પડારા …!!
હોળીના હુડદંગ પછી ગઈકાલે પ્રજા થોડી શાંત અને ઠંડી થઇ ગઈ હોય એવું લાગતું હતું , બપોરે જરાક ચા પાણી કરવા નીકળ્યા તો નગરી અમદાવાદને જાણે લોકડાઉન લાગી ગયું હોય એવી શાંત શાંત લાગતી હતી..!
છેલ્લા ત્રણ ચાર વર્ષથી પેલી તિલક હોળી
ને સુકી હોળી
ના જ્ઞાન આપતા મેસેજીસ બંધ થઇ ગયા છે, સોશિઅલ મીડિયાની જીત ગણાય ..!!
કોઇપણ મુદ્દા ઉપર જ્યારે આખો સમાજ એક થઈને ટક્કર આપે ત્યારે શું પરિણામ આવે એનો ઉત્કૃષ્ઠ નમુનો છે આ ઘટના આમ જોવો તો..!!
પાંચ સાત વર્ષ પેહલા રીતસર મારા જેવા પચ્ચીસ પચાસ અને પછી તો વાત ને વા મળ્યો તે છેક આ હોળીએ શાંતિ આવી ..!!
એકપણ મેસેજ પાણી બચાવવાવાળાનો આવ્યો નથી ..!!
હાશ ભઈ સા
બ ..!!
તો પછી હવે ?
આજકાલ જાગો જાગો કરી કરીને રમઝટ બોલી છે પણ જાગીને કરવાનું શું ? પિક્ચર જોઈ જોઈને રડી રડીને અડધી થઇ ગઈ છે પ્રજા અને મનમાં એક જ સવાલ ઘુમરાય છે આવું કેવી રીતે થાય ? આવું થાય જ કેમ ?
હવે શું કેહવું ? આવું નહિ આનાથી બદતર પણ થાય છે આ દુનિયા છે..!!
જેની લાઠી એની ભેંસ ..!!
ચૂંટણીઓ વખતે તમે કોને મત આપો છો એ જોવાની જરાક પણ દરકાર કરો છો ?
પેલા પાણીપુરીની તીખી મીઠી ચટણીમાં રહેલા મૂળ પાણીના ગોત્રની, સોરી ગોત્ર નહિ એના સોર્સની તપાસ કરો છો ? જાજરૂમાંથી ભરેલું પાણી છે કે ચોકડીમાંથી ભર્યું છે એની ખબર રાખો છો ?
બસ બિલકુલ એવી વાત છે ..!!
નર્યા પડારા ઠોકવા છે ..!!
પેહલા પોળના નાકે ઠોકતા હતા પછી ગલ્લે અને હવે સોશિઅલ મીડિયા ઉપર ..!!
રોજના એકાદ બે વોટ્સ એપ મેસેજ ઠોકવાના. થોડાક વધારે પડારા કરવાનું મન થાય તો વધારે ઠોકવાના અને આજ નો પડારો પૂરો…!!
હું પણ કોઈ તમારામાંથી બાકાત નથી, આ દર અઠવાડિયે બે ત્રણ વાર પડારા જ ઠોકું છું બે ચાર બ્લોગ ઘસડી માર્યા એટલે કંઈ મોટા સાહિત્યના સર્જન નથી કરી મુક્યા..!
પણ મુદ્દા ઉપર આવું .. કાશ્મીર ફાઈલ્સ પછીના પડઘામાં અમદાવાદ ફાઈલ્સના મેસેજીસ હવે ફરતા થયા છે..!!
નવી પેઢી ને નગરી અમદાવાદની કે જેમને ફક્ત એટલી જ ખબર છે કે પોળમાં ઉત્તરાણ
( મને ઉતરાયણ લખતા આવડે છે પણ અમદાવાદી બોલીમાં અમે ઉતરાણ જ બોલીએ ) જબરજસ્ત થાય અને ઉતરાયણ માટે ભાડે ધાબુ મળી જાય તો જલસો પડે..!
આમ જુવો તો મારા જનમ પેહલા અમદાવાદ ફાઈલ્સ
તો ખુલી ચુકી છે પણ એને વાંચનાર કોઈ હજી પેદા થયો છે કે નહિ એની મને ખબર નથી..!!
કોઈ ને પિક્ચર બનાવવું હોય તો કેહજો લખી આપીશ ,પણ હા બે પાંચ લાખનો ખેલ નથી કરોડોનો છે ..!
એટલે ખાલી ખોટું લોહીના પીતા કે શૈશવભાઈ આપણે ડોક્યુમેન્ટ્રી બનાવી નાખીએ એમ કરીને .. હવે ફિલ્મ મારે લખવાની હોય તો પેહલો સીન…!!
સાલ ઓગણીસો એંશીની આજુબાજુની…
એક દસ બાર વર્ષની કિશોરી એની વિધવા દાદી સાથે મંદિર જવા નીકળી છે, કિશોરી એકદમ દુનિયાદારીથી અજાણ છે, બંને દાદી દીકરી અમદાવાદની ઉભી બજારે રસ્તો ક્રોસ કરી રહી છે ત્યાં પંદર સોળ વર્ષના પાંચ સાત દાદી દીકરી માટેના વિધર્મી કોમના છોકરાઓ સામે આવે છે …
દાદી એકદમ અટકી જાય છે અને કિશોરીને પોતાની સોડમાં સંકોરી લે છે ..
બજાર ઉભી હોય અને એ પણ અમદવાદની, એટલે એ છોકરાઓ કોઈ બીજી હિંમત નથી કરતા પણ..
અબે એ યે તો અપણે xxxભાઈ કે છોટે કા માલ હૈ ..
ડોશી તાડુંકે છે શું બોલ્યો ? હરામખોર… રસ્તો મુક નહિ તો હમણા ધારિયા ઊછળશે અહિયાં જ કટકા કરીને મૂકી દઈશ ..
એક છોકરો .. અરે બુઢિયા ક્યા ધારિયા ધારિયા કરતી હૈ ? ઇસકી ભેણ કુ ભી અપણા ભાઈ ઉઠાવેગા ઔર ઇસકું ભી..
ડોશી જબરજસ્ત ગુસ્સે થઇ જાય છે અને એની પાસે રહેલી પૂજાની થાળીમાંથી ત્રાંબાનો લોટો ઉપાડીને પેલા છોકરાને માથે મારે છે ,
સનનન…. કરતો લોટો પેલા છોકરાના માથામાં વાગે છે અને ત્યાં જ બાજુમાં સફાઈ કરતી આખો ખેલ જોઈ રહી હોય છે એટલે મંગુકાકી હાથમાંથી ઝાડું મૂકીને એક પથ્થર હાથમાં લઈને બુમ મારે છે … ઘોડીનાઓ રસ્તો મેલો છો ..કે હવે એકે એકનું ભોડું ફોડી નાખું ,એ ઈ રમલા , મહેશ્યા આ બહુ ફાટ્યા સે હેંડો લ્યા હરખા કરો..
પછી અમદાવાદની ઉભી બજાર થંભી જાય ..!!
ધડાધડ દુકાનો ના શટરો પડે .. પોળોમાં બુમ પડે અલ્યા હલકાઈ પર ઉતરી છે વસ્તી કાન્તાકાકીને અને પેલી ઝેણકી ને રસ્તે આડે ઉતર્યા છે હેંડો લ્યા ..!
તડતડા તડ …
આખી ગલી ઈંટાકડા , ઢેખારા અને પથરા થી ઉભરાઈ જાય ચારે બાજુ પોલીસની સાયરનો ગુંજે , ટીયરગેસના શેલ ઉડે ,પોળના બૈરા એને ઉપાડી ઉપાડીને પાણીની ડોલોમાં નાખીને એના સુરસુરિયા કરી નાખે..!
પરિસ્થિતિ કાબુ બાહર જતી દેખાય એટલે વાયરલેસ ઉપર મેસેજ છૂટે વધુ કુમકો મોકલો..
બે ચાર દુકાનો અને લાલ બસોને આગ ચંપાય અને ચારેય બાજુથી ઘંટડી વગાડતા લાહ્યબંબા દોડે ટન ટન ટન …
કુમકો આવી પોહચે અને છેવટે બંધુકનું નાળચું ધુમાડો કાઢે …!!
કોઈકનો લાડકવાયો એમ્બ્યુલન્સમાં વાડીલાલ સારાભઈ પોહ્ચે પણ કફનમાં પાછો આવે..!!
ઠઠાડી બંધાય, બુમ પડે રામ બોલો …..
અને સામે પડઘાય રામ ..!!
આખી પોળ હિબકે ચડે …!!
કાન્તા ડોશી પોકે પોકે રડે અરરર ર હું મૂંગી મરી હોત તો આ આશા ભર્યો રમલો જીવતો હોત ..!!
પોળને નાકે ખાંભી ઉભી થાય ..!!!
બેક ગ્રાઉન્ડ મ્યુઝીક વાગે સિતારમાં …રઘુપતિ રાઘવ રાજા રામ પતિતપાવન..!!
સીન નંબર બે ..!!
કાન્તા ડોશી મંદિર જવા તૈયાર થાય છે ,પેલી કિશોરી કહે છે હું જોડે આવું બા ?
કાન્તા ડોશી દૂર દેખાતી રમલાની ખાંભી તરફ જોઇને કહે છે .. ના દિકરા તારા પપ્પા તને સ્કુટર ઉપર લઇ જશે.. અને મનમાં બબડે છે.. બળ્યું આ રૂપ મુઈ આ બંને નક્કામી મારા જેવી રૂપાળી થઇ ..હું તો ભેટે ધારીયું બાંધી ને જીવતર કાઢી ગઈ , હવે આને પણ ભેટે ધારિયું બાંધતા શીખવાડવું પડશે ..!!
સીન નંબર ત્રણ … કાન્તા ડોશી ધાર કાઢવાવાળા જોડે એના ઘરના છરી ચપપ્પા જોડે ઘરમાં પડેલા બે જુના કટાઈ ગયેલા ધારિયાને ધાર કઢાવતી હતી …!!!
સીન નંબર ચાર …!
સાલ ચાલી રહી છે બે હજાર ને બાવીસ ,એકવીસમી માર્ચ, મારે મારા કામે વળગવાનો ટાઈમ , અમારા ડ્રાઈવર સાહેબ હાજર થઇ ગયા છે , મનમાં બોલી રહ્યા છે ..સેઠજી ગાડીએ સીધાવો ..!! તો હું પૈ સંચરું ..!
આજ નો પડારો પૂરો
ખાલી “વાત” નહિ, હવે “વિચાર”ની જરૂર છે ,સહુએ સાથે રેહવાનું છે એ નક્કી છે, પણ માન અને સન્મ્માન એક બીજાને આપી અને એક બીજાના સાચવીને..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)