તમે ક્યારેય “પાકીટીયા” શબ્દ સાંભળ્યો છે..?
એક સમયે જુના અમદાવાદમાં આ શબ્દ બહુ પ્રચલિત હતો, એકદમ નાનો વેપારી હોય , પોતાના સ્કુટરની ડેકીમાં બીલબુક હોય અને બગલમાં પાકીટ દબાવીને તમારે ત્યાં માલ વેચવા આવે ,
માલમાં પણ કોઈક નાની વસ્તુ જ હોય, જેમકે પ્લાસ્ટિકના ઝભલા કે એવું બીજું કશું પણ મોટેભાગે ક્ન્યઝ્યુંમેબલ આઈટમ જ હોય ..!
“પાકીટીયા”ની ખાસિયત રેહતી, શેઠને ગમતી વાત જ હંમેશા કરતો ને શેઠની દુઃખતી ગુમાસ્તા પાસેથી જાણી લ્યે અને એને પંપાળે ,
બીજું “પાકીટીયા” ક્યારેય અડધી ચા સિવાય કશું જ ગ્રહણ કરે નહિ અને પોતાનો ઓર્ડર કે પેમેન્ટ જે લેવા આવ્યો હોય તે લઈને ફટાક દેતો ઉભા થઇ જાય ..!
`પાકીટીયો` મોટેભાગે ઓર્ડર મળે એટલે તરત જ, એ જ શેઠના ફોનથી બીજે ઓર્ડર લખાવી દે અને ડીલીવરી ક્યારે થશે એ પણ ઉભા ઉભા શેઠને કહી દે ..!! નાના નાના ટાંપા પણ શેઠના કરી આપે..
આવી બીજી ઘણી બધી નાની નાની ખાસિયતો “પાકીટીયા”ની ..!
હવે વારો `પણ` નો..
પણ..પણ ..સમય અને સંજોગ કોઈના થયા નથી અને થવાના નથી..બજાર એ બજાર છે એ પણ કોઈનું થયું નથી અને થવાનું નથી …!!
નગરી અમદાવાદમાં શેઠીયાઓની બીજી અને ત્રીજી પેઢી આવી,
ત્રીજે ત્રિકમલાલ જાગ્યા…! શેઠિયાને વેઠિયા થવાનો વારો આવ્યો ,અને “પાકીટીયા” બે નહિ ઘણા તો ત્રણ-ચાર-પાંચ પાંદડે થયા અને બે ચાર તો વટવૃક્ષ થયા..!!
મને આ “પાકીટીયા” શબ્દ કેમ યાદ આવ્યો ?
તો વાર્તા માંડું..!
એક બહુ મોટા કારખાનેદાર.. આપણી એમને ત્યાં બેઠક, એસોસિએશનમાં પણ આગળ પડતા અને એમને ત્યાં ઘણા બધા લોકો આવે, એમાં ખાસ “પાકીટીયા” આવે માલ વેચવા નહિ પણ દાદ ફરિયાદ કરવા..!
ઘણા બધા મોટા દુકાનદારો કે કારખાનેદારો “પાકીટીયા”ના રૂપિયા દબાવી દેતા, ખરા અર્થમાં “પાકીટીયા” નાના માણસો રેહતા ત્યારે એ કારખાનેદાર કાકા વચ્ચે રહીને “પાકીટીયા”ના રૂપિયા કઢાવી પણ આપતા ..
હવે થયું એક દિવસ એવું કે બધા મહાજનો બેઠા હતા અને એમાં એવી વાત નીકળી કે જેમ સોસાયટીઓમાં બપોરે ફેરીયા આવવા નથી દેતા એમ “પાકીટીયા”ને પણ આવતા બંધ કરો..!
ત્યારે પેલા વડીલકાકાએ કીધું… “જે દા`ડે તા`રે ત્યાં “પાકીટીયા” આવતા બંધ થશેને એના પછીના દા`ડે તારું ઉઠમણું નક્કી જાણજે ..!!”
અહંકારમાં રાચતા પેલા મહાજનને સમજણમાં ના આવી વાત પણ ધીરે ધીરે “પાકીટીયા” બંધ થઇ ગયા એમને ત્યાં જતા અને એક દિવસ ખરેખર એમની નાદારી જાહેર થઇ..
“કોઇપણ પાર્ટીનો વેહવાર બગડે એટલે સૌથી પેહલી ખબર “પાકીટીયા” જમાતને પડે..!!”
હમણાં વર્ષો પછી નાદારીવાળાને મળવાનું થયું..
ગૌશાળા ચલાવે છે અત્યારે..!
અલ્યા શૈશવ આય ..આય .. જો હવે ધરમના કામ કરીએ છીએ ત્યારે તો ,કરમ તો જે બાંધ્યા એ છોડવા તો ખરાને ..!!
આપણે કીધું..હા કાકા સીધી હવે તો સ્વર્ગની સીડી જ મોકલશે તમારે માટે તો..!!
કચ્ચીને મેં પણ મેહણું મારી જ દીધું ,મને સખ્ખત ખાર એ અહંકારી માટે..
શું કહું લ્યા સ્વર્ગ જ હતું, પણ ક્યાં ભૂલ થઇ એ ખબરના પડી, પણ પેલા “પાકીટીયા” આપણા કરતા આગળ નીકળી ગયા, પેહલા બધા આશ્રમરોડ પછી સીજી રોડ અને હવે તો પેલા એસજી હાઈવે ઉપર આ “પાકીટીયા” ઓફિસો લઇ લઇને બેસી ગયા..!!
વારો હતો મારો એના રંડીરોણાના જવાબ આપવાનો .. તે બેસે જ ને , મેહનત કેવી કરતા એ લોકો , તમે તો તમારે કારખાને બેઠા બેઠા પડારા જ ઠોકતા હતા ને તમારા વસ્તારે પણ જીવનભર તમને પડારા કરતા જોયા તે એ લોકોએ મેહનત નામે ના કરી અને “પાકીટીયા”ના બૈરા બાંધી મુઠ્ઠીમાં ઘર ચલાવતા તમારે રજવાડા ધખતા, ખર્ચા કરવામાં તો ક્યાં પાછા વળીને જોયા છે તે પછી તો ક્યાંક તો છેડો આવે ને ..!!
મારી સામું જોઇને કહે .. ચા પીવી છે ને તારે પીવડાવું..!
મારો ઉકળાટ પૂરો નોહતો થયો ..
મેં કીધું ..ના રેહવા દો અહી ગૌશાળાના ચા ના પીવાય મારે પાછા હજાર રૂપિયા લખવીને જવું પડશે નહિ તો તમારી જેમ મારી ઉપર ઉપરવાળો નારાજ થાયને મારે પણ તમારા જેવા દિવસો આવે…!! ચલો નીકળું જેશ્રી ક્રષ્ણ..જય જીનેન્દ્ર..!!
ગમ્મે તેટલો માણસ ઘરડો થાય પણ મન અને વૃત્તિ ક્યારેય ઘરડી થતી નથી..!
“પાકીટીયા” હજી એ ડોકરાની આંખમાં ખટકતા..!!!
પ્રગતિ ઉપર કોઈનો એકાધિકાર નથી..!!
આજકાલ ફેસબુક ઉપર ઘણા મોટાગજાના લેખકો “ફેસ્બુકીયા લેખકો” જેવો શબ્દ વાપરે છે..!!
મને બહુ સીમીલારીટી લાગે છે .. “પાકીટીયા” અને “ફેસ્બુકીયા લેખકો” શબ્દો વચ્ચે..!
પ્યોર રંડીરોણુ છે બીજું કશું જ નહિ..!!
સમય છે ..
ધણી જીવતે સાચવ્યો નહિ અને પાછળથી હાય હાય મેં તો આમ કર્યું અને તેમ કર્યું..!! પેલી આમ બોલી ગઈ અને પેલાએ આમ કીધું..!!
કોઈ મતલબ નહિ..!!
“પાકીટીયા”ની મેહનત અને તકદીર મોટા મોટા ઈમ્પોર્ટ હાઉસ થઇ ગયા એમના ..!
ગૌશાળાના રૂપિયા ચાવવાના વારા આવી ગયા જેમની પબ્લિક લીમીટેડ કંપનીઓ હતી..!
સમદર્શીને તૃષ્ણા ત્યાગી ..
જીવનભર પોતાની ફૂટપટ્ટી લઈને બેઠા રહે અને બીજાને માપવા સિવાય કોઈ જ ધંધો નહિ એને ખરેખર તકલીફ થાય જ..!!
ચાલો શ્રાવણ બેઠો કરી લ્યો ધરમ ધ્યાન પણ ફૂટપટ્ટી લીધા વિના.. પેલા એ આઠ અપવાસ કર્યા એટલે મારે કરવા અને શ્રાવણમાં નોન વેજ બંધ પછી ચાલુ તો એક મહિનો મરઘા બતકાંને વધારે જીવાડીને તમને કોઈ જ પુણ્ય નથી મળવાનું..!!
પીડ પરાઈ જાણે રે ..
બાકી બધ્ધું નક્કામું..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*