રાત્રી કરફ્યુ ક્યાં સુધી રાખવો ..? હોટ સવાલ ..!!
ઘણી બધી દલીલો થઇ કે કોરોના કઈ રાત્રે જ રખડવા નીકળે છે ?
પણ સામે તર્ક હતો કે માત્ર કામધંધાવાળા કામ પૂરતા જ બાહર નીકળે અને નવ વાગ્યા નો કરફ્યું હોય એટલે સાત, સાડા સાતે બજારો બંધ થઇ જાય ને લોક પોતાના ઘર ભેગું થઇ જાય, જોડે જોડે રાતના સોશીઅલાઇઝેશન બંધ થઇ જાય એટલે સંક્રમણના ચાન્સીસ ઘટે..!!
વાત બરાબર છે ,
પણ સામે એવી વાત છે કે ઘણા બધા ધંધા જે રાત્રે જ થાય છે કે જામે છે, એનો ખો નીકળતો જાય છે ,
જેમ કે હોટેલ ..!
અમદાવાદ જેવા મહાનગરમાં સિંધુ ભવન રોડ ઉપર કે સીજી રોડ ઉપર ઊંચા ભાડા ભરી ને હોટેલો ખોલી ને બેઠા છે એ બધા ને સાંજે સાડા સાત વાગ્યે છેલ્લો ઓર્ડર લઇ લેવો પડે છે..! વત્તા એક ટેબલ છોડી ને બેસાડવા પડે એટલે કેપેસીટી અડધી થાય અને સાડા સાતે છેલ્લો ઓર્ડર લેવાય એ પેહલો ઓર્ડર જ હોય ,
પેહલો ઓર્ડર છેલ્લો જ થઇ જાય..!!
ચાલો હવે થોડુક એનાલીસીસ ..
દિવાળી પછી નું કોગળિયું જે ફાટ્યું એમાં સૌથી વધારે જવાબદાર કોણ..?
પેહલી જવાબદારી આપણી , સોશીઅલાઇઝેશન ની આવે, બીજી બહારગામ ભટકવાવાળા ની , ત્રીજી પાથરણા બજાર ની , ચોથી રોડ ઉપર ની લારીઓ અને ગલ્લા, પછી છેક હોટેલો અને મોલ્સ ના વારા આવે..!!!
પણ ડામ તો સૌથી પેહલો અને વધારે મોલ્સ અને હોટેલો ને પડે છે ,
છેક મુઘલકાળથી ચાલી આવતી પરંપરા હજી પણ ચાલે છે, જાડો નર જોઈ શૂળી ચડાવો કોઈ..!! ખુબ “મોટા” ને દંડિત કરી ને હેડલાઈન બનાવો જેથી “નાના” આપોઆપ સમજી જાય..!!!
અહિયાં એક બીજો સવાલ ..
પણ જરૂર શી છે આ “નાના” લોકો ને “નાના” રાખવા ની ..?
મેં પેહલા લખ્યું હતું કે લોકડાઉન ચાલુ છે તો અત્યારે ગેરકાયદેસરના બધા જ દબાણો દૂર કરી મુકો પણ ત્યારે મને એમ કેહવામાં આવ્યું હતું કે ગરીબો જાય ક્યાં ?
ચાલો માની લીધું કે ગરીબ ઘણા વધારે છે ભારત દેશમાં ..!
પણ આજે `ગરીબોના બેલીઓ` ને એક સવાલ પૂછવાનું મન થાય છે કે આખા ભારત દેશમાં શું ખરેખર પાથરણા બજારમાં બેસતો કે રસ્તા ઉપર ચા ની કીટલી ચલાવતો `ગરીબ` જે તે ચોક્કસ જગ્યાએ ખરેખર `મફત` બેસતો હોય છે ? એની ગરીબી ઉપર તરસ કોણ ખાય છે ?
શું એ કોઈ`ક ને તો `પ્રોટેકશન મની` ઉર્ફે જે તે જગ્યા ઉપર બેસવાના રૂપિયા નથી ચૂકવતો હોતો ? જેને રૂપિયા ચૂકવાય છે એ ગલી નો ગુંડો પણ હોઈ શકે છે કે પછી વર્ધી ધારી પણ હોઈ શકે છે ..
અમદાવાદ જેવા શેહરમાં રોડ ઉપર દબાણ કરી ને ઉભેલા કે કેટલા ચુકવે છે પુછજો ક્યારેક એ ભાઈ કે બેન ને ? જવાબ મળશે ..!!
હવે ધારો કે લારી ગલ્લા વાળા જો રોજના બસ્સો ચુકવતા હોય તો મહીને છ હજાર રૂપિયા થયા અને એટલા ભાડામાં તો એ વાપરે છે એટલી જગ્યાથી વધારે ની દુકાન મળે..!
હવે થોડીક સારી એવી ચાલતી નાસ્તા ની કે ચા ની કીટલી નું ગણિત ..!!
અમદાવાદ શેહર ના એક “ગરીબ” કીટલીવાળા નો રોજ નો વકરો કેટલો ?
ઓછામાં ઓછી એક હજાર થી વધારે ચા ની કીટલીઓ અમદાવાદ મહાનગરપાલિકા ની હદમાં અને ઔડાની હદમાં એવી હશે કે જે રોજ દસ રૂપિયા ની અડધી ઓછામાં ઓછી ત્રણસો કપ વેચે..( સારી કીટલી ની વાત કરું છું તમામ કીટલી ની નહિ.. )
ત્રણ હજાર રોજ નો વકરો..!!
ત્રણ ગુણ્યા ત્રીસ દિવસ ગુણ્યા બાર મહિના .. દસ લાખ ઉપર નો આંકડો આવે ..!!
અને એનું નામું ? ઉર્ફે એકાઉન્ટ ?
તો કહે વકરો એટલો નફો અને ખર્ચ્યા એટલા ગયા ખાતે..!!
આવો જ હિસાબ આમલેટ ની લારી , મેગી ની લારી થી લઈને અડધો અધડ લારીઓ ફૂડ સ્ટોલવાળા નો બેસે છે ..!!
પણ બધાય ગરીબ ..!!!
એની ગેરકાયદેસરની લારી ઉપાડી લેશો તો ગરીબ ખાશે શું ?
અત્યારે હાલત એવી છે કે પાણીપુરીના ખુમચા ને ચલાવવા દેવામાં જે સંક્રમણ ફેલાય છે એના વાંકે પેલી ૧૦૦ ટકા સામાજિક અંતર ના પાલન કરતી હોટેલો ડૂબવા ને આરે આવી ગઈ છે..!
પણ પાણીપુરીના ખુમચાવાળા, ચા ની કીટલીવાળો પાન ના ગલ્લાવાળા “ગરીબ” ને તો સાચવવો જ પડે ..!!
કોરોના એ એક ઉમદા તક પણ આપી છે બધું ઓર્ગેનાઈઝ કરવાની , અમદાવાદની અંદર અઢળક કોમર્શિઅલ પ્રોપર્ટી ખાલી પડી છે , આજે સાંજે સીજી રોડ ઉપર નીકળ્યો હતો સાત નો સુમાર થયો હતો અને ઝાકમઝોળ થોડી ચાલુ હતી , શાંઘાઈ નો નાનાજિંગ રોડ યાદ આવી ગયો , આખા સીજી રોડ ના ખાલી પડેલા તમામ કોમ્પ્લેક્ષમાં પાથરણાવાળા ને ભાડે અપાવી દો , ને સ્વસ્તિક ચાર રસ્તાથી લઈને પંચવટી સુધી નો એન્ટ્રી સાંજે સાત પછી ભલે રાતના બાર સુધી ચાલતું , માસ્ક પેહરી ને પ્રજા ભલે ભટકતી એક જ રોડ ઉપર હોય તો કન્ટ્રોલ પણ કરી શકાય , પાથરણા ની બદલે નાની તો નાની ઘોલકી જેવડી દુકાન હોય તો પણ સમજણ અને શિસ્ત આવે..!!
બુધાલાલ ની બદલે ફૂંકતો થાય…!!
પણ પ્રોબ્લેમ આપણી અંદર જ છે, આદિમાનવમાંથી આદિવાસી થયા ,અને થોડા સુધર્યા પછી `હાટ` કન્સેપ્ટ અપનાવાયો , આજે પણ અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં અઠવાડિયા ના કોઈક ચોક્કસ દિવસે હાટ લાગે છે અને ત્યાં ગામે ગામ થી વસ્તુઓ વેચવાવા આવે છે ,
બિલકુલ જ રોડ રસ્તા ઉપર બેસી ને વેપલો કરવાની ને આપણી રોડ રસ્તા ઉપરથી ખરીદી ની માનસિકતા હોમો સેપીયંસમાંથી હોમો સેપીયંસ સેપીયંસ થયા છતાં પણ એ માનસિકતા જતી નથી..!!
એટલે જ્યાં સુધી રોડ રસ્તા ઉપરથી ખરીદવું અને વેચવું આ માનસિકતા રેહશે ત્યાં સુધી ઘણી બધી સમસ્યાઓમાંથી ભારત મુક્ત નહિ થાય..!
અમદાવાદ શેહર ના કરોડો રૂપિયા ખર્ચી ને બનાવેલા રોડ રસ્તા અને ફ્લાય ઓવર એ વાહનો ની અવર-જવર માટે બનાવ્યા છે ,
આ પાયાની હકીકત આપણે ભૂલી ચુક્યા છીએ અને ગરીબ ના નામે બીલ ફાડી ફાડી ને વેપલા કુટીએ છીએ..!!
રોડ રસ્તા ઉપર વેપલો કુટતા કુટતા અમદાવાદ ના એક જાણીતા ભાજીપાઉં વાળા અત્યારે મોટી ચેઈન ખોલી ને બેઠા છે ,
પણ પેલી ભિખારણ ને રાણી બનાવી હોય રાજાએ તો પણ એક ગોખલામાં ખાવાનું મૂકી ને બુમ મારે કોઈ આલજો બા .. દેજો બા .. અને પછી ગોખલામાંથી જાત્તે લઈને ખાય નહિ ત્યાં સુધી સંતોષ ના વળે ,
બિલકુલ એમ જ “ભાજોપાઉં” વાળો એની દરેક દુકાન કે હોટેલમાં આજે પણ લારી બાહર રોડ ઉપર જ કે પછી કોમ્લેક્ષના માર્જીન સ્પેસમાં જ ગોઠવે છે આજે પણ..!! અને એના વઘાર બાહર ઉડાડે..!! ગેરકાયદેસર રીતે..!!!
કોઇપણ દેશમાં રહેલા ,ખાસ કરી ને એશિયન દેશોમાં રહેલા પાથરણા બજારો અને રોડ રસ્તા ઉપર રહેલા લારી ગલ્લા એ એકવીસમી સદી ના દરેક શાસક માટે કલંક છે..!!
સમસ્યાનું સમાધાન છે, પેહલો રસ્તો પોલીસ અને બીજા સક્ષમ અધિકારીઓ પાસેથી દંડ ઉઘરાવવા ની સત્તા લઇ લો ફક્ત ઈ-પેમેન્ટ થવું જોઈએ, પોલીસ કે બીજા અધિકારીઓ એ સરકારની તિજોરી ખાતા ના ક્લાર્ક નથી..!!
ભાડા ભરવાના રૂપિયા બચશે તો દુકાનો સુધી જશે પાથરણાવાળા..!!
જો કે રોડ ઉપરથી દુકાને ગયેલા પણ એમ ઝટ સુધરતા નથી..!!
આજે જોધપુર વિસ્તારના પાણીપુરી ની લારીમાંથી પ્રગતિ કરીને દુકાનમાં ગયેલા એક પાણીપુરીવાળા ને ત્યાં મ્યુનિસિપલ અધિકારીઓ એ જબરજસ્તી દુકાન બંધ કરાવી છે..!! બિલકુલ સામાજિક અંતર જળવાતું નોહતું..!
(નોંધ : આ દુકાનવાળાએ દુકાન ની જગ્યા કરતા દસ ગણું દબાણ રોડ ઉપર અને કોમ્લેક્ષની માર્જીનની જગ્યામાં કરેલું છે..!!!)
ભિખારણ રાજાની રાણી થઇ છે..!!
પણ ફર્ક એટલો આવે કે દુકાન બંધ કરાવી તો `ગરીબો ના બેલીઓ` અધિકારીઓ ઉપર તૂટી ના પડે ,જયારે આ જ વ્યક્તિ ખુમચો લઈને ઉભો હોત તો `ગરીબો ના બેલી` અધિકારીઓ ઉપર તૂટી પડ્યા હોત.!!!
ગરીબ ની રોજી રોટી છીનવી..!!
ગરીબ ને મદદ કરવી અને આગળ લાવવા એ સમાજના એક એક વ્યક્તિ ફરજ છે પણ ગરીબ ગરીબ જ રહે એ પ્રકારે ની વ્યવસ્થા ગોઠવવી અને પોષવી એ મને એમ લાગે છે એક ગણિકા ને બીજું કશું જ કરતા નથી આવડતું માટે હું એને ત્યાં ગ્રાહક થઇ ને જાઉં છું એવી વાત છે..!!
બોટમ લાઈન…સીસ્ટમ દુકાનો ને કન્ટ્રોલ કરી શકે તેમ છે..!!!
ખુમચા , લારી , ગલ્લા ને નહિ , પછી કરફ્યુ નાખવા પડે..!! અને ઘણા બધા ખુમચા લારીવાળા દુકાન ના ભાડા ખર્ચી શકે તેમ છે ..!! દુકાન ભેગા કરો પેહલા બધા ને..!!!
જય હો
આપનો દિન શુભ રહે..!
શૈશવ વોરા
9*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*