આજે પપ્પાની પાંચમી પુણ્યતિથિ , સમય વેહતો જાય છે પણ સ્મૃતિ ધૂંધળી જરાય નથી થતી , હજી આસપાસ જ છે પપ્પા એવું લાગ્યા કરે છે , એનું કારણ પણ છે મમ્મી પપ્પા થઈ ગઈ છે ,
બિલકુલ પપ્પાની જેમ જ એમનું દવાખાનું ઉપાડી લીધું છે , ઘર પપ્પા હતા ત્યારે જેમ ઘડિયાળના કાંટે ચાલતું એમ આજે પણ ચાલી રહ્યું છે , સવાર પડયે એક પછી એક ગાડીઓ નીકળતી જાય અને સાંજ પડયે ગાડીઓ ઘરમાં આવી જાય ..
પ્રવૃત્તિ જીવનને ધબકતું રાખી રહી છે ..
મમ્મીનો સારથી થોડા સમયથી દાંડાઈ કરતો હતો , કહ્યા વિના રજા પાડે અને સમય ઉપર આવે નહિ એટલે છેલ્લે એને અલવિદા કહી દીધું, સમયનો પાબંધ ના હોય એવો બેજવાબદાર માણસ કેવી રીતે ડોકટરની સાથે ચાલે ? એ પણ હર્ષદભાઈના દવખાનામાં ? ખાનપુર આખું એમના સ્કૂટર ની કિકે ઘડિયાળ મેળવે..
હમણાં બે ચાર દિવસથી હું રોજ મા ને દવાખાને ઉતારીને આગળ નીકળું છું અને પત્નીજી એમને પાછા લઈ આવે છે ..
આજે મમ્મી મુકવા ખાનપુર જતો ત્યારે નેહરુ બ્રિજ ઉપર મને પપ્પાનો અને એમના મિત્રોનો એક કિસ્સો યાદ આવી ગયો .. એમના મિત્રોએ જ વર્ણવેલો ..
શેર કરું છું
પપ્પાને મારી જેમ બાઈકનો ચસ્કો ,
સોરી ..સોરી ..
મને પપ્પાની જેમ બાઈકનો ચસ્કો ..
પપ્પા પાસે રાજદૂત મારા જનમ પેહલા , મમ્મી પપ્પા એ રાજદૂત ઉપર ઘણું ફર્યા , પત્નીજી ઘણીવાર મમ્મીને ફરિયાદ કરે કે આ તમારો છોકરો ઘરમાં આટલી ગાડીઓ પડી છે તો પણ બાઈક કે એક્ટિવા લઈને જાય છે ..
મમ્મીનો એક જ સ્ટાન્ડર્ડ જવાબ ” નવે નવ મહિના એ પેટમાં હતો ત્યારે બાઈક ઉપર જ હું ફરી છું તમારા પપ્પા સાથે ,તો બાઈક નો ચસ્કો ના હોય તો જ નવાઈ , વાંક મારો જ છે..”
મારો જન્મ થયો, જ્યાં સુધી તેડીને બેસાય ત્યાં સુધી તો મમ્મી મને લઈને બાઈક ઉપર બેઠા ,પછી મારી અંદર નો વાંદરો બાહર આવ્યો બાઈક ઉપર મમ્મીનાં ખોળામાં ઊભો થઈ જાઉં અને પપ્પાની આંખો દબાવું એવા તોફાન ચાલુ ..
છેવટે પપ્પાએ સ્કૂટર લીધું ..રાજદૂત ગયું , સ્કૂટરની બે સીટ વચ્ચે મને ફસાવી દે ,ચાલુ સ્કૂટર ઉપર ઊભો જ ના થઈ શકે શૈશવ એવો પ્રબંધ થયો , બે સીટની વચ્ચે બરાબર ફસાવી દેવાયો ..
પાછળ બહેનનો જન્મ અને પછી તરત ભાઇ ..
અમે પાંચ થયા ..
સ્કૂટર ઉપર પણ લાવ લશ્કર લઇને જવું અશક્ય થયું ..
એ સમય હતો સ્કૂટર ની સાથે સાઈડ કાર જોડવાનો .. હોડકુ જોડવાનો..
એમના કોઈ પેશન્ટ એક દિવસ હોડકું ઘેર મૂકી ગયા અને પપ્પાના સ્કૂટર સાથે લગાડી ને જતા રહ્યા ..
હવે કમઠાણ ચાલુ થયું ..
પપ્પા હોડકા સાથે સ્કૂટર પેહલી વાર ચાલુ કરી અને ચલાવવાની કોશિશ કરે , રાતના નવ સાડા નવનો સુમાર અને સ્ટિયરિંગ ઉપર કંટ્રોલ આવે જ નહિ ..
હોડકુ અને સ્કૂટર ગોળ ગોળ ફર્યા કરે .. જોર ફજેતો થયો ..
રાતના દસ સાડા દસ થયા.. એમના બે મિત્રો બોલાવાયા ,
મહેશકાકા અને દાણીકાકા ..
મહેશ્કાકા કહે આપણને ફાવે હેંડો દાકતર તમે સ્કૂટર ઉપર પાછળ બેસો અને દાણી તું હોડકામાં બેસ , એટલામાં પપ્પાના જીગરી કનુકાકા એમનું સ્કૂટર લઈને આવ્યા ચાલો નેહરુ બ્રિજ આખો ખાલી જ હોય ..
અને વાત પણ ખરી સાલ ૧૯૭૪માં તો વેહિકલ કેટલા અમદાવાદમાં ?
એક સ્કૂટર અને એક સ્કૂટર વત્તા હોડકુ બધું ય ઉપડ્યું દાકતર ને હોડકા સાથે સ્કૂટર શીખવાડવા નેહરુ બ્રિજ ..
જતા મહેશકાકાએ હોડકાવાળું સ્કૂટર ચલવ્યું દાણીકાકા હોડકામાં બેઠા હતા , વી એસ જઈને પપ્પા સિવાયના ત્રણે ચા પીધી અને પછી પપ્પાને હાથમાં સ્કૂટર આપ્યું ,મહેશકાકા પાછળ અને દાણીકાકા હોડકા માં..
પાછળથી મહેશકાકાએ પપ્પાનું સ્ટિયરિંગ સપોર્ટમાં પકડ્યું એટલે એક લાઈનમાં ચાલવા લાગ્યું , બાપુજીને કોનફિડન્સ આવી ગયો એટલે સ્કૂટર ત્રીજા ગિયરમાં આવી ગયું ,ત્યારે ત્રણ જ ગિયર આવતા સ્કૂટરમાં…
આશ્રમ રોડ થી નેહરુ બ્રીજનો ટર્ન આવ્યો ..
અને દાવ પડ્યો ..
હોડકુ ચડી ગયું ફૂટપાથ ઉપર અને સ્કૂટર બ્રિજ ઉપર .. એ સમયે ફૂટપાથ અને રોડને જુદા પાડતી રેલીંગ ખાલી છ થી આંઠ ઇંચની અને રોડ સારો પણ ફૂટપાથ ઉબડ ખાબડ..
હોડકામાં બેઠેલા દાણીકાકા બૂમો મારે દાકતર મને ઉતારો ઉતારો પાછળ મહેશકાકા બૂમો મારે દાકતર બ્રેક મારો, પાછળ બીજા સ્કૂટર ઉપર કનુકાકા બૂમો મારે બ્રેક બ્રેક…
પણ સાંભળે એ બીજા..
પિકચર નો સીન .. હોડકુ ફૂટપાથ ઉપર દોડે અને સાથે લાગેલું સ્કૂટર રોડ ઉપર દોડે , હોડકામાં બેઠેલા દાણીકાકા ઉલળે અને બૂમો પાડે ..
છેવટે નેહરુ બ્રિજ પત્યો અને ફૂટપાથ પૂરી થઈ , રિટ્ઝ હોટેલ આવી એટલે હોડકુ અને સ્કૂટર બંને રોડ ઉપર આવી ગયા ખાનપુર દરવાજો આવતા આવતા તો બાપુજીને ફાવટ આવી ગઈ એક સીધી લીટીમાં હોડકા સાથે સ્કૂટર ચલાવતા થઈ ગયા ..
ઘર આવ્યું બ્રેક વાગી દાણી કાકા કૂદીને બાહર .. હવે જિંદગીમાં દાકતરના હોડકામાં ના બેસું ..
પ્રેક્ટિસ કરવાની હતી અને રોડ રસ્તા ખાલી રાતના બારનો સુમાર .. ચલ મહેશ અને કનુભાઈ તમે હોડકા માં બેસી જાવ ..
કનુકાકા ભાગ્યા .. ના હોં તમે હોડકુ ફૂટપાથ ઉપર ચડાવી દો છો ..
હવે ?? મહેશકાકા કહે પેલો ધીરુભાઈનો વસંત એને બેસાડો .. વજન તો જોઈ જ દાકતર હોડકામાં ..
પત્યું વસંતકાકાને પકડીને બેડ્યા અને એ બિચારા ધ્રૂજે કે મારું શું થશે .. પણ બધું હેમખેમ અને બીજા દિવસે ખાનપુરમાં ચર્ચાનો વિષય ..
દાકતર હોડકુ શીખવા ગયા ‘તા અને પુલના ફૂટપાથે ચડાઈ મેલ્યું તું ..
પછી તો ગાડી આવી ..
રેડીએટરમાં પાણી નાખતા અમે શીખ્યા એન્જિન ઓઇલ જોતા શીખ્યા , વર્ષો સુધી ગાડીની ચાવી હાથમાં રમાડી અને ઝંખના કરી કે ક્યારે ગાડી ચલાવવા મળે ..
આજે ગાડીઓ મળે છે પણ હવે બે પૈડાં જ વ્હાલા લાગે છે ..
હું અને મારો ઇટાલિયન ઘોડો …
પપ્પા અને એમના બધાય મિત્રો એક પછી એક ગયા કનુકાકા , મહેશકાકા , દાણીકાકા છેલ્લે ગાઇસાલ પ્રવિણકાકા ..
એમાં પ્રવીણકાકા એ તો ગોઠવ્યું પણ ગજ્જબનું ..
એમણે પણ ગામતરે જવા પાંચમી જાન્યુઆરી પકડી અને સમય પણ એ જ સમી સાંજ..
હશે , પણ બધાય જ્યાં હશે ત્યાં આવા નાના નાના નિર્દોષ તોફાન કરતા જશે ,એમની જવાબદારીઓ નિભાવી સંસાર પાર પાડીને બધા ગયા છે..
પપ્પાના ગયા પછી શરૂ શરૂમાં હું દરેક ઘરડા પુરુષમાં પપ્પા શોધતો એમના મિત્રોમાં ખાસ પણ દરેક જણાએ હૂંફ આપી પણ મારા “બાપ” બનવાની કોશિશ ક્યારેય ના કરી , એમાં પ્રવીણકાકા એ ખાસ ..
ના હર્ષદભાઈ નથી , શૈશવ તારે સમય સાથે સમાધાન કરવું જ રહ્યું અને આગળ વધવું જ રહ્યું …
એનો ફાયદો એ થયો કે ધીમે ધીમે પપ્પાની જેટલી વાતો નો હું વિરોધ કરતો એ બધી જ વાત આજે મેં સ્વીકારી લીધી છે અને મારા જીવનમાં ઉતારી ,ફળ સ્વરૂપ મને એમની ખોટ નથી સાલતી..
છેલ્લે સાવ જતા જતા પ્રવીણકાકા મને પપ્પા બનાવતા ગયા,
ગઈ સાલ બહેન આવી હતી મને કહે મારે પ્રવીણકાકાને મળવું છે , મને ખબર કે કાકા હવે ઝાઝું નહિ ખેંચે એટલે મે કીધું ચલ નીકળીએ , એક્ટિવા સેલ મારી અને અમે ભાઈબહેન નીકળ્યા એમના ઘેર પોહચ્યા ,
કાકીની આંખ ભીની.. જો ને શૈશવ બે દિવસથી નથી ખાતાપીતા આંખ જ નથી ઉઘાડી,હોસ્પિટલમાંથી તો ઘેર મોકલી દીધા છે ,
દરેક ને જાણ કે કેન્સર જીતી રહ્યું છે અને જિંદગી હારી રહી છે ..
હું અને બેન બંને એમના રૂમમાં ગયા , સીન જોવો ગમે તેવો નોહતો, દુર્બળ કૃષકાયા કાકાની પથારીમાં દેખાતી પણ નોહતી …
મેં સેહજ એમને હલાવ્યા અને હક્ક થી બૂમ મારી કાકા .. કાકા ઉઠો.. બારી પડદા બધું જ ખોલી નાખ્યું એમને સવાર પડ્યાનો એહસાસ અપાવ્યો , આંખો ખુલી અને એ રણકાર ગુંજ્યો શૈશવ ..આવી ગયો અરે મારી દીકરી અમેરિકાથી આવી ..
મેં કીધું હા કાકા ચાલો બેઠા કરું તમને તો કહે ના મને કમ્મર દુઃખે તો ?
બેન બોલી કશું ના થાય આ પેહલવાન કામનો શું ?
હું એમના પલંગમાં એમની પાછળ ઘૂસી ગયો અને એમને મારી છાતી ઉપર રાખીને બેઠા કર્યા .. કાકા મારી છાતી ઉપર ટેકો દઈને બેઠા ,
કરી જોજો આવી રીતે સ્વજનને બેઠા , સર્જીકલ બેડના હાઇડ્રોલિક થી ઉંચા કરવાને બદલે , ઝડપથી સાજા થશે એ..
મારી પીઠ પાછળ મેં ઓશીકું મૂક્યું અને કાકા મારી છાતીના ટેકે બેઠા, મારા બંને હાથ પકડી લીધા , એક ગ્લાસ પાણી આવ્યું, મે પીવડાવ્યું ,કાકી એ ચાલાકી કરી હતી નાળિયેર પાણી ગ્લાસમાં મોકલી દીધું હતું ..
એમણે પીધું પછી ગ્લાસ બાજુમાં મૂક્યો અને મારા બંને હાથ એમના હાથમાં દબાવી અને મારી છાતી ઉપર જ ટેકો દઈને બેઠા રહ્યા .. શૈશવ ..શૈશવ… તું હર્ષદભાઈનો સાચો દીકરો છે ,
મેં કીધું તમારો પણ છું જ ને કાકા .. આંખોમાં અચાનક ચમક આવી ગઈ એમના અને કહે …ખરો , સો ટકા ખરો પણ ટાણું સાચવી લ્યે એવો માણસ હર્ષદભાઈ , અને તું એમનો દીકરો …
છેલ્લો વાર્તાલાપ અમારો ….
મને પપ્પા બનાવતા ગયા કાકા જતા જતા ..અને ટાણું સાચવવાનું સમજાવતા ગયા.. !!
સમજાય તેને જ સમજાય ..
ટાણું સાચવી જાણવું એ પણ જરૂરી હોય છે ..
બધાય ત્યાં લેહર થી હશે અને આપણે અહીંયા
મજા કરજો ..
આપનો રવિવાર શુભ રહે
શૈશવ વોરા