ન્યાયની દેવીએ આંખેથી પાટા ઉતાર્યા..
એક અખબારમાં આજે આવું કૈક વાંચ્યું , સીજેઆઈ ને એમ લાગ્યું કે હવે ન્યાયની દેવીના આંખેથી પાટા ઉતારી અને હાથમાં તલવારની બદલે બંધારણ આપવું જોઈએ અને એ પ્રમાણેના ફેરફાર કરવા જોઈએ માટે તેમ કરવામાં આવ્યું છે..!!
ગાંધારીએ પાટા ખોલ્યા હતા .. શું જોયું હતું પછી ????
મહાવિનાશ..
પંચોતેર વર્ષથી વધારે આંખે પાટા બાંધી અને મહાન વિદ્વાન વકીલોની વાણી સાંભળી સાંભળીને ન્યાયની દેવી એ શું ન્યાય તોળ્યો ?
દેશમાં ઉભી થયેલી આજે પંચોતેર વર્ષ પછીની સમસ્યાઓ તરફ શું હવે `વિઝન` આવતાની સાથે શું હવે ન્યાયની દેવી વધારે સ્પષ્ટ જોઈ શકશે ખરા ?
મને સંગીત માર્તંડ સ્વર્ગીય પંડિત જસરાજજીના શબ્દો યાદ આવે છે જે તેમણે સ્વર્ગીય પંડિત નંદન મેહતાજીની શોક સભામાં કહ્યા હતા .. “જેમને આંખો જોઈ રહી હતી એમની વાતો હવે કાન સાંભળશે ..!”
આંખે પટ્ટી બાંધીને કાનથી સાંભળી સાંભળીને જે ન્યાય કર્યો છે ન્યાયની દેવીએ એ અત્યાર સુધી, એ જ ન્યાયને ખુલ્લી આંખોએ હવે ન્યાયની દેવી જોઈ શકશે ખરા ?????
સૌથી મોટ્ટી વાત તો એ છે કે ખુલ્લી આંખે ન્યાયની દેવી શું જોશે ?
આંખ વિનાનાના માણસના અવાજમાં તમામ પ્રકારના ભાવ હોય છે, પણ એમનો ચેહરો એ ભાવો પ્રગટ નથી કરી શકતો ,લગભગ પ્લાસ્ટિક ફેઈસ થઇ જાય છે તો હવે આ પ્લાસ્ટિક ચેહરો હટશે ખરો ??
એવું કેહવાય છે કે માણસની આંખમાંથી એનું હ્રદય વાંચી શકાય છે અને એવા જ માણસો સાથે દોસ્તી કરવી કે જેની આંખમાંથી એનું હ્રદય વાંચી શકાતું હોય ..
તો શું હવે ન્યાયની દેવીનું સ્વચ્છ અને નિર્મળ હ્રદય જનસાધારણ વાંચી શકશે ખરો..?
બહુ અઘરા સવાલો છે ..
ન્યાયની દેવીની તલવાર હાથમાંથી લઇ લીધી તો હવે એ તલવાર કોને સોંપવામાં આવી…?
મને એ જાણવું ચોક્કસ ગમશે ..
કારણ એટલું જ કે ભૂલેચુકે કોઈ વાંદરાને તલવાર જતી રહે તો શું થાય એના આપણને પંચતંત્રની વાર્તાઓ ઉપરથી ખબર છે..
ન્યાયની દેવી પોતાના ગાંધારીની જેમ પાટા ખુલતાની સાથે દાવાનળમાં સમાઈ તો નહિ જાયને ????
એક એક સવાલો ઉપર લખવું હોય એટલું લખાય એટલા કિસ્સા અદાલતોમાં અને એની આસપાસ ભંડારાયેલા છે..
પ્રજા હંમેશા “બેગૈરત” રહી છે ,
મોટાભાગના નેતાઓને એમ હોય છે કે અમે ફલાણું “મહાન કામ” કર્યું તો હું આજીવન પૂજનીય થઇ ગયો અને મર્યા પછી મારી સમાધીએ લોકો આવે..!
પણ એવું થતું નથી .. કેમ ? તો કહે ભઈ તમે કૂણે મઉં કર્યો `તો ? મુ તન ઘરે બોલાવવા આયો તો ? ક તું મારો નેતા બન ? તારે નેતા બનવું તું તે તું બન્યોને તે કોમ કર્યું ઈમાં મુ તારી પૂજા નો કરું ,તારું પુતળું બન તો પચાસ સો વર્ષમાં મું નહિ તો મારો સોકરો ઉતારી ન જ ફેંકે ..હમજ્યો ન ..
એવી જ રીતે સમય ઉપર પેશન્ટના જીવ બચાવી લેનાર ડોક્ટર પૂજાય ?
હા પૂજાય ,પણ ક્યારે કે એ રૂપિયા લીધા વિના ઈલાજ કરે અને મેં જીવ બચાવ્યો છે એવો ભાવ ના રાખે તો ..
તેરા તુજ કો અર્પણ એવી ભાવના રાખે તો ..
બાકી જીવ બચાવ્યો અને રોજના લાખ બે લાખ રૂપિયા તોડે હોસ્પિટલ બીલના અને મહિનો પંદર દિવસ ખોસી રાખે પછી પૂજા કરે કોઈ એવી અપેક્ષા ખોટી..
ડોક્ટર-વકીલ આ બે શબ્દો સાથે જ બોલાય છે..
કોઈ`ક એક કેસ માટે કોર્ટમાં જવાનું થયું હતું કોઈકની સાથે .. જે ફરિયાદી હતો ..
હવે ફરિયાદીના વકીલ સાથે પેહલા બાહર કલાક વાત કરી, અને આરોપીની બધી પૂરી સમજણ આપી ,
આપણે પાછા દોઢ ડાહ્યા અને જેની સાથે ગયા હતા એને બિચારાને એમ કીધું કે અલ્યા જો જે હોં “ડોક્ટર અને વકીલની સામે પેટ ના છુપાવાય ,બધ્ધું સાચ્ચું કેહવું જોઈએ ..”
બિચારો ફરિયાદી સાચ્ચો હતો અને બધ્ધું સાચ્ચું કહી દીધું અને થયું એવું કે એનો વકીલ એનો કેસ બોર્ડ ઉપર આવ્યો ત્યારે જે આરોપી હતો એના જ બીજા કેસમાં એ જ આરોપીનો એ પોત્તે વકીલ હતો..!!
પરિણામ શું આવે ..?
સાચ્ચો ફરિયાદી આગલી કોર્ટમાં ગયો ,અને ધકકા ખાય છે..!!
તો શું આવી પરિસ્થિતિમાં હવે ખુલ્લી આંખે ન્યાયની દેવી હવે જોઈ શકશે કે હમણાં જે વકીલ આ જ વ્યક્તિની વિરુદ્ધમાં એક સરખા કેસમાં જુદી દલીલ કરતો હતો એ હવે બીજા કેસમાં એની તરફેણમાં દલીલ કરે છે ,
દાળમાં નક્કી કંઈ કાળું છે એવું હવે ન્યાયના દેવીને આંખે પાટા ખુલતાની સાથે દેખાશે..?
મને તો એટલી ખબર છે કે જન સાધારણ એ એક કેહવત આપી છે “વૈદ ,વકીલ અને વેશ્યા આ ત્રણના પગથીયા ચડવા નહિ અને ચડવા તો સો વખત વિચારવું આવેશમાં ના જવું ..!!”
કોની સરખામણી ક્યાં ક્યાં થઇ છે અને એના માટે કોણ જવાબદાર ?
નીતીમત્તાના સાવ તળિયે જઈને બેઠેલા ધોરણોમાં હવે ન્યાયની દેવીની ખુલ્લી આંખો અને હાથમાં તલવારની બદલે બંધારણ શું ફેરફાર લાવે છે એ તો આવનારો સમય જ કેહશે પણ હકીકતે આ દેશની આજની દુર્દશાનો ઘણો મોટો ભાર ન્યાયની દેવીના શિરે છે..!
મોડો મળતો ન્યાય એ ન્યાય નથી જેમ સ્વર્ગીય રતન તાતાને મરણોપરાંત ભારત રત્ન આપશો તો રતન તાતાને ખબર નહિ પડે ,અને ક્યાંક કોઈક એમના મ્યુઝીયમમાં જ રેહશે..
વકીલોની ફાઈવ સ્ટાર ઓફીસ અને ડોક્ટર્સની ફાઈવ સ્ટાર હોસ્પિટલ્સ સમાજના નીતિમત્તાના ધોરણો ક્યાં જઈને અટક્યા છે એની પારાશીશી છે..!
અખો ભગત જ યાદ આવે ..
જો જો રે મોટાના બોલ ઉજ્જડ ખેડે બાજ્યું ઢોલ ..!!
મારી આઠસો શબ્દોની મર્યાદા અહિયાં પૂર્ણ થાય છે એટલે વિરમું છું,
પણ જેટલા સવાલો નાખ્યા છે એ કોઈક ખરા અર્થમાં વિદ્વાન વકીલ કે ભૂતપૂર્વ જસ્ટીસ સાથે ચર્ચા કરજો, અને એ માણસ જો સાચો હશે તો એની આંખ ભીની થઇ જશે..!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*