પારકો જાણી ને તને ઝાઝું શું બોલવું .. અણજાણ્યો જાણી તને મન શે ખોલવું રે ..
તને છેટો રે જાણી ને મન ભમતું રે
કોઈ ગમતું રે આ તો કહું છું રે પાતળિયા તને અમથુ..
કાલે ગરબામાં લગભગ પચાસ ટકા પાતળિયાઓ એ બ્લેક કુર્તા પેહર્યા હતા ,જોરદાર ઇન છે આજકાલ નવરાત્રીમાં બ્લેક કુર્તા પાતળિયાઓમાં અને પાતળિયાને છેટો ભાળીને પેલી ભમતા મનવાળીની તો વાત જ થાય એમ નથી જોરદાર કલર કલર …ચારેબાજુ ઝાકમઝોળ અને ઉડે રંગછોળ ..
મજા પડી ગઈ ગરબામાં રંગ જામ્યો ..રંગલો જામ્યો છે સાબરમતીને ઘાટ , એ ભાઈ હા હોં કોઈ કે બ્લોગ વાંચ્યો લાગે છે પેલા પકવાનવાળા ચાર રસ્તા બંધ કરી દીધા .. હાઈવે નો ટ્રાફિક પ્રોબ્લેમ ઘણો સોલ્વ થયો ..
મજાની વાત એ છે કે પોલીસ ડાહી થઇ ગઈ છે એક દોઢ વાગ્યા સુધી રમવા દે છે અને ચાર ચાર વાગ્યા સુધી રખડવા દે છે ..
ચારે બાજુ ધડ્બડ ધડ્બડ ઢોલ નગારા વાગે છે …
જે નથી જતા એ લોકો ને માટે ..અલ્યા ઉઠો જાગો અને દોડો .. આજની સાથે હજી પણ પાંચ રાત બાકી છે , મોજ કરીલો ..
ઘણા લોકો ને બીક હોય છે કે મને નહિ આવડે કે નથી આવડતા ગરબા ગાતા એમ કરી ને ગરબા ગાતા નથી .. અલ્યા ડર નહિ સારું ગાતા હોય એને ઇનામ ચોક્કસ બધે મળે છે પણ ખરાબ ગાનારા પાસેથી કઈ પણ ક્યારેય કોઈએ કોઈ દિવસ કંઈ લઇ નથી લીધું બકા …
અને રહી વાત ભાઈબંધોની એ તો બધા સાલા પેદાઈશી જ હરામી હોય છે , એમનું કામ જ ચડ્ડી ખેંચવાનું છે .. ગમે તેટલું સારું ગાઈશ તો પણ ખેંચવા ના તો પછી માર ગોળી દુનિયા ની શરમને અને ફરવા માંડ ગરબામાં બકા .. જીગાની જોડે …
અને પેલી જીગાની પેલી જીગલી જોડે …જીગલી ની વાત કરું ને તો બકા એ તો જબરી મચી જ છે ,આખી એક લીટરની પાણીની બાટલી પી જાય અને પછી બીજી મંગાવે આખી પરસેવે રેબઝેબ હોય તો પણ બ્રેકમાં પાછી બે ચાર સ્ટેપ જીગાને શીખવાડતી હોય છે ..ખબર નહિ પણ નોરતામાં બધી જીગલીઓના એડ્રીનાલીન જોરદાર હાઈ હોય છે …
જીગલી ગરબે ઘૂમતી જાય અને એના એક પછી એક ઘરેણા પડતા જાય અને જીગો બિચારો વીણી વીણીને પોતાના ખિસ્સામાં મુકે પોતાનો મોબાઈલ તો બિચારા જીગા એ જ રાખવાનો હોય જોડે જીગલીનો આવે ..
ગરબો પતે અને જીગલીને ખાવો હોય જશુબેન નો પીઝા .. એટલે જીગો બિચારો એસજી હાઈવેથી પીઝા શોધતો શોધતો લાંબો થાય , બાઈકના પેટ્રોલની ઘાણી બોલી જાય ..
નવરાત્રી એટલે બિચારા જીગાને એટલી બધું સજા કે ના પૂછો ને વાત , એક તો પાસ ના વહીવટ અને એમાં જીગલી પછી રૂપાળી મારી બેટી સેલ્ફી ખેંચે અને અપલોડ કરે અને જીગલાને ધમકાવે .. જો ખબરદાર મારા કોઈ ફોટાને લઇ અને ટેગ કરી છે તો .. આખા ગામ ને ખબર નથી પાડવાની ..
લો બોલો આમાં શું ? પારકો જાણી ને તને ટેગ કરવો રે ..તને છેટ્ટો રે ..
ગરબા પતે પછી રાતે અઢી વાગે છેક જીગલી ના ઘર સુધી જવાનું એને મૂકી અને પછી પાછા આવવાનું .. અને પછી બકા જોડે રાતના ચાર વગાડવાના ..
મારું બેટું શું દિવસો છે નોરતા સોરી રાતો છે ….!!!!
ચાલો ફરી એકવાર
શુભ મધ્યરાત્રી
શૈશવ વોરા