“ન્યુ નોર્મલ” કેહવાતી જિંદગીઓ કેટલી “નોર્મલ” થઇ કે ગોઠવાઈ ગઈ નવા સંજોગોમાં ?
એક બહુ જ અઘરો સવાલ છે પણ જવાબ તો શોધવો જ રહ્યો..!
સામાન્યતઃ ઘરની વ્યાખ્યામાં સાથે રમીએ ,સાથે જમીએ ,સાથે કરીએ સઘળા કામ..!! આવું બધું આવે..
ભલે બી
તો બી
ટાઈપનું પણ અમદાવાદ જેવું મહાનગર ઘરની આવી વ્યાખ્યામાંથી બાહર નીકળી ગયું હતું છેલ્લા એકાદા દસકાથી..!!
ન્યુક્લિયર ફેમીલી એકબીજા ને બહુ “સહન” નોહતા કરી શકતા..!
મારે મારી પોતાની સ્પેસ જોઈએ, આખો દિવસ શું એના એ મોઢા ? આવું બધું અમદાવાદી “કોર્પોરેટ” સન્નારીઓ અને એમના ભરથારો બોલતા થઇ ગયા હતા..!
અમદાવાદી નર નારીઓ “એકલા” એકલા
પોતપોતાના ઝુંડમાં ફરતા ઉઠતા બેસતા થઇ ચુક્યા હતા..!!
જો કે ટોપ ફાઈવ કે સેવન સીટીના બીજા ઘણા “અપલક્ષણો” અમદાવાદની બહુ ઓછી પ્રજા એ અપનાવ્યા છે એટલે કદાચ બી
ટાઈપ કેહવાતું હશે અમદાવાદ..!!
મારા જેવી પગમાં પદમ લઈને ઠેર ઠેર ભાટકતી પ્રજા ને બે આંખે નગરી અમદાવાદમાં જોવાનું અને નાં જોવાનું બધુય દેખાઈ જતું હોય છે..!
ગઈકાલે સાંજ નો સીન સિંધુ ભવન રોડ નો પેલી નવી તાજ બની રહી છે ત્યાંની સાઈડ ગલી..
“કોફું પીવા” અધધધ પબ્લિક .. ગાડીઓ જ ગાડીઓ ચારે બાજુ સોળથી બાવીસ વર્ષની બાળાઓ ને બાળ તમને ધમાલ મસ્તી ને ધુમ્રપાન કરતા દેખાય, ક્યાંક એક બે જગ્યાએ જોડે જોડે અધર રસ ના પાન પણ થઇ રહ્યા હતા..! આટલું જોયું એટલે અમને કોરોનાસુર
ની બ્હીક લાગી એટલે અમે આગળ વધી ગ્યા..! અમારો ઇટાલિયન ઘોડો ગુર્રાતો મેઈન સિંધુ ભવન રોડ ઉપર વળ્યો..
ચારેબાજુ પોલીસ જ પોલીસ જાણે દેવાસુર સંગ્રામ ખેલવા નો ના હોય..?!!
જથ્થામાં “ઝાલવા” ના અને મેમાં ફાડવાના, જો કે આ મેમાં ફાડવાવાળો સીન તો હવે કાયમનો થઇ ગયો છે ,ને એમાં સૌથી પેહલા હડફેટે જેટલું મોટું બાઈક કે ગાડી એ સૌથી પેહલો ચડે ..!
આ મોટું એટલે હાર્લી ,ડુકાતી કે મોટા ૧૦૦૦ સીસી ઉપરના બાઈકો અને ગાડીઓ તો લેમ્બોર્ગીની કે મસ્ટેંગ ..!!
હજી “ઓલ્ડ નોર્મલ” માં જિંદગી જીવાઈ રહી હતી..!!
થોડુક મેઈન રોડ ઉપર ભ્રમણ કરી ને અમે પોલીસ અને ફાટફાટ થતી જુવાની વચ્ચે ખેલાઈ રહેલા દેવાસુર સંગ્રામની રણભૂમિનો ત્યાગ કર્યો ને સાઈડની ગલીઓમાં પરિભ્રમણ કરવાનું ચાલુ કર્યું..!
હાય રામ..છાતીના પાટિયા બેસી ગયા ..!
નકરી ચુડેલો ને ડાકણો નાચે, આખી આખી ત્રણ ત્રણ કિલોમીટર ની ઉભી ગલીઓના પટ્ટે, સન્નાટો રાજ કરે, સેહજ બાઈક ધીમું કરો ને કોઈક માંડ અધખુલ્લી દુકાનની નજીક જાવ તો ચીબરી ની ચિત્કાર ને વડવાગોળો ઉડતી થઇ જાય,
પ્રેતાત્મા જેવા સેલ્સમેન ના બેચાર ઝુંડ આખા કોમ્લેક્ષમાં ફરતા દેખાય અને તમને જોઈ ને જ ડાન્સ ચાલુ કરે.. મેરા પિયા ઘર આયા ઓ રામજી ..!!
સેહજ કોમર્શિયલ કોમ્લેક્ષમાં નજર મારો ઉપર નીચે ,આજુ બાજુ તો લાઈટો ચાલુ પણ માણસ કોણ છે ત્યાં ?
તો હું એકલો..
બાકી બધા ભૂત, પ્રેત, ચુડેલો, ડાકણ ખાવાનું શોધતા ઝોમ્બીઓ ..!!
એકાદું જીમ દેખાય ટોપ ફ્લોર ઉપર .. ભય નો માર્યો મારા જેવો સોળ સોળ વર્ષ જુનો જીમ જતો જણ ભય નો માર્યો થથરી જાય કે કોઈક ઝોમ્બી મને બટકું ભરી જશે અને હું ઝોમ્બી થઇ ગયો તો ..?
હી હી હી … ચી ચી ચી … !!
કોમ્લેક્ષમાં ફરતા જૂની ભૂતાવળો વળગે આંખ એક સેકન્ડ માટે બંધ કરી ને તરત જ ખોલી નાખવી પડે ..ખુલી જાય..!!
ન્યુ નોર્મલ હતું આ..!!
ચુપચાપ મન શરીર ને આદેશ આપે નીકળ , અને પાછા બાહર એસજી હાઈવેની વાહનો ની ભીડમાં ક્લબોના, હોટેલોના સન્નાટા બહારથી જોઈ ને ચુપચાપ ઘર ભેગો થા..!
સાથે રમીએ, સાથે જમીએ ..!! કરવા..!!
નથી થતું અમદાવાદ નોર્મલ, અને ન્યુ નોર્મલ ..!!
બે પ્રકારની જિંદગીઓ જીવી રહ્યું છે અમદાવાદ ..પેહલી જેને ન્યુ નોર્મલ ધરાર અપનાવવું નથી અને બીજી જેણે અપનાવી લીધું છે..!!
જેને નથી અપનાવવી લેવી એ જિંદગીઓ મારી જેમ પારાવાર પીડા સાથે ઝઝૂમી રહી છે, જ્યાં ને ત્યાં ઝાંવાં મારી રહી છે , સાંજ પડ્યે પોતાનું જબરજસ્ત આવેલું ફ્રર્સ્ટેશન ક્યાંક વ્યસનમાં ઉતારી જાય છે કોઈક હૈયામાં ઉતારે છે..!!
જેમણે ન્યુ નોર્મલ અપનાવી લીધું છે એ પણ કઈ સુખી નથી થઇ ગયું ..કોઈક ખૂણે એકલતામાં સમાઈ રહ્યું છે..!!
અહિયાં સ્પષ્ટતા કે સોશિઅલ મીડિયામાં ભરાઈ ને જિંદગી કાઢતી પ્રજા એમ કેહતી હોય કે ન્યુ નોર્મલ અમે અપનાવી લીધું છે તો એ તદ્દન જુઠ્ઠું બોલે છે, કેમકે આવી પ્રજા સુશાંત સિંહ જેવા સમાચાર વાંચી ને એમના પોતાના ટાંટિયા ઢીલા પાડી મુકે છે..!
ન્યુ નોર્મલ કેહવું બોલવું બહુ સેહલું છે પણ અપનાવવું બહુ અઘરું છે,
જીવનના દરેક સુખ અને દુઃખ ને હમેશા સાપેક્ષ રાખ્યા છે, પેલા કે પેલી કરતા વધારે દુઃખી કે સુખી , પોતાના સુખ ની કે દુઃખ ની કોઈ જ પરિભાષા હતી જ નહિ આજે એ જ નડી રહ્યું છે..!!
યુરોપમાં ફરવાની મજા નોહતી લેવી, એના કરતા યુરોપ ફરી ને આવ્યો એવું અમદાવાદમાં બેઠા કેહવા ની મજા સતત પાંચ વર્ષ સુધી લેવી હતી , આજે એ નડી રહ્યું છે..!!
નથી જવાનું યુરોપ હવે વર્ષ બે વર્ષ સુધી કદાચ, મેક અપ કરીને ઉજાળેલો ચેહરો કોઈ ને બતાડવાનો નથી , શર્ટના બટન ફાડી ને બાહર આવતી છાતી અઢાર વર્ષના ફૂટડા ને હવે કોઈને બતાડવાની નથી , પાર્ટી નથી લગ્ન નથી ,
અરે રે આ લગ્ન ની સીઝન આવે તો ત્રાસ થઇ જાય છે આખો દિવસ કપડા અને ઘરેણા બદલો બસ બીજું કોઈ કામ જ નહિ , આવો શો ઓફ નથી થતો..!
ફાઈવ સ્ટાર ને સેવન સ્ટાર હોટેલોના ચેક ઇન નથી નાખવાના રહ્યા , થાઈ ફૂડ તો ફલાણાનું અને મેક્સિકન તો બાપ રે એકલું તીખું જ હોય આવું કેહ્વાનું નથી ..
સુખ ના આડંબર ખોવાઈ ગયા છે..!!
ઓલ્ડ નોર્મલ હતું આ..! અને ન્યુ નોર્મલમાં ખરેખર સુખી થવાનું આવ્યું છે..!!
માંહ્યલો જગાડી ને એની જોડે જીવવાનું આવ્યું છે ,
તો પણ ભૌતિકવાદ ને રવાડે ચડેલો જીવડો રહી રહી ને મોલમાં ભીડ કરી મુકે છે , દર અઠવાડિયે મુન્સીટાપલી એકાદો મોલ સીલ કરે છે.. ભીડ ભેગી થઇ જાય છે એટલે..!!
ફરી એકવાર સ્વીકારવા નો સમય છે એકબીજા ને ,પરિસ્થિતિ ને ..
હૈયે હામ રાખીને જીવવા નો સમય છે ,ટીનએજમાં રહેલા બાળકો ને વ્યક્તિ અને પરિસ્થિતિ નો સ્વીકાર કેવી રીતે થાય એ શીખવાડવા નો સમય છે..!!
ન્યુ નોર્મલ એમ સેટ નહિ થાય આ કોર્પોરેટ જિંદગીમાં..!!
સાથે રમીએ ,સાથે જમીએ ,સાથે કરીએ સઘળા કામ..!! આવું કરી શકો તો ઉત્તમ ને ઝટ સેટ થવાશે..!
શુભ રાત્રી
શૈશવ વોરા