આજે પપ્પાની છઠ્ઠી પુણ્યતિથિ,
મમ્મીના ડ્રાઇવર આજે તાકડે આવ્યા નહીં એટલે મારો વારો આવ્યો, મમ્મીને લઈને સવારથી આજે એમના દવાખાને ખાનપુર ગયો હતો, કર્મયોગીના યોગ ચાલતા રહેવા જોઈએ, દુનિયા આખી ઉંધી ચતી થઈ જાય તો થઈ જાય , ભર તોફાનો ,કર્ફ્યુ , કે પછી કોરોના, દવાખાનું બંધ ના રહેવું જોઈએ ..
“લોકોને કેટલી તકલીફ હોય છે એની તને સમજણ ના પડે, દર્દ કોને કહેવાય એ જેને માથે વીત્યું હોય એને જ ખબર પડે, આખી રાત તાવમાં તપતો હોય એ માણસ સવારે દવા લે અને પછી એને રાહત જે થાય એ તને નહીં સમજાય શૈશવ, તમારા નસીબે ૧૦૦ ડિગ્રી તાવ થાય અને તમને દવા મળી જાય છે એટલે એ દર્દની પીડા તમને નહી સમજાય,” પપ્પા આ એક જ વાત મને કહે ..
સામે મારી કાયમની ફરિયાદ કે રવિવારે પણ કેમ દવાખાનું ખોલીને બેસી જાવ છો? દુનિયા આખી એક દિવસ રજા રાખે અઠવાડિયામાં, પણ તમને કોણ જાણે શું સૂઝે છે કે રવિવારે પણ દોડી જાવ છો…
મારો અને પપ્પાનો આ કાયમનો ઝઘડો ,અને બહુ મોટી ફરિયાદ પણ ખરી કે મને “મારા” પપ્પા ક્યારેય મળ્યા જ નહીં, અમે ઊંઘતા હોઈએ ત્યારે એ જતા રહે અને ઊંઘી જઈએ પછી એ ઘરે પાછા આવે, મમ્મી ઘણું પ્રયત્ન કરે અમારી વચ્ચે બેલેન્સ કરવાનું પણ સંઘર્ષ અવિરત ચાલ્યો, પણ આજે મારા જીવનના 56 માં વર્ષે પપ્પા બહુ ક્લિયરલી સમજાય છે..
આજે મમ્મીની ઓપીડી ફુલ હતી , મોટાભાગના પેશન્ટો ખાનપુર બહારથી આવેલા હતા, દવા કરતા રિક્ષાના રૂપિયા વધારે ખર્ચીને આવેલા , દરેક પાસે જાડી જાડી ત્રણ ત્રણ ચાર ફાઈલો હતી ,અનહદ રિપોર્ટ કરાવેલા હતા બધાએ , મોટાભાગના રિપોર્ટમાં બહુ સામાન્ય થઈ ગઈ એવી વસ્તુ હવે બી ટવેલ અને d3 ના લેવલ ટોક્સિસિટીની હદ સુધી વધારે હતા, ચણા મમરાની જેમ ગોળીઓ ખાઈ અને પેશન્ટો આવેલા હતા, એક જ ફરિયાદ હતી દરેકની..” બેન ફરી ફરીને થાક્યા , ત્યારે અહીંયા આવ્યા છીએ ,હવે સાહેબ બહુ યાદ આવે છે, બેન તમે હવે અમારા દર્દનો રસ્તો કાઢો..”.
મોટાભાગના પેશન્ટોની ઘણી બધી દવાઓ મમ્મીએ બંધ કરાવી , જેમ પપ્પા એમના આ પ્રકારના દરેક પેશન્ટોને કહેતા કે જિંદગી છે , નાના મોટા દરદ થાય તો એની સાથે જીવતા શીખી જાવ ,આમ ચણા મમરા ની જેમ ગોળીઓ ખાવાનો મતલબ નથી, જે ને તે ટેસ્ટ કરાવી અને રિપોર્ટ કરાવવાથી 100, 200 વર્ષ નહીં જીવી શકાય, સ્વીકાર કરો…જીવનમાં ઘણા લોકો સ્વીકાર્યા હવે નાના મોટા દર્દનો પણ જીવનમાં સ્વીકાર કરી અને ફરિયાદો ઓછી રાખવી જરૂરી બને છે..લાંબું જીવાય કે નહીં પણ સારું તો ચોક્કસ જીવી જશો ..
આજના જમાનાથી બિલકુલ વિરુદ્ધ ની સલાહ ……
આવેલું પેશન્ટ દવા લઈને જાય અને પાંચ છ ગોળીઓનું પ્રિસ્ક્રિપ્શન આપી જ દેવાનું આ બહુ સામાન્ય વાત થઈ પડી છે..
અમારા દવાખાનાની બાજુમાં બહુ સિનિયર બાળકોના ડોક્ટર અને ગાયનીકોલોજિસ્ટ કપલ બેસે છે, એમને મળવા ગયો ,આંખમાં ઝળઝળીયાં સાથે બન્ને એ પપ્પાને યાદ કર્યા અને એમની એક વાત એમણે કીધી કે “આ દવાખાનું હોસ્પિટલ મેં જ્યારે ચાલુ કરી ત્યારે વોરા સાહેબને સૌથી પેહલા મેં મારી આ ખુરશી ઉપર બેસાડ્યા હતા અને મેં કીધું કે કંઈક કહો સાહેબ,
એ સમયે એમણે કહ્યું કે ” પેશન્ટ છોડતા શીખો ,પકડી નહીં રાખવાનું..”
ત્યારે મને એમ લાગ્યું હતું કે હું ધંધો ખોલીને બેઠો છું અને પેશન્ટ આવે એની વાત કરવાની બદલે સાહેબ પેશન્ટ છોડી દેવાની વાત કેમ કરે છે ??? પણ સાહેબ સાચા હતા..
હું પણ માનું છું કે દરેક ડોક્ટર આજનો આવેલા પેશન્ટને છોડવા જ નથી માગતો, બહુ ગંદી રીતે પેશન્ટને ફોલોઅપ માટે સતત બોલાવ્યા કરતા હોય છે, જેની જરૂર ના હોય એવા ટેસ્ટ રિપોર્ટ કરાવે અને ફોલો આપણી જરૂર ન હોય તો પણ એ પેશન્ટ ને બોલાવે છે,
જૂની પેઢીના ડોક્ટરોમાં આ વાત નહોતી, પેશન્ટ ને જરૂર વિનાની એક ગોળી પણ નહીં આપવાની અને છતાંય માને જ નહીં એવા પેશન્ટને ગોળીના નામે લોજેન્જીસ ( આજની વિકસની ગોળી જેવું) આપે અને રૂપિયા નહીં લેવાની ,
પપ્પાના પ્રિસ્ક્રિપ્શનમાં ઘણી વખત આઈસક્રીમ પણ રહેતો ,એસિડિટી ની ગોળીઓ 10 દિવસ ગળાવી એના કરતા પપ્પા ઘણી વખત એમ કહેતા કે બંને જણા સજોડે નેહરુ બ્રિજના પેલા છેડા સુધી ચાલવા જાઓ, અને ત્યાં જઈ અને વાડીલાલનો આઈસ્ક્રીમ ખાઈ લો… 10 દિવસ સુધી દવા નહીં આપવાની …આઈસ્ક્રીમ ખાવાનો ..
અને મજાની વાત એ છે કે પેશન્ટો ખરેખર સાજા થઈ જતા ,એમની છાતીની બળતરા અને માથાનો દુખાવો બંધ થઈ જતો ,પતિ પત્નીને વાત કરવાનો સમય મળતો અને સરસ મજાનો આઈસ્ક્રીમ ખાઈને પાછા આવે, નેહરુ બ્રિજ પર સાબરમતી ઉપરથી આવતી ઠંડી હવા રિફ્રેશ પણ કરી નાખે, આજે કયો ડોક્ટર આવી સલાહ આપે છે??
જોઈન્ટ ફેમિલીમાં જીવતા કપલને પ્રાઇવર્સી આપવી જોઈએ ,એવી એ સમયે વાત નહોતી, અને વોરા સાહેબે કીધું છે કે બંને જણા એ ચાલતા નેહરુ બ્રિજ ના છેડે જવાનું છે અને ત્યાં આઈસ્ક્રીમ ખાવાનો છે , તમે સમજી શકો છો કે એ દંપતી કેવા આશીર્વાદ આપે …!!
અનેકો અનેક પ્રસંગ અને અમે આશીર્વાદે ઊજળા , મને આશ્ચર્ય એ વાતનું છે કે હજી પણ કેમ રોજ નું એક પેશન્ટ તો દવાખાનાના ઓટલે બેસીને એમને યાદ કરીને આંસુ પાડીને કેમ જાય છે ???
પપ્પાએ હૃદય જીત્યા..
એમની સાથેના કરેલા અનહદ ઝઘડા યાદ કરું છું અત્યારે ત્યારે એમ થાય છે કે કેમ એ સમયે સમજણ ના આવી ?
પણ સંસારનો નિયમ છે જે બાપ ટીનએજમાં દવલો લાગે એ જ બાપ ઉંમર થતા બહુ વહાલો લાગે ..!!!
અને માનો કે ના માનો પણ તમે એમના જેવા થઈ જ જાવ છો …!!
દિવસો અને વર્ષો વીતતા જાય છે , શોક નથી , દુઃખ છે એમના જવાનું પણ એ તો જીવનભર રહેવાનું ..!!
એટલો સંતોષ છે કે એમની સાથે છેક સુધી રહેવાનો અને સેવાનો ઇશ્વરે સુંદર અવસર આપ્યો ..
એક પ્રસંગ .. પપ્પાને ઓગસ્ટ ૨૦૧૫માં બ્રેઇન સ્ટ્રોક આવ્યો જમણો પગ અને હાથ સો ટકા પાછા ના આવ્યા ,છેક ન્યૂયોર્કથી ડોક્ટર્સ આવ્યા, પણ જે ગયું તે ગયું , એ દિવાળીએ અમારું પહેલેથી પોંડિચેરી અને ચેન્નાઈ નું બુકિંગ થયું હતું , પપ્પાને વ્હીલ ચેરમાં લઈને અમે ફર્યા .. મજા કરી એમનું દુઃખ હળવું કરી નાખ્યું ..
ટ્રિપ પૂરી થઈ , ચેન્નાઈ એરપોર્ટ ઉપર અમારી બે ગાડીઓના ડ્રાઈવર તમિલ ભાઈઓ , મને કહે સર આપ એક મિનિટ ઇધર આયે..
મેં કીધું કયા હુઆ? એક મિનિટ સર આપ આયે..હું ગાડીની પાછળ ગયો બંને ડ્રાઈવર મારી સામે હાથ જોડીને ઊભા રહી ગયા… સર હમ દો ભાઈ , મદર ફાધર બચપન મેં મર ગયા , કભી સેવા નહીં કિયા માબાપ કા .. હમ લોગ માનતા જો માબાપ કા સેવા કરે ઉસકા પેર છૂંએ તો બહોત પુન્ય મિલતા, હમ આપકા પેર છૂં ના ચાહતા .. મેં કીધું આપ ઉન લોગો કે પેર છૂંલો મેરા નહીં …
બંનેની આંખમાં પાણી ,નહીં સર પેહલા આપકા ફિર ઉનકા.. મેં માથું ધુણાવી હા પાડી.. અને અજીબો ગરીબ ઘટના ઘટી … બંને ડ્રાઇવરો આખા એરપોર્ટની વચ્ચે સાષ્ટાંગ મને પગે લાગ્યા અને પછી મમ્મી પપ્પાને …!!!
મારા જીવનનો પહેલો સંતોષ કે મારી કોઈ ચૂક નથી , સંપૂર્ણ ત્રાહિત વ્યક્તિ જે ભાષા પણ મારી નથી જાણતો એ સર્ટિફિકેટ આપી ગયો…
પછી તો એવો સમય આવ્યો કે પપ્પાને નાના બાળકની જેમ લાડ લડાવ્યા , જમાડ્યા , નહ્વડાવ્યા .. ખૂબ કઠિન સમય પણ ઈશ્વરકૃપાએ નીકળી ગયો , અને છેવટે ધાર્યું ધણીનું થયું ..!!
સાથે હતા, છે ,અને રહેશે ..
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*