વન વર્લ્ડ ઓબેઝવેટ્રી,
નવા નક્કોર બનેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ધાબેથી, લિબર્ટી માતાની શાખે, હડસનના કિનારે, ન્યુયોર્ક – જર્સી ના બારેથી શૈશવના સહુને રામ રામ , સકળ ડાયરાને ઘણી ખમ્મા..!!
ભારત છોડ્યાને હજી થોડાક દિવસો માંડ થયા છે પણ એમ લાગે કે ક્યારનોય ઘરની બાહર છું .. ઘર આખું જોડે છે , એક ઘેરથી બીજા ઘેર અને ત્યાંથી ત્રીજા ,ચોથા અને પાંચમાં ઘેર , એમ દિલ્લી થઈને શૈશવની સવારી ટોરોન્ટોથી ન્યૂયોર્ક ,સાનફ્રાન્સિકો, ત્યાંથી લોસ એન્જલિસ થઈ ને ધરતીના છેડે નગરી અમદાવાદે પાછી ફરશે..
અતિઆનંદના દિવસો જઈ રહ્યા છે, ભાણિયા ભત્રીજા દિકરીઓ મોટા થઈ ગયા છે ,
આખા દિવસના પ્રોગ્રામ નક્કી એ લોકો કરે અને આપણે ડફોળ બનીને ખેલ જોયા કરવાનો, માણવાનો….!
મજા આવે ..
જીવનમાં સંતાન જ્યારે એમ કહે કે ડેડી તમને ખબરના પડે રહેવા દો ..
આ સમયે એની ઉપર ગુસ્સો કરી અને આપણો ઇગો મોટો કરવા કરતા તને ખબર પડે છે તો તું કર, એમ કરીને માથે નાખવાની જે મજા છે..
અહાહા.. હા..
એ મજા હું આ ટ્રિપમાં લઈ રહ્યો છું , અમારી આગલી પેઢીના છ એ છ સંતાનો મને કંઈક કંઈક નવું નવું શિખવાડી રહ્યા છે, બે કેનેડિયન છે, બે અમેરિકન છે , અને બે ઇન્ડિયન ..!!
મારા બેટા બધાય સટર પટર ધાણીફૂટ અંગ્રેજી સામસામે બોલે અને આપણે હેં હેં… કરતા રહી જઈએ .. આનંદ એ ખરો કે બધાને લેન્ગવેજ અને લિટરેચર નો ફર્ક ખબર છે..!!
માં સરસ્વતી ત્રીજી પેઢીએ વસી..
મોરલ પક્કડમાં આવે પણ વર્ડ ટુ વર્ડ પકડવા અઘરા પડે..
અમે ત્રણેય ભાઈબેન ,એમના સ્પાઉસ અને અમારા સંતાનો, બધા જ જુદા જુદા દેશની નાગરિકતા ધરાવીએ છીએ , ટ્રુલી ગ્લોબલ ફેમિલી..!
જીવનને રસથી ભરપૂર ભાળી રહ્યો છું આજે..!!
સૌથી નાની મારી ભત્રીજી , કેનેડિયન ટેણકી ઓગણીસની થઈ ગઈ , મારી આંગળી પકડીને મને નાયગ્રા ફેરવે , રમરમાટ ગાડીઓ ફેરવે..
ત્યાં મેં પાંચ ડોલરની ટીમ હોર્ટનની કોફી લીધી , એ લોકો મ અને હ સાઇલેન્ટ રાખે બોલતી વખતે , મારી પાસે સો ડોલરની નોટ ,સો ની નોટ કાઢી આપણે અને સામે છૂટ્ટા આપનારા મળી ગયા..અચરજ…!!
મજા એટલે આવી કે છૂટ્ટા આપનારા કેનેડિયન માનુનીને છુટ્ટી નોટો પાછી આપવામાં, નોટો ગણવામાં ઘણી તકલીફ પડે, નોટો ગણતા ગણતા એને પરસેવો છૂટ્યો ..,
શાંતિથી અમે કાકો ભત્રીજી ઊભા ઊભા ખેલ જોઈએ , ત્રણ ચાર વખત પેલા માનુનીએ નોટો ગણ્યા પછી છૂટ્ટા , નોટોનો થોકડો મને પકડાવ્યો ..
એની નોટો ગણવાની મેહનત જોઈને મને જરાક શરમ જેવું લાગ્યું એની સામે ફરી નોટો ગણતા , હું સેહજ અચકાયો ,ત્યાં મારી કેનેડિયન દીકરી શુધ્ધ ગુજરાતીમાં બોલી .. કાકા અહીંયા કાર્ડ જ ચાલે , આ લોકોને નોટો ગણતા ના ફાવે,એટલે આપણે તો નોટો ગણીને જ પાછી લેવાની એમાં શરમ નહીં રાખવાની ..
દિલ બાગ બાગ થઈ ગયું.. મોજ મોજ…
વાણિયાનું લોહી કેનેડામાં ઉછર્યું પણ જીનેટિક્સ બોલ્યા.. રૂપિયા ગણીને જ લેવા અને આપવા, એમાં શરમ નહીં …
મને યાદ આવી ગયો મારો બેન્કિંગ નો પહેલો દિવસ , આઠેક વર્ષના શૈશવને પપ્પાએ એમના દવાખાને સામે આવેલી બેન્કમાં રોકડા ભરવા મોકલ્યો અને એમાં બે નોટ ઓછી નીકળી , મેનેજર સાહેબ સુધી વાત ગઈ , દાક્તરનો બાબો આવ્યો છે ચાર બંડલ લઈને,એમાં બે નોટ ખૂટે ..
લેન્ડ લાઇન ઉપર ફોન થયો , મેનેજરે પાપાને કીધું અને સેહજ મૂછ માં હસ્યા..
પછી મને કહે જાવ બધા રૂપિયા પાછા લઈ જાવ .. તમે ક્યાંક રસ્તામાં રૂપિયા પાડીને આવ્યા ..
ઘરે જરાક ડરતો ડરતો ગયો.. પપ્પાએ કીધું ક્યાં પાડી આવ્યો ?
આખી સોસાયટી ગાંડી કરી , બે નોટો શોધવા …
પણ પડી હોય તો મળે ને ?
પેલું કાના જડી હોય તો આલ.. જતા આવતા બધાને પૂછું..
નાગર નંદજીના લાલ મારી રાસ રમંતાં મારી નથણી ખોવાણી..
મારો રાસ રમાઈ રહ્યો હતો , છેવટે રડમસ.. સોરી પપ્પા ખોવાઈ ગઈ, નથી મળતી..
આપી જ નથી ..નથણી ખોવાઈ જ નથી..!
કેમ ?
તો જવાબ આપ્યો પપ્પાએ.. તારો બાપ પણ રૂપિયા આપેને આ જગતમાં તો પણ રૂપિયા ગણીને જ લેવાના અને આપવાના ..
નાનપણનો પદાર્થ પાઠ યાદ આવી ગયો…!!
કાકા , નોટો તો ગણી જ લેવાના એમાં શરમ શેની ..??
આગળનું લોજિક કનકકાકાએ આપ્યું , પેહલે લીખ ફિર દે..
અમારા મેહતાજી રોકડા હાથમાં આપે તે પેહલા ખાતામાં એન્ટ્રી પાડી દે , ચોપડે ચિતરાઈ જાય કે નાના શેઠનો દસ હજારનો ઉપાડ , વાઉચર ઉપર સહી લ્યે પછી તમને કડકડતી હાથમાં આપે..
દુનિયાભરની કરન્સી વાપરી આજ સુધીમાં , પણ મૂઆ આ ડોલર અને પાઉન્ડ વાપરતા છાતીએ વાગે આપણને..
મોંઘવારી ફાટી નીકળી છે નોર્થ અમેરિકામાં એમ સંભળાય છે,
નાના વેન્ડર અહીંયા રોકડા ના રવાડે ચડેલા દેખાય છે અને મોટામાં આપણા અક્કરમી ના પડિયા કાણા, આપણા પ્રિપેઇડ ડેબિટ કાર્ડ ક્યાંય ક્યાંક નથી ચાલતા એટલે upi ની ગજ્જબ ખોટ સાલે આપણા જેવા દેશી માટીડા ને ..
બળ્યા જ્યાં ને ત્યાં આપણા ક્રેડિટ કાર્ડ નાખવા પડે ,પ્લાસ્ટિકના રવાડે છે હજી આ બાજુનું જગત..!!
બાકી ચારેય બાજુ દેશી ચોકઠા રખડતા દેખાય છે ,
કેમ ના દેખાય ? દેખાય જ ને.. છસ્સો કરોડની વસ્તી દુનિયામાં અને એમાં ભારતવર્ષનું પ્રદાન દોઢસો ખોખાનું , તો એ હિસાબે દુનિયાનો દર ચોથો જણ એ દેશી છે તો પછી જગતના ખૂણે ખૂણે દેશી ના ભટકાય તો નવાઈ…
હવે વાત કરું મારા શરીરની તો અહીંયા ઘણા વખતે મળતા હોય એવા લોકોને જરાક આશ્ચર્ય થાય કે પેટ કેમ બહાર આવી ગયું છે ?
તો વાહલીડાવ દરેક સમયે શરીર તમારું કીધું કરે એવી જીદના કરાય નહીં તો શરીર સાવ કીધું કરવાનું છોડી દે..ગુજરી જવાય..!
કોવિડના બીજા રાઉન્ડમાં એકત્રીસ માર્ચે સો કિલોની બેન્ચ પ્રેસ માર્યા પછી પેહલી એપ્રિલે પટકાયો , અને દસમી એપ્રિલે અહંકાર ચૂર ચૂર થઈ ચૂક્યો હતો , એકસો ચાર ડિગ્રી તાવમાં સામે પડેલો પાણીનો ગ્લાસ શૈશવનું શરીર ઊંચકી શકે એવી પરિસ્થિતિમાં ન રહ્યો…
ત્રણ મહિને રિકવર થયો , કદાચ રેમડેસિવીરે ડાયાબિટીસની ભેટ આપી , લડત બદલાઈ , શરીર અને ઉંમરની સામેની લડાઈ હવે રોગની સામે આવી ,
સ્વીકાર્યું , જીવનમાં ભાત અને બટાકાના શાક વિના થાળી નોહતી પીરસાઈ શૈશવની, પણ ગાયબ થયા , વેરણ થયા..
બોર્નવિટા આખ્ખો ગ્લાસ , લોકો જે ગ્લાસમાં દારૂ બિયર પીવે એ ગ્લાસમાં શૈશવ અમૂલ ગોલ્ડ પૂરા પાંચસો મિલિલિટર દૂધ પીવે, દિવસમાં લગભગ ત્રણ વાર..
આજે એની જગ્યા બ્લેક કોફી એ લઈ લીધી છે..
સમય અને શરીર જે માંગે તે આપવું , ખાવા માટે જીવતો શૈશવ જીવવા માટે ખાતો થઈ ગયો…!!!!
શરીર પાસે જો કીધું કરાવવું હોય જીવનભર તો શરીરને સાંભળવું પડે તો જ શરીર આપણું કીધું કરે.. પપ્પા આવું એમના દરેક પેશન્ટને કહે..
મોટેભાગે લોકો શરીરને સંભાળે ખરા પણ સાંભળે બિલકુલ નહીં..
ના ચાલે….!
દવા અને ખાવા સાથે દુશ્મની ના થાય .. ચૂપચાપ લઈ લેવાની..!!
ભીષ્મ પિતામહ છેલ્લા મનુષ્ય હતા આ ધરતી ઉપર કે જે પોણા બસ્સો વર્ષ જીવ્યા..! અને મરતા સુધી પોતાનું કામ કર્યા કર્યું ..!
આપણે એટલું નથી જીવવું ,પણ જીવીએ ત્યાં સુધી કામ કરવું છે ..!
બાકી તો મૈને પ્યાર કિયા માં સલમાનખાન જેવા લગતા એવા હવે નથી લાગતા તો શૈશવ વળી કઈ વાડીનો મૂળો ?
હેંડ હેંડ. .. હવા આવવા દે..
હા , હજી બત્રીસ કિલોની દસ બેગો એક હાથે બેલ્ટ ઉપરથી ચોક્કસ ઊતારી લઉં , પણ એમાં પણ લોજીક વાપરવાનું ,
બેગ ને બે હેન્ડલ આપ્યા છે તો એક હાથે એક જ હેન્ડલથી કેમ ઉપાડવાની ?
બે હાથે , બે હેન્ડલથી બેગો ઉપાડો, ગાડીઓની ડેકીમાં મૂકી અને ત્યાંથી ચેક ઇનમાં નાખી અને બેલ્ટ પરથી પાછી ઉતારો .. કમ્મરમાં ચસકો નહીં આવે ક્યારેય..!!!!
ઘણા બધાને હું જોઉં છું બેલ્ટ ઉપરથી સમાન ઉતારવામાં પહેલવાની બતાવતા હોય છે…
અલ્યા જપ ને.. ટચકિયું બોલી ગયું તો જિંદગી આખો વંકાયેલો રહીશ…!!!
બાકી તો સત્તર ઇંચનો બાય્સેપ અને સત્તર ઇંચના કાફ .. બહુ વર્ષો મેન્ટેન કર્યો..!!!!!
અહીંયા હજી ગરમીના દિવસો છે એટલે ઘણા બોડી બિલ્ડરો ભાયું ને બાયું ફક્ત નામના જ વસ્ત્ર પરિધાન કરીને રોડ ઉપર દોડવા નીકળે કે પછી કન્વર્ટિબલ લઈને નીકળે..
મારા જેવો ફાટી આંખે જોઈ રે..
આપણને થાય કે હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગડા …
પણ છોકરાવ પકડીને ગોગલ્સ પેહરાવે.. તમે આમ કોઈની સામે ધારી ધારી ને જોઈ ન શકો..
તમે નહી સુધરો..ગોગલ્સ પેહરી રાખો..
શું થાય હેં..? પંચાવન વર્ષની પડી પટોળે ભાત એમ ફીટે..??
પંચાવન પૂરા અને છપ્પન ચાલુ, જીવનનો લાંબામાં લાંબો જન્મદિવસ , ભારતમાં રાતના બારથી ચાલુ થયો એ નોર્થ અમેરિકાના રાતના બાર વાગ્યે પતશે…!!
ચોવીસ વત્તા સાડા નવ કલાક , ટોટલ સાડા તેત્રીસ કલાકનો જન્મદિવસ ચાલશે..
જય હો..
આશીર્વાદ આપતા રહો, પ્રેમ વરસાવતા રહ્યો,
અમે અને તમે , આપણા લાગણીઓ વેપલા,
શબ્દે શબ્દે જીવીએ, અને અક્ષરે અક્ષરે ખીલી ઉઠીએ..!
એક સાચો સૂર કાને સ્પર્શેને અનંત કોટિ બ્રહ્માંડની લયમાં જગત આખુંય વિલીન !!
આભાર
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*