નેપો કિડ્સ .. કંગના રણોટ ની એક કલીપમાં આ શબ્દ મેં ઘણા દિવસે સાંભળ્યો ,
મારી ભાષામાં કહું ને નેપો કિડ્સ
એટલે શું ?
એક જ શબ્દ યાદ આવે (ગાળ) ની ઓલાદ..!!
ભારતની મોટા ભાગની સમસ્યાના મૂળમાં છે આ નેપો કિડ્સ ..!
વંશ પરંપરાગત ધંધા બરબાદી જ નોતરે બીજું કશું જ નહિ..!!
હું ઘણી બધી વાર વારસાઈ વેરા
ની તરફેણ કરી ચુક્યો છું , અમુક કરોડ રૂપિયાથી વધારે રૂપિયા મૂકી અને ડોસો કે ડોસી મરે તો બાકીના રૂપિયા સરકાર જ લઇ જવી જોઈએ..!
દરેક વખતે અમેરિકા સામે મોઢા ઉપાડી ને જોઈએ છે તો અમેરિકામાં વારસાઈ વેરો કેવો જબરજસ્ત છે એની તપાસ કરજો..!
અમેરિકાના ધનકુબેરો ને હડકાયા કુતરા નથી કરડયા કે પોતાને જીવતે જીવ પોતાના રૂપિયા દાન કરે, ત્યાં વારસાઈ વેરો બહુ મોટો છે, અમુક લાખ કે કરોડ ડોલર છોડીને બાકીના રૂપિયા સરકાર જ લઇ લે ,
એટલે જ અમેરિકન ધન કુબેરો વાસી વધે નહિ અને કુત્તા ખાય નહિ એ ન્યાયે પોતાના હાથે જ મોટા મોટા ફાઉન્ડેશન ખોલી ને પોતાને હાથે જ ડોલરોના દાન કરી મુકે છે..!
અને આપણે ત્યાં ? સાત પેઢી નું ભેગું કરવાની આંધળી વાસના..!!
મોટા ધનકુબેરોની છોડો , સાવ નાનો માણસ પણ આ જ હોડમાં જોતરાઈ ચુક્યો છે , જન્મારો આખો ભીખો
ફ્લેટના હપ્તા , પીપીએફ અને એલઆઈસી ના રૂપિયા ભરવામાં કાઢે ,
કેમ ? તો કહે મારા છોકરા ને ભવિષ્યમાં તકલીફના પડે..!
પણ તારા વર્તમાનનું શું ? છે ને ઘણું છે ..બિચારો ફાટેલા જાંગીયામાં છ મહિના કાઢી નાખે ..કોણ જોવા આવવાનું છે ..!!
હવે એમ વિચારીએ કે વારસાઈ વેરો હોય તો શું થાય ?
પેલી સાત પેઢી નું ભેગા કરવાવાળાની વાસના
પેહલા તો મરી પરવારે અને જે મિલકતો ભાડા ખાવા
ને ઇન્વેસ્ટ કરવા જે મિલકતો લઇ લઇ ને મૂકી રાખે છે એ પ્રોડક્ટીવ લોકો ને કામ લાગે..!
રૂપિયા કે મિલકત આગળ વારસામાં જવાના નથી એટલે પોતાના કામધંધામાં પોતાના છોકરા ને એમ ઝટ દઈને ના નાખે..!! અને હરામખોરી કરવામાં થોડું માપ રાખે ,
બિચારા ભીખા ના ભીખેશભાઈ થવા ના ચાન્સીસ વધે…!
હવે નેપો કીડનું એક સામાન્ય ઉદાહરણ આપું..!
એક મિત્ર નું આઠમાં ધોરણમાં ભણતું છેંછીયુ ..
સ્કુલની પરીક્ષામાં એક સવાલના જવાબમાં એમ લખી ને આવ્યું કે ફોર મોર પ્લીઝ રીફર બુક..!!
વધુ જાણવા માટે ચોપડીમાં જુવો..!!
કોઇપણ સવાલના જવાબમાં છોકરું આવો જવાબ લખે એટલે માસ્તરનો પિત્તો કેવો જાય ?
એના મેમ નો પિત્તો પણ ગયો ,તો પણ બિચારા મેમ એ પેહલા તો શાંતિથી સમજાવવાની કોશિશ કરી કે બેટા તારે ભણી ગણી ને આગળ કેરિયર નથી બનાવવાની, તું કેમ આવો જવાબ લખે છે..?
એક વાત તો ખરી હો આજકાલના માસ્તરોની ધીરજ ગજ્જબ ની હોય છે અમારા જમાનામાં આવો જવાબ લખ્યો હોય તો મારી મારી ને માસ્તરે “હુજાડી” દીધો હોય અને ઘેર ખબર પડે એટલે બાકીનું કામ પિતાશ્રી તમામ કરે..!
હવે પેલું તેર ચૌદ વર્ષનું છેંછીયુ જવાબ આપે છે.. મેમ ભણી ગણી ને મારે શું કામ છે મારે તો મારા બાપા ના ધંધે જ બેસવાનું છે ..!
બિચારા મેમ એ ભૂલથી પૂછી લીધું કે તારા પરમ પૂજ્ય પ્રાત: સ્મરણીય પિતાજી શું કામધંધો કરે છે..?
છેંછીયુ ઉવાચ .. બિલ્ડર છે..!
મેમ બોલ્યા ..બેસી જા બેટા તું સ્કુલે આવે છે એ જ તારા માબાપ ની મહાનતા છે..!!
વિચારો કે આઠમાં ધોરણના છેંછીયા આ ધંધા અત્યારથી કરતા હોય તો આગળ જતા શું નહિ કરે..!!?
થોડા મોટા કોલેજના ની વાત કરું છેંછીયા ને કોલેજ આવતા આવતા તો ખબર પડી જાય કે એનો બાપ એના માટે ઘણું કરી ને બેઠો છે એણે ફક્ત સાચવી જ રાખવાનું છે અને એ સાચવવા માટે એને ગુલામોની ફોજ જોઇશે , કોલેજથી એના વાણી વર્તન અમાનવીય થઇ જાય..!
ઝુંડ નો અધિપતિ થઇ જાય ને નાના મોટા ક્રાઈમ એના માટે બહુ જ રમત વાત.!!
હવે વાત કરીએ આ છેંછીયા ભાઈ ધંધે બેસે ત્યારે શું થાય..!!
એક મોટી ફાર્મા કંપનીના ત્રીજી પેઢીના “નેપો કીડ” ની , અમેરિકા ભણીગણી ને આવ્યો પેહલી જ બોર્ડ મીટીંગમાં એમના સ્વર્ગવાસી દાદા ના પરમ મિત્ર અને કંપની ઉભી કરવામાં જીવન રેડી દીધેલા એના દાદાની ઉંમરના માણસ ને હાડોહાડ અપમાન કરી ને કાઢી મુક્યા..!!!
ડોહા આઘાતમાં છ મહિનામાં ઉકલી ગયા.!!
તમને થાય કે કેસના થાય..? ના થાય , જે દિવસે અપમાનિત કરવામાં આવ્યા નેપો કીડ દ્વારા એ રાત્રે નેપો કીડ ના ડબલ સ્માર્ટ માં-બાપ એમના ઘરે જઈને માફા માફી કરી ને બધું સુલટાવી આવ્યા ને પછી ભવ્ય રીટાયર્ડમેન્ટ ની પાર્ટી આપી અને વિદાય કર્યા..!
માથું વાઢી ને પાઘડી પેહરાવી દીધી પણ એમ કઈ માથા ધડ ઉપર ફરી થોડા ચોંટે ?
ડોહા છ મહિનામાં ગયા થલતેજની સીએનજી ભઠ્ઠીમાં , ને આખો સ્ટાફ સીધો દોર થઇ ગયો કે હવે નવા શેઠ કોઈ ને સાંખી નથી લેતા..!!!
નેપો કીડ્સ..!!
આ તો થઇ ધંધાની વાત , કલા ના ક્ષેત્રમાં તો બાપરે..!!
ઉસ્તાદ નો છોકરો ઉસ્તાદ અને પંડિત નો છોકરો જ પંડિત હોય..!
બાહર નો કોઈ આવે તો પ્રેમથી કેરી ઘોળી ઘોળી ને ચૂસવા ની છોતરા અને ગોટલા ને બાફી ને બાફલો બનાવવા નો અને પછી ફેંકી દેવાનો ,
અને પાછું તો પણ પેલા ગોટલામાં “જાન” બચી હોય અને આંબો થઇ ને ઉગી નીકળે તો લેબલ પોતાનું મારી દેવાનું..!!
અમારા ઘરાના
નો આંબો છે..!! અમે ચૂસી બાફી એ એને ઉગવા માટે તૈયાર કર્યો..!
કર ને તારા છોકરા ને.. ત્યાં તો બેટા બોલતા બોલતા અડધો અડધો થઇ જાય..!!
થોડાક અપવાદ હોય છે છતાય કોઈ ને પાઘડી પેહરવી હોય તો છૂટ છે..!!
ભારત ભૂમિમાં લગભગ દરેક ક્ષેત્રમાં નેપો કિડ્સ અત્યારે રાજ કરી ને ભારત ને તારાજ કરી રહ્યા છે , મારી આઠસોથી હજાર શબ્દોની મર્યાદા પૂરી થાય છે એટલે અહી અટકું છું, પણ નેપો કિડ્સ ના માંબાપ અને નેપો કીડ એક કેહવત યાદ રાખજો હવેલી ઉંમર સાહીઠ વર્ષ અને સલ્તનતની સો ..
એટલે તમારા લાડલા ને સેટ
કરવા ગમે તેટલા ને ચૂસી ને બાફી ને ફેંકી દેશો પણ તમારી હવેલી સાહીઠ વર્ષે તૂટશે તુટશે તૂટશે જ..!! અને ગમ્મે તેટલી મોટી સલ્તનત ઉભી કરશો તો એ પણ સો વર્ષે નાશ પામશે..!!
ત્રીજે ત્રિકમલાલ જાગશે જ..!!
કલાકારોમાં પણ બેચાર પેઢી પછી વેતર વંઠેલ જ હોય.. કઈ નહિ તો છેવટે ઉપરવાળો થોબડા
વાંદરા જેવા આપે..!!
આપણને તો નરેન્દ્ર મોદી જ યાદ આવે ..
મારો વંશ પણ હું અને મારો વારસ પણ હું ..!
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)