આજે એક ફેકટરીમાં મોટા મેનેજર સાહેબને મળવા ગયો હતો, અને ત્યાં સાહેબની કેબીનની બહાર બેઠેલા સ્ટાફમાં ત્રીસેક વર્ષનો છોકરો અમિત ક્લાર્કની નોકરી કરે..અમિતના માથા પરથી વાળ ગાયબ હતા મેં તરત જ પૂછ્યું અમિત કેમ ..? મુંડન ? સેહજ દુ:ખી અવાજે અમિત બોલ્યો સાહેબ મારા સાસુ ..મેં કીધું અલ્યા સાસુ ગુજરી ગયા તો તારે ના હોય..દીકરી તો પરગોતર કેહવાય પણ અમિત બોલ્યો..સાહેબ એમને દીકરો નથી,મારા વાઈફ એકના એક છે અને હું એમનો દીકરો જ કેહવાઉંને..!
એક મિનીટ માટે મનમાં ખુશીની લેહરખી દોડી ગઈ..વાહ અમિત વાહ ..!
વહુ ને દીકરી થતી જોઈ છે પણ જમાઈને દીકરો..!!!
અને એ પણ છેક છેલ્લી વિધિમાં..!!
જ્યાં આપણો જડ સમાજ હજી પણ એવું માને છે કે પુત્ર જ પું નામના નરકમાંથી મુક્તિ અપાવે..! દીકરો ના હોય તો ભત્રીજો,પણ છેલ્લી વિધિ તો જમાઈથી ના જ થાય..!
અત્યારે દીકરીઓ સ્મશાન આવે છે અગ્નિસંસ્કાર કરે છે પણ મુંડન જમાઈ કરાવે.. વાહ વાહ..!
સમાજ પોતાની રૂઢી ને કોરાણે મૂકીને આગળ વધી રહ્યો છે..અને દીકરો દીકરી બંને ને એકસમાન અધિકાર મળી રહ્યા છે,અને દીકરીને અધિકાર મળ્યાથી સમાજ અટક્યો નહિ, ફરજ પણ પૂરી કરવાની પુરતી તક સમાજ આપી રહ્યો છે એ સૌથી મોટી વાત છે..!
બદલાતા સમયની બદલાતી તાસીર..!!
પણ હવે ક્યાંક આ એકના એક સંતાન ને કારણે જે ભયસ્થાન ઉભા થઇ રહ્યા છે એ તરફ થોડું જોવું પણ ઘટે છે..
એક નું એક સંતાન હોવું એ આવનારા વર્ષો માટે સમાજમાં એક બિહામણું ચિત્ર ઉભું કરી રહ્યું છે, જેનો કદાચ મારી પેઢી ના લોકોને અંદાજ નથી..
સંઘ સરસંચાલક મોહન ભાગવતજી એમ કહે છે કે હિંદુઓ એ વધારે છોકરાને જન્મ આપવો જોઈએ, હું અહિયાં “છોકરા પેદા કરવા” એવા શબ્દોથી દુર રહીશ.. પેદા કરવા થોડું અરુચિકર લાગે છે મને..
સંઘ સરચાલક એમના હિન્દુત્વના એજન્ડાને લીધે કેહતા હશે પણ હું આ જ વાતનો એક જુદો એન્ગલ જોઈ રહ્યો છું
એક ટેબલ મુકું છું (આ ગણિતનો દાખલો નથી માટે આંકડા પકડીને દલીલો ના કરવા વિનતી)
સાલ ૧૯૮૫માં ચાર ૨૫ વર્ષની ઉમરના ચાર દંપત્તિએ પ્રભુતામાં પગલા પાડ્યા અને એમને એક એક સંતાન થયું ..( ટોટલ આઠ જણ પરણ્યા હતા )
સાલ આવી ૨૦૧૦ ચારે સંતાનો ૨૫ વર્ષના થયા અને ચારે સંતાનો એ પ્રભુતામાં પગલા પાડ્યા અને એમને ઘેર એક સંતાનનો જન્મ થયો (ટોટલ ચાર જણ પરણ્યા)
સાલ આવી ઈસ્વીસન ૨૦૩૫ બે સંતાનો ૨૫ વર્ષના થયા અને એમણે લગ્ન કર્યા..અને એમને ત્યાં એક બાળક અવતર્યું..(ટોટલ બે જણ પરણ્યા)
હવે આવી સાલ ૨૦૬૦ની બે બાળકો ૨૫ વર્ષના થયા અને પરણ્યા અને એક બાળક થયું…!
હવે ૨૦૩૫ વાળા બાળકની માથે ૨૫ વર્ષના ૨૦૧૦ વાળા માતા-પિતા,૧૯૮૫ વાળા દાદા-દાદી અને નાના-નાની, એક બાળકને માથે ઓછામાં ઓછા છ માતાપિતાનો ભાર પડશે..! અને યુગલ ને માથે બાર..!
અને એ ૨૦૬૦ પરણે ત્યારે આટલા જ એની પત્નીના સગા..અને ૧૯૮૫માં જે પચ્ચીસ વર્ષના હતા એ આઠ ડોસા ડોસીમાંથી જે બચ્યા હોય એ..પણ એમને ગણતરીમાં નથી લેતા..!
૨૦૬૦માં જન્મેલા બાળકને કેટલી વાર સ્મશાન જવું પડશે..?
ટોટલ બાર વાર તો ખરું જ ..!
પત્નીના અને પોતાના માં-બાપ,દાદા-દાદી,નાના-નાની
એક યુગલને ઓછામાં ઓછા બાર(૧૨) ડોસા-ડોસી સાચવવાના આવશે..!
કેવી ભયંકર પરિસ્થિતિ થાય એ યુગલની જેને બાર માણસોનું ઘડપણ સાચવવાનું આવે..?
જુવાન બે જણ અને બાકીનું આખું ઘર ડોસા ડોસીઓથી ભરેલુ ..!!
હા એ યુગલને મિલકત ઢગલો મળશે, કેમકે બધા ડોસાડોસીની બચત એ લાખેણા યુગલને મળવાની..!!
પણ એક ગંદી કેહવતનો આધાર લઉં તો “મિલકત અને ઘરડા બેઉ જો ભાગમાં આવતા હોય તો મિલકત અને ઘરડા બધું જ જવા દેવું”
પણ આ કેસમાં તો છૂટકો જ નથી, દુર દુર સુધી કોઈ ઓપ્શન જ નથી..!!
કેમકે બધા “એક ના એક” જ છે..!
જખ મારીને મિલકત પણ લેવી પડે અને ઘરડા પણ લેવા પડે એવી પરિસ્થિતિ છે..!!
આવું લોજીક જયારે સેટ કરીએ ત્યારે એમ લાગે કે એક જ સંતાનની થીયરી પર પાછું વાળીને જોવું પડે એમ છે..!
અમે બે અમારા બે ત્યાં સુધી વાત બરાબર હતી પણ અમે બે અમારું એક ..!
સમસ્યાના પહાડ છે ફક્ત એક જ સંતાન હોવુ એ,
પણ અત્યારે જે રીતે ચાલ્યું છે કોઈને કશું સંભાળું નથી અને વિચારવું પણ નથી એક જ સંતાન અને એને સારામાં સારી રીતે ઉછેરો..અને હા આ સારામાં સારી રીતે ઉછેરોની કોઈ જ વ્યાખ્યા નથી..!!
ઘડપણ એ શું એની કોઈને કલ્પના જ નથી કરવી બધાને એમ જ છે કે હું તો હાલતો ચાલતો એક હાર્ટએટેકમાં મારી જઈશ.. પણ ભૂલ છે ..!
પેહલા લખી ગયો છું એમ દવાઓ હવે એશી વર્ષ સુધી તો મરવા દેતી નથી,અને પછી જ ઘડપણ પકડાય છે અને ત્યારે સંતાનો પણ આધેડ વય ક્રોસ કરી ગયા હોય છે..
ઉપર જોયેલી આખી ચેઈનમાં દરેક દીકરો કે જમાઈ “અમિત” નહિ હોય અને જયારે એવી કોઈ પરીસ્થિત આવે ત્યારે જેને આપણે ખરેખર કહીએ કે રડતા પણ નહિ આવડે, અને રડીશું તો છાનું રાખનારું કોઈ નહિ હોય ભાઈ બેહન જેવી કોઈ વ્યક્તિ જ આજુબાજુમાં નહિ હોય દિયર નણંદની તો વાત જ નહિ..
જે કરો તે એકલા,બસ કોઈ જ નહિ જેને માણસ પોતાનું કહી શકે..!
એક ભયંકર તેજ ગતિથી આપણો સમાજ અંધકાર તરફ ધસી રહ્યો છે અને સમાજના વડીલો,ઠેકેદારો અને સમાજશાસ્ત્રીઓ આંખે પાટા બધી પોતના સુખમાં રાચી રહ્યા છે..!!
વિચારવાની જરૂર ત્યારે જ હોય છે જયારે માણસ પરમસુખમાં હોય છે..!
આ બાબતમાં દલીલ સામી આવે કે બબ્બે છોકરાના ખર્ચા..?
હું પણ એવું વિચારતો હતો..એક દાખલો આપુ..
એક બપોરે ગાંધીનગરના એક સેક્ટરમાં બનેલા શોપિંગ કોમ્લેક્સમાં ગાંધીનગરની પ્રખ્યાત બેકરી પાસે એક મિત્ર સાથે હું ઉભો હતો અને પફ ખાતો હતો એટલામાં એક ક્લાસ-૪ની નોકરી કરતા હોય એવા એક ભાઈ લ્યુના પર એમની પાંચેક વર્ષની દીકરીને લઈને આવ્યા..
નાનકડી દીકરી સરસ તૈયાર થયેલી હતી.. ભાઈએ પેસ્ટ્રીના એક પીસનો ઓર્ડર કર્યો દુકાનવાળા એ એક કાગળની પ્લેટમાં બે ચમચી અને પેસ્ટ્રી આપી એ દીકરીએ પેસ્ટ્રી પેહલા એના પપ્પાના મોઢામાં મૂકી ..
દ્રશ્ય મને જોઈ ને ખબર પડી ગઈ કે નાનકડી દીકરીની બર્થ ડે હશે ..મને તરત જ મારી દીકરીઓ યાદ આવી ગઈ..હું એકદમ ભાવથી એ નાનકી ને પેસ્ટ્રી ખાતો જોઈ રહ્યો, દીકરીએ પેસ્ટ્રી ખાધી અને ફરી પપ્પાને કીધું તમે ખાવને એના પપ્પાએ ના પાડી તું ખા..
દીકરી આખી પેસ્ટ્રી ખાઈ ગઈ અને પછી કીધું કે “બીજી અપાવો“ એના પપ્પાએ ઘસીને ના પાડી, મને એકદમ ઝટકો લાગ્યો..મારું મન ભરાઈ ગયું અરે દીકરી પેસ્ટ્રી જ માંગે છે, ભાવનામાં હું તણાઈ ગયો હતો, પણ હું ચુપ રહી ગયો.. મારા મિત્રને કીધું હું અપાવી દઉં..
પેલા મિત્ર એ હાથ પકડીને મને રોકી પાડ્યો ના શૈશવ એવી ભૂલ ના કરીશ એ બાળક છે અને બાળક તો ગમે ત્યારે ગમે તે વસ્તુ માંગે દરેક વસ્તુ આપવાની ના હોય દરેક માણસે ક્યાંક તો લીમીટ મુકવી જ પડે.. તું તારી દીકરીઓને જે માંગે તે બધું અપાવી દે છે..? મેં કીધું હા ..મારા મિત્રએ બોલ્ડલી મને કીધું તો તું બહુ દુઃખી થઈશ..
મને બહુ સાચી વાત લાગી..મેં મારું જીવન રીવાઈન્ડ કર્યું મને અસંખ્ય “ના” સાંભળવા મળી છે સંતાનોને લાડ લડાવવા જેટલા જરૂરી છે એટલી જ જરૂરી “ના” પાડવી એ છે..!!
થોડીક અછતમાં ઉછરેલા સંતાનો વધારે આગળ આવે છે અને ચમકે છે જયારે છતમાં મોટા થયેલા સંતાનો પોલા અને પોચા રહી જાય છે..!
એટલા માટે જ ખર્ચાના વિચારે જે લોકો એક જ સંતાનથી અટકે છે એ ક્યાંક પોતના માટે બહુ જ મોટું ભયસ્થાન ખુલ્લું મૂકીને આગળ વધી રહ્યા છે અને એક સમય અને ઉમર પછી એ “ભૂલ” ને સુધારવાનો ઈશ્વર મોકો નથી આપતો..!
વિચારજો અને કોઈકે એક જ સંતાનની “ભૂલ” કરી હોય અને “સુધારવા”નો સમય બચ્યો હોય તો પ્રયત્ન કરી લેવો, નહિ તો પછી “રાંડ્યા પછીનું ડહાપણ” બીજાને તો ચોક્કસ આપજો.
નહિ તો ઘડપણ બહુ ખરાબ છે..એકલા રૂપિયાથી ઘડપણ કોઈ નું ગયું નથી..અને જવાનું નથી ..વૃદ્ધાશ્રમમાં નામ બુક..!!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા