હરખપદુડા, ૐ શાંતિ બહાદુરો…!!!
નેવું નો દાયકો , પપ્પાની ચક્ષુદાન પ્રવૃતિ પૂરજોશમાં ચાલે …ના દિવસ જોવે પપ્પા કે ના રાત , ફોન આવે એટલે કીટ તૈયાર જ હોય, ચક્ષુદાન સ્વીકારવા પોહચી જ જાય , હજજારો ni સંખ્યામાં મૃતદેહોમાંથી આંખો લઈને આંધળાને આંખોં આપવામાં નિમિત્ત બન્યા…
એક ભાંગતી રાતે ફોન રણક્યો,
આખા દિવસના થાકેલા પપ્પાએ ભરઊંઘમાં ફોન ઉપાડ્યો..
” ડોકટર સાહેબ , આંખોનું દાન મરી જાય પછી કેટલા સમયમાં કરાય ? “
” છ થી આઠ કલાકમાં “
“એમાં કઈ ઉંમર સુધી આંખો નું દાન કરી શકાય ?”
” કોઇપણ ઉંમરના મૃતકની આંખોનું દાન કરી શકો , ક્યાં લેવા આવવાનું છે ?”
” અમારી બિલકુલ બાજુનું જ ઘર, ફલાણા કાકા છે ને એ હવે જાઉં જાઉં છે તો મને થયું કે પૂછી રાખું , તમારા પેશન્ટ જ છે..”
પપ્પા બગડ્યા , એ પેશન્ટ એ દિવસે સવારે જ આવીને ગયું હતું અને એવું કઈ એમને હતું નહીં કે પેશન્ટ ઉડી જાય ..
” મને ફોન કર્યા કરતા એમ્બ્યુલન્સ લઈને એને વાડીલાલ સારાભાઈ લઈ જા છાનોમાનો જા , જીવતાને જીવાડવાની કોશિશ કરવાની હોય, સાંજ ખાંપણ તો નથી લઈ આવ્યો ને ?”
” ના સાહેબ પણ બે છોકરા તૈયાર રાખ્યા છે જેવો જીવ છૂટે એટલે તરત જ મોકલી દઈશ..”
પપ્પાની કમાન છટકી .. ” મારો ફોન મૂક અને એમ્બ્યુલન્સ બોલાવ જલદી..”
પેલા હરખપદુડા ને ગભરામણ થઈ ગઈ કે સાહેબે કીધું અને હોસ્પિટલ નહિ લઈ જાઉં તો બધો ઓળિયો ઘોળ્યો મારે માથે આવશે , તરત જ એમ્બ્યુલન્સમાં નાખી અને વી.એસ. લઈ ગયા ..
બીજા અઠવાડિયે જે કાકાનું ચક્ષુદાન કરવાનું હતું અને જેનું સાંજ ખાંપણ તૈયાર રાખ્યું હતું એ દવાખાને આવ્યા,
પપ્પાની સામે હાથ જોડીને ઊભા રહ્યા
” સાહેબ , આભાર માનું એટલો ઓછો છે , આ અભણોની વચ્ચે રહીએ એટલે જીવના જોખમ, તમે આ લોકોને ફોન ઉપર ધમકાવી ને કીધું ના હોત તો અત્યારે મને સળગાવી માર્યો હોત આ બધાએ ભેગા થઈને ..”
પપ્પા ખડખડાટ હસે.. ” ભાઈ પાંચમની છઠ ના થાય તો ચોથ પણ નહીં થાય , ભગવાન સૌ ના છે ..”
પેલા ભાઈ કહે “મને નાનપણમાં વાઈ આવતી હતી તે પછી આ વખતે લગભગ પચાસ વર્ષે ઊંઘમાં પેહલી વાર વાઈ આવી અને શરીર અક્કડ થઈ ગયું તો દવા કરવાની બદલે મને ઠઠાડીમાં બાંધવાનો બંદોબસ્ત કરવા લાગી પડ્યા આ બધા …”
આખું દવાખાનું ખડખડાટ હસે.. પપ્પા કહે ” એ પેહલા તો તમારી આંખો કાઢી લેવાની હતી…હવે આવ્યા છો તો આંખો દાન કરશો એવો સંકલ્પ પત્ર ભરતાં જાવ અને આજુબાજુવાળા ને કહેતા જજો કે તમે સંકલ્પ પત્ર ભર્યું છે ..હવે તો જે દિવસે ખરેખર જશો ત્યારે પણ કોઈ બીક ના માર્યા હવે મને ફોન નહીં કરે..”
પેલા ભાઈ કહે ” એ વાત સાચી હોં સાહેબ ,પણ તમે જ મારી આંખો લેવા આવજો હોં, આ બધા કોઈ બીજાને બોલાઇ લેશે અને જીવતો હોઈશ તો પણ મારી આંખો કાઢી લેશે ..”
પપ્પા કહે ” ચિંતા ન કરો હજી તમને સીત્તેર થયા છે અને બીજા ત્રીસ કાઢવાના છે , આપણે શાંતિથી ત્રીસ વર્ષ પછી આ સંકલ્પ પત્રનો ઉપયોગ કરીશું..”
ભાઈ ગળગળા થઈ ગયા …” અરે અરે સાહેબ, ના ના આ બધા જીવતે જીવ હળગાઈ મેલે એવાની વચ્ચે એટલા બધા નહીં કાઢવા , હવે તો ક્યારેક એમ થાય છે જતો રહ્યો હોત તો શું ફેર પડત ..?”
પપ્પા કહે ” જીવો જીવો અને કોઈને સમાજને કામ આવે એવા કામ કરો…”
સેલિબ્રિટી ના કેસમાં પણ જનતા આવું કરે છે … આ તો સારું છે બાકી કીડની પણ કાઢી લ્યે એમ છે પબ્લિક ..!!
શું હરખપદુડા થઈ જાય છે લોકો … અલ્યા જપ ને.. મરશે તો ફરી બેઠો નહીં થાય, પાકે પાયે કન્ફર્મ થવા દે ને ભાઈ, પછી આખી જિંદગી ૐ શાંતિ ,ૐ શાંતિ કર્યા કરજે ને ભાઈ .. પણ ના મેં સમાચાર બ્રેક કર્યા, બધાને મેં જાણ કરી કે ધર્મેન્દ્ર મરી ગયા ..!!
મને લાગે છે આ બધા “બેસણા બહાદુરો” ના કામ છે , અમુક લોકો સવારે છાપું ખોલે એ ભેગા બેસણા જોઈ લ્યે , કોઈ હોય તો પણ ખુશ અને કોઈ ન હોય તો પણ ખુશ …!!!
બેસણાની જાહેરાતની લીટીએ લીટી વાંચી જાય..વોટ્સ એપ ગ્રુપમાં પણ ૐ શાંતિ ના ઢગલા કરાવે , જાણે એમના “વ્હાલા” સસરા મર્યા હોય ને એમ..!!!
ખતરનાક રીતે આ ૐ શાંતિ નો રોગ વકર્યો છે…!!!
અમુક ગ્રુપમાં તો અઠવાડિયે દસ દિવસે ચાલ્યા જ કરે ૐ શાંતિ અને હેપી બર્થડે, અલ્યા બસ કરો પણ હવે…!!!
ખાલી રિએક્ટ કરતા તો શીખતી જ નથી જનતા.. કોઈપણ મેસેજ ને દબાવી રાખો તો રિએક્ટ કરવા માટે ઇમોજી ખુલે એક મેસેજ હોય તો એની ઉપર તમે ઇમોજી દ્વારા રિએક્ટ કરી શકો , ફુલ કે ગુલદસ્તો મોકલાય કે પછી સેડ એટલે કે દુઃખી નું ઇમોજી મૂકો પણ ના લખવું જ પડે…
ઘણીવાર નણંદ ની નણંદ નાતરે જાય અને મારે ઘેર હરખ એવો ઘાટ થાય , ધંધાકીય ગ્રુપોમાં વેવાઈના 99 વર્ષના ભાઇ ગુજરી જાય તો પણ બેસણા નાખે , ૐ શાંતિ, ૐ શાંતિ પછી ચાલ્યા કરે …
અલ્યા ભઈ ડોહા ખઈ પી ઉતર્યા , વરસી વિવાહની જેમ કરવાની છે , ઘરમાં પાંચ પાંચ પેઢી અને બબ્બે બૈરાંનો વસ્તાર મૂક્યો છે તો તમે શાના દુઃખી થાવ છો … ઘરના પણ રાહ જોઈને બેઠા હતા કે ઝાડ પડે અને જગ્યા થાય..!!!
પણ ના, ગામ આખાને જાણ તો કરવી પડે ને .. જાણે જીવતા હતા તો બધાને જાણ હતી કે આ ” મહાત્મા ” ધરતી ઉપર હતા ..!!
જીવતે જીવ થેક ના લ્યે અને મર્યા પછી વોટ્સ એપ ગ્રુપ ગજવે …!!!
જો કે આપણે પણ પેહલા ગજવતા પણ પછી બ્રહ્મજ્ઞાન લાધ્યું કે મતલબ નથી મેલો છાલ , એટલે હવે બહુ લાગે તો રિએક્ટ કરી દેવાનું બાકી ઠીક મારા ભઈ ..
અમુક મોટી વ્યક્તિઓ ગુજરી જાય ત્યારે એમના જીવનના માનવીય પાસા અથવા પ્રેરણા દાયક ઘટનાઓ હોય અને ઓથેન્ટિક સોર્સથી ખબર પડે તો સમાજ સામે લાવીએ તો કશું ખોટું નથી પણ સાવ દે દે ચાલે એ હવે કઠે છે …
ચાલો રાહ જો જો બાકી તો પેલો મેસેજ છે જ કે અખિલ બ્રહ્માંડમાં દેવ ગાંધર્વ યક્ષ નાગ અસુર સહિતની ચૌદેય જાતિ આ ખબર આપે બ્રેક કરી માટે સદૈવ આપની ઋણી રહેશે .. આપે જાણ ન કરી હોત તો અમે શૈશવભાઈ ધોતિયું લઈને સાબરમતીએ નહાવા ના ગયા હોત અને સૂતક માં પણ મંદિરોમાં જઈને મહા પાતક ના ભાગીદાર બન્યા હોત , પરિણામ સ્વરૂપ અમારો આ જન્મ તો બગડ્યો હોત પણ સાત સાત જન્મો સુધી અમે એનું અશુભ ફળ પામ્યા હોત .. હે ઉત્તમ મનુષ્ય શ્રેષ્ઠ આ પ્રકારે ૐ શાંતિ ની સેવા આપ આજીવન કરતા રહો જેથી બ્રહ્માંડમાં અનર્થ ના સર્જાય , શેષનાગ ના મસ્તક ઉપર ટકી રહેલી આ ધરતી આપના ૐ શાંતિ ના જાપ ને કારણે એની ધરી ઉપર ફરી રહી છે , દિવસ અને રાત્રી સર્જાય છે …સમસ્ત જીવ સૃષ્ટિ આપને આભારી છે..
આગળ શું લખવું આપના વિશે ..
ૐ શાંતિ શાંતિ શાંતિ
હેપી બર્થ ડે હોં…
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*