જન્મી ને મોટા થયેલા મારા જેવા માટે છેવાડા નો માનવી એટલે દરેક ચાર રસ્તે સિગ્નલ ઉપર ભીખ માંગતો ભિખારી ..!! એ જ ભિખારી પાર્ટ ટાઈમ તેહવારો ઉપર ધાર્મિક સ્થાનો ઉપર ઉભા રહી ને તમને પુણ્ય કમાવવા નો મોકો આપે છે અને આવતો જન્મ કે આવનારી જિંદગી ને તમે સારી રીતે જીવી શકો એટલા માટે પુણ્ય કરવા ની ત્તક આપે છે..!
ડુ નોટ અન્ડર એસ્ટીમેટ પાવર ઓફ ભિખારી..!!!
હવે બોલો આનાથી વધારે છેવાડો કયો ? ત્યાં સુધી જો પોહ્ચવું હોય તો કઈ બહુ અઘરું નથી..!
કન્ફયુઝન થયું ..? ના થયું હોય તો વધારે કરાવું .. ભિખારી ને ભીખ આપવા થી મર્યા પછી અથવા આવનારું ભવિષ્ય તમારું સુધરે છે તો પછી ભિખારી નો પાવર કેટલો ?
બસ રામ રાજ્યમાં આવા મીથ
ના હોય, દાન નો મહિમા હોય પણ ગુપ્ત દાન અને ઘેર જઈને કરી અવાય..!!
હવે જો આગળ ખરેખર રામ રાજ્ય ની પરિકલ્પના છે તો પછી પ્રભુ શ્રી રામ ચન્દ્રજી એ રામ રાજ્ય સ્થપાય એ પેહલા કર્યો હતો અશ્વમેઘ યજ્ઞ ..!!
એક છત્ર ની નીચે દેશ ને લાવવો પડે અને શત્રુઓ ને નાક લીટી તાણતા કર્યા હતા, આંતરિક અને બાહ્ય..!!
કામ ચાલુ છે, પણ ઝડપ જોઈએ ..!!
ચાલો આજે અહિયાં અટકું છું ..!
જય શ્રી રામ
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)