અમેરિકાના એક નાઈટ કલબ પર હુમલો થયો..
ગઈકાલ રાતથી જ મને થોડો અંદાજો હતો કે ગુજરાતી છાપાવાળા “ગે” નાઈટ ક્લબ લખશે અને એની ઉપર ભાર મુકશે..!
ભજીયા સાદા વેચાય એના કરતા ચાટ મસાલો ભભરાવેલા વધારે વેચાય અને ખાનારને ભાવે પણ ખરા…!
સાલી ગુજરાતી જીભ જ એવી છે..!
ડોનાલ્ડ ટ્રમ્પએ શું કીધું ?બરાક ઓબામા શું બોલ્યા ?હિલેરી ક્લીન્ટનના રીએક્શન શું હતા ? આ હુમલાની અસર બીજી શું પડશે?તો કહે “દઈ” જાણે..!
અને પછી ક્રુડ ઓઈલના ભાવ વધે અને મોંઘવારી વધે ત્યારે બળાપા કરીને બખાળા કાઢવાના..!
એક હાલના પ્રમુખ છે, અને બીજા બેમાંથી એક ભાવિ પ્રમુખ છે, એટલું તો નક્કી જ છે, તો થોડું એમના નિવેદનો પર તો ધ્યાન આપો..
ત્રણે જણાએ એક વાત કીધી કે ૯/૧૧ પછીનો સૌથી મોટો હુમલો છે અમેરિકા અને અમેરિકનો ઉપરનો.. અને અપેક્ષા પ્રમાણે કાયમ તીખી વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પએ સીધુ બરાક ઓબામાંને ગાદીએથી નીચે ઉતારી મુકવાની જ વાત કરી..
ડોનાલ્ડ ટ્રમ્પએ ચુંટણી પેહલા જેમ નરેન્દ્ર મોદી ગરજતા હતા એમ મોટેથી ગરજી ગરજીને ઇસ્લામિક રેડીકલ એટલે કે ઉદ્દામવાદી તત્વો ને એમની ભાષામાં જવાબ આપીને સરખા કરવાની વાત કરી..
અને બરાક ઓબામા એ જેમ અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઢીલી ઢીલી વાતો કરે છે એમ વાતો કરી અને LGBT સમુદાયને સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરવાનું વચન આપ્યુ..!
મારુ બેટુ કેહવુ પડે હો ભાઈબંધી પાકી હો ..એકદમ સાહેબની જેમ મોઢા પર કડપ રાખીને “પરમમિત્ર” ઢીલું ઢીલું બોલી ગયા..!
કદાચ રીપબ્લીકન પ્રમુખ હોત તો સીરિયાથી અફઘાનિસ્તાન સુધી બધે મધ્યપૂર્વ એશિયામાં ડ્રોન ફરી વળ્યા હોત બદલો લેવાઈ ગયો હોત..!
હત્યારાની આઇડેન્ટિટી ક્લીયર થઇ ગઈ છે, અને એ કોણ હતો અને એની મન:સ્થતિ શું હતી એનું એનાલિસિસ ચાલી રહ્યુ છે,ક્યાંક ક્યાંક એવા સમાચાર છે કે “હત્યારાભાઈ” ના લગ્ન કોઈની બેહન સાથે થયા હતા, પણ પછી છુટા થયા ને પછી કોઈના ભાઈ સાથે એનું ચક્કર હતું અને એ ભાઈએ ડખો કર્યો અને એનો બદલો લેવા બધા LGBTને માર્યા..
ISIS એ જવાબદારી લઇ લીધી હુમલાની, ચિત્ર ક્લીયર થયુ અને બીજો પણ એક માણસ હથિયારો સાથે ઝડપાયો કેલીફોર્નીયામાં આવનારી LGBT પરેડ પર હુમલો કરવાનો હતો..!
જોઈએ હજી શું કરે છે સાહેબના “પરમમિત્ર”
પણ આ બધા વચ્ચે સવાલ એવો ઉભો થાય છે કે દુનિયામાં રહેલા રેડીકલ મુસ્લિમ અને બીજા ધર્મના રેડીકલ લોકો સાથે ડીલ કેવી રીતે કરવુ? અને શા માટે કરવુ?
વૈચારિક સ્વતંત્રતા એ ધરતી પર રેહતા પ્રત્યેક જીવનો અધિકાર છે પણ મારી વાત તું ના માને તો હું તને મારી નાખુ આ તે વળી ક્યાં નો ન્યાય..?
મોટેભાગે પશુ જગતમાં પણ હિંસા એકબીજા ઉપર વૈચારિકતા થોપવા માટે નથી થતી.. તો આપણે એનાથી પણ ગયા ?
ઉત્ક્રાંતિથી આજનો માનવ કઈ કેટલી અવસ્થાઓમાંથી પસાર થયો છે અને અઢળક માનસિકતાઓ બદલાઈ છે..
ધર્મનો ઉદ્દેશ માનસિક શાંતિ લેવાનો અને આપવાનો છે, ઈશ્વર નામની સંસ્થા હજુ સુધી વિજ્ઞાનની કોઈજ લેબોરેટરીમાં સિદ્ધ થઇ નથી ,ફક્ત અને ફક્ત માનસિક જ શાંતિ જ માણસને ઈશ્વર આપી શકે છે..!
આ સ્ટેટમેન્ટ નો ઈરાદો શ્રધ્ધાને ચેલેન્જ કરવાનો નથી, શ્રધ્ધા આત્મબળ ચોક્કસ આપે છે પણ આત્મબળની સાથે રોગીને દવા તો મેડીકલ સાયન્સ જ આપે છે..!
અને જો કોઈ એમ કેહતુ હોય કે હું ઈશ્વરને અત્યારે સાબિત કરી દઉં તો પછી NASA થી લઇને ISRO સુધીની બધી લેબોરેટરીને તાળા મારી દઈએ અથવા તો પછી ફરી એકવાર લડી લઈએ..!
જે જીતે એ ફાઈનલ ઈશ્વર ,અલ્લાહ ,કે જીસસ..!!
આવુ જીવ પર આવીને ઘણીવાર માનવ જાત અંદર અંદર લડી ચુકી છે, અને જોવાની ખૂબી એ છે કે નથી અલ્લાહ નો બંદો મરતો કે નથી જીસસનો..!!
એક મરે અને બીજો પેદા થઇ જાય છે..!
સુખ અને સમૃદ્ધિ એ જ પ્રજાને મળી છે ,કે જે પ્રજાએ પોતાનો અભિગમ પોઝીટીવ રાખી અને ધર્માન્ધતાને નકારી છે..! અને સાથે સાથે સાયન્સ અને ટેકનોલોજીનો વિકાસ કર્યો છે..!
સંજયે દિવ્ય દ્રષ્ટિથી મહાભારતના યુદ્ધને ધ્રુતરાષ્ટ્રને વર્ણવ્યુ હતુ, એ દિવ્યદ્રષ્ટિ એટલે ટેલીવિઝન એ વાત સાચી ,એ ટેકનોલોજી આપણી પાસે હતી, ત્યારે આપણે સુખી હતા અને જેવી એ ટેકનોલોજી હાથમાંથી ગઈ અને એક આંધળા યુગમાં જતા રહ્યા..!
માંડ માંડ માનવજાત અત્યારે પોઝીટીવ રહીને આવી ઘણી બધી દિવ્યદ્રષ્ટિઓ મેળવી રહી છે, ત્યારે ધર્મના નામે કેટલાક લોકો બધું ફનાફાતિયા કરવાના મૂડમાં આવી જાય છે ..એમને આદિવાસી કબીલાઓની અવસ્થામાં રેહવુ છે..!
એક હકીકત નો દુનિયાએ સ્વીકાર કરવો જ રહ્યો કે અત્યારે દુનિયામાં થતા આવિષ્કારોમાં ૩૬% આવિષ્કાર અમેરિકાની ધરતી પર થાય છે..
અને કોઈપણ આવિષ્કાર કરવા માટે ધુનકી ચડવી બહુ જ જરૂરી છે,ક્યાંક થોડુંઘણું પાગલપન અમેરિકનમાં દેખાય, પણ એ ના હોય તો ચંદ્રની ધરતી અછૂતી રહી હોત..!
કોઈ રાષ્ટ્રવાદી મંગળયાત્રાને સો ટકા ભારતીય ગણાવવાની ધૃષ્ટતા ના કરતા..મંગળયાનના ઘણા બધા પુર્જા અમેરિકા અને ઇઝરાયેલથી આવ્યા હતા..! અને હજી ચપ્પલો ઘસવા પડે છે ત્યારે યુરેનિયમ મળે છે અને બીજી ટેકનોલોજી મળે છે .
જે પ્રજા આગળ છે, એ છે જ ,સ્વીકારો અને પછી પ્રતિસ્પર્ધા કરો..!
આજે ચંદ્ર પરના પર્વતોના નામ દુનિયાભરના વિજ્ઞાનીકોના નામ પરથી પાડવામાં આવ્યા છે. અને એમાં ચન્દ્રની પાછળના ભાગ પર આવેલા પર્વતોના નામ ભારતીય વૈજ્ઞાનિકોના નામ પરથી પાડવામાં આવ્યા છે..!
ચોક્કસ ગર્વ લેવા જેવી વાત છે, પણ વાંક કાઢવો હોય તો કાઢો કે આગળના ભાગે કેમ નહિ આપણા નામ ?
જેને બીજાની ખામી જ જોવી છે, એને ખૂબી દેખાતી નથી અને પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે એને બીજાની સફળતાને ધૂમિલ કરવી છે..અને છતાં પણ દુનિયા મારું કહ્યું કેમ ના માને એવી ટણી કરવી છે એનું નામ “રેડીકલ”
લાતો ના ભૂત છે આ “રેડીકલ” પ્રજા, ભલે કોઈપણ દેશ કે ધર્મની હોય, ઢીલા હાથે કામ લેવુ પાલવે એમ નથી, એક વૈશ્વીક ધરી ઉભી થવી જોઈએ અને પછી સંહાર..!
જો કે આપણા દેશમાં બે પ્રકારના “રેડીકલ” છે હિંસક અને અહિંસક..એના વિષે ફરી કયારેક ..!
રહી વાત LGBT સમુદાયની તો પેહલા પણ લખી ગયો છું અને ફરી એકવાર કોપી પેસ્ટ મારુ છુ
હજી પણ મોટેભાગે દરેક દેશોમાં LGBT આખે આખી કમ્યુનીટી એ ક્યાંતો ઘૃણાનું કે મજાક નું કેન્દ્ર છે , જે લોકો ને કુદરતી રીતે જ જન્મની સાથે જ આ LGBT માં જવું પડે છે બીજી ભાષામાં કહું તો જન્મથી જ જેના માં આ પ્રકારની ખામી શબ્દ નહિ વાપરું પણ ચોઈસ છે એના પ્રત્યે મને પૂર્ણ સહાનુભુતિ છે ,
પણ જે લોકોએ એક શોખ તરીકે સમલૈંગિકતાને ડેવલોપ કરી છે એનો હું ધૂર્ત વિરોધી છું,બાકી તો એટલું ફરી એકવાર ચોક્કસ કહીશ કે આદર્શ દાંપત્યજીવન જીવન ઉમા મહેશનું જ છે …!
અને કુટુંબ બે વ્યક્તિથી નહી, પણ ત્રણ વ્યક્તિથી બને છે …!
અને એ ત્રીજી વ્યક્તિ એ ઈશ્વરનું વરદાન …સંતાન
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા