પાપબોધ..
આજે સવારથી મન ખિન્ન છે, પાપબોધ મનમાંથી જતો નથી..
ઘટના એવી ઘટી કે સવાર સવારમાં ઊંઘમાંથી ઉઠી ઝાંપો ખોલ્યો અને છાપા ભેગા કર્યા ત્યાં એક કઠિયારો આવ્યો ,
સાહેબ ઝાડ છાંટવાના છે ?
મેં કીધું .. ના ..
સાહેબ ચા નથી પીધી ,લાવોને એકાદું ઝાડ છાંટી આપું ..
મેં જરાક સોસાયટીના બધા ઝાડ ઉપર નજર કરી એક ચંપો અને જામ્બુડીયો જરાક વધેલા દેખાયા અને સોસાયટી રોડના સાઈડમાં પેવીંગમાં નાના નાના ઝાંખરા ઉગેલા દેખાયા , ચંપા અને જાંબુડીયાની નીચે ગાડીઓ પાર્ક હતી એટલે મને થયું કે સવાર સવારમાં ક્યાં કોઈની પાસે એમની ગાડીઓ ખસેડાવું ,એના કરતા આરસીસી રોડની સાઈડના પેવીંગ બ્લોકસમાં ઝાંખરા ઉગ્યા છે એ સાફ કરાવી દઉં અને પછી આને ચા પાણીના આપી દઈશ..
શ્રમ કરાવ્યા વિનાનું દાન નક્કામું છે .. આવું પેહલેથી માનવું મારું એટલે મેં કીધું આ ઝાંખરા કાઢી નાખ ચલ ,તને ચા પાણીના આપી દઈશ..
પેલો માણસ કામે લાગ્યો ..
થોડાક નાના નાના જંગલી પ્રકારના બે અઢી ફૂટના છોડવા એણે કાઢ્યા ,જગ્યા સાફ કરી,
હું સેહજ સુપરવિઝન કરવા ઉભો રહ્યો , મારી નજર સામે એણે બીજા થોડાક નાના છોડવા દૂર કર્યા , અચાનક એમાંથી દેવચકલી જેવું પક્ષી મોઢામાં અળસિયું લઈને ઉડી ગયું ..
હજી હું કશું બીજું વિચારું એ પેહલા એ છોડવામાંથી એનું સાવ નાનકડું બચ્ચું ઉડીને રોડ ઉપર આવ્યું એટલે મેં તરત જ બુમ પાડી ..અલ્યા એ રેહવા દે આ બચ્ચું એમાં રેહતું લાગે છે ..ના કાપીશ ..
હવે થયું એવું કે પક્ષીનું સાવ નાનકડું બચ્ચું એક પાર્ક કરેલા એકટીવાના ટાયરમાં ઘુસી ગયું..
હું દોડી અને પેલા માણસ પાસે ગયો અને ઉંચે અવાજે બોલ્યો કે… બચ્ચાને ટાયરમાંથી બાહર કાઢ ,કંઈ પણ કર..
મારો જીવ પડીકે બંધાયો કે આ બચ્ચું એકટીવાની વધારે અંદર ઉતારી ગયું તો લોચો પડી જશે..
પેલો માણસ કહે.. શોન્તી રાખો સાહેબ કાઢી આલું છું ,આમ બૂમાબૂમ ના કરી મેલો હમણાં પકડી લઉં છું અને ઈની માં આઈને લઇ જશે એને ..
મેં તોછડાઈ થી કીધું ..હવે તું બચ્ચું ટાયરમાંથી બાહર કાઢ ..
પેલાએ ધીમેકથી સિફતપૂર્વક એને ખોબામાં લઇ લીધું અને ખોબો બંધ કરી દીધો ..
પછી મારી તરફ ફરીને બોલ્યો .. હવ શું કરું ..
મેં નજર દોડાવી ચારેય બાજુ .. મને બચ્ચાની મા દેખાઈ ચંપાના ઝાડમાં હતી ..
મેં કીધું ચંપામાં સેહજ ઉપર ચડીને મૂકી આવ ..એની મા એને લઇ જશે…
બસ મારી ભૂલ અહિયાં થઇ ..
એની મા ને અળસિયા ખાવામાં વધારે રસ હતો ..
બચ્ચુ ચંપામાં એકલું મૂકી અને અળસિયું પકડવા ગઈ અને આ બાજુ બે કાબરો આવી અને હજી હું કંઈ પણ વિચારું એ પેહલા મારી આંખ સામે બચ્ચાને બે જ સેકન્ડમાં પીંખી નાખ્યું અને મારીને લઇ ને ઉડી ગઈ…!!
હું બાહવરો બનીને કાબરોની પાછળ દોડ્યો પણ ..અશક્ય હતું ..!!
એટલો બધો અફસોસ થયો કે પેલાને ચા પીવા વીસની નોટ એમનેમ આપી દીધી હોત તો શું ફર્ક પડ્યો હોત ?
ખોટું ખોટું એક પક્ષીના બચ્ચાના મોતનું નિમિત બન્યો ને …
દસ મિનીટ ઉભો રહ્યો .. પેલાને વીસની નોટ આપીને કીધું તું જ ભાઈ હવે કશું ચોખ્ખું નથી કરવું ..
પાપબોધ ચડતો ગયો અને દિવસ આખો એમાં જ ગયો .. અફસોસ કરવામાં ..
કઈ કુબુદ્ધિ સુઝી .. ???
કરવા ગયો કંસારને થઇ ગયું થુલું..
બહુ મન મનાવ્યું કે જીવો જીવસ્ય જીવનમ .. એ બચ્ચાની મા પણ એને અળસિયા અને જીવડા જ ખવડાવતી હતી , પણ ખબર નહિ પાપનો ભાર સતત લાગ્યા કર્યો..
એવું નથી કે આવી ઘટના પેહલીવાર બની છે ,
ઘણા અકસ્માત બિલકુલ નજરની સામે થયા હોય અને જીવતા માનવ શરીરો ટ્રકના પૈડાની નીચે આવીને ચગદાઈ જતા પણ જોયા છે અને એમને બાહર ખેંચી પણ કાઢ્યા છે ..એ પછી ઉલટી થઇ ગઈ હતી, પણ એકવાર હિંમત કરી નાખી હતી.. પણ પછી કોઈ મન ઉપર કોઈ ભાર નોહતો..
વારો હતો પાપનો એકરારનો ,સાંજે એક પક્ષીપ્રેમીને ફોન લગાડ્યો કે આવો દાવ પડી ગયો ..
પક્ષીપ્રેમીએ બહુ જ સહજતાથી કીધું .. શૈશવભાઈ તમે કશું જ કરી શકો તેવી સ્થિતિમાં હતા જ નહી , એની મા ને પણ ભગવાને પેટ આપ્યું છે ,અને આ જાત જીવડા ખાઈને જ નભે , આટલા નાના પક્ષીના બીજા પક્ષી દ્વારા શિકાર થતા જ હોય છે , સેહજ ઢીલી પડેલી કાબર હોય ને તો બસ્સો ફૂટ ઉંચેથી સમડી આવી અને ઉઠાવી જાય ..
એટલે આ સાયકલ છે ,કુદરતનું ..
હવે એ મિત્ર પાક્કો અહિંસાવાદી, ઘાસ ઉપર પણ ના ચાલે ..
મેં કીધું અલ્યા તું આવું બોલે છે …?
મને કહે શૈશવભાઈ અત્યારે અઠવાડિયાથી મારી પાસે બુલબુલનું લાવારીસ બચ્ચું આવ્યું છે અને એને માટે વર્મ્સના પેકેટ હું માછલીવાળાને ત્યાંથી લઇ આવું છું અને ખવડાવું છું..દૂધની બાટલી થોડી એના મોઢામાં મુકાય ?
મેં કીધું હેં …???
મને કહે હા .. જે જેનો ખોરાક હોય તે તેને આપવો જ પડે અને કુદરત પણ એને એ જ આપે, હવે બીજી બધી છોડો ,બચ્ચું એક હોય જ નહિ બીજું પણ ત્યાં જ આજુબાજુમાં હશે ,શોધો ,અને મળે તો બુટ ચપ્પલનું કોઈ ખાલી બોક્સ પેહલા શોધો એમાં નાના નાના રૂપિયાના સિક્કા જેવડા બે કાણા પાડો અને એમાં એને પકડો ,પછી મને ફોન કરો હું એની વ્યવસ્થા કરું…
મેં ખોખાની વ્યવસ્થા કરી .. બચ્ચું શોધ્યું ,તો સદભાગ્યે બીજું બચ્ચું મળી પણ ગયું ,પણ આ બચ્ચાની પાંખમાં તાકાત હતી ,ઉડીને સીધ્ધું પાછળના ગાર્ડનના ઊંચા ઝાડમાં લપાઈ ગયું ..
દુઃખ હળવું થયું..!!!!
જીવન છે તો મૃત્યુ છે …!
જીવન માટે મૃત્યુ પણ અનિવાર્ય છે ..!
जन्म मृत्यु जरा व्याधि पीड़ितं कर्म बंधनः
ॐ मृत्युंजय महादेव त्राहिमां शरणागतम
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*