અમદાવાદ..મારું અમદાવાદ..!
જીવતું ,જગાડતું ,જાગતું ,ધબકતું ,ઊંઘતું ,અને જરૂર પડ્યે અચ્છા અચ્છાને ઊંઘાડી દેતું ..અચ્છા અચ્છાની ઊંઘ પણ ઉડાડી દેતું મારું અમદાવાદ..
ગાંધીનગર હોય કે દિલ્લી, રાજનીતીને દિશા નિર્દેશન સાબરમતીના કાંઠેથી જ થયા છે અને આજે પણ થાય..!
મોહનબાપાને રાણી વિક્ટોરિયાના વારસોને તગેડી મૂકવા માટે ધૂણી ધખાવવા તો મહર્ષિ દધિચીની લાઈનમાં જ આવવું પડ્યું ..
પેહલો આવે કોચરબ આશ્રમ ,પછી દધિચીનો આરો અને એના પછી આવે સાબરમતી આશ્રમ..!!
છેક મહર્ષિ દધિચીથી લઈને આજ સુધીનો ઈતિહાસ સાક્ષી છે કે એ જમાનાની `સાભ્રમતી` અને આજની `સાબરમતી`ના પાણી જે પીવે એ થાય તો વજ્ર જેવા જ મજબુત..
આજની અમદાવાદી ભાષામાં કહું તો `વજ્જર જેવા અમદાવાદી..!!`
૧૦૫ મિલોના ભૂંગળા,
સાક્ષાત મહાદેવ દ્વારા રચાયેલા રાગ ભૈરવના ગાવા વગાડવાના સમયે દિવસના દિવસના પ્રથમ પ્રહરે ગુંજતી સાયરનો.., જેના લીધે એક જમાનામાં માન્ચેસ્ટરની ઉપમા મળી હતી તે આ શેહરને એ ભૂંગળા શાંત થઇ ગયા, કાળની ગર્તામાં ખોવાયા..
પણ આ સાબરમતીનું પાણી જેનું નામ , અને વજ્જર જેવો અમદાવાદી, નરોડા જીઆઇડીસીએ ધીરજલાલ હીરાચંદ અંબાણી પેદા કરીને દેશને સોંપી દીધો, એમની સાથે સાથે એ જ સમયગાળામાં જેમ રાક્ષસના લોહીના એક ટીપામાંથી અનેક રાક્ષસો પેદા થાય તેમ બંધ મિલોના કમ્પાઉન્ડમાંથી પીરાણા ચોકડીથી લઈને વાયા નારોલ-જશોદા-સીટીએમ-મેમ્કો-નરોડાપાટિયા-નાના ચિલોડાના પચ્ચીસ કિલોમીટરના ડાબે બે કિલોમીટર અને જમણે પાંચ કિલોમીટર એમ કુલ મળીને આશરે પોણા બસ્સો-બસ્સો સ્ક્વેર કિલોમીટરના વિસ્તારમાં નાનેથી લઈને મોટા અનેક ઉદ્યોગો અમદાવાદીઓ ઉભા કરી મૂક્યા..
નામ લેતા થાકો ..ટોરેન્ટ,કેડીલા (બંને), નિરમા,વાડીલાલ,અદાણી,મેઘમણી … એક પછી એક.. એમ લીસ્ટ ઘણું લાંબુ જાય આ સાબરમતીના `વજ્જર` જેવા પાણીનું ..!!!
મરવું એ અમદાવાદનો સ્વભાવ નથી,
અમદાવાદ પાસે એનો મિજાજ છે ..
કયો છે લ્યા ? હેંડ તો ?
કેમ ? ધંધો વાંઝિયો હોય ? એણે કર્યું તો આપણે કેમ ના થાય ? હેંડ હેંડ ઉઠ ..
પડેલા અમદાવાદીને લડી લેતા આવડે છે,
સાબરમતીની માટીમાંથી ઉભા થાય છે મોટા મોટા બિઝનેસ એમ્પાયરો ,
“મહાન રાષ્ટ્રોના નિર્માણ મહાન કંપનીઓની પીઠ ઉપર જ થાય છે ..!”
જો કે અમદાવાદી કંપનીઓને પેહલાથી જ શંકાની નજરે જોવામાં આવે છે, બાળપણથી જ સાંભળતો આવ્યો છું કે રિલાયન્સ એટલે પરપોટો, મારું બાળપણ એટલે સાલ ૧૦૭૮-૧૯૭૯ .. આઠ-નવ વર્ષનો હતો ત્યારથી છાપાનું બીજું પત્તું પેહલા ખોલવાની ટેવ ( એ સમયે શેરબજારના ભાવો છાપાના બીજા પત્તે આવતા ) અને ત્યારની બુમો પડે કે પરપોટો ફૂટી જશે..
હજી પણ અડીખમ છે ..
જબ્બર મેહનત દિવસ રાત જોયા વિના અમદાવાદીઓ કરી છે એ પણ અક્કલ વાપરીને.. ફળસ્વરૂપ અમદાવાદ વિમાન પતન સ્થળ ઉપર જેટલા જગન્નાથ મંદિરે ગજરાજો ઝૂલે એટલા અમદાવાદીઓના પોત્તાના હવાઈ જહાજો રાત પડ્યે ઝૂલે..!!
જય હો..!
બજારોની બજારો નવી ઉભી થઇ ગઈ .. પેહલું કોમર્શિયલ બિલ્ડીંગ બન્યું કોટની રાંગે અમદાવાદમાં મારી જાણ પ્રમાણે ખાનપુરમાં પુષ્પક, ઈન્દુમતી ચીમનલાલના બંગલાની બાજુમાં અને પછી અમદાવાદ નદી પાર કરી ગયું, ફાટવાનું ચાલુ થયું .. હમણાં સાંભળ્યું છે કૈક ચાલીસ માળથી વધારે એવું મોટ્ટું સ્કાય સ્ક્રેપર હવે એસજી રોડ ઉપર આવી રહ્યું છે..!
ધીરે ધીરે અમદાવાદ પોત્તાની સ્કાય લાઈન ડેવલપ કરી રહ્યું છે…!
આશ્રમરોડ ,સીજી રોડ , નેહરુનગર-વાસણા-વાડજ રોડ , ૧૩૨ ફૂટ રોડ ,એસજી હાઈવેને તો નગરી અમદાવાદ બિન્દાસ્ત ગળી જઈને સીટી રોડ બનાવીને ચાવી ગઈ,
ત્યાંથી આગળ વધીને બસ્સો ફૂટનો રીંગ રોડ અને હવે નવો ત્રણસો ફૂટનો રીંગ રોડ ક્યારે પડે એની રાહ જોતું અમદાવાદ થઇ ગયું..!!
માણેકબુરજથી શરુ થયેલું અમદાવાદ, આજે એના છેડા મુકવા હોય તો સાણંદ-કલોલ-દેહગામ-મેહમદાવાદ-સાણંદ એમ ચોખંડુ પડે, ભવિષ્યનું અમદાવાદ મુકવું હોય તો વિરમગામ-મેહોણા(મેહસાણા)-હિંમતનગર-નડીયાદ-ધોળકા-વિરમગામ આવું કૈક અમદાવાદ થશે..!
વચ્ચે ફસાયેલા “બિચારા” ગાંધીનગરને તો અમદાવાદ લગભગ `ગળચી` ગયું છે, આવનારા દસ વર્ષમાં તો ગાંધીનગરને પચાવીને ઓડકાર ખાતું અમદાવાદ જોવા મળશે..!!
ફર્સ્ટ હોમ અને સેકન્ડ હોમના કલ્ચર ને આ શેહર અત્યારે ડેવલપ કરી રહ્યું છે , નીઓ રીચની (નવા જન્મેલા રૂપિયાવાળા ) નવી પેઢીને વિકએન્ડ માટે સેકન્ડ હોમ જોઈએ છે,
જુના અમદાવાદીને જેમ ઝેર ખાવું છે પણ ઘેર નથી ખાવું તેમ નીઓ રીચ કીડ્સને સેકન્ડ હોમમાં જઈને જ રેહવુ છે ..શ..અ.અ.અ.. બોલવાનું નહિ, ચૂપ… પાર્ટી કલ્ચર ..ગુજરાતમાં દારૂબંધી છે ભૈ`શાબ ..!!!
ગણી ગણીને રૂપિયા ખર્ચતો અમદાવાદી એ ભૂતકાળ છે..નાઈટલાઈફ નથી અમદાવાદમાં આવું બોલનારને અજ્ઞાની અને આંધળા સરખા, એવું સમજીને માફ કરી દેવા ,
એવું જાણવું કે એમની પાસે રાઈટ કોન્ટેક્ટ નથી, બાકી તો હવે અમદાવાદી યૌવનધન બહુ જેન્ડરમાં માનતું નથી ..ધુમાડાની સેરો લગભગ સાથે જ અને સરખી જ માત્રામાં નીકળે છે..!
તાજા-તાજા માંડ-માંડ પરણેલાના ઝઘડા એટલે થાય છે કે તું હાર્ડ લ્યે છે અને મારા માટે કેમ બિયર જ મંગાવે છે ?
ડેટિંગ સાઈટો ઉપર લોકેશન ઓન કરીને ચેટીંગ અને પછી ઉપયોગમાં લેવાતી બે-ચાર-પાંચ કલાક માટે અપાતી રૂમોવાળી હોટેલોના રાફડા ફાટ્યા છે નગરી અમદાવાદે..!
આ શેહરમાં ઘરડાં વોટ્સએપ કુકડા પણ વસે છે અને જુવાન વોટ્સએપ ઘુવડો પણ ..
કુકડા સવારે ચાર વાગ્યે ગુડ મોર્નિંગના મેસેજ છોડે અને ઘુવડિયા સવારે ચાર વાગ્યે ગુડનાઈટના ..!
શેહર રેઢું ના પડ્યું રહે એની ડોહલા અને જુવાનીયા બંને પૂરેપૂરી તકેદારી રાખે..કાકા ઉઠે પછી જ લાલો આફ્ટર પાર્ટી કરીને પોઢે..!
રાત-રાતભર ચાલતા કોલ સેન્ટરો ધીમે ધીમે અમદાવાદમાં પગ પેસારો કરી રહ્યા છે, બારેય મહિના અને ચોવીસે કલાક ચાલતી કિટલીઓ અને હોટેલો ઉપર પેહલા કાલુપુર સ્ટેશન અને વાડીલાલ સારાભાઈ હોસ્પિટલનો ઈજારો હતો, એ ઈજારો હવે ખતમ થઇ ગયો ઠેર ઠેર દરેક વિસ્તારમાં એક મળે..
મેડીકલ ટુરીઝમના નામે ફાઈવસ્ટાર હોટેલોને ટક્કર મારે એવી એવી હોસ્પિટલો ઉભી છે, હવેલીમાં કેદારો ગાતી ડોશીઓને જો ઘૂંટણ ના બદલાવાયો તો મંડળમાં એને જરાક ઉતરતું ફિલ થાય છે.. સર્જરી પણ હવે શોખની થાય છે ..!
જૂની અમદાવાદી ડોશીઓ હીરાના કાંપ વસાવતી, નવા અમદાવાદના નવા પશ્ચિમ ઝોનમાં વસતી ડોશીઓ એટલા જ રૂપિયાના હિયરીંગ એઇડ “વસાવે” છે..!
નવા પશ્ચિમ ઝોનમાં આખે આખો નવો વિસ્તાર બિલીઓનર્સ સ્ટ્રીટ તરીકે ઓળખાય છે…!!
ધનકુબેરોનો ટાપુ..!
પોળમાં ગિલ્લીડંડા-લખોટી રમેલાની અમદાવાદીની ત્રીજી પેઢી હવે ગોલ્ફ રમે છે ,રખડી-ભટકી ખાવા ટેવાયેલો અમદાવાદી વિક-એન્ડમાં આબુ-ઉદેપુર અને વેકશન ઉપર `યોરોપ` કે પછી સાઉથઇસ્ટ એશિયા જાય..
પોલું છે તે વાગ્યું તેમાં કરી શી તે કારીગરી એવું કેહતો અમદાવાદી હવે સપ્તકની તેર તેર રાતો રૂપિયા ખર્ચી ઉજાગરા કરીને શાસ્ત્રીય સંગીતના જલસા સાંભળે છે.. અને એ બે-પાંચ નહિ હોં હજારોની સંખ્યામાં અમદાવાદી ઉમટે..!
ડબલ ઇક્ક્તના સારા અઢી-ત્રણ લાખથી શરુ થતા પાટણના પટોળાની ડીલીવરી માટે બે-ત્રણ વર્ષના વેઈટીંગ આ અમદાવાદી બૈરાઓ એ કરી મુક્યા છે..!! જો કે પુરુષો પણ પાછળ નથી દસ-બાર લાખની કાંડા ઘડિયાળો અને લાખ-દોઢ લાખના ચશ્માં પેહરતા થઇ ગયા છે..!
છોળો ઉડે છે .. નવા પશ્ચિમ ઝોનમાં ..!!
પૂર્વ અમદાવાદ .. મણિનગર … કાયમની કમબખ્તી .. જેવો બે પાંદડે થયો કે ઉચાળા ભરીને પશ્ચિમ તરફ ભાગે ..! આટલો મોટો ઔદ્યોગિક વિસ્તાર એના પડખે પણ ગ્લેમર હંમેશા પશ્ચિમ તાણી ગયું..!
નિકોલ-નરોડા વિસ્તર્યું ,મસ્ત મસ્ત બંગલા બન્યા પણ ચકાચૌંધ જતી રહી સિંધુભવન રોડના ભાગે..!
ભું..ભું .. કરતી ભાગતી બે-ચાર-પાંચ કરોડની કન્વર્ટીબલ ગાડીઓ નવો પશ્ચિમ ઝોન લઇ ગયો..!
સંધિકાળ ચાલી રહ્યો છે અમદાવાદનો, બુલેટ ટ્રેઈનની રાહ છે અમદાવાદને, રાહ છે ગિફ્ટ સીટીને ફુલ્લી ઓપરેશનલ થાય તેની, સ્કાયલાઈન રીવર ફ્રન્ટ ઉપર ઉભી થાય તેની..!
બસ્સો પાંચસો નવા સ્ટાર્ટઅપ્સની, ડોલર્સમાં કમાણી શેહરમાં ખેંચી લાવે એવા છોકરા છોકરીઓની રાહ જોઈ રહ્યું છે અમદાવાદ, જૂની પેઢીના મહારથીઓના ત્રીજી પેઢીના સંતાનોને પેઈન લેવા નથી, ઇન્વેસ્ટર બની ને રહી ગયા છે ,ચાલે છે તે ચલાવો અને થોડું ઘણું એક્સ્પાંડ કરો ..
બીજા ધીરુભાઈ અંબાણી, ત્રીજા ગૌતમ અદાણી, રણછોડલાલ રેંટીયાવાળાનો પુનર્જન્મ આ શેહર ઝંખી રહ્યું છે..!
મોસાળ છે, પીરસનારી માં પણ છે, પણ કસરત કરીને સાથે સાથે પાચનશક્તિ વધારીને મજબૂતી તો અમદાવાદે જાત્તે જ ધારણ કરવી પડશે..!
જય જગન્નાથ
શૈશવ વોરા