આજે અક્ષયતૃતીયા ઉર્ફે અખાત્રીજ ..!
ઇસવીસન ૧૯૭૨ની અખાત્રીજને દિવસે કનકકાકાએ અમારા વટવાના કારખાનાની શરૂઆત કરી હતી ,
પચાસ વર્ષ પુરા થયા આજે પેઢીને, ધંધાને..!
પેહલા લગભગ પચ્ચીસ વર્ષ કનકકાકાએ ધૂંસરી ખેંચી અને પછીના પચ્ચીસ મારો વારો આવ્યો..!
કેટલા રૂપિયાની મૂડીથી ધંધો ચાલુ કર્યો હતો એ તો મને ખબર નથી પણ કાકાની તપેલી જ્યારે ગરમ થઇ જતી ત્યારે એક ડાયલોગ જરૂર મારતા “ એકસો હત્તાવન (૧૫૭) રૂપિયા લઈને વિરમગામથી નીકળ્યો હતો અને એમ આટલા વર્ષ મારા અને તારી કાકીના નીકળી ગયા,હવે આખી જિંદગી એક રૂપિયો ના કમાઉં તો ખાધે ખૂટે એમ નથી તો પછી મારે શેના લોહી ઉકાળા કરવા ? આ ઘરના ઘર કર્યા ,તારી કાકીનો પડ્યો બોલ ઝીલ્યો, વટ વેહવાર સાચવ્યા, પછી શું જોઈએ જીવનમાં ? મારી જોડે માથાકૂટ મુક તારે જે ધંધા કરવા હોય એ કર હવે મને ના ગણીશ..!!”
મોટેભાગે અમારે ઝઘડો એક જ વાત ઉપર થતો ધંધો વધારવા માટે, હું નવી નવી પાર્ટીઓ શોધી લાવું અને ધંધો વધારું અને કાકા અકળાય..!
સાલ ૧૯૯૨ ની …!!
બાપ લાખ છપ્પન હજાર શૈશવ નસીબવાળો જીવનમાં પેહલેથી રહ્યો છે ,સાચા સમયે સાચા લોકો મળી ગયા છે, જેટલા રૂપિયામાં લોકોના ઘર ચાલતા એટલા રૂપિયા હું એમનેમ ઉડાડી મુકતો ,પણ હવે સમય આવ્યો હતો કાંધે ધૂંસરી નો ..!!
બાપ લાખ છપ્પન હજાર સાંઢ શૈશવ વોક ઇન ઈન્ટરવ્યુંમાં ગયો એક ફાલતું ફાર્મા કંપનીના, બે રાઉન્ડ ત્રણ રાઉન્ડ ક્લીઅર પણ પછી દાવ પડી ગયો , બીજી બે ત્રણ કંપનીમાં ગયો ક્યાંક છેલ્લા રાઉન્ડ સુધી જઈને પાછો આવું ,પણ ક્યાંય નોકરું ના મળે..!!
ઔકાત ખબર પડતી થઇ ગઈ હતી..એવામાં આજની અને એ જમાનાની પણ બહુ મોટી ફાર્મા કંપનીની જાહેરાત આવી ..!
શૈશવને એટલી ખબર ચોક્કસ હતી બાળપણથી કે ઓળખાણથી મોટી ખાણ ક્યાંય નથી..!
એપ્લીકેશન તો કરી મૂકી અને પછી ચક્રો ગતિમાન કર્યા ,છેડો શોધો ..!!
પપ્પાના ભાઈબંધોને ફોન કરી કરીને પૂછી લીધું ,અને છેડો શોધ્યો તે એવો શોધ્યો કે સાંજે તો શેઠશ્રીના ડ્રોઈંગ રૂમમાં શૈશવ..!!
પપ્પાને તો કીધું જ નોહતું કે મેં જેક મારી દીધો છે એમના નામે…!
એપ્લીકેશન અને સીવી લઈને શેઠશ્રી એ બાજુ ઉપર મૂકી દીધો, ચા નાસ્તો કરાવ્યા , બીજે દિવસે ઈન્ટરવ્યુંમાં શૈશવ સીધો જ છેલ્લા રાઉન્ડમાં જીએમ ની સામે , આગલે દિવસે આપેલી એપ્લીકેશન ઉપર શેઠની સહી હતી એ જનરલ મેનેજરના ટેબલ ઉપર પડેલી ..!
પેલા મારી સામે જોવે અને પૂછે ઇતની બડી પેહચાન હૈ તો એસી છોટી પોસ્ટ કે લીએ ક્યોં આયે હો ?
મને કઈ ટપ્પો પડ્યો જ નહિ ,એપોઇન્ટમેન્ટ લેટર મારા હાથમાં આપ્યો ..
૩૨૫૦ /- , મહિનાનો સેલરી..!! મોઢું ઉતરી ગયું અને લઈને ઘેર આવ્યો, મમ્મીને બતાડ્યો પપ્પાને બતાડ્યો કોઈ કશું બોલે જ નહિ ,જાવ કાલથી જોઈન કરો..!!
આખી રાત ઊંઘ્યો નહિ ,તારી આટલી જ ઔકાત છે શૈશવ ,હવે વિચાર કર કે કેટલા ઉડાડે છે રોજના તું ? કોઈ દિવસ પેટ્રોલ નો વિચાર કર્યો છે ?એવા હજાર વિચાર આવી ગયા મનમાં..!! એક જ વાત ગુંજે બત્રીસો પચાસ ..?? બસ ..??
બે દિવસ અને એક રાત નોકરું કૂટ્યું ..બીજી રાત્રે મમ્મી પપ્પાના રૂમમાં ગયો દબાતે પગલે ,મમ્મીએ લાઈટ કરી .. બોલ..??
કશું મોઢામાંથી નીકળે નહિ .. મમ્મી સમજી ગયા ,પણ કઈ બોલ્યા નહિ ,પપ્પા પણ કઈ બોલે નહિ .. છેવટે હિંમત ભેગી કરીને બોલ્યો પપ્પા નોકરી નથી કરવી .. અને બાપુજી ઉછળ્યા ..તે તને કોણે કીધું હતું કે નોકરું કરવા જવાનું ? કોને પૂછીને છેક ત્યાં સુધી પોહચી ગયો હતો સોનાની જાળ આવી ત્રણ હજાર રૂપરડીની નોકરી માટે પાણીમાં નાખી ? કાલથી કનકભાઈને કારખાને જતો રેહજે..!!
આપડે તો મમ્મીને ભેટીને ચાર પાંચ પપ્પીઓ કરી લીધી અને પપ્પાને ભેટવા ગયો તો બુમ આવી દૂર દૂર મારાથી દૂર ..
આખી રાત એક્સાઈટમેન્ટમાં ગઈ અને બીજે દિવસે નગરી અમદાવાદના પશ્ચિમ છેડે ઉછરેલો માતેલો સાંઢ પૂછતો પૂછતો જીવનમાં પેહલીવાર પૂર્વ વિસ્તારમાં ગયો, મણીનગર ક્રોસ કર્યું..!!
કનકકાકાએ થમ્સ અપ પીવડાવી અને કીધું કાલથી ટીફીન લઈને નવ વાગે હાજર થાવ આજે ઘેર જાવ..!!
ટીફીન લઈને પાર્ટી કારખાને હાજર થઇ .. કાકાનો હુકમ છૂટ્યો .. જશુ (અમારા બહુ જ જુના એકદમ ઘરના માણસ ) આને પ્રવીણ જોડે બીલો આપવા ટેમ્પામાં મોકલી દે..!!
પેહલું કામ આપ્યું ,બધી પાર્ટીઓમાં જઈને બીલ આપી ને આવવાનું .. કુરિયર સીસ્ટમ ચાલુ નોહતી થઇ ૧૯૯૨માં ..!!
પ્રવીણ અમારો ટેમ્પાવાળો , ટેમ્પાની અડધી સીટ ઉપર મને બેસાડ્યો , એક હાથે બીલ નો થપ્પો અને બીજા હાથે ટેમ્પાનો સળીયો પકડ્યો ..પ્રવીણ ટેમ્પાના એવા ખાડા કુદાવે વટવા,ઓઢવ ,નરોડા ,નારોલના કે રોજ મારા ઢીંઢાં ભાંગી જાય..!!
એ દિવસને આજનો દિવસ શટલીયુ હોય કે હવાઈ જહાજનો બીઝનેસ ક્લાસ બધું એક સરખું લાગે છે..રગદોળી નાખ્યો મને, બીલ ,ચલણ ,એકસાઈઝ, સેલ્સ ટેક્સ ,ઓકટ્રોઈ , સી ફોર્મ ,એફ ફોર્મ ,બીલ ઓફ એન્ટ્રી ,બીલ ઓફ લેડિંગ, ટીટી ,એલસી , ટીડીએસ ,એડવાન્સ ટેક્ષ , ઇન્કમ ટેક્ષ જીવનમાં જે જોયું નથી એ બધું જ કનકકાકા માથે નાખતા ગયા અને હું લપેટાતો ગયો..!
બાઈક મુકાઈ ગયું અને કાયનેટીક આવી ગયું, કેમ કે ટીફીન અને ઓફીસબેગ બધુય બાઈક ઉપર લઇ જવું ના ફાવે ..! એક દિવસ ભર વરસાદમાં છીંકાછીંક કરતો હું ઘેર આવ્યો મમ્મીને મારી દયા આવી એટલે મમ્મી એ કાકાને ફોન કર્યો ભાઈ એકાદો બીજો માણસ લઈલોને શૈશવને બહુ તાણ પડે છે ..
કાકા બોલ્યા તમને એણે કીધું ?
મમ્મી કહે ના મને એવું લાગે છે ..
કાકાએ મોઢા મોઢ સંભળાવી દીધું .. દિવસ ના એ મારો છોકરો અને રાત્રે તમારો મારે શું કરવાનું એ તમારે નહિ જોવાનું ..!!
કડક ટ્રેનીગ ..!!
૧૯૯૮ની સાલ આવી સગાઇ થઇ મારી..પત્નીજીના ઉષાકાકીએ પથારીમાં પડ્યા પડ્યા ઓવારણાં લીધા ( કાકીને એ સમયે પેરાલીસીસ થઇ ચુક્યો હતો પગની નીચેનો ભાગ ખોટો પડી ગયો હતો ) અને ઉષાકાકીએ એક સોનાની લગડી પત્નીજીના હાથમાં મૂકી અને બોલ્યા “જુવો માં મારો બાબો બજારમાં ગયો હોય અને કોઈ ઘરાકનો ફોન આવે તો આપણે એક નોટ અને પેન લઈને બેસવાનું અને ચાર સવાલ પૂછવાના .. એક ક્યાંથી બોલો છો ? બે કેટલો માલ જોઈએ છે ? ત્રણ ક્યારે વાપરવાનો છે અને ચાર ખાલી ડ્રમ, કારબા , સીલીન્ડર કેટલા પાછા આપશો ? અને આ બધું જ તારે બાબાને કહી દેવાનું બાબાનો ફોન આવે ત્યારે..!!”
ઉષાકાકી મને બાબો કહીને બોલવતા અને કોઈ મને બાબાશેઠ કહે એમાં એ બહુ પોરસાય..!!
પેહલી જ મુલાકાતમાં કાકીએ ધંધો એમની વહુને શીખવાડી દીધો..!!
એ જમાનો ઓવાયટીમાં નોધાવેલા ફોન પાંચ સાત વર્ષે આવે એવો હતો એક ઘરના ફોન ઉપર કાકા કાકીએ ધંધો ઉભો કર્યો હતો , કાકા બજારમાં ફરે અને ઘરાકો કાકીને ફોન ઉપર ઓર્ડર લખાવે , કાકા ત્રણ કલાકે ઘેર ફોન કરે અને કાકી બધા ઓર્ડર એમને લખવી દે..!
કાકા કારખાને આવે અને જશુભાઈને ઓર્ડર અને ડીસ્પેચ શેડ્યુઅલ આપી દે ..!!
જશુભાઈ અમારા પેહલા એમ્પ્લોઇ, ટેમ્પો ના હોય તો બળદ ગાડું કે ઊંટલારીમાં પણ ઘરાકને માલ પોહચાડે જ , જશુભાઈ પણ લગભગ કારખાનાની એમની ખુરશીમાં જ કામ કરતા કરતા દેહ મુક્યો એમ કહું તો ચાલે ..!
જીવનના ફક્ત છેલ્લા બે દિવસની ગેરહાજરી..!!
ડોકટરોએ હાથ અધ્ધર કર્યા અને હોસ્પિટલથી એમને ઘેર લઇ ગયો હું મારી ગાડીમાં ખાટલામાં સુવાડ્યા , અર્ધ બેભાન અવસ્થામાં જશુભાઈ બોલ્યા બહુ પગ દુઃખે છે અને હું એમના પગ પાસે બેઠેલો હતો એમનાથી અડધી ઉંમરનો ..
મારાથી અનાયાસે જશુભાઈના પગ દબાવવાનું ચાલુ થઇ ગયું લગભગ વીસેક મિનીટ મેં એમના પગ દબાવ્યા હશે ,એ ઘસઘસાટ ઊંઘી ગયા, હું ત્યાંથી ચાર આંસુ પાડીને વિદાય થયો .. કેમ કે અમારી એ છેલ્લી મુલાકાત છે એની મને ખબર હતી ..
મારા ગયા થયા પછી એમણે આંખો ખોલી અને એમના સંતાનોને બોલાવ્યા અને કીધું .. “કામ એવા કરજો કે શેઠ તમારા પગ દબાવે ..!!”
જશુભાઈના છેલ્લા શબ્દો..!!
કનકકાકા ,ઉષાકાકી ખબર નથી તમે ક્યાં છો પણ તમારી પેઢી અકબંધ છે, તમારા અને મમ્મી પપ્પાના આશીર્વાદે વિસ્તરી રહી છે .. હજી પચીસ બીજા ચોક્કસ હું ખેંચી કાઢીશ ..!!
પછી કાકા તમારી જ શીખવાડેલી વાત ..આગે આગે ગોરખ જાગે..!!
આજે પણ મારા એકેય કારખાનાની ચાવી મારી પાસે છે જ નહિ ..!!
જશુભાઈના આશીર્વાદે જે એકવાર કારખાનાઓમાં આવે છે એ પોતાનું થઇને રહી જાય છે..!! મારે ચાવી રાખવાની જરૂર જ નથી પડી..!!
મિત્રો ,વેપારીઓ સર્વેનું આ પચાસ વર્ષમાં આપેલા સહકાર બદલ ઋણ સ્વીકાર..!!
બજરંગબલી તારી કૃપાએ અડધી ગઈ બાકીની આમ જ પૂરી કરાવજે..!!
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)