આજે દિકરીનું રીઝલ્ટ આવ્યું, ૬૫ ટકા માર્ક્સ સાથે એમબીબીએસની પરીક્ષા પાસ કરી લીધી અને એ પોતાના નામની આગળ ડોક્ટરનું છોગું લગાડવાને હક્કદાર બની ગઈ..!!
ઘણા વર્ષો પેહલા કેબીસીમાં શ્રી અમિતાભ બચ્ચનના જન્મદિવસે એમની માતા શ્રીમતી તેજી બચ્ચનના અવાજમાં એક કલીપ વગાડવામાં આવી હતી, કદાચ પેહલા પણ હું એનો ઉલ્લેખ કરી ચુક્યો છું પણ આજે ફરીવાર..!!
એ કલીપમાં શ્રીમતી તેજી બચ્ચન કહે છે.. “મૈ યે કહુંગી કી મૈ બહોત હી સૌભાગ્યશાલી હું , પતિ કી વજહ સે મુઝે શોહરત, નામ, ઔર ઇઝ્ઝત મીલી ,અબ મૈ જહાં ભી જાતી હું મુઝે મેરે બેટે કી વજહ સે લોગ બહોત હી સ્નેહ ઔર પ્યાર દેતે હૈ ,ઔર એક માં કો ઇસ સે અધિક સુખ…, માં યા બાપ કો વો અપને જીવન મેં અપને સંતાન કો બઢતે દેખતે હુએ દેખે…, જીવનમેં ઇસસે અધિક સુખ નહિ હૈ, કે ભગવાન એસા દિન તુમ્હારે લિયે ભી લાયે, તુમ અપને સંતાન સે ભી એસા સુખ પાઓ..”
આજે શ્રીમતી તેજી બચ્ચનનો અવાજ મારા કાનોમાં પડઘાય છે..!!
હું પણ જીવનમાં ખરેખર સૌભાગ્યશાળી રહ્યો છું, ડોક્ટર માતાપિતાને ત્યાં જન્મ થયો, જન્મતાની સાથે આજથી બાવન વર્ષ પેહલા ડોક્ટર દંપતીનું સંતાન હોવાનું માન સન્માન જન્મની સાથે જ અજાણતા જ મળી ગયું,
પપ્પા મમ્મીની જનરલ પ્રેક્ટીસ હોવાને કારણે પબ્લિકના સીધા સમ્પર્કમાં આવવાનું થતું, પપ્પા મમ્મી બંનેની ભયંકર બીઝી લાઈફ, જીવન એકદમ ઘડિયાળને કાંટે જાય, એટલે ઘણીવાર એવું થાય કે પપ્પાને મળવું હોય મમ્મી જોડે વાત કરવી હોય તો દવાખાને બેસવું પડે અને મને ત્યાં બેસવું ગમતું,
બાળપણથી બાબો, બાબાભાઈ, બેટા, દિકરા એવા વ્હાલભર્યા સંબોધનો મળ્યા ,
જાણ્યા અજાણ્યા લોકો, પારકા પોતાના થઇને પ્રેમ આપી જતા ,લગભગ એક રાજાશાહી ઠાઠ કહીએ એવું બાળપણ મળ્યું..!!
આખા એરિયામાં બેચાર પાંચ ગાડીઓ, એમાં એક અમારી ,સ્કુલમાં પ્રિન્સીપાલ હોય કે ટીચર ,દરેક વ્યક્તિ મને નામથી અને દાકતરના છોકરાની કૈક વધારે પડતી ટ્રીટમેન્ટ આપે, આડોશી પાડોશી બધાનો અનહદ પ્રેમ મળ્યો ..!!
પછીના વર્ષોમાં થોડોક સેટબેક આવ્યો, આજુબાજુ અને સમાજના લોકોની નજરોમાં ડોક્ટરનો છોકરો ડોક્ટર ના થયો એટલે હું નીક્ક્મો
થઇ ગયો ,
જે પોષતું તે મારતું..!!
બેહન ડોક્ટર થઇ એટલે એવું પણ ચાલુ થયું કે એકેય છોકરા ડોક્ટર ના થયા..!!
મારી નિષ્ફળતામાં મારી બેહનની સફળતા ઢંકાઈ ગઈ..!!
પણ ભાગ્ય એનું કામ કરતુ રહ્યું બેહનના લગ્ન થયા અમેરિકા અને ત્યાં એનો સુરજ સોળે કળાએ તપ્યો..!!
સમય વીત્યો..ઘરમાં છ નાના બાળકો આવ્યા ..!
પપ્પા મમ્મીની હ્રદયપૂર્વકની ઈચ્છા કે એમના પૌત્રો પૌત્રીઓમાંથી કોઈક તો ડોક્ટર થાય અને ભગવાને એમનું સાંભળી લીધું, સાડા ચાર વર્ષ પેહલા મારી મોટી દીકરી એમના પગલે ચાલી અને મેડીકલ કોલેજના પગથીયા ચડી ગઈ..!!
આજે એ દિવસ યાદ આવે છે જ્યારે મમ્મી પપ્પા રોજ મારી દીકરીને એની કોલેજ એમની ગાડીમાં ઉતારવા જતા અને પછી પચાસ-સો રૂપિયા વાપરવા આપતા ..!!
મમ્મી પપ્પા માટે ઈશ્વરે આપેલું એ પરમસુખ હતું..!!
એમની બીજી પેઢી તો આગળ વધી ગઈ, પણ ત્રીજી પેઢી પણ આગળ વધી..!!
સંતાન અને એમના સંતાનોને પણ આગળ વધતા મારા મમ્મી આજે જોઈ રહ્યા છે..!!
હું પેહલા ડો.વોરા સાહેબ અને ડો. મુક્તા મેડમનો બાબો એમ ઓળખાયો, પછી ડો. શેફાલીબેનના ભાઈ અને હવે ડો.રીવાબેનના ડેડી ..!!
ઈશ્વર બહુ ઓછા લોકોના નસીબમાં આ સુખ નાખતો હોય છે..!!
મમ્મી હંમેશા એક જ વાત કહે છે, મારા ઘરમાં લક્ષ્મી નહિ હોય તો ચાલશે પણ સરસ્વતી ના જવી જોઈએ..!!
જો કે મારે એ વાતમાં મમ્મી સાથે ઝઘડો પણ થઇ જાય છે, મારું કેહવું એવું હોય છે કે મારા ઘરમાં એકલી લક્ષ્મી નહિ ,સરસ્વતી પણ જોઇશે ..!
ત્યારે મમ્મી એમ કહે કે…બંને એક સાથે બહુ ઓછા ઘરમાં રહે છે
અને મારી દલીલ હોય છે ..ખોટી વાત મમ્મી ,એ બધું સતયુગમાં થતું હશે અત્યારે તો કળિયુગમાં બંને ભેગી બેહનો બેહનોની જેમ હળીમળીને રહે છે..! એના માટે ઘર થોડુક મોટું લેવાનું..!! સરસ્વતી થકી જ લક્ષ્મી અનરાધાર કૃપા વરસાવે છે, દાખલા તરીકે આઈટી સેક્ટર ..!! જ્ઞાનનો ઉપયોગ કરીને જ રૂપિયા રળવાની મજા છે બાકી તો રૂપિયાથી રૂપિયા ખેંચવામાં તો પેઢીઓ ની પેઢીઓ જતી રહે..!!
મજા તો ખરી સંતાનોને આગળ વધતા જોવાની ..
પણ અત્યારે મને મારી દિકરી જન્મી એ ઘડી યાદ આવી રહી છે..!!
ડોક્ટર વોરાનું ફર્સ્ટ ગ્રાન્ડ ચાઈલ્ડ છે , રાત્રે દસની આજુબાજુ સીએસ (સિઝેરિયન) કરવાનું છે .. આવા સંદેશા છૂટ્યા અને અમદાવાદના બહુ જાણીતા ગાયનેક ફેમીલી જેમાં તમામ સભ્યો ડોક્ટર એ બધા જ હાજર થઇ ગયા .. લગભગ એક કલાકમાં દસ બાર ડોકટરો હાજર, સીનીયર મોસ્ટથી લઈને જુનિયર..!
મારા સાસુમા ગભરાયા કઈ તકલીફ છે ? આટલા બધા ડોકટરો કેમ ? મમ્મીએ એ ટાઢસ બંધાવી , કશી તકલીફ નથી હું ઓટીમાં જ જાઉં છું ચિંતા ના કરો આ બધા ખાલી એમ જ મળવા આવ્યા છે..!!
ઓટી બંધ થયું .. અને લગભગ પોણા અગિયારના સુમારે ઉંવા ..ઉંવા કરીને સોનાની ઘંટડી રણકી મારા કાને ..!! હરખની હેલી ચડી પરિવારમાં અને હાજર રહેલા બધા ડોકટરોમાં..!!
પણ સૌથી સીનીયર મોસ્ટ જેમના હાથે મારો જન્મ થયેલો એવા અમારા ફેમીલી ફ્રેન્ડ ગાયનેકોલોજિસ્ટ માસીએ , જેઓ આજે પંચાણું વર્ષના છે ,એમના જમાનામાં લંડનમાં એફઆરસીએસ થયેલા અને ઇન્ડિયા પાછા આવીને અહિયાં પ્રેકિટસ કરતા ,એમણે મને પકડ્યો ..કોન્ગ્રેચ્યુલેશન ..!!
હું એમને પગે લાગ્યો ..
તરત જ એમના શબ્દો હતા .. શૈશવ હું જીવતી હોઉં કે નહિ પણ પગભર કર્યા વિના આ દિકરીને પરણાવતો નહિ..!!!
બાપ બન્યાને એક ઘડી હજી નોહતી વીતી અને એમણે મારા માથે ટાર્ગેટ નાખી દીધો..!!!
લક્ષ્મીજી પ્રત્યેની મારી આસક્તિ ખરી જ કબુલ પણ જયારે સવાલ આવે કે દિકરી કે દિકરો, એને ધન આપવું કે વિદ્યા ?
મારો જવાબ છે વિદ્યા..!!!
એક પડાવ હજી પૂરો થયો છે ,આગળ હજી ઘણું બાકી છે ,
તમારા સૌ મિત્રો ,પરિવારના આશીર્વાદ જ છે કે સુખ હોય કે દુઃખ બસ ચાલતા રહીએ છીએ..!!
મારું માનવું છે કે જીવનમાં બે વ્યક્તિને ક્યારેય છોડવા નહિ ..!!
એક.. જે તમારા માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે..!!
બે… જે તમારા માટે વિચારે છે..!!!
આપ સૌનો ખુબ ખુબ આભાર ,આશીર્વાદ અને પ્રેમની હેલી વરસાવવા બદલ..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)