ગઈકાલે ફરી એકવાર રાત માથે લીધી હતી..બહુ રખડ્યા નિરમા શમ્ભુ, ત્યાંથી જાવા+ પછી પાછા એસ.જી. ત્યાંથી સિંધુભવન ૨૦૦ ફૂટનો રીંગ રોડ સો કિલોમીટર તો પાક્કા..! ડીઝલની તો જબરી “ઘાણી” બોલાવી નાખી..૯૦-૧૦૦ની સ્પીડે ગાડી જાય અને કાન ફાડે એવા અવાજે પંજાબી સોંગ્સ, ગેંગ ઈંગ્લીશમાંથી પંજાબી સોન્ગ્સ ઉપર આવી ગઈ હતી,
એ બહુ દિવસે આવ્યા છે શૈશવભાઈ ચલો એમને ગમે તેવું વગાડો અને યુટ્યુબની અને રિલાયન્સની બલિહારી..
આપણું તો મગજ ચકરી ખાઈ જાય કે યાર કેટલું બધું મટીરીયલ યુટ્યુબ પર પડેલું છે અને એમાં જેવા રાતના બાર વાગ્યા કે નેટની સ્પીડ બધાને પાછી આવી ગઈ..અને પછી તો ત્રણ વાગ્યે જ છૂટકો..!
જેવી સવાર પડી..કે ..
ખબર જ હતી કે આજે તો ગાળો પડવાની છે,એક ફોન આવી ગયો હતો રાત્રે “એમનો” એટલે જુઠ્ઠું તો બોલાશે નહિ કે “તમે ઊંઘતા હતા હું તો એક વાગ્યાનો આવી ગયો હતો..!”(આપડે વાંકમાં હોઈએ તો માનાર્થે બહુવચન વાપરી જ લેવુ)
જો કે ગઈકાલનો દિવસ આખો બહુ ખતરનાક રહ્યો હતો,ઓનલાઈન ટીકીટ કાઢવામાં ભૂલથી બપોરના બે વાગ્યાની બદલે રાતના બે ની ફ્લાઈટ લેવાઈ ગઈ..અને નાલાયક એરલાઈને સીધી એ સાત હજારની “ચાકી” ચડાવી,બેંગ્લોરની ટીકીટ દુબઈ જેટલી થઇ ગઈ..!
એક ખોટી ક્લિકે સાત હજાર રૂપિયાનું નુકસાન કરાવ્યું, વાણીયાના કાળજડા બળી બળી ગયા..બપોરે ટેલીમાંથી પરપ્રાંતનું એક વેચાણ બીલ કાઢ્યું અને પછી ખબર પડી કે ફોર્મ ૪૦૨ની “જધામણ” કરતા પેહલા ફરી એકવાર રજીસ્ટ્રેશન લેવાનું છે, અને બાકી હતું તે એમાં એકાઉન્ટન્ટની એક ક્લિક ખોટી થઇ અને પાસવર્ડ લોક થયો..
ખટારા માલ ભરીને છાતીએ ઉભા હતા, અને ધીમે ધીમેં માલ ભરેલા ખટારાના ડ્રાઈવરોનો કકળાટ ચાલુ થઇ ગયો હતો..સા`બ ગાડી છો`ડો ના બોહ્ત દુર જાના હૈ..ધીમે ધીમે બધું છાતીએ થી માથે ચડતું જતું હતું, બિચારા ડ્રાઈવરોની દયા આવી એટલે એટલે GSTની હેલ્પલાઇનમાં ફોન કર્યો અને પોણો કલાકે રિસ્પોન્સ આવ્યો પણ રિસ્પોન્સ આવ્યો ખરો..!!
જવાબ એવો આવ્યો લોક ખુલશે ચોક્કસ પણ ક્યારે એ નક્કી નહિ..!! તમને SMS આવશે..! દર મીનીટે મોબાઈલ જોઈ જોઇને દિમાગ ખરાબ થઇ ગયું..ખટારા જ્યાં હતા ત્યાં ઉભા ને ઉભા રહી ગયા..
એમાં વળી ટ્રાન્સપોર્ટર જોડે મગજમારી ચાલી, ટ્રાન્સપોર્ટર કહે કે ફલાણું ફોર્મ લાવો અને ઢીંકણું ફોર્મ લાવો, મેં કીધું અલ્યા એ જેટલી સાહેબે તો કીધું કોઈ ફોર્મ નહિ જોઈએ ઇન્ડિયા બોર્ડરલેસ કન્ટ્રી થઇ ગયો, એટલે ટ્રાન્સપોર્ટરે એક લાંબો ઈ-મેઈલ મોકલ્યો..ક્યા રાજ્ય માટે કેટલા અને ક્યા ફોર્મ હજી પણ જોઇશે..! ચંડીગઢ જુદું ફોર્મ, હરિયાણા જુદું ફોર્મ,હિમાચલ જુદું ફોર્મ..સાલા મુર્ખ બનાવે છે વેપારીઓ ને તો આ રાજકારણીઓ, ઓછામાં ઓછા સત્તરથી અઢાર જુદા જુદા ફોર્મ હજી પણ છે આ દેશમાં અને દરકે દરેક રાજ્યના જુદા છે,અને બધી જ ચેમ્બર ઓફ કોમર્સ મોઢે તાળા મારીને બેઠી છે..
સિમ્પલી બ્રીચ ઓફ કમીટમેન્ટ છે વેપારીઓ જોડે..
પછી બીજું એક મટીરીયલ મોકલવાનું હતું SEZમાં..એની માં ને મગજ ની તો માં-બેન એક થઇ ગઈ,પેલી SEZવાળી પાર્ટીએ એક બોન્ડ પેપર મોકલ્યું કે જાવ “સહી” કરાવી લ્યો અને માલ મોકલો,
અલ્યા “સહી” તો કોની ? તો કહે ઓન બીહાફ ઓફ પ્રેસીડેન્ટ ઓફ ઇન્ડિયા..
પણ “સહી” કરશે કોણ ? એક્સાઈઝ તો મરી ગયું,વેટ પણ મરી ગયું, અને GSTની ઓફીસ કઈ..? જે મગજમારી ચાલી..ચાલી ..ત્રાસ..ત્રાસ કરી મુક્યો ઓથોરીટી શોધવામાં,
કોઈ પોતના માથે કઈ લેવા તૈયાર જ નથી અને એટલો ઝઘડો બધો થયો કે છેવટે IGST લગાડીને માલ કાઢ્યો..કોઈ જ ક્લેરિટી પકડાતી નથી..દરેકે દરેક રાજ્યમાં જુદી જુદી ઓથોરીટી મનફાવે તેવા અર્થઘટન કરી રહી છે અને આપણે વચ્ચે પિસાવાના..
સાંજના છ વાગતા સુધીમાં તો “ગંદી” રીતે દિમાગ એકદમ હલી ગયું હતું, એટલે હવે તો ભાઈબંધો વિના છૂટકો જ નોહતો, એટલે પેહલા તો સાંજે કીટલી એ ભેગા કર્યા ત્રણને, પછી સાડા નવે એક કોરોલા લેવા આવી..
દુ:ખ “ભૂલવું” કે સ્ટ્રેસ “કાઢવો” હોય તો નફિકરા જોડે બેસવુ..
આપડે આ નિયમ રાખ્યો છે, અને નફિકરા તો કુંવારા અને જુવાનીયા જ હોય, પરણેલો તો બાપડો દુનિયા આખીની ફિકર જ ફિકર..!
એક “નફિકરો” ઘેરથી ઉપાડી ગયો નિરમા શમ્ભુ..પછી બીજો ત્રીજો વધતા ગયા પાછા જાવા+માં આવ્યા, ત્યાં અડધી રાતે મેસેજ આવ્યો પેલો GST પાસવર્ડ રીસેટનો..OTP આપેલો હતો એટલે અડધી રાતે લોગ ઇન થઇને વહીવટ પૂરો જ કરવો પડે એમ હતું..!
જુદા ટેબલ ઉપર બેસીને GST નો કારભારો પૂરો કર્યો…!
એક બાજુ આપણને માન થાય કે આ GSTવાળા રાતે બાર વાગ્યે પણ પાસવર્ડ મોકલે છે, અને બીજી બાજુ એમ થાય કે અલ્યા યાર અડધી રાતે તો જપને..!
બધા નફિકરા જાવા+માં બેઠા બેઠા એકબીજાના સ્નેપ,ઈન્સ્ટા,એફ્બી ચેક કરતા હતા..! માઈન્ડ વેલ “એકબીજા”ના મોબાઈલમાં..! અને આપણે GSTનું પતાવ્યું..! થોડીક હાશ થઇ કે કાલે તો “ઉભા” ખટારાને સેલ વાગશે અને માલ આગળ જશે..!
“નફીકરાઓ” એકબીજાના મોબાઈલમાં એકબીજાની લાઈકો ગણી ગણીને ખેંચતા હતા, આપડે તો “પશ્મીતા” ની લાઈક બતાડી દીધી ૩.૬K..બધાના ભવાં ચડ્યા એ શું લખ્યું છે બે ? કઈ પોર્ન લખો છો..? ગુજરાતી માટે બધા સાલા “અભણ” ,અરે યાર શૈશવભાઈ ઈંગ્લીશમાં લખોને અમને નથી વાંચતા આવડતુ ગુજરાતી…!
હું તો “ધન્ય ધન્ય” થઇ ગયો, મેં કીધું કેમ અલ્યા સ્કુલમાં ગુજરાતી સબ્જેક્ટ નોહતો?
હતો ને..! પણ સાલાઓ (ગાળ ગાળ ગુજરાતીમાં) એઈઠથમાં હતા ત્યારે ફોર્થ નું ગુજરાતી ભણાવતા હતા એટલે બહુ ઓડ ફિલ થતું હતું અને પછી તો નાઈથમાં તો ગયુ ગુજરાતી..! બોલતા આવડે છે પણ લખતા વાંચવામાં બહુ તકલીફ પડે છે અને તમે યાર બહુ લાંબુ લાંબુ લખો છો..!
એક નફિકરાએ મારા મોબાઈલમાં મારા એફ્બી પરથી કોઈક છોકરીનું એકાઉન્ટ ખોલ્યુ..કેવી લાગી..? મેં થોડું વિચિત્ર રીતે એની સામે જોયું એટલે બોલ્યો થર્ટી પ્લસ છે આપું ફ્રેન્ડ સજેશન..વાંધો નહિ આવે..! મેં મારો મોબાઈલ એના હાથમાંથી ખેંચી લીધો..ત્યાં બાજુમાંથી સિગાપોર એરલાઈનનું ક્રૂ નીકળ્યું એરપોર્ટ જવા..
તમને તો પાછી આવી જોઈએ નહિ..!!
એક નફિકરાએ એરલાઈનમાં કામ કરતો બીજો નફિકરાનો મોબાઈલ ફેંક્યો મારી ઉપર, લો આમાં બધી એરલાઈન સેવ કરેલી છે શોધી લ્યો..!
વારો મારો હતો મેં બે ગાળ કાઢી અને કીધું જાણે તમારા બાપાનું ખેતર હોય એમ વાત કરો છો સુવ્વરો..
ત્રીજો બોલ્યો ના ના ભાઈ અમારા બાપનું ખેતર નથી પણ અમને તમારા પર ભરોસો છે તમે ગમે તે ખેતરમાં ખેતી કરી લેશો..એમણે એમનું ગુજરાતીનું જ્ઞાન પ્રદર્શિત કર્યુ..!
મારે નિ:સાસો નાખવા સિવાય કઈ જ બાકીના રહ્યું..શું થાય પરણ્યા એટલે પ્યારા લાડીના, બાકી એક વાત તો કેહવી પડે કે પેહલાના જમાનામાં ચિઠ્ઠી અને ફોટા ફરતા એ બધું આજે મોબાઈલમાં જોરદાર ચાલી રહ્યું છે અને માંબાપની આંખ કાન નાક નીચે ચાલે તો પણ માંબાપને સાંધો ના મળે કે શું ચાલી રહ્યું છે..!
અત્યારે દુબઈના ભાવે બેંગ્લોર જઈ રહ્યો છુ..પેલો એરલાઈનવાળો નફીકરો કામ લાગી રહ્યો છે, ઈમરજન્સી એક્ઝીટની સીટ કેન્સલ કરીને 1A સીટ પર છેક એરક્રાફ્ટમાં આવીને બેસાડી ગયો છે અને હવાઈ સુંદરી બે વાર આવીને પૂછી ગઈ છે ફિલ ફ્રી ફોર એનીથિંગ..
આજુબાજુવાળા વિચિત્ર રીતે જોઈ રહ્યા છે કે આ ભાઈ કોણ છે અને એમને કેમ આટલો ભાવ મળી રહ્યો છે..!
માંહ્યલા ગુણ તો મહાદેવજી જાણે, આ તો શીંગડા કાપીને વાછરડા થયેલાના “ફાયદા” છે..! ચાલો નીચે લાલ લાલ માટી દેખાઈ રહી છે અને કાનમાં ધાક પડવાનું ચાલુ થઇ ગયું છે હવાઈ સુંદરીજી આવી ગયા છે બ્રોડ સ્માઈલ આપીને લેપટોપ બંધ કરવાનું કહી રહ્યા છે અને પાછું કહે સેવ કરવાનું ના ભૂલતા..
મારે શું કેહવું હે..બોન બહુ ના માન આપ મને યાર નહિ તો મારા વટાણા વેરાઈ જશે..!
બેંગ્લોરના ટ્રાફિકમાં ભરાવા સજ્જ એવો હું..મૂઉં GST લોહી પી ગયુ..!
તા.ક .ફાટી ગઈ ચાર જણાનું “લલિત” યા નું એક ડીનરનું GST સાથેનું બીલ ચૂકવતા..!
શુભ રાત્રી
શૈશવ વોરા