એનઆરઆઈ ને કેટલા પેંધા પાડવા ?
આવો સવાલ પૂછો ગુજરાતીને ,
અને પછી જો ..
જે બખાળા નીકળે.. તમે સાંભળતા થાકો..!!
એક મિત્રને જરાક એમના કોઈ એનઆરઆઈ સગા નહિ ,
તો બધા ભેગા થઈને એનઆરઆઈનું ખોદતા હોય ત્યારે એને ફોમો થાય (ફોમો એટલે ફીલિંગ ઓફ મિસિંગ ) એને રહી ગયો એવું થાય,
પણ ગુજરાતી માણસ હોય એટલે નજીકના ના હોય તો દૂરના હોય, પણ એને એનઆરઆઈ તો હોય જ ..!
“લાભ” મળી ગયો એને..!
દૂ……………ર ના કેનેડિયન સગાનો ફોન આવ્યો..
અમે હવે રીટાયર્ડ થઇ ગયા છે તો હવે અમારે ઇન્ડિયા આવવું છે તે અમે તમારા ઘરે રહી શકીએ ?
હવે એના ઘેર તો દશરથ રાજાને ત્રણ-ત્રણ રાણીઓ હોવા છતાં પારણું નોહતું બંધાતું અને યજ્ઞ કર્યા પછી ત્રણેય રાણીઓને સારા સમાચાર આવ્યા અને આખી અયોધ્યામાં જે આનંદ છવાઈ ગયો એવો આનંદ છવાયો ..
આપણે ઘેર એનઆરઆઈ આવવાના છે..હૈયે હરખ ન માય મારે ..
મોતિયન ચોક પુરાવો ગાવો ..
થયો મનોરથ મન કો પૂરો ,ઘેર એનઆરઆઈ આયો..!
અઠવાડિયું દસ દિવસ તો આનંદ મંગલમાં વીત્યા અમદાવાદની લારીએ લારીએ લઇ લઇ ,
જઈ જઈ ને ધરવ્યા ..!
સાહીઠ ઉપ્પરના ડોહા-ડોહી અને પંદર-વીસ વર્ષે બર્ફીલો વનવાસ કાપીને અમદાવાદ આવ્યા હતા ..
વિચારો કેવો હડકવા ઉપડ્યો હોય ..
જે ને તે ઠુંસી ઠુંસીને ડોહા ડોહી માંદા પડ્યા ..
હવે આવા માંદા ને કેમ જવા દેવાય ?
કરો સેવા ,રોકાણ વધ્યું ..બીજા દસ દિવસ થયા ..
યજમાનનો શોખ હવે પૂરો થવામાં હતો,
એનઆરઆઈ મોરકાકા અને ઢેલકાકી અસલી રંગમાં આવવાના ચાલુ થઇ ગયા હતા ,
જાત્તે ગુગલમાં જોઇને ફરમાઈશો કરતા થઇ ગયા ,અમને અહિયાં લઇ જાવ અને ત્યાં લઇ જાવ ..!
એમાં પાછા મોરકાકા વૈષ્ણવ અને ઢેલ કાકી જૈન , એટલે શંખેશ્વર લઇ જાય તો કહે નાથદ્વારા જઈએ અને પાછા વળતા અંબાજી અને મહુડી થઈને ..
શોપિંગમાં તો માટીની કલાડીથી લઈને ગાર્બેજ બેગો બધુય ભરે ..
વીસ દિવસમાં શરુ શરુમાં રૂપિયા આપવાનો વિવેક દેખાડે ,પછી તો મોરકાકા અને ઢેલકાકી ઉંધા ફરીને ઉભા જ રહી જાય..નાના મોટા મુખવાસના શોપિંગ પણ યજમાનના ખર્ચે..
મહિનો થયો ..
યજમાનના શ્રીમતી પૂછે આ ક્યારે જવાના છે ? હું તો રાંધી રાંધીને થાકી ..
યજમાન મૂછો ચાવે ,હોંશમાં ને હોંશમાં તારીખ તો પૂછી જ નહિ કે પાછા ક્યારે જશો.. હિંમત કરીને પૂછ્યો કે રીટર્ન ટીકીટ ક્યારની છે ?
મોરકાકા કહે કરાવી જ નથી ,પણ ઢેલકાકી ત્રણેક મહિનાથી વધારે નહિ અને હું તો છું અહિયાં “ આપણે “ ઘેર ..!
યજમાનને તો પતઝડ ,સાવન, બસંત ,બહાર એક બરસ કે મૌસમ ચાર દેખાઈ ગયા ,
આ તો હંગવા જાય છે તો પણ કાગળિયાંના રોલ માંગે છે ,
પાણીથી ધોઈ અને કાગળિયાંથી લૂછે છે..
યજમાન શ્રીમતી અને શ્રીમાનમાં ઝઘડો પડ્યો .. તમને શોખ હતો અમેરિકા કેનેડાનો ,હવે આને કાઢવા કેમના ?
યજમાન કહે ..એમ ના કોઈને જવાનું કેહવાય ,ઘેરથી રોટલે આપણે ખૂટે એમ નથી ,
યજમાન શ્રીમતી ઉલળે તમારે તો ઠીક છે , દુકાને જતા રહો આખો દિવસ, મારે એમના બે ટાઈમના ચા નાસ્તા ,અને બે ટાઈમના જમવાના અને ઉપરથી અહી લઇ જા અને ત્યાં લઇ જા કરે છે , હવે પેલેડીયમ મોલમાં હિન્દી પિક્ચર જોવા છે ,અને ગુજરાતી નાટકો જોવા છે લઇ જાવ તમે ..
યજમાનશ્રી થોડા મોઢાના મોળા તે ઢેલ કાકી ત્રણ મહીને ગયાને મોર કાકાએ કાકી ગઈ પછી દાંતની ટ્રીટમેન્ટ ચાલુ કરાવી બીજા બે મહિના મોરકાકા કળા કરતા રહ્યા ,પછી માંડ ગયા ..
આવો આવો ઝટ ઝટ કેનેડા ,આપડે નાયગ્રા જઈશું ને આવું બધું ઘેર બેઠા યજમાનશ્રી- શ્રીમતીને કેનેડા દર્શન કરાવતા ગયા..!
૨૦૨૪ અડધી એનઆરઆઈ સેવામાં વીતી…!
પણ એક વાતની ખુશી કે દરેક ગ્રુપમાં એનઆરઆઈ કુથલી થશે ત્યારે અમે પણ જોડાઈ શકીશું..!
જોડાયા પણ ખરા ..
એમાં અમારા એક મિત્રના ભાગ ( ભાગ્ય ) ફૂટલાં તે એને અમેરિકા અને કેનેડાનો વિઝા આવ્યો અને અભાગિયા ધણી બાયડી અમેરિકા કેનેડા એમના એનઆરઆઈ સગાના ત્યાં રહી રહીને ફર્યા..!
ચર્ચા ચાલુ થઇ, સૌથી પેહલો પલીતો તો શૈશવ જ ચાંપે ..
કેમ લ્યા ઘાટ ઘાટના પાણી ઓછા પડ્યા હતા કે ત્યાં ઘર ઘરના પાણી પીવા ગયો ?
તંગડી ઉંચી રાખવા ગયો .. ના ના એવું કશું નહિ હોં બધાએ બહુ પ્રેમથી રાખ્યા ..
શૈશવે ઘી રેડ્યું ..તે ભાભી તમે તો રસોડામાં જ હશો ને ..
ભાંડો ફૂટ્યો .. હાસતો વળી શનિરવિ સિવાય આખું અમેરિકા દોડતું હોય એટલે મારે અમારું તો રાંધવાનું હોય અને જોડે એમનું પણ ..
શૈશવએ બીજા બે લાકડા નાખ્યા .. તે બધે ફરવા જતા તો સ્ટારબક્સ અને જ્યાં જાવ ત્યાની ટીકીટો કોણ લેતું ?
ભાભી ઉવાચ.. એ તો આપણે જ લેવી પડે અમારી બે અને એમની બે ..
અભાગિયા ભાઈ એ વાત કાપી.. એક તો આપણને મફતમાં ફરવા લઇ જાય તો ટીકીટો તો આપણે જ લેવી પડે ને ?
ભાભી બગડ્યા .. કેમ ???? તો શું લેવા તે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો બધો ખર્ચો કર્યો હતો ? આપવા દેવાતા ને ડોલર ..
શૈશવના જીવને શાંતિ થઇ સળગ્યું .. બરાબર ..
પેલા છ મહિનાવાળા યજમાનશ્રી કહે અમારે તો હવે જવું જ છે વસૂલ કરવા..
સાંભળી શિયાળ (શૈશવ)બોલ્યું ..જો જે .. એવી ભૂલ ના કરતો તું એકવાર જઈશ અને તારે કેનેડા આખી જિંદગી દર વર્ષે આવશે છ-છ મહિના , મરી રહીશ.. જે થયું તે થયું ભૂલી જા ..
યજમાન વસુલીના મૂડમાં બોલ્યા ના ના જવું જ છે એકવાર ..તરત જ યજમાનશ્રીમતી બોલ્યા .. રેહવા દો હવે આ વર્ષે પણ આવવાનું કહે જ છે..
યજમાન બોલ્યા .. હા પણ એમણે કીધું ને કે કોઈ ફ્લેટ ભાડે રાખી ને રહીશું
યજમાન શ્રીમતી ફૂંગરાઈને ઊંચા અવાજે બોલ્યા .. રેહવા જ દેજો હવે .. એમણે તો એવું કીધું કે તમારા ફ્લેટ્સમાં જ આજુબાજુના બ્લોકમાં શોધજો એટલે અમને જમવામાં તકલીફ ના પડે ..
અને પછી ઊંચા અવાજે એ બોલ્યા .. હવે હું રાંધવાની નથી મારા ઘરથી ત્રીસ ચાલીસ કિલોમીટર દૂર ફ્લેટ રાખજો ,અને તમારે એમની સાથે રેહવું હોય તો છૂટ ,બાકી હું એક ટાઈમ જમવા પણ નહિ બોલવું સમજી લેજો ..
ત્રીસ વર્ષનું દાંપત્યજીવન જોખમમાં આવી પડ્યું ..
યજમાનીશ્રી .. આ શૈશવના લીધે આનું મગજ ફરી ગયું છે ..
યજમાન શ્રીમતીનું હવે ફટક્યું .. શૈશવભાઈ લખી કાઢો બ્લોગ આજે તો , અને કહી દો દુનિયાને કે સગ્ગા ભાઈને પણ પેંધો ના પાડવો ,તો આ તો દૂર દૂરના, અને આ તો મોઢાના મોળા છે , જો સાંભળો કહી દઉં છું મુંબઈમાં એમના સગા છે ત્યાં રવાના કરી દેજો ,બાકી હવે તો અમદાવદમાં ફ્લેટ પણ રાખ્યો તો મારા જેવી “ભૂંડી” કોઈ નહિ …
સાવ છેલ્લી પાયરીએ બેસી ગયા …
ઘરડા એનઆરઆઈ .. નરી એકલતા .. ફોન ઉપર કલાકો કાઢે , મોટા મોટા ઘર પણ ભૂત રડે ભેંકાર ,ઘરડા ઘરમાં મરવાનું એ નક્કી ..
ચીડિયા ચૂક ગઈ ખેત ..
અહિયાં પણ ભવિષ્ય આવું જ ..
તૈયાર થઇ જાવ મેરી ઉમર કે નૌ જવાનો ..દિલ ના લગાના ઓ દિવાનો ..
ઘરડા ઘરમાં મરવાનું છે એક અને બે છોકરા છે અને અમરિકન કે કેનેડીયન છોકરાઓ કરતા વધારે અમેરિકન થઇ ગયેલા મેરી ઉમર કે નૌ જવાનો..
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*